દેવ આનંદ : વાજપેયી સાથે પાકિસ્તાન ગયેલા દેવ કૉલેજના દરવાજાને વળગીને રડી પડ્યા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વંદના
- પદ, બીબીસી ન્યૂઝ
“એક છોકરી હતી, જે મને લાગણીસભર પત્રો લખતી હતી. મેં 10-12 વખત જવાબ આપ્યો હતો. એક દિવસ મેં જવાબ આપવાનું બંધ કર્યું ત્યારે એ છોકરીએ તમામ પત્રો એકઠા કરી અને એક ગુડબાય નોટ સાથે મને પાછા મોકલી આપ્યા. તેનું દિલ તૂટી ગયું હતું. મને હજારો પ્રશંસકોના પત્રો આવતા હતા. એક વાર મેં એક પ્રશંસકને પત્રનો જવાબ આપ્યો. એ પછી તેણે મને 3720 પત્રો લખ્યા હતા, માત્ર એવી આશામાં કે હું તેને ફરી પ્રત્યુત્તર આપીશ.”
આ કિસ્સો કાલ્પનિક નથી. દેવ આનંદે આનો ઉલ્લેખ પોતાની આત્મકથા ‘રોમાન્સિંગ વિથ લાઈફ’માં કર્યો છે.
તેઓ એક એવા સ્ટાર હતા, જેની લોકપ્રિયતા હિંદુસ્તાન, પાકિસ્તાન, નેપાળ અને ન જાણે કેટકેટલા દેશોમાં ફેલાયેલી હતી. હોલીવુડમાં ડેવિડ લીન, ગ્રૅગરી પૅક અને ફ્રેન્ક કાપ્રા જેવા દિગ્ગજો તેમને જાણતા તથા માન આપતા હતા.
દેવ આનંદનો જન્મ અવિભાજિત પંજાબના જે હિસ્સામાં થયો હતો તે હાલ પાકિસ્તાનમાં છે. લાહોરમાં અભ્યાસ કર્યા બાદ જુલાઈ, 1943માં ખિસ્સામાં રૂ. 30 લઈને તેઓ ફ્રન્ટિયર મેઈલ મારફત મુંબઈ આવવા નીકળી પડ્યા હતા અને થોડાં વર્ષોમાં જ ભારતમાં બહુ મોટા સ્ટાર બની ગયા હતા.
જોકે, લાહોર પાછા ફરવા માટે 55 વર્ષ રાહ જોવી પડશે તેની તેમની કલ્પના ન હતી. લાહોરમાં તેમના હજારો પ્રશંસકો હતા.
દેવ આનંદ દરવાજાને વળગીને રડ્યા

તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે દેવ આનંદ 1999માં પાકિસ્તાન ગયા હતા ત્યારે પત્રકાર ગૌહર બટ લાહોરમાં હતા.
બીબીસી સાથે એ ઘટનાની વાત કરતાં ગૌહર જણાવે છે કે દેવ આનંદ 55 વર્ષ પછી લાહોર પાછા આવ્યા ત્યારે પોતાના શહેર તથા કૉલેજમાં ગયા હતા.
“અમે કૉલેજમાં દાખલ થયા ત્યારે મેં ચોકીદારને કહ્યું, "દેવ આનંદ આવ્યા છે. ચોકીદારે આશ્ચર્યચકિત થઈને કહ્યું "એ ભારતથી આવ્યા છે?" દેવ આનંદે કૉલેજને જોઈ કે તરત તેમની આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં હતાં. તેઓ દરવાજાને ભેટ્યા અને જોરથી રડી પડ્યા. કૉલેજકાળમાં તેઓ ઉષા નામની એક છોકરીને પ્રેમ કરતા હતા. તેમનું નામ પોકાર્યું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“સ્ટેજ પર બેસીને રડતા રહ્યા. દીવાલોને વળગીને રડતા રહ્યા. તેમણે કહ્યું હતું કે તેઓ લાહોર કૉલેજમાંથી છેલ્લી વાર નીકળ્યા ત્યારે ઉષાને શું કહીને નીકળ્યા હતા.”
જ્યારે દિગ્દર્શકે કહ્યું કે તમારા દાંતની વચ્ચે જગ્યા છે

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લાહોર છોડીને દેવ આનંદ 1943માં મુંબઈ આવ્યા ત્યારે શરૂઆતમાં ક્લાર્ક તરીકે કામ કર્યું હતું તો ક્યારેક બ્રિટિશ સૈન્યની ઓફિસમાં નોકરી કરી હતી, પરંતુ ઇચ્છા તો ઍક્ટર બનવાની જ હતી. એક દોસ્ત સાથે તેઓ સંગીતના ક્લાસમાં જતા હતા. તેમણે દેવ આનંદને નિર્માતા બાબુરાવ પાઈની ફિલ્મ વિશે જણાવ્યું હતું.
તેઓ તેમને મળવા ગયા ત્યારે ચોકીદારે અંદર જવા ન દીધા, પરંતુ બહાર બેઠેલા બાબુરાવ એ હૅન્ડસમ છોકરાના ચહેરાની અવગણના કરી શક્યા ન હતા.
ઑડિશન માટે તેમને ડેક્કન ક્વીન ટ્રેન મારફત પૂણે મોકલવામાં આવ્યા અને શરૂ થઈ પહેલી ફિલ્મ ‘હમ એક હૈ’ની સફર. એ ફિલ્મ 1946માં પ્રદર્શિત થઈ હતી.
પહેલી ફિલ્મમાં દેવ આનંદ સામે એક શરત મૂકવામાં આવી હતી.
પોતાના પુસ્તકમાં તેઓ લખે છે, “મને કહેવામાં આવ્યું હતું કે તમારા દાંતની વચ્ચેની જગ્યા પૂરવી પડશે. મારા સામેની તરફના દાંતમાં બન્ને તરફ ખરેખર ગૅપ છે કે કેમ એ પાક્કું કરવા મેં મોમાં જીભ ફેરવી. દાંતમાં ગૅપ હોવાને કારણે હું ફિલર સાથે શૂટિંગ કરતો રહ્યો હતો, પરંતુ નેચરલ ફીલ કરી શકતો ન હતો. બાદમાં મારી વિનંતીને પગલે તે ફિલર કાઢી નાખવામાં આવ્યું હતું. હું ખુશ છું કે હું જેવો છું તેવો જ મને લોકોએ આજે સ્વીકાર્યો છે.”
દેવ આનંદ માટે પોતાના દાંત તોડાવતા હતા પ્રશંસકો

દેવ આનંદની દીવાનગીના અનેક કિસ્સા નેપાળમાં સાંભળવા મળે. નેપાળમાં તેમણે 'હરે રામા હરે કૃષ્ણા', 'જ્હોની મેરા નામ' અને 'ઇશ્ક, ઇશ્ક, ઇશ્ક' ફિલ્મોનું શૂટિંગ કર્યું હતું.
નેપાળના વરિષ્ઠ પત્રકાર બસંત થાપા બાળપણથી જ દેવ આનંદના પ્રશંસક રહ્યા છે.
તેઓ કહે છે, “નેપાળમાં દેવ આનંદનો જોરદાર ક્રેઝ હતો. તેમના જેવી હેરસ્ટાઈલ બનાવવા માટે છોકરાઓ વાંસની લાકડીમાં ખાસ પ્રકારનું ગરમ તેલ વાળમાં લગાવતા હતા. દેવ આનંદના દાંતમાં ગેપ હતો. પરિસ્થિતિ એવી હતી કે છોકરાઓ પોતાના દાંતનો શેપ બગાડીને દેવ આનંદ જેવા દાંત બનાવવાના પ્રયાસ કરતા હતા. 'હરે રામા હરે કૃષ્ણા' ફિલ્મનું શૂટિંગ નેપાળમાં થયું ત્યારે આખું શહેર એકઠું થઈ ગયુ હતું.”
“એક રાતે અમને ખબર પડી કે 'દમ મારો દમ' ગીતનું શૂટિંગ કાઠમાંડુમાં થઈ રહ્યું છે. ભીડ દેવ આનંદ અને ઝીનત અમાનને જોવા માટે એટલી વ્યાકુળ થઈ ગઈ હતી કે ધક્કામૂક્કી થવા લાગી હતી. પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. લોકોએ પણ પોલીસ પર પથ્થરમારો કર્યો. અમે પણ એક-બે પથ્થર ફેંક્યા હતા. એ દેવ સાહેબનો જાદુ હતો. એ દિવસોમાં હું દાર્જિલિંગ ગયો ત્યારે જોયું તો બધા પ્રવાસીઓ, દેવ આનંદે જ્વેલ થીફ ફિલ્મમાં પહેરી હતી તેવી હૅટ અને બ્લૅક ઍન્ડ વ્હાઈટ બૂટ પહેરીને ફરતા હતા.”
દેવ આનંદ અને કાળા શર્ટનું સત્ય

દેવ આનંદને 'બાઝી', 'ટૅક્સી ડ્રાઈવર' અને 'ગાઈડ' જેવી ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે, એટલા જ તેમની સ્ટાઇલ માટે પણ યાદ કરવામાં આવે છે. ઝૂકેલી ગરદન, તેમની એ ટોપી, ગળામાં રંગીન સ્કાર્ફ અને વિરામ લીધા વિના સતત બોલવાની શૈલી. અનેક લોકો એ સ્ટાઇલના દિવાના હતા.
એ બાબતે બીબીસી સાથે વાત કરતાં દેવ આનંદે કહ્યું હતું, “વાસ્તવમાં હું સ્ટૂપ કરું છું, ઝૂકીને ચાલુ છું. ફિલ્મોમાં મને લાંબા-લાંબા ડાયલૉગ મળતા હતા અને હું વિરામ લેવો કે નહીં તેની ગડમથલમાં કાયમ રહેતો હતો. તેથી એક જ શ્વાસે ડાયલૉગ બોલી જતો હતો અને એ જ દેવ આનંદની સ્ટાઇલ બની ગઈ.”
એક વખત દેવ આનંદ વિશે એવી વાત ફેલાઈ ગઈ હતી કે તેમને કાળું શર્ટ પહેરીને નીકળવાની મનાઈ છે, કેમ કે છોકરીઓ તેમને જોઈને બેહોશ થઈ જાય છે.
જોકે, દેવ આનંદ એ વાતને હસીને ફગાવી દેતા હતા અને એવી અફવા ગણાવતા હતા, જે કાલા પાની ફિલ્મમાં તેમણે પહેરેલાં કાળાં વસ્ત્રોથી શરૂ થઈ હતી.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ દેવ આનંદની ફિલ્મના શૂટિંગમાં આવ્યા

દેવ આનંદના ચાહકોમાં ચંબલના ડાકુઓથી માંડીને અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોનો સમાવેશ થતો હતો. કાલા બજાર ફિલ્મની શૂટિંગ દરમિયાન ઇન્ડોનેશિયાના તત્કાલીન રાષ્ટ્રપતિ સુકર્ણો ખાસ શૂટિંગ જોવા આવ્યા હતા.
‘રોમાન્સિંગ વિથ લાઈફ’માં એ કિસ્સો આવા શબ્દોમાં નોંધાયેલો છેઃ “'હમ બેખુદી મેં તુમ કો પુકારે ચલે ગયે...' ગીતનું શૂટિંગ થવાનું હતું. બધા રાષ્ટ્રપતિની રાહ જોતા હતા. બે કલાક સુધી તેઓ આવ્યા નહીં એટલે અમે ગીતનું શૂટિંગ કરી લીધું. શોટ ખતમ થયો કે તરત અમને ખબર પડી કે તેઓ આવી પહોંચ્યા છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ માટે અમે એ શૂટિંગ ફરી વાર કર્યુ. રાષ્ટ્રપતિએ બહુ તાળી વગાડી. હિન્દી ફિલ્મનું શૂટિંગ જોઈને તેઓ બહુ રાજી થયા હતા. 'કાલા પાની' ફિલ્મ માટે મને ફિલ્મફેર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો, જે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ નાસિરે મને એનાયત કર્યો હતો.”
ડાકુઓએ પડાવ્યો ફોટો

પ્રશંસકોની વાત ચાલી રહી છે ત્યારે વધુ એક કિસ્સો યાદ આવે છે. દેવ આનંદ ચંબલમાં શૂટિંગ કરી રહ્યા હતા.
દેવ આનંદ લખે છે, “શૂટિંગ પછી અમે ચંબલ વિસ્તારમાં એક ડાક બંગલામાં રોકાયા હતા. કોઈએ અમને ચેતવણી આપી કે ડાકુઓ ત્રાટકવાના છે. જે માણસ ચેતવણી આપવા આવ્યો હતો તેને મેં કહ્યું કે ડાકુઓને કહેજો કે ઑટોગ્રાફ માટે નોટબૂક્સ લઈને આવે, કૅમેરા હોય તો કૅમેરા લઈને આવે...પોતાના સ્ક્રીન હીરો સાથે ફોટો પડાવવાની એ જિંદગીની છેલ્લી તક હશે.”
“બીજા દિવસે અમે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે હું એક ટ્રક પર ચડી ગયો અને તેમને કહ્યું, કૈસે હો, મેરે દેશવાસીઓ? તેમણે કહ્યુ 'અરે, દેવસાહેબ.' કોઈએ મારી સાથે હાથ મિલાવ્યા તો કોઈ મને ભેટી પડ્યા.”
દેવ આનંદના દોસ્તો પણ તેમના ચાહક હતા
અભિનેતા મનોજકુમારે 2011માં બીબીસીનાં સહયોગી મધુ પાલ સાથે આ કિસ્સો શેર કર્યો હતો. તેમણે કહ્યું હતું, “મારા પિતાજીનું અવસાન થયું ત્યારે હું બહુ દુખી હતો. ત્યારે દેવસાહેબ સતત દોઢ મહિના સુધી સવારે, બપોરે કે સાંજે દિવસમાં બે કલાક મારી સાથે જરૂર પસાર કરતા હતા.”
મનોજકુમારે કહ્યું હતું, “એક વખત મને ફોન કરીને કોઈએ કહ્યું કે ભાઈ આ 'હરે રામા, હરે કૃષ્ણા' તમારું ટાઇટલ છે. મેં કહ્યું 'હા.' સામેના છેડા પરની વ્યક્તિએ કહ્યું 'એ આજથી મારું થઈ ગયું છે.' એ દેવજી હતા.”
જોખમ લેતા દેવ આનંદ

ઇમેજ સ્રોત, PENGUIN VIKING
દેવ આનંદ માટે નેપાળ જવાનું જેટલું આસાન હતું, તેટલું પાકિસ્તાન જવાનું મુશ્કેલ હતું.
પાકિસ્તાની પત્રકાર ગૌહર બટ કહે છે, “1999ની લાહોર યાત્રામાં હું દેવ આનંદ સાથે તેમની હોટલમાં હતો. મેં તેમને પૂછ્યું હું તમને ગવર્નમૅન્ટ કૉલેજ ઑફ લાહોર દેખાડું તો? દેવ આનંદના ચહેરા પર અચાનક રોનક આવી ગઈ. જાણે કે કોઈ બાળકને તેનું મનપસંદ રમકડું મળી ગયું હોય. સલામતીના સંદર્ભમાં તે મોટો મુદ્દો હતો, કારણ કે તેઓ સરકારી પ્રતિનિધિ મંડળનો હિસ્સો હતા. મેં દેવ આનંદ સાહેબના હાથમાં અખબાર પકડાવ્યું, તેમના માથા પર ટુવાલ મૂક્યો અને હોટલના પાછલા દરવાજેથી બહાર કાઢીને તેમને કૉલેજ લઈ ગયો.”
એક સ્ટાઇલિશ સ્ટાર ઉપરાંત દેવ આનંદને હિંદી ફિલ્મોના દીર્ઘદૃષ્ટા પણ માનવામાં આવે છે. તેમનામાં જોખમ લેવાની, અદમ્ય સાહસવૃત્તિ હતી.
જે છોકરો 1943માં લગભગ ખાલી હાથે મુંબઈ આવ્યો હતો, તેણે 1949માં પોતાનું પ્રોડક્શન હાઉસ 'નવકેતન ફિલ્મ્સ' બનાવ્યું હતું.
‘ગાઇડ’એ દેખાડ્યો રસ્તો

'ટૅક્સી ડ્રાઈવર', 'કાલા બઝાર' તથા 'હમ દોનો' જેવી મેઇનસ્ટ્રીમ ફિલ્મો તેમણે કરી, પરંતુ ગાઈડ (1965)ના સ્વરૂપમાં તેમણે બોલ્ડ વિષય પસંદ કર્યો હતો, જેમાં પ્રેમને બિલકુલ અલગ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યો હતો.
તેમાં દેવ આનંદનો ગ્રે શેડવાળી વ્યક્તિનો રોલ હતો, જે અંતે સાધુ બની જાય છે અને મૃત્યુ પામે છે. એટલે કે તેમાં એ બધું હતું, જેની આશા લોકોને સ્ટાઇલિશ દેવ આનંદ પાસેથી ન હતી.
માર્કેટમાં લોકો 'ગાઇડ' ફિલ્મ ખરીદવા તૈયાર ન હતા, પરંતુ આજે ઘણા લોકો 'ગાઇડ'ને દેવ આનંદનો માસ્ટરપીસ ગણે છે.
તેમનું પુસ્તક પ્રકાશિત થયું ત્યારે લંડનમાં મને દેવ આનંદનો ઇન્ટરવ્યૂ લેવાની તક મળી હતી.
પોતાના રાબેતા મુજબના જોશીલા અંદાજમાં તેમણે મને કહેલું, “લોકો એમ કહેતા હોય કે 'ગાઇડ' સૌથી ઉમદા કામ છે તો લોકોની વાત સાંભળવી પડશે, પરંતુ હું મારા પાછલા કોઈ સારા કામથી બહેતર કામ કરી શકું નહીં એમ કહેવું યોગ્ય નથી. હમ ભી દેવ આનંદ હૈ.”
સુરૈયા અને દેવ આનંદની મહોબ્બત

દેવ આનંદનું અંગત જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. અભિનેત્રી સુરૈયાને તેમણે પ્રેમ કર્યો હતો, પરંતુ ધર્મની દીવાલને કારણે બન્ને લગ્ન ન કરી શક્યાં અને સુરૈયા જીવનભર કુંવારા રહ્યાં.
વરિષ્ઠ પત્રકાર અલી પીટર જોન દેવ આનંદના દોસ્ત પણ હતા અને પ્રશંસક પણ.
પોતાના પુસ્તક ‘માય દેવ મેમરીઝ ઑફ ઍન ઇમ્મોર્ટલ મૅન’માં અલી પીટર જોન લખે છે, “દેવ આનંદ મને કહેતા કે કાશ અમારી કહાણીનો અંત કંઈક ઔર હોત. ત્યારે હું સ્ક્રીન સામયિકમાં કામ કરતો હતો અને સ્ક્રીને 2002માં સુરૈયાને લાઈફ ટાઈમ અચિવમૅન્ટ ઍવૉર્ડ આપવાનો નિર્ણય કર્યો હતો. સુરૈયા મારાં સહયોગી પિરોઝને સતત પૂછતાં હતા કે દેવ આનંદ આવશે? પિરોઝે તેમને કહ્યું હતું કે દેવ આનંદ સ્ક્રીનના કાર્યક્રમમાં આવવાનું ચૂકતા નથી, પરંતુ દેવ આનંદે કહ્યું હતું કે અલી, સારું નહીં લાગે. મેં 40 વર્ષથી તેને જોઈ નથી, તેની સાથે ફોન પર વાત કરી નથી. આ વખતે રહેવા દો. અમે બન્ને આ સ્થિતિ સહન નહીં કરી શકીએ તે હું જાણું છું.”
“પછી દેવ આનંદ એ જાણવા ઇચ્છતા હતા કે સુરૈયા કેવા દેખાતાં હતાં, તેમના વાળમાં ફૂલ હતાં કે નહીં, તેમણે કેવી સાડી પહેરી હતી. સુરૈયાના મૃત્યુના દિવસે તેમણે મને બોલાવ્યો હતો. તેમનું પેન્ટ હાઉસ બંધ હતું. તેઓ ટેરેસ પર એક ટૅન્ટમાં એકલા બેઠા હતા. તેમની આંખોમાંથી આંસુ વહેતાં હતાં.”
તેમ છતાં તેમના ગીત ‘મેં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા...’ની માફક દેવ આનંદ જિંદગીમાં આગળ વધતા રહ્યા અને તેમણે તેમની હીરોઈન કલ્પના કાર્તિક સાથે લગ્ન કર્યાં.
પ્રશંસકો થાકી ગયા, પરંતુ દેવ ન થાક્યા

ઇમેજ સ્રોત, PENGUIN VIKING
જીવનના અંત સુધી તેઓ ફિલ્મો બનાવતા રહ્યા હતા, ભલે તે ફ્લોપ થઈ હોય. બસંત થાપા કહે છે, “એમની પછીની ફિલ્મો નિહાળીને અમે પ્રશંસકો આખરે થાકી ગયા હતા, પરંતુ તેઓ થાક્યા ન હતા.”
વરિષ્ઠ ફિલ્મ પત્રકાર ભારતી દુબે દેવ આનંદ વિશે રિપોર્ટિંગ કરતાં રહ્યાં છે.
તેઓ કહે છે, “અનેક લોકોને તેમના છેલ્લા દૌરની ફિલ્મો ગમી નહીં. તેમને થતું હતું કે અગાઉની ફિલ્મોમાં જે મજા હતી તે આ ફિલ્મોમાં નથી, પરંતુ દેવ આનંદને વિશ્વાસ હતો કે ઝીરો સ્ટાર મળે કે પ્રશંસા, તેમણે ફિલ્મો બનાવતા રહેવું જોઈએ. તેઓ મને કહેતા કે મારે કામ કરતાં-કરતાં જ મરવું છે. તેમની છેલ્લી કેટલીક ફિલ્મો દેવ આનંદને પરિભાષિત કરતી નથી.”
ભારતના ગ્રૅગરી પૅક

ઇમેજ સ્રોત, Getty Images
ભારતી દુબેના કહેવા મુજબ, દેવ આનંદને ભારતના પહેલા અર્બન હીરો કહેવામાં આવ્યા હતા. તેઓ ગ્રામ્ય વ્યક્તિની ભૂમિકા ભજવી શકતા ન હતા, પરંતુ તેમની સ્ટાઈલ તથા ચાર્મ અલગ જ હતા. તેમને ભારતના ગ્રૅગરી પૅક પણ કહેવામાં આવતા હતા.
દેવ આનંદના બાળપણની વાત કરીએ. પોતાના પુસ્તકમાં દેવ આનંદે જણાવ્યું છે કે એક વખત તેઓ અમૃતસરમાં ગોલ્ડન ટૅમ્પલ પાસે શરબત પી રહ્યા હતા.
શરબતવાળાએ દેવ સાહેબ તરફ જોયું ને કહ્યું કે તમારા મસ્તક પર મોટો સૂર્ય છે. તમે મોટા માણસ બનશો.
તેને નસીબ કહો, મહેનત કહો કે ઝનૂન – એ બાળક મોટો થઈને એક મોટો સ્ટાર બન્યો, જે સમયના દાયરાથી પણ આગળ જઈને ટાઇમલેસ બન્યો.
પૂણેના તેમના એક પ્રશંસક યુવરાજ શાહે દેવ આનંદ માટે એક બાગ બનાવ્યો હતો અને તેનું નામ કદાચ આ જ કારણથી સદાબહાર દેવ આનંદ ઉદ્યાન હતું.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












