'જાને ભી દો યારો'ના શૂટિંગ સમયના રસપ્રદ કિસ્સા અને વાતો

ફિલ્મ જાને ભી દો યારોનું પોસ્ટર

ઇમેજ સ્રોત, JAANE BHI DO YAARO POSTER

ઇમેજ કૅપ્શન, ફિલ્મ જાને ભી દો યારોનું પોસ્ટર

ફિલ્મ દિગ્દર્શક કુંદન શાહનું શનિવારે સવારે નિધન થયું છે.

69 વર્ષીય શાહનો જન્મ 19મી ઓક્ટોબર 1947ના રોજ થયો હતો.

કુંદન શાહે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાંથી દિગ્દર્શનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

1983માં ફિલ્મ 'જાને ભી દો યારો' દ્વારા તેમણે ફિલ્મ કૅરિયરની શરૂઆત કરી હતી. તેઓ ફિલ્મના સહાયક પટકથા લેખક પણ હતા.

ભ્રષ્ટાચાર પર કટાક્ષ કરતી આ ફિલ્મનો જાદુ આજે પણ દર્શકોના માનસ પર છવાયેલો છે.

જાને ભી દો યારો

નસિરુદ્દીન શાહની તસવીર
ઇમેજ કૅપ્શન, નસિરુદ્દીન શાહ

કુંદન શાહ દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમે કર્યું હતું.

આ ફિલ્મમાં નસિરુદ્દીન શાહ, રવિ વાસવાણી, ભક્તિ બર્વે ઇનામદાર, પંકજ કપુર તથા સતીશ શાહ જેવા કલાકારોએ કામ કર્યું હતું.

વર્ષ 2012માં ફિલ્મની નવી પ્રિન્ટ રિલીઝ કરવામાં આવી. ત્યારે ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ બીબીસી સાથે વાત કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

જેમાં તેમણે ફિલ્મના શૂટિંગ સમયની રસપ્રદ વાતો જણાવી હતી.

કુંદન શાહ, દિગ્દર્શક

બીબીસી ઓફિસમાં કુંદન શાહની તસવીર
ઇમેજ કૅપ્શન, બીબીસી ઓફિસમાં કુંદન શાહ

નસિરુદ્દીન શાહે ફિલ્મ માટે હા પાડતા મને અત્યંત ખુશી થઈ.

ખરું કહું તો અમારા જેવા લોકો માટે નસિરુદ્દીન શાહ અમિતાભ બચ્ચન કરતાં પણ મોટા હતા.

જ્યારે મને જાણ થઈ કે ફિલ્મને ફરી રિલીઝ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે મને આશ્ચર્ય થયું હતું.

મને લાગતું હતું કે હવે એ ફિલ્મ કોણ જોશે? મેં જેમની સાથે વાત કરી, તેમણે જણાવ્યું કે તેઓ ફિલ્મ ચોક્કસપણે જોશે.

અમે જ્યારે ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં હતાં, ત્યારે સહેજ પણ અંદાજ ન હતો કે, ફિલ્મ આટલી ચર્ચિત બનશે.

ફિલ્મ માટે રૂ. છ લાખ 84 હજારનું બજેટ નિર્ધારવામાં આવ્યું હતું.

60-70 લોકો ફિલ્મના શૂટિંગ દરમિયાન હાજર હોય, તો પણ માત્ર 35 લોકો માટે ભોજન આવતું હતું.

અમે દાળમાં પાણી નાખી દેતા, રોટલીઓ ખૂટી જાય એટલે પાઉં મંગાવી લેતા હતા.

ફિલ્મમાં નસિરુદ્દીન પાસે જે કૅમેરો હતો, તે તેમનો જ હતો.

શૂટિંગની લાઇટિંગ માટે અમારી પાસે જનરેટર ન હતું. એટલે અમે વીજળીની ચોરી કરી હતી.

કેટલો વિરોધાભાસ હતો? અમે ભ્રષ્ટાચાર પર કટાક્ષ કરી રહ્યા હતા, તેના શૂટિંગ માટે વીજળીની ચોરી કરવી પડી હતી.

ફિલ્મ 'પી સે પીએમ'ના પ્રચાર સમયે બીબીસી ઓફિસે આવેલા કુંદન શાહની તસવીર
ઇમેજ કૅપ્શન, ફિલ્મ 'પી સે પીએમ'ના પ્રચાર સમયે બીબીસી ઓફિસે આવેલા કુંદન શાહ

ફિલ્મનું શૂટિંગ ચાલુ થયું, તેના ત્રણ-ચાર દિવસમાં બધાય એટલા ત્રાસી ગયા હતા કે શૂટિંગ પૂરું થાય, તેની રાહ જોવા લાગ્યા હતા.

ઓમ પુરીએ હસતા-હસતા કહ્યું હતું કે તેઓ સૌથી ગરીબ ફિલ્મ યુનિટ સાથે કામ કરી રહ્યા હતા.

જ્યારે ફિલ્મના બહુચર્ચિત 'મહાભારત' સીન માટે શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે અમને સમજાતું નહોતું કે ડાયલૉગ કેવી રીતે લખવા?

હું અને સહ-લેખક સતીશ કૌશિક આ અંગે ગડમથલમાં હતા. ત્યારે બીજા લેખક રંજીત કપુરે ઉકેલ સૂચવ્યો.

અમે ફૂટપાથ પર વેચાતી 'દ્રૌપદી ચીરહરણ' પુસ્તિકા ખરીદી અને તેમાંથી પ્રેરણા લઈને સીનના ડાયલૉગ્સ લખ્યા હતા.

પંકજ કપુર, અભિનેતા

પંકજ કપુરની તસવીર

ઇમેજ સ્રોત, Fox Star Studios

ઇમેજ કૅપ્શન, પંકજ કપુર

મેં એ ફિલ્મમાં તરનેજાનું પાત્ર ભજવ્યું હતું. મને યાદ છે કે એક વખત કુંદન શાહે ફિલ્મનું લોકેશન શોધવા જવા માટે કહ્યું હતું.

મને લાગ્યું કે કુંદન શાહ કાર લઈને આવશે. પરંતુ અમને મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટની બસમાં લઈ ગયા અને ધક્કા ખાઈને ત્યાં પહોંચ્યા હતા.

ત્રણ-ચાર કલાક આંટા માર્યા બાદ કુંદન શાહે મને કોલ્ડ ડ્રિંક પીવડાવ્યું તો મને મનમાં થયું હતું કે નસીબ ઉઘડી ગયા કે કોલ્ડ ડ્રિંક પીવા મળ્યું.

હું કુંદન સાથે મારા રોલ અંગે ચર્ચા કરવા માંગતો હતો ત્યારે પણ તેઓ હિસાબકિતાબ લઈને જ બેસી રહેતા હતા.

અમને ખાતરી ન હતી કે આગળ જતાં આ ફિલ્મ 'કલ્ટ'નો દરજ્જો હાંસલ કરશે. જો અમને ખબર હોત તો કદાચ આટલી સારી ફિલ્મ ન બની હોત.

તમને આ પણ વાંચવું ગમશે

ફિલ્મના બહુચર્ચિત 'મહાભારત' સીનને રંજીત કપુર તથા સતીશ કૌશિકે મળીને લખ્યો હતો. જેનું બહુ સુંદર એડિટિંગ થયું હતું.

મને લાગે છે કે આજના સમયમાં ફિલ્મ વધુ સફળ થશે. કારણ કે એ સમયે મોટાભાગના કલાકારોને લોકો જાણતા પણ ન હતા.

ઉપરાંત આજના સમયમાં પ્રયોગાત્મક ફિલ્મોને સ્વીકારવામાં આવે છે.

મારો દીકરો શાહિદ કપુર ઘણી વખત પૂછતો હોય છે કે આજના સમયમાં 'જાને ભી દો યારો' જેવી ફિલ્મ કેમ નથી બનતી?

આથી મને લાગે છે કે યુવા વર્ગને પણ આ ફિલ્મ ચોક્કસપણે કામ આવશે.

સતીશ શાહ

સતીશ શાહની તસવીર

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, સતીશ શાહ

મને યાદ છે કે એ ફિલ્મ માટે મને રૂ. પાંચ હજાર મળ્યા હતા. નસિરુદ્દીન શાહને સૌથી વધુ રૂ. 15 હજાર મળ્યા હતા.

ત્યારે નસિરુદ્દીન શાહ પ્રસિદ્ધ થઈ ગયા હતા.

અમે મોટાભાગના કલાકારો નવા હતા. પરંતુ અમને કામ મળતું ન હતું એટલે અમે કામ કરવા તૈયાર થઈ ગયા હતા.

અંગ્રેજીમાં કહેવત છે ને કે 'બેગર્સ કાન્ટ બી ચૂઝર્સ.'

પરંતુ અમને અંદાજ ન હતો કે ફિલ્મ સફળ થશે.

આજના સમયમાં આ પ્રકારની ફિલ્મ બનાવવી લગભગ અશક્ય જ છે.

હાલના સમયમાં આટલા બધા કલાકારો આટલા દિવસો માટે સમય ન કાઢી શકે.

ફિલ્મની કથા-પટકથા અને દિગ્દર્શન કમાલના હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો