આશા ભોંસલેના 91 વર્ષ: 10 વર્ષની વયે ગાવાની શરૂઆત, 10 હજારથી વધુ ગીત રેકૉર્ડ કર્યાં

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GOPAL SHOONYA

    • લેેખક, વંદના
    • પદ, સિનિયર ન્યૂઝ એડિટર, એશિયા

“હું ફિલ્મલાઇનની આખરી મુગલ છું.” આશા ભોંસલેએ થોડા દિવસ પહેલાં આ નિવેદન આપ્યું ત્યારથી તેની ચર્ચા ચાલી રહી છે.

1933ની આઠમી સપ્ટેમ્બરે જન્મેલાં આશા ભોંસલેએ 1943માં માત્ર દસ વર્ષની વયે ગાવાનું શરૂ કરી દીધું હતું. તેઓ 80 વર્ષથી ગાઈ રહ્યાં છે.

તેમણે હંસરાજ બહેલ, ઓપી નૈયર, મદન મોહન, આરડી બર્મન, ઈલૈયારાજા અને અનુ મલિકથી માંડીને એઆર રહેમાન સુધીના સંગીત દિગ્દર્શકો સાથે કામ કર્યું છે. તેમણે અનેક ગુજરાતી ગીતો પણ ગાયાં છે.

તેમણે મોહમ્મદ રફી, મુકેશ અને કિશોરકુમારથી માંડીને બોય જ્યૉર્જ તથા આદિત્ય નારાયણ સાથે ગીતો ગાયાં છે. ઉસ્તાદ અકબરઅલી ખાન સાથેના એક આલબમ માટે તેમને 1995માં ગ્રેમી ઍવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવ્યાં હતાં.

90 વર્ષની વયે સંગીતની આ સફર તથા અનુભવની નિચોડ માટે જ આશા ભોંસલેએ કદાચ મુગલ શબ્દનો ઉપયોગ કર્યો હશે.

આશા ભોંસલેએ 10,000થી વધુ ગીતો રેકૉર્ડ કર્યાં છે અને દરેક ગીતની પોતાની કહાણી હોય છે. આજે આપણે કેટલાંક ચૂંટેલાં ગીતો પાછળ છુપાયેલી કહાણીઓની વાત કરીશું.

આ કિસ્સા આશા ભોંસલેએ અલગ-અલગ ઇન્ટરવ્યૂ, કાર્યક્રમો અને તેમની પોતાની યૂટ્યૂબ ચેનલ પર સમયાંતરે શેર કર્યા છે.

ગ્રે લાઇન

અરમાન ભરે દિલ કી લગનઃ રિજેક્ટ થયાં આશા અને કિશોરકુમાર

દિલ્હીના મૅડમ તુસાદ મ્યુઝિયમમાં લાગેલી છે આશા ભોંસલેની પ્રતિમા

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, દિલ્હીના મૅડમ તુસાદ મ્યુઝિયમમાં લાગેલી છે આશા ભોંસલેની પ્રતિમા

1943માં મરાઠી ફિલ્મો સાથે પાશ્વગાયનની શરૂઆત કર્યા બાદ આશાને હિન્દી ગીતો મળવા લાગ્યાં હતાં. તેઓ અને કિશોરકુમાર બન્ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બિલકુલ નવાસવા હતા. એ સમયે સંગીત દિગ્દર્શક ખેમચંદ પ્રકાશનું નામ બહુ મોટું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બન્ને ગાયકને ખેમચંદ પ્રકાશનું એક ગીત રેકૉર્ડ કરવા માટે સ્ટુડિયોમાં બોલાવવામાં આવ્યા હતા. મ્યુઝિક રેકૉર્ડિસ્ટ રોબિન બેનરજી પણ ત્યાં હાજર હતા. બન્ને ગાયકોએ ગાવાનું શરૂ કર્યું, “અરમાન ભરે દિલ કી લગન તેરે લિયે હૈ...”

એ પછી શું થયું તેનો કિસ્સો અનેક પુસ્તકો અને આશાએ આપેલા ઇન્ટરવ્યૂમાં નોંધાયેલો છે. થયું એવું કે ગીત વચ્ચે રોકી દેવામાં આવ્યું હતું અને રોબિન બેનરજીએ કહ્યું કે આ ગાયકો નકામા છે. બન્નેને ગીત ગાવાની મનાઈ કરવામાં આવી હતી. એટલે કે જે ગાયકોના કૌશલ્યને લોકો આજે સલામ કરે છે તેમને રિજેક્ટ કરવામાં આવ્યા હતા.

આશાએ ‘મોમેન્ટ્સ ઇન ટાઈમ’ નામની પોતાની સત્તાવાર યૂટ્યૂબ ચેનલ પર આ કિસ્સો શેર કર્યો છે.

તેમાં આશાએ કહ્યું છે, “વર્ષો પછી અમે બન્ને ‘આંખો મેં ક્યા જી, સુનહરા બાદલ... ’ ગીત રેકૉર્ડ કરી રહ્યા હતા. કિશોરદા અચાનક રોકાઈ ગયા અને મને કહ્યું, જુઓ, વિલન બેઠો છે. તેમનો ઇશારો રોબિન બેનરજી તરફ હતો, જેમણે વર્ષો પહેલાં બન્નેને રિજેક્ટ કર્યા હતા. જતી વખતે કિશોરદાએ કહ્યું, રોબિન દા, અમને ઓળખ્યા કે નહીં. તમે અમને રિજેક્ટ કર્યા હતા. મેં કિશોરદાનો હાથ પકડતાં કહ્યું હતું, દાદા જવા દો....આવા હતા કિશોરદા.”

એ ગીત બાદમાં તલત મહેમૂદ અને ગીતા દત્તે ફિલ્મ ‘જાન પહેચાન’માં રાજ કપૂર અને નરગિસ માટે ગાયું હતું.

શરૂઆતમાં થયેલી મુશ્કેલી છતાં આશા ભોંસલેની સફળતા સંબંધે, સંગીત સંબંધી બાબતોના જાણકાર રાજીવ વિજયકર કહે છે. “આશા ભોંસલેની ખાસિયત સમય સાથે ચાલવાની છે. જૂની ચીજો જ સારી છે, એવું તેમણે ક્યારેય કહ્યું નથી. તેમનો અવાજ જેટલો ભજન માટે અનુકૂળ છે એટલો જ કેબ્રે માટે પણ અનુકૂળ છે.”

તેઓ ઉમેરે છે, “વૈવિધ્ય તેમની તાકાત છે અને એ તેને અહીં સુધી લાવ્યાં છે. તમે ‘આગે ભી જાને ના તૂ’ ગીત જુઓ તો તેમાં એક પ્રકારની ફિલસૂફી છે. તે નાઈટ ક્લબમાં ગવાયેલું ગીત પણ છે. આશાના એ ગીતમાં અજબ દર્દ છે. નાઈટ બારમાં ફિલ્માંકન થયું હોય તેવા ગીતમાં આ પ્રકારનો ભાવ લાવવાનું કામ મુશ્કેલ છે, જે આશા ભોંસલે કરી શક્યાં છે.”

ગ્રે લાઇન

‘દમ મારો દમ’ ગીત દેવ આનંદે કાઢી નાખ્યું

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GOPAL SHOONYA

દેવ આનંદની 1971ની કલ્ટ ફિલ્મ ‘હરે રામા હરે કૃષ્ણ’ના ‘દમ મારો દમ’ ગીતને કલ્ટ સોંગ માનવામાં આવે છે, પરંતુ આનંદ બક્ષીએ લખેલા તે ગીતને ફિલ્મમાંથી લગભગ કાઢી નાખવામાં આવ્યું હતું.

વાત એ સમયની છે, જ્યારે આ ગીત તૈયાર પણ થયું ન હતું. આશા ભોંસલે નેપાળમાં પ્રવાસ કરી રહ્યાં હતાં. તેમને એક કેફેમાં એક પરિચિત ચહેરો જોવા મળ્યો. આશાએ નજીક જઈને જોયું તો એ આર ડી બર્મન હતા.

‘મોમેન્ટ્સ ઇન ટાઈમ’ નામની સિરીઝમાં આશા કહે છે, “નેપાલના કેફેમાં આરડી બર્મન અનેક પ્રકારના સ્પૂલ સાંભળી રહ્યા હતા. તેમણે મને પણ એ સંભળાવ્યું. તેમાં કોઈ ગીત ન હતું. કોઈ શબ્દ ન હતા. માત્ર જાતજાતના અવાજ હતા. આરડી બર્મને એ બધાં સ્પૂલ ખરીદી લીધાં. એક મહિના પછી તેમણે મને એક ગીત ઑફર કર્યું.”

“એ ગીત મને બહુ ગમ્યું હતું અને મેં તે રેકૉર્ડ કર્યું હતું, પરંતુ બે દિવસ પછી આરડી એટલે કે પંચમે મને ફોન કરીને જણાવ્યું હતું કે એ ગીતને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યું છે. એ સાંભળતાં જ હું દિગ્દર્શકને ઘરે પહોંચી. મેં તેમને કહ્યું કે આ ગીત બહુ જ સારું છે. તમે તેને મહેરબાની કરીને હટાવશો નહીં. મેં બહુ આગ્રહ કર્યો. મેં વારંવાર કહ્યું ત્યારે દિગ્દર્શકે કહ્યું- ઠીક છે, તમે કહો છો તો હું આ ગીતને ફિલ્મમાં રાખીશ.”

એ ગીત હતું ‘દમ મારો દમ’ અને દિગ્દર્શક હતા દેવ આનંદ.

વાસ્તવમાં એ ગીત પર ઑલ ઇન્ડિયા રેડિયોએ પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે લોકોને લાગતું હતું કે તેમાં ડ્રગ્ઝ વગેરે છે. તેમ છતાં આશાનું એક ગીત જોરદાર હિટ સાબિત થયું હતું. એ ગીતે ઝીનત અમાનને રાતોરાત સ્ટાર બનાવી દીધાં હતાં.

બીબીસીનાં સહયોગી મધુ પાલ સાથેની વાતચીતમાં રાજીવ વિજયકર કરે છે, “દમ મારો દમ...ને આશાજીને ટૉપ ટેન ગીત પૈકીનું એક ગણી શકાય. એ ગીતનું ફિલ્માંકન ડ્રગ એડિક્ટ પર કરવામાં આવ્યું હતું. ગીતમાં નશીલાપણું હોય, થોડી માદકતા હોય તે જરૂરી હતું. ઝીનત અમાનના પશ્ચિમી પાત્રનો અવાજ બનવા માટે જે પ્રકારના અવાજની જરૂર હતી તેને આશાજીએ સહજતાથી નિભાવ્યો હતો. એ ગીત માટે આશાજીને ફિલ્મફેર ઍવૉર્ડ પણ મળ્યો હતો.”

બીબીસી ગુજરાતી

‘આજા આજા, મેં હું પ્યાર તેરા’ અને રફી, આશાની શરત

1966માં રજૂ થયેલી ‘તિસરી મંઝિલ’ ફિલ્મે આરડી બર્મનને આગવી ઓળખ આપી હતી અને શમ્મી કપૂરને વધારે ખ્યાતિ આપી હતી.

આશા ભોંસલે અને શમ્મી કપૂર વચ્ચે બહુ સારો સંબંધ હતો. આશા તેમને શમ્મીભૈયા કહેતા હતાં. શમ્મી કપૂર સંગીતની સમજ માટે જાણીતા હતા. આશાજીના ઘણા રેકૉર્ડિંગમાં શમ્મી કપૂર હાજર રહેતા હતા.

‘તિસરી મંઝિલ’ ફિલ્મનું એક ગીત હતું ‘આજા આજા, મૈં હૂં પ્યાર તેરા...’

એ ગીત માટે આરડી બર્મન આશા પાસે પ્રસ્તાવ લઈને ગયા હતા. ત્યારે પંચમ નવાસવા હતા.

‘ઇન્ડિયન આઇડલ’ કાર્યક્રમમાં આશા ભોંસલેએ આ ગીત સાથે સંકળાયેલો કિસ્સો સંભળાવ્યો હતો.

તેમણે કહ્યું હતું, “બર્મનજીએ ગાવાનું શરૂ કર્યું ‘આજા આજા, મૈં હૂં પ્યાર તેરા...’ એ વખતે તેમણે ‘અ આ આજા...’વાળો પોર્શનની વાત કરી ત્યારે મને ઝટકો લાગ્યો હતો કે એ મારાથી નહીં થઈ શકે. મારું અભિમાન તૂટી ગયું હતું. મેં કહ્યું, ચાર-પાંચ દિન બાદ કરતી હૂં.”

“હું ઓ હા હા...ની પ્રૅક્ટિસ કરતી હતી. મોટરમાં પ્રવાસ કરતી હોઉં ત્યારે પણ પ્રૅક્ટિસ કરતી હતી. બીજી તરફ નાસિર હુસૈન અને પંચમે રફીજી અને મારા પર રૂ. 500ની શરત લગાવી હતી કે આ ગીત વધુ સારી રીતે કોણ ગાશે. હું બહુ ડરેલી હતી. હું લતાદીદીના રૂમમાં ગઈ. તેમણે કહ્યું, અકળાય છે શા માટે. તું પહેલાં મંગેશકર અને પછી ભોંસલે છો એ વાત ભૂલી રહી છે. જાઓ, તુમ્હારા ગાના અચ્છા હોગા. મેં ગીત ગાયું અને પંચમ મારા પર લગાવેલી શરત જીતી ગયા.”

આશા ભોંસલેએ તેમના વીડિયોમાં જણાવ્યું છે કે એ ગીતનું રેકૉર્ડિંગ થતું હતું ત્યારે શમ્મીજીએ સ્ટુડિયોમાં આવીને તેમને મજાકમાં કહ્યું હતું કે “તુમ ઇતના અચ્છા મત ગાઓ. હું હીરો છું. તમે આટલી સારી રીતે ગીત ગાશો તો આશા પારેખ મારાથી વધારે સારાં લાગશે.”

બીબીસી ગુજરાતી

‘દિલ્હી કા ઠગ’ – કિશોરદાને જોઈતો હતો ગધેડો

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PUNNET KUMAR

કિશોરકુમાર અને નૂતનની એક ફિલ્મ ‘દિલ્હી કા ઠગ’ 1958માં પ્રદર્શિત થઈ હતી. મજરૂહ સુલતાનપુરીએ લખેલું અને રવિએ સંગીતબદ્ધ કરેલું એક ગીત ‘સીએટી કેટ, કેટ માને બિલ્લી..’ આ ફિલ્મમાં હતું.

હીરો-હિરોઈન વચ્ચેની નોંકઝોંકવાળા ગીતની યાદીમાં આ ગીતને સામાન્ય રીતે અવ્વલ ગણવામાં આવે છે. આશા ભોંસલે અને કિશોરકુમારે તે ગીત રેકૉર્ડ કરવાના હતાં. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક એસડી નારંગ પણ ત્યાં હાજર હતા.

ગીતના શબ્દો પ્રાણીઓ પર કેન્દ્રિત હતાઃ ‘સીએટી કેટ, કેટ માને બિલ્લી. આરએટી રેટ માને ચૂહા, જીઓએટી ગોટ માને બકરી, એલઆઈઓન લાયન, લાયન માને શેર...અરે દિલ હૈ તેરે પંજે મેં તો ક્યા હુઆ..’

કિશોરકુમારની ઇમેજ એવી હતી કે તેઓ ઘણી વાર વિચિત્ર હરકતો કરતા હતા. આશા ભોંસલે એ ગીત સંબંધી એક મજેદાર કિસ્સો સંભળાવે છે.

‘મોમેન્ટ્સ ઇન સૉંગ’ વીડિયોમાં તેઓ કહે છે, “અમે ગીત ગાઈ રહ્યાં હતાં. અચાનક કિશોરદાએ ચશ્માં નીચાં કર્યાં અને જોયું. હું સમજી ગઈ કે તેઓ કોઈ મસ્તી કરવાના છે. કિશોરદાએ કહ્યું કે તેમને એક ગધેડો જોઈએ છે. તેમનું કહેવું હતું કે આ ગીત પ્રાણીઓ વિશેનું છે તો તેમાં ગધેડો હશે તો ફીલ આવશે. નારંગ સાહેબને દરેક વાતમાં રાઈટ-રાઈટ કહેવાની આદત હતી.”

“કિશોરદાએ ગધેડાની ફરમાઈશ કરી તો તેમણે કહ્યું, રાઈટ-રાઈટ. તેમણે તેમની ટીમને ગધેડો શોધી લાવવા કહ્યું. મને ખબર હતી કે મુંબઈમાં ગધેડો ક્યાંથી મળશે. તેથી મેં દાદાને કહ્યું, ભૂખ લાગી છે. ગધેડો આવે ત્યાં સુધીમાં આપણે ચા-બિસ્કિટ ખાઈ લઈએ. અમે પાછા જતાં હતાં ત્યારે કિશોરદાએ મને કહ્યું, લોગ મુઝે પાગલ કહેતે હૈં. દેખો, આજ મૈંને સબકો ગધા બના દિયા.”

બીબીસી ગુજરાતી

‘અબ કે બરસ ભેજો, ભૈયા કો બાબુલ’ ગીત ગાતી વખતે આશા ભોંસલે રડી પડ્યાં

આશા ભોંસલેનો ઉછેર એક મોટા પરિવારમાં થયો હતો. તેમાં તેમની બહેનો લતા, ઉષા, મીના અને ભાઈ હૃદયનાથ હતાં. આશાને તેમને ભાઈ સાથે બહુ ગાઢ સંબંધ હતો. આશાજીના શબ્દોમાં કહીએ તો “એ હંમેશાં મારા ખોળામાં જ રહેતો હતો. તેને જે જોઈતું હોય તે મારી પાસે માગતો હતો. મને ઘોડો પણ બનાવતો હતો.”

આશા ભોંસલેએ પરિવારની મરજી વિરુદ્ધ 16-17 વર્ષની વયે ગણપતરાવ ભોંસલે સાથે લગ્ન કર્યાં હતાં એ વાત જગજાહેર છે. એ પછી થોડાં વર્ષો સુધી તેમનો પરિવાર સાથેનો સંબંધ તૂટી ગયો હતો. કેટલાંક વર્ષ તેઓ તેમના ભાઈને પણ મળ્યાં ન હતાં.

1991માં દૂરદર્શન પરથી પ્રસારિત એક મુલાકાતમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે કોઈ ગીત ગાયા પછી તેની અસર લાંબા સમય સુધી રહી હોય તેવું ક્યારેય બન્યું છે?

તેના જવાબમાં તેમણે કહ્યું હતું, “એક ગીત છે, જેની અસર આજ સુધી મારા પર છે. વાસ્તવમાં મેં બહુ વહેલાં લગ્ન કરી લીધાં હતાં અને મારા ભાઈથી વર્ષો સુધી દૂર રહી હતી. તેમને મળી ન હતી. બાળપણમાં જે રીતે માતા બાળકને સાથે જ રાખે તેવી રીતે હું મારા ભાઈને સંભાળતી હતી. મારા પુત્રનો જન્મ થયો ત્યારે હું તેમાં મારા ભાઈને શોધતી હતી. ખૈર, વર્ષો પછી એક ગીત મારી પાસે આવ્યું, પરંતુ એસડી બર્મન સાહેબે વારંવાર કહ્યું કે આ ગીત તું યોગ્ય રીતે ગાતી નથી.”

“મેં કહ્યું, શું કરું દાદા, આટલી વારથી તો ગાઈ રહી છું. તેઓ અચાનક માઈકમાંથી બોલ્યાઃ ક્યા તુમ્હારા ભાઈ નહીં હૈ? તને ભાઈની યાદ નથી આવતી? એમણે એટલું કહ્યું કે તરત જ હું રડવા લાગી. બર્મનદાએ જોયું અને કહ્યું, ગાના ગાઓ. એટલું કહીને તેઓ ચાલ્યા ગયા. એ ગીત હતું, અબ કે બરસ ભેજો ભૈયા કો બાબુલ.. હું એ ગીત ગાઉં છું ત્યારે રડવા લાગું છું.”

ફિલ્મ ‘બંદિની’નું એ ગીત નૂતન જેલમાં બંધ મહિલા કેદીઓ સાથે ગાય છે. તેના શબ્દો છેઃ “અબ કે બરસ ભેજો ભૈયા કો બાબુલ, સાવન મેં લીજો બુલાય રે. લૌટેંગી જબ મેરે બચપન કી સખિયાં, દિજો સંદેશ ભિયાજ રે...”

આ ગીત શૈલેન્દ્રે લખ્યું છે, જેમની જન્મશતાબ્દીની ઉજવણી કરવામાં આવી રહી છે.

રાજીવ વિજયકર કહે છે, “આશા ભોંસલેની પકડ ક્લાસિકલ ગીતો પર જેટલી મજબૂત છે એટલી જ મજબૂત કેબ્રેમાં પણ છે. દાખલા તરીકે ‘દેખો, બિજલી ડોલે બિન બાદલ કી ચમ ચમ ચમકે માથે કી બિંદિયા’ ગીત જુઓ કે પછી ‘તોરા મન દર્પણ કહેલાયે..’ ગીત.”

“ઑસ્કર વિજેતા કિરાવાની કહે છે કે તેઓ આશાજીને તેમના વેસ્ટર્ન મિજાજવાળાં ગીતો માટે જ જાણતા હતા, પરંતુ આશા ભોંસલેનાં ક્લાસિકલ ગીતો સાંભળ્યાં પછી તેમની ઓળખ એક અલગ આશા ભોંસલે સાથે થઈ છે.”

રેડ લાઇન
રેડ લાઇન