પુતિન યુદ્ધ હારી ગયા તો રશિયાના ટુકડા થઈ જશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
વર્ષ 2000ના માર્ચ મહિનામાં મૉસ્કોના એક પ્રસિદ્ધ રેસ્ટોરાંમાં હું અને બીબીસી ચીની સેવાના મારા એક મિત્ર રાત્રીભોજન કરવા ગયા હતા. ત્યાં કેટલીક યુવતીઓ એક લોકગીત પર નાચતી હતી અને દરેક ટેબલ પર જઈ રહી હતી, દરેક ટેબલ પરથી રશિયન યુવકને ડાન્સ ફ્લોર પર લાવીને તેમને સૈન્યના યુનિફોર્મમાં તૈયાર કરી રહી હતી.
આ ગીતનો વિષય યુદ્ધ અને રશિયન સૈનિકોની બહાદૂરીને સંલગ્ન હતો. પરંપરાગત ગ્રામીણ પોશાક પહેરેલી યુવતીઓ યુવકોને યુદ્ધ માટે તૈયાર કરી રહી હતી, જેવું જૂના જમાનામાં કરવામાં આવતું હતું.
એક રશિયન મિત્રે તેનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે, રશિયામાં ઘર અને ગામડાના યુવકોને યુદ્ધના મેદાનમાં મોકલવા એ દેશભક્તિનું ઉદાહરણ છે, દેશ માટે બલિદાન આપવું એ લોકકથાઓનો એક ભાગ છે.
તેની ઝલક યુક્રેન પર રશિયન આક્રમણમાં સામેલ રશિયન સૈનિકોમાં જોવા મળે છે, જે રશિયાનાંપ્રાંતો, ગામડાં અને શહેરોમાંથી સેનામાં જોડાયા છે. યુક્રેન સામે લશ્કરી કાર્યવાહીને કારણે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની લોકપ્રિયતા આસમાનને આંબી ગઈ છે તેનો રશિયાની બહારના લોકોને બહુ ઓછો ખ્યાલ છે.
તેમની આ લોકપ્રિયતા 22-23 વર્ષ પહેલાં ચેચન્યાના વિદ્રોહને કચડી નાંખવામાં તેમના યોગદાન સમયે પણ અનુભવી શકાતી હતી.
અમે વર્ષ 2000માં રાષ્ટ્રપતિની ચૂંટણીના રિપોર્ટિંગ માટે રશિયા ગયા હતા.
ચેચન્યામાં વિદ્રોહને કચડી નાખ્યા બાદ વ્લાદિમીર પુતિન એક નેશનલ હીરો બની ગયા હતા અને તેમનું રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવું માત્ર એક ઔપચારિકતા હતી. તેમણે જંગી બહુમતથી જીત મેળવી હતી, પરંતુ 23 વર્ષ બાદ પુતિનના ટીકાકારો કહેવા લાગ્યા છે કે તેમના સમયમાં દેશમાં લોકતંત્ર નબળું થયું છે અને સરમુખત્યારશાહી મજબૂત બની છે.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર થયેલા હુમલા બાદ પશ્ચિમી દેશોમાં એવી ચર્ચા શરૂ થઈ કે પુતિનની આ સૈન્યકાર્યવાહી દેશ માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. તેમના અનુસાર યુક્રેનમાં હાર પછી કદમાં દુનિયાનો સૌથી મોટો દેશ રશિયા તૂટી શકે છે, જેવી રીતે 1991માં સોવિયેટ યુનિયન તૂટ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

રશિયન સંઘ તૂટી શકે છે?

ઇમેજ સ્રોત, EPA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રશિયન મામલાના નિષ્ણાત અને લેખક જાનુસ બુગાઝસ્કીએ ‘ફેલ્ડ સ્ટેટ: અ ગાઇડ ટૂ રુસીઝ રૅપ્ચર’ પુસ્તક ગયા વર્ષના અંતમાં પ્રકાશિત કર્યું હતું, જેમાં તેઓ કહે છે, “આ વિરોધાભાસી છે, પરંતુ વ્લાદિમીર પુતિને રશિયાના વિઘટનને રોકવા માટે સત્તા સંભાળી હતી પરંતુ હવે તેમને દેશના પતન માટે વધુ યાદ કરવામાં આવશે.”
રશિયન રાષ્ટ્રપતિ પુતિને પણ છેલ્લા એક વર્ષમાં ઘણી વાર પશ્ચિમી દેશો અને નાટો પર રશિયન સંઘના ભાગલા કરીને તેને નાનાં-નાનાં રાજ્યોમાં વહેંચવાનો પ્રયાસ કરવાના આરોપ લગાવ્યા છે.
ગયા મહિનાના અંતમાં સરકારી ટીવી ચેનલ ‘રોસિયા’ સાથેના એક ઇન્ટરવ્યૂમાં રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે આ ષડ્યંત્ર સોવિયેટ યુનિયનના પતન બાદથી ચાલી રહ્યું છે.
જોકે રસપ્રદ વાત એ છે કે એક બાજુ રાષ્ટ્રપતિ પશ્ચિમી દેશો પર રશિયાના ભાગલા કરવાનો આરોપ લગાવે છે, ત્યારે બીજી બાજુ તેઓ તેમના દેશનું કદ વધારી રહ્યા છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ પુતિને મૉસ્કોમાં એક રંગારંગ સમારોહમાં યુક્રેનના ચાર પ્રાંતો એટલે કે ડોનેત્સક, ખેરસૉન, લુહાંસ્ક અને ઝાપોરીઝિયાને રશિયામાં સામેલ કર્યા હતા. તેમણે આ પ્રાંતોમાં કથિત ‘જનમતસંગ્રહ’નું આયોજન કર્યું હતું. આ પ્રકારના ‘જનમતસંગ્રહ’ બાદ 2014માં ક્રીમિયા પર પણ ‘ગેરકાયદે’ કબજો કરવામાં આવ્યો હતો.
રશિયન સંઘની સરહદો પૂર્વ યુરોપથી પશ્ચિમી એશિયા સુધી છે અને ક્ષેત્રની સરખામણીએ આ દુનિયાનો સૌથી મોટો દેશ છે, પરંતુ 15 કરોડ સાથે તેની વસતી લગભગ બિહાર રાજ્ય જેટલી જ છે. રશિયાની અર્થવ્યવસ્થા દુનિયામાં નવમા નંબરે છે. પહેલા રશિયન સંઘમાં 83 ક્ષેત્ર, રાજ્ય, શહેર અને પ્રાંત સામેલ હતાં. હવે તેની સંખ્યા 89 થઈ ગઈ છે. તેમાં 21 પ્રાંત એવા છે, જે બિનરશિયન જાતિના લઘુમતી સમુદાયોના છે.

ઇમેજ સ્રોત, JONATHAN PEARLMAN
જોનાથન પર્લમૅન એ “ઑસ્ટ્રેલિયન ફૉરેન અફેયર્સ”ના સંપાદક છે અને દેશના એક વરિષ્ઠ પત્રકાર છે.
તેઓ કહે છે કે, “એવો કોઈ સંકેત નથી કે અમેરિકા રશિયન સંઘને ખતમ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. પુતિને ગયા ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કર્યો, અમેરિકા અને પશ્ચિમી દેશો હવે યુક્રેનને સમર્થન આપી રહ્યા છે, જેનો ઉદ્દેશ યુક્રેનની રક્ષા કરવાનો અને રશિયાને તેના પર કબજો કરતું અટકાવાનો છે.”
અજય પટ્ટનાયક દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના રશિયન અને સૅન્ટ્રલ એશિયન સ્ટડીઝમાં પ્રોફેસર છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે “મારા મતે રશિયાના ભાગલા થઈ ન શકે. રશિયાને તોડવા માટે કાં તો તેમના દેશમાં યુદ્ધ થાય અને તે ત્યારે જ શક્ય બને, જ્યારે તે હારે. વિયેતનામ યુદ્ધમાં હાર્યા બાદ અમેરિકાના ભાગલા થયા નહોતા. યુદ્ધમાં હાર્યા બાદ લીડરશિપ બદલાઈ શકે છે, પરંતુ રશિયાના હારવાની શક્યતા નથી, જો યુદ્ધ એક મૃત અંત સુધી પહોંચી જાય અથવા જો રશિયા કેટલાક વિસ્તારોમાં હારી પણ જાય, તો પણ તેની અસર ઓછી હશે.”

ઇમેજ સ્રોત, AJAY PATNAYAK
પટ્ટનાયક અનુસાર રશિયામાં નેતૃત્વપરિવર્તનની શક્યતા પણ ઓછી છે.
તેમનું કહેવું છે કે, “તેનાં ઘણાં કારણો છે. રશિયામાં યુદ્ધ થઈ રહ્યું નથી. જો રશિયાને પ્રાદેશિક નુકસાન થાય, તો પણ તે યુક્રેનમાં થશે. રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધની અસર તેના પર પણ થઈ રહી નથી. પ્રતિબંધથી રશિયામાં કોઈ આર્થિક સંકટ ઊભું થઈ રહ્યું નથી. જો રશિયન સૈનિકો મોટી સંખ્યામાં મરવા લાગ્યા તો દેશમાં વિરોધપ્રદર્શન થઈ શકે છે, જેના કારણે લીડરશિપ બદલાઈ શકે છે.”
“ત્રીજું કારણ યુક્રેનમાંથી રશિયામાં આવેલા શરણાર્થી છે. તેમની સંખ્યા 27 લાખ છે. રશિયામાં આ સમયે સૌથી વધુ શરણાર્થી યુક્રેનમાંથી આવ્યા છે, જે રશિયન ભાષા બોલે છે અને રશિયન મૂળના છે અને સંસ્કૃતિ સાથે પણ જોડાયેલા છે, તેઓ પુતિન સાથે છે.”
વરિષ્ઠ પત્રકાર જોનાથન પર્લમૅન બીબીસી ઇન્ડિયાના એક ઇમેઇલ ઇન્ટરવ્યૂમાં કહે છે કે, “જો રશિયા યુદ્ધ હારી જાય, તો તે પુતિન માટે રાજકીય રીતે નુકસાનકારક હોઈ શકે છે, જોકે એ જાણવું મુશ્કેલ છે કે તેમની જગ્યાએ કોઈ વ્યક્તિ છે કે નહીં. જોકે રશિયન સંઘનું તૂટવું શક્ય નથી.”
“એ નોંધવું યોગ્ય છે કે રશિયા એ પ્રકારના આર્થિક પતનનો અનુભવ કરે તેવી શક્યતા જણાતી નથી, જે રાજકીય કટોકટીનું કારણ બની શકે છે. રશિયા તેલ અને ગૅસ વેચીને સારી કમાણી કરી રહ્યું છે. તેની અર્થવ્યવસ્થા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં કોઈ મૂશ્કેલીમાં નથી.”

ક્રેમલિન એક કેન્દ્રીકૃત પાવર સેન્ટર

ઇમેજ સ્રોત, JANUSZ BUGAJSKI
પશ્ચિમી દેશોના રશિયન નિષ્ણાત અનુસાર પુતિનના કારણે આ વિશાળ દેશનું સત્તાકેન્દ્ર હવે ક્રેમલિન સુધી સીમિત રહી ગયું છે.
ક્રેમલિનની સંમતિ વિના દૂરના પ્રાંતોમાં પણ કંઈ થતું નથી, પરંતુ અમેરિકન લેખક જાનુસ બુગાઝ્સ્કી ચેતવણી આપે છે કે રશિયન સંઘ એક અસ્થિર પાયા પર સ્થાપિત કરવામાં આવ્યો છે, જે યુક્રેનના યુદ્ધના કારણે વધુ નબળો પડી ગયો છે અને તે કોઈ પણ ક્ષણે તૂટી શકે છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, “એક મજબૂત રાજ્યની છબીમાં રશિયાની ઘણી નબળાઈઓ છુપાયેલી છે, જેને દૂર કરવા માટે અત્યાર સુધી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. યુક્રેનમાં જારી યુદ્ધના કારણે આ નબળાઈઓ વધુ સ્પષ્ટ થઈ છે.”
“મેં મારા પુસ્તકમાં આ નબળાઈઓનો ઉલ્લેખ કર્યો છે, પછી ભલે તે રાષ્ટ્રીય ઓળખાણ હોય અથવા તે નબળા પાયા પર બનેલી છે અથવા રાષ્ટ્રનું નિર્માણ થાય અથવા સામાન્ય સમાજ હોય અથવા જાતીય સમાજ- આ બધુ માત્ર ક્રેમલિનના સત્તા કેન્દ્રથી એક બીજા સાથે જોડાયેલા છે, જે અગાઉ કમ્યુનિસ્ટ પાર્ટી કંન્ટ્રોલ કરતી હતી અને હવે પુતિન નિયંત્રિત કરે છે.”

ઇમેજ સ્રોત, Getty Images
લેખક કહે છે કે, “અમે સોવિયટ યૂનિયનના તૂટ્યા બાદથી આ આરોપો સાંભળતા આવ્યા છીએ કે પશ્ચિમી દેશ રશિયન સંઘના પણ ભાગલા કરવા ઇચ્છે છે. જોકે તેમના અનુસાર અમેરિકા અથવા યુરોપના કોઈ પણ નેતા એ ઇચ્છતા નથી કે રશિયન સંઘ તૂટી જાય.”
“જોકે હું એ લોકોમાંથી છું, જે આ વાત પર ભાર આપતા રહ્યા છે કે રશિયન સંઘના તૂટવાના ઘણા ફાયદા છે. તે પાડોશી દેશો માટે સુરક્ષા વધારશે અને રશિયન સંઘમાં રહેતા લોકોને ગુલામ માનસિકતામાંથી મુક્ત કરશે.”
વૉશિંગ્ટનની કૅથલિક યૂનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર માઇકલ સી. કિમમેજ અમેરિકા-રશિયાના સંબંધો અને શીતયુદ્ધના ઇતિહાસના નિષ્ણાત છે અને 2014થી 2016 સુધી અમેરિકાના વિદેશ મંત્રાલયમાં તેઓ રશિયા અને યુક્રેનના મામલાના નિષ્ણાત પણ હતા.
તેઓએ જણાવ્યું હતું કે, “પુતિને છેલ્લાં 20 વર્ષોમાં મિલિટરી અને ગુપ્ત સર્વિસની મજબૂત સંસ્થા બનાવી છે. તેમાંથી કેટલીક તેઓને સોવિયટ સંઘમાંથી વારસામાં મળી હતી અને મને લાગે છે કે આ સંસ્થાઓ અચાનક ધ્વસ્ત થઈ જશે.”

ઇમેજ સ્રોત, MICHAEL C. KIMMAGE
“રશિયાથી અલગ થવા માટે ઉત્તર કૉક્સના દાગેસ્તાન, ચેચન્યા પ્રાંતોમાં મજબૂત પ્રયાસોના કોઈ પુરાવા નથી અથવા તો સુદૂર પૂર્વમાં પણ કોઈ પુરાવા નથી. એવું લાગે છે કે રશિયા પાસે નજીકના ભવિષ્ય માટે તેની પ્રાદેશિક અખંડતા જાળવી રાખવાની શક્તિ છે.”
ફિલિપ વાસિલ્વેસ્કી અમેરિકાના ફૉરેન પૉલિસી રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ સાથે જોડાયેલા છે. તેઓ દશકો સુધી અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએમાં કામ કરી ચૂક્યા છે.
તેમના એક લેખમાં યુક્રેનમાં રશિયાની હારનાં સંભવિત પરિણામો પર એક પરિપ્રેક્ષ્ય દોરતાં લખે છે કે, “જો રશિયાની કેન્દ્ર સરકાર, એક પરાજિત સેના અને નબળી સુરક્ષા સેવાઓ સાથે, એક સશ્સ્ત્ર સત્તાસંઘર્ષમાં ફસાઈ જાય, તો આ સ્થિતિ રશિયાની અંદર કેટલાંક જાતિય ગણરાજ્યોને તકનો લાભ ઉઠાવવા અને અલગ થવાનો પ્રયાસ કરવા માટે પ્રેરિત કરી શકે છે. આ સ્થિતિ રશિયન સંઘને વધુ અરાજકતામાં ડુબાડી દેશે.”
ઑસ્ટ્રેલિયાના વરિષ્ઠ પત્રકાર જોનાથન પર્લમૅન અનુસાર પરમાણુ હથિયારોના ભંડાર સાથે રશિયાના પતનથી પશ્ચિમિ દેશો અને દુનિયાભરમાં સુરક્ષા માટે જોખમ ઊભું થશે. “જો રશિયન સંઘ તૂટશે તો વિશાળ પરમાણુ શસ્ત્રાગારને સુરક્ષિત કરવું ઘણું મૂશ્કેલ રહેશે.”

ઇતિહાસમાં રશિયાના પતનનાં ઉદાહરણો
પ્રોફેસર માઇકલ કિમમેજે દલીલ કરી હતી કે રશિયન સંઘના તૂટવાની શક્યતા ઘણી ઓછી છે, જોકે આ સાથે એક ઇતિહાસકાર હોવાના કારણે રશિયાના તૂટવાની શક્યતા સંપૂર્ણપણે નકારી શકતા નથી.
તેઓ કહે છે કે, “ચોક્કસપણે તમે ઇતિહાસના છેલ્લાં બે ઉદાહરણો પર નજર નાખી શકો છો. પહેલું ઉદાહરણ 1991નું હતું. તમે કહી શકો છો કે અફઘાનિસ્તાનમાં રશિયાની હારના કારણે સોવિયટ સંઘ તૂટી ગયું હતું,”
"આ માત્ર મૉસ્કોમાં સરકારનો બદલાવ ન હતો, પરંતુ વાસ્તવમાં એક નવો નકશો હતો, જ્યાં સોવિયટ સંઘ 15 સ્વતંત્ર દેશોમાં વિભાજિત કરવામાં આવ્યો હતો, પરંતુ એક ઉદાહરણ 1917નું છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં રશિયાને મૂશ્કેલીઓ હતી, જેના કારણે 1917માં ક્રાંતિ થઈ અને તે ક્રાંતિ સાથે એક ગૃહયુદ્ધ થયું, જેના કારણે રશિયન સામ્રાજ્ય સંપૂર્ણ ખતમ થયું નહીં, પરંતુ મોટું પુનર્નિર્માણ થયું."
રશિયન બાબતોના નિષ્ણાત અને લેખક જાનુસ બુગાઝસ્કી રશિયાની બહાર પણ દેશના ભાગલા થવાનાં ઉદાહરણો આપે છે. તેઓ 1990ના દાયકાની શરૂઆતમાં યુગોસ્લાવિયાના ભાંગવાનું ઉદાહરણ આપતાં કહે છે કે તેનું પતન ધીરે-ધીરે થયું હતું.એવું કહેવાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્ક સામ્રાજ્યની હારને કારણે 1918થી 1922 વચ્ચે તુર્કીનું વિઘટન થયું.
રશિયન બાબતોના નિષ્ણાતોના મતે, રશિયન સંઘનું પતન અનિવાર્ય છે, પરંતુ તે ધીમે ધીમે થશે, જેમ કે લેખક જાનુસ બુગાઝ્સ્કીએ બીબીસીને જણાવ્યું હતું કે, જ્યાં સુધી સમયનો સવાલ છે, તો આ રાતોરાત નહીં થાય. આ એક પ્રક્રિયા હશે, જેમાં સમય લાગશે. યુગોસ્લાવિયાને તૂટવા માટે 10 વર્ષ લાગ્યાં હતાં અને કેટલાક લોકોનો તો તર્ક એ હશે કે તે હજુ સુધી સમાપ્ત થયું નથી. અમે એક મોટા દેશની વાત કરી રહ્યા છીએ. હું કહીશ કે યુક્રેનમાં યુદ્ધ ચોક્કસપણે આ પ્રક્રિયાને વેગ આપશે. કારણ કે રશિયન જાનહાનિની સંખ્યા વધી રહી છે."
જેએનયુના પ્રોફેસર પટનાયકના મતે જે દેશો તૂટ્યા છે, તેમનો સંદર્ભ અલગ છે.
તેઓ કહે છે કે, "1917માં રશિયા પશ્ચિમી દેશો સાથે યુદ્ધમાં હતું. તેમની હારનું કારણ અર્થવ્યવસ્થા હતી. સૈનિકો પાસે પહેરવા માટે બૂટ પણ નહોતા, યુનિફોર્મ નહોતા અને 1991માં સોવિયટ સંઘ તૂટી પડ્યું, તે કોઈ યુદ્ધના કારણે તૂટ્યું નહોતું, તેને રશિયા,બેલારુસ અને યુક્રેને તોડી નાખ્યું. તેઓએ રાતોરાત પોતાને સોવિયટ સંઘથી અલગ કરી દીધા હતા. મધ્ય એશિયાના દેશોએ સંઘ ન છોડવા કહ્યું હતું. તેથી કૉમનવેલ્થ ઑફ ઈન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (સીઆઈએસ)ની ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી.

રશિયાનું પતન ચીન માટે સારા સમાચાર?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોનું કહેવું છે કે રશિયન સંઘના પતનથી અથવા તેના નબળા પડવાથી ચીનને મધ્ય એશિયામાં તેનો પ્રભાવ વધારવામાં મદદ મળશે. અમેરિકાના વિદેશ મંત્રાલયમાં કામ કરી ચુકેલા કૅથોલિક યુનિવર્સિટીના પ્રોફેસર માઇકલ કિમમેજ કહે છે કે મધ્ય એશિયામાં ચીનનો પ્રભાવ પહેલાંથી જ થઈ ચૂક્યો છે.
તેમના મતે ચીન માટે મધ્ય એશિયાના દેશો સાથે કામ કરવાનો માર્ગ ખુલ્લો છે. "મને ખબર નથી કે ચીનની મહત્ત્વાકાંક્ષા કેટલી હદ સુધી છે, પરંતુ તમે તેમના માટે વધુ શક્યતાઓ જોઈ શકો છો."
પ્રોફેસર માઈકલ કિમમેજ કહે છે કે, "મને લાગે છે કે યુદ્ધ ચીન માટે ફાયદાકારક રહ્યું છે, કારણ કે તેણે રશિયાને ચીન પર વધુ નિર્ભર બનાવ્યું છે. બીજી તરફ યુરોપ અને અમેરિકા યુક્રેન યુદ્ધમાં ઘણાં સંસાધનો ઝોંકી રહ્યા છે. આ સંસાધનોને ઇન્ડો-પૅસિફિક ક્ષેત્રમાં ચીનને રોકવા માટે સમર્પિત કરી શકાશે."
લેખક જાનુસ બુગાઝ્સ્કીનું માનવું છે કે ચીનની નજર રશિયાની નબળાઈ પર ટકેલી હશે. તેઓ કહે છે કે, "ચીનની નજર માત્ર મધ્ય એશિયાના દેશો પર જ નહીં, પરંતુ રશિયાના પૂર્વ પૅસિફિક ક્ષેત્ર પર પણ રહેશે, સરહદી વિસ્તારો જે 19મી સદીમાં ચીનનો ભાગ હતા, આ વિસ્તારોને રશિયન ઝારે ચીન પાસેથી છીનવી લીધા હતા."
"તેને લઈને બેઇજિંગમાં હજુ પણ ઘણી નારાજગી છે. જ્યારે રશિયા નબળું પડવા લાગશે, ત્યારે આ વાત સામે આવશે. ચીન માત્ર પૂર્વીય વિસ્તારો જ નહીં, પરંતુ સાઇબિરીયા અને સુદૂર પૂર્વના સંસાધનથી સમૃદ્ધ વિસ્તારોની સાથે-સાથે ઉત્તરીય સમુદ્ર માર્ગ પર પણ નજર રાખી રહ્યું છે."
પશ્ચિમી શક્તિઓને ચીનને કાબૂમાં રાખવા માટે ભારતની જરૂર પડશે, જેમ કે જાનુસ બુગાઝ્સ્કી કહે છે કે, "હિંસા અને સંઘર્ષનો આશરો લીધા વિના ચીનની મહત્ત્વાકાંક્ષાઓને કેવી રીતે નિયંત્રિત કરવી તે એક મોટો પડકાર હશે, પરંતુ આ ક્ષેત્રમાં અમારી પાસે ઘણા એવા સહયોગી દેશો છે અને હું ભારતને પણ એક સહયોગી તરીકે સામેલ કરીશ, કારણ કે ભારત આ ક્ષેત્રને સ્થિર કરવામાં પશ્ચિમી દેશોની મદદ કરી શકે છે."
પ્રોફેસર અજય પટનાયકનું કહેવું છે કે, છેલ્લાં 20 વર્ષમાં મધ્ય એશિયાના પાંચેય દેશોમાં ચીનની ભૂમિકા વધી છે.
તેઓ વધુમાં કહે છે કે, "ચીનની આર્થિક શક્તિ વધી છે. ચીને આ દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણું રોકાણ કર્યું છે. ચીન આ દેશોમાં આર્થિક રીતે ઊંડે સુધી પ્રવેશી ચૂક્યું છે. રાષ્ટ્રપતિ યેલ્તસિનના જમાનામાં રશિયાએ મધ્ય એશિયાને નજરઅંદાજ કર્યું છે"
"પુતિનના આગમન પછી રશિયાએ ફરીથી આ ક્ષેત્ર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. રશિયાએ સાબિત કર્યું છે કે તે આ ક્ષેત્રમાં તે એક વિશ્વસનીય ભાગીદાર છે. 1991માં સોવિયટ સંઘના તૂટ્યા પછી તાજિક-અફઘાન સરહદની માત્ર રશિયન સૈનિકો જ રક્ષા કરી રહ્યા છે. રશિયાએ તાજિકિસ્તાનને ગૃહયુદ્ધ અને કટ્ટરવાદી તાકાતથી બચાવ્યું છે."

ભારતની ભૂમિકા શું હોઈ શકે ?

ઇમેજ સ્રોત, Getty Images
એક હારેલા અને સંભવત: તૂટેલા રશિયન સંઘની આ ક્ષેત્રમાં ભારતની વિદેશનીતિ પર શું અસર થઈ શકે છે.
પ્રોફેસર પટનાયક કહે છે કે, “મધ્ય એશિયાના પાંચેય દેશો બહારથી થોપવામાં આવેલા લોકતંત્રના પ્રયાસોને પસંદ કરતા નથી. ત્યાંના રાજકીય મિજાજમાં લોકોની સારસંભાળ રાખી શકે, તેવા મજબૂત નેતાઓને પસંદ કરવાનો સમાવેશ થાય છે.”
“ભારતે આ દેશો સાથે સંબંધો મજબૂત કરવાનો યોગ્ય નિર્ણય લીધો છે. તમામ મધ્ય એશિયાના દેશો આર્થિક રીતે અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. સૅન્ટ્રલ એશિયા અને યૂરેશિયામાં ભારત માટે ટ્રાન્સપોર્ટ કૉરિડોર ઉપલબ્ધ નથી. રશિયા, કઝાકસ્તાન. કિર્ગિસ્તાન, બેલારૂસ અને આર્મેનિયા આ એક યૂનિયન છે, જેને યુરેશિયા યૂનિયન કહેવામાં આવે છે અને જેમાં એકબીજાના માલસામાનોની અવરજવર ફ્રી છે. ભારત આ માર્કેટ સુધી ટ્રાન્સપોર્ટ કૉરિડોર દ્વારા પહોંચવા માગે છે. આ માટે વાતચીત ચાલી રહી છે.”
વૉશિંગ્ટનની કૅથોલિક યૂનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર માઇકલ સી. કિમમેજ અનુસાર, ભારતનું નિષ્પક્ષ રહેવું તેની મજબૂરી હોઈ શકે છે, પરંતુ તેમના મતે અમેરિકન પ્રશાસન ઇચ્છશે કે ભારત અને અન્ય દેશો યુક્રેનનું સમર્થન કરે.
તેઓ કહે છે કે, “મેં અમેરિકન વિદેશ વિભાગમાં કામ કર્યું છે અને મારો જવાબ સ્પષ્ટ છે. તમે અમેરિકન સરકાર તરફથી ઘણીવાર આ તર્ક સાંભળ્યું હશે કે ભારત જ ભૂલ કરી રહ્યું છે. યુક્રેનનો સંઘર્ષ ઘણો મહત્ત્વપૂર્ણ છે અને તે આવનારાં વર્ષો અથવા દશકો માટે વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા નક્કી કરશે.”














