'છેલ્લો શો'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ ઍવૉર્ડ, કેવી છે ફિલ્મની કહાણી?

ઇમેજ સ્રોત, ROY KAPOOR FLIMS AND ORANGE STUDIOS
69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત 24 ઑગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે કરવામાં આવી. આ પુરસ્કારોમાં ગુજરાતી ફિલ્મોને ફાળે પાંચ પુરસ્કારો આવ્યા છે.
બેસ્ટ ગુજરાતી ફિલ્મ તરીકે ફિલ્મ ‘છેલ્લો શો’ અને શ્રેષ્ઠ બાળકલાકાર તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર આ જ ફિલ્મના બાળકલાકાર ભાવિન રબારીને એનાયત કરવામાં આવશે.
જ્યારે શ્રેષ્ઠ બાળ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર ‘ગાંધી ઍન્ડ કંપની’ને મળ્યો છે.
આ ઉપરાંત નોન-ફીચર ફિલ્મ કૅટેગરીમાં બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મનો નેશનલ ઍવૉર્ડ નેમિલ શાહ દ્વારા દિગ્દર્શિત અને નિર્માણ થયેલી ગુજરાતી ફિલ્મ ‘દાળ ભાત’ને મળ્યો છે.
આ ઉપરાંત નોન-ફીચર ફિલ્મ ‘પાંચિકા’ના ડિરેક્ટર અંકિત કોઠારીને બેસ્ટ ડેબ્યૂ નોન-ફીચર ફિલ્મ ઑફ અ ડિરેક્ટરનો નેશનલ ઍવૉર્ડ મળ્યો છે.
ભવની ભવાઈ, મિર્ચ મસાલા, રંગરસિયા, મંગલ પાંડે જેવી ફિલ્મોના દિગ્દર્શક કેતન મહેતાએ આ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ પુરસ્કારોની જાહેરાત વર્ષ 2021માં રજૂ થયેલી ફિલ્મો માટે કરવામાં આવી છે.
આ જાહેરાત કરતી વખતે કેતન મહેતાએ કહ્યું, “કોવિડને કારણે 2021 વર્ષમાં રજૂ થયેલી ફિલ્મોની સંખ્યા ઓછી હતી. તેને કારણે ઉચ્ચ ગુણવત્તાવાળી ફિલ્મોની સંખ્યા પણ મર્યાદિત હતી. આ પુરસ્કારો માટે ખૂબ ઓછી ફિલ્મોની એન્ટ્રી આવી હતી. તેમાંથી આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.”
આ ઉપરાંત હિન્દી ફિલ્મ ‘રૉકેટ્રી’ને બેસ્ટ ફીચર ફિલ્મ જાહેર કરવામાં આવી છે. ફીચર ફિલ્મોની વિવિધ કેટેગરીમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે આલિયા ભટ્ટ અને ફિલ્મ ‘મિમિ’ માટે ક્રિતિ સેનનને શ્રેષ્ઠ અભિનેત્રીનો સંયુક્ત પુરસ્કાર જાહેર થયો છે. જ્યારે મિમિ ફિલ્મ માટે જ અભિનેતા પંકજ ત્રિપાઠીને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર જાહેર થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગંગુબાઈ કાઠિયાવાડીને બેસ્ટ સ્ક્રીનપ્લે (પટકથા) અને બેસ્ટ ડાયલૉગ (સંવાદ), બેસ્ટ એડિટિંગ, બેસ્ટ મેકઅપ કૅટેગરીમાં નેશનલ ઍવૉર્ડ મળ્યા છે.
જ્યારે વિકી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ને બેસ્ટ હિન્દી ફિલ્મ, બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇનર, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન, બેસ્ટ ઓડિયોગ્રાફી, બેસ્ટ સિનેમેટોગ્રાફી માટેના ઍવૉર્ડ જાહેર થયા છે.
નોંધનીય છે કે છેલ્લો શોને વર્ષ 2023માં ઑસ્કરમાં ભારતની ઑફિશિયલ ઍન્ટ્રી તરીકે પણ મોકલાઈ હતી. જે બાદ આ ફિલ્મ અને તેના નિર્દેશક પાન નલિન ચર્ચામાં આવ્યા હતા.
જોકે, અંતે ફિલ્મ ઑસ્કર ઍવૉર્ડ મેળવી શકી નહોતી.
જેટલી રસપ્રદ આ ફિલ્મ હતી એટલી જ રસપ્રદ નિર્દેશકની પણ કહાણી છે.

છેલ્લો શો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતનું એક નાનકડું ગામ. મૉર્ડન જીવનના તામઝામથી દૂર, ખુલ્લું આકાશ અને દૂર-દૂર સુધી પ્રસરેલાં ખેતરો ધરાવતા ગામમાં નવ વર્ષનું બાળક સંતાઈને ફિલ્મ જોવા માટે થિયેટરમાં જાય છે અને સિનેમાની એક જાદુઈ દુનિયાના સંપર્કમાં આવે છે. તેના મનમાં સિનેમા પ્રોજેક્ટર બનાવવાની ઇચ્છા પ્રગટે છે અને તે એક એવી દુનિયામાં પ્રવેશે છે જે તેના માટે કોઈ જાદુથી કમ નથી.
આવી જ કંઈક કહાણી છે ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ની.
આ તો હતી ફિલ્મની વાત, હવે વાત કરીએ અસલ કહાણીની.
ગુજરાતમાં ગીરનું એક નાનકડું ગામ. ખુલ્લા આકાશ તળે અને ખેતરોમાં જીવન વિતાવનાર એક બાળકને સિનેમા સાથે પ્રેમ થઈ જાય છે અને તે ખુદ સિનેમા વિશે શીખવાડે છે અને એક દિવસ ફિલ્મકાર બને છે. જેની ફિલ્મો વિશ્વભરમાં ધૂમ મચાવે છે. આ સત્ય કહાણી છે ગુજરાતના પાન નલિનની. જેઓ 'છેલ્લો શો' ફિલ્મના નિર્દેશક અને પ્રોડ્યૂસર છે.
તેમની ફિલ્મ 'છેલ્લો શો' અને તેમની જીવનમાં સમાનતા સ્પષ્ટપણે નજરે પડે છે અને ફિલ્મમાં જે પાત્ર દર્શાવવામાં આવ્યું છે, તે નલિનના બાળપણ જેવું જ લાગે છે.
નલિનકુમાર પંડ્યા એટલે કે પાન નલિન ગુજરાતથી નીકળીને બોલીવૂડ અને હોલીવૂડ સુધી પોતાની છાપ છોડી ચૂક્યા છે.
નલિને ગામમાંથી નીકળીને વડોદરાથી ફાઇન આર્ટ્સનો અભ્યાસ કર્યો અને અમદાવાદમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનમાં ગયા. જ્યાં તેમને વર્લ્ડ સિનેમા જોવા અને સમજવાની તક મળી.

ઇમેજ સ્રોત, INSTAGRAM/@PAN.NALIN
તેમની ફિલ્મ 'છેલ્લો શો' ઘણા સમયથી વિવિધ ફિલ્મ સમારોહમાં પુરસ્કાર જીતી રહી હતી. ભારતમાં આરઆરઆર જેવી ફિલ્મને પડતી મૂકીને આ ફિલ્મને ઑસ્કર માટે મોકલવામાં આવી હતી.
પાન નલિન કદાચ એકમાત્ર ગુજરાતી ફિલ્મકાર છે, જેમને ઍકેડમી ઑફ મોશન પિક્ચર્સ આર્ટ્સ ઍન્ડ સાયન્સે ઍકેડમીના સભ્ય બનવા માટે આ વર્ષે આમંત્રિત કર્યા હોય અને તેમની ફિલ્મને ભારતે ઑસ્કર માટે મોકલી હોય.
ફિલ્મમાં મુખ્ય પાત્ર ભાવિન રબારીનાં પણ ઘણાં વખાણ થયાં હતાં.એક એવું બાળક છે જેને એક ફિલ્મ જોયા બાદ કુતૂહલ થાય છે પણ તેની પરિસ્થિતિ વધુ સારી ન હોવા છતાંય તે દુનિયાને કહાણીઓ સંભળાવવા માગે છે.
ફિલ્મો જોવા માટે સમય ફઝલ નામના એક પ્રોજેક્શનિસ્ટ સાથે મિત્રતા કરે છે અને તેમને પોતાનું ટિફિન આપે છે. તેનાં માતા તેને રોજ સ્વાદિષ્ટ ભોજન આપતાં હોય છે. તેની લાલચ કે નિઃસ્વાર્થ ભાવના એટલી જ હોય છે કે ટિફિનના બદલામાં તે સિનેમા હૉલમાં ફિલ્મ જોઈ શકે.
"આ બધો ખેલ વાર્તાઓનો છે. ભવિષ્યના બધા માલિકો વાર્તાકારો છે" સમયને અંદરથી સંભળાતો આ અવાજ જ તેને નવા રસ્તે લઈ જાય છે.

પાન નલિને બનાવેલી ફિલ્મો

- 2001- આયુર્વેદ આર્ટ ઑફ બીઇંગ (ડૉક્યુમેન્ટરી)
- 2002- સમસારા (ફીચર ફિલ્મ)
- 2006- વૅલી ઑફ ફ્લાર્સ (ફીચર ફિલ્મ)
- 2015- ધ ઍંગ્રી ઇન્ડિયન ગૉડેસીઝ (હિંદી ફીચર ફિલ્મ)
- 2022- છેલ્લો શો

નલિનને કેવી રીતે થયો સિનેમા સાથે પ્રેમ

ઇમેજ સ્રોત, TREESHUL MEDIA
સિનેમાનો જાદુ તેના પર એ રીતે છવાઈ જાય છે કે તે સપનામાં પણ સૅલ્યુલૉઇડના પહાડો પર કૂદતો હોય છે.
ઝિલ્ન ઇન્ટરનેશનલ ફિલ્મ ફૅસ્ટિવલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પાન નલિન કહે છે, "એ સીન કોઈ પણ સ્પેશિયલ ઇફેક્ટ વગર શૂટ થયો છે. મારી ટીમે ભારતભરમાંથી 35 એમએમ સૅલ્યુલૉઇડ પ્રિન્ટ શોધી. આ પડકારજનક કામ હતું, કારણ કે મોટા ભાગની પ્રિન્ટ સળગાવી દેવામાં આવી હતી."
"બાકીની પ્રિન્ટ આર્કાઇવ્ઝમાં હતી. તમામ રીલ એકઠી કરવામાં આઠ મહિના લાગ્યા હતા. આ સીન હકીકતમાં ઘણો ખતરનાક હતો, કારણ કે જો રીલ પર જરાય ખોટી રીતે કૂદવામાં આવે તો રીલની ધાર વાગવાની શક્યતા હતી. પણ ભાવિને તે સીન ઘણી સારી રીતે ભજવ્યો. એક વખત નહીં પણ પાંચ વખત."
પાન નલિનની વાત કરીએ તો તેમના પિતા રેલવેસ્ટેશન પર ચાનો સ્ટૉલ ચલાવતા હતા. પરંતુ પાન નલિનના જીવનની ગાડી તો બીજા સ્ટેશન પર રોકાવાની હતી. આઠ-નવ વર્ષની ઉંમર સુધી તો તેમણે સિનેમાહૉલ પણ નહોતું જોયું.
ત્યાંથી ઑસ્કર સુધીની સફરમાં તેમણે ઘણા ઉતાર-ચઢાવ જોયા. આજે ભલે તેઓ ચર્ચામાં હોય પરંતુ તેઓ આ ઇન્ડસ્ટ્રીમાં બે દાયકાથી છે અને સફળ થયા છે. આ સફરમાં તેમણે જેન્ડરથી લઈને આધ્યાત્મ જેવા અનેક મુદ્દા અડ્યા છે.
2015માં આવેલી તેમની હિંદી ફિલ્મ ઍંગ્રી ઇન્ડિયન ગૉડેસસ જેન્ડરના વિષય પરની કહાણી છે જેમાં ચાર બહેનપણી, તેમનાં સપનાં, તેમની સમસ્યાઓની વાત છે અને પોતાનાં હિતો માટે ઊભી થનાર એક યુવતી પર બળાત્કાર થાય છે અને તેની હત્યા થઈ જાય છે તો બાકીની બહેનપણીઓ અવાજ ઉઠાવે છે.

ઇમેજ સ્રોત, INSTAGRAM/@ROYKAPURFILMS
ભારતથી નીકળીને પાન નલિને યુરોપમાં રહીને કેટલાય પ્રયોગો કર્યા અને ફિલ્મો બનાવી.
2001માં જ્યારે ફિલ્મ સમસારા આવી તો દુનિયામાં તેમની નોંધ લેવાઈ, જે ભારત, ઈટાલી, ફ્રાન્સ સહિત અનેક દેશોનું કો-પ્રોડક્શન હતું. આ એક બૌદ્ધ ભિક્ષુના મોક્ષ હાંસલ કરવાની કહાણી હતી. 2002માં આને મેલબર્ન ઇન્ટરનેશન ફિલ્મ ફૅસ્ટિવલમાં પુરસ્કાર મળ્યો હતો.
ત્યારે 2001માં આયુર્વેદ પર તેમની ડૉક્યુમૅન્ટરીએ જર્મનીમાં સારી એવી કમાણી કરી હતી. આનું નામ હતું આયુર્વેદ આર્ટ ઑફ બિઈંગ. કહેવાનો અર્થ એ કે પાન નલિનની રેન્જ અને ટૅલેન્ટ વ્યાપક છે.
ફિલ્મો અને ફિલ્મકારોની તેમના પર ઘેરી અસર રહી છે, જે તેમની ફિલ્મ છેલ્લો શો જોઈને કહી શકાય. તેઓ પોતાની ફિલ્મમાં કેટલી જગ્યાએ અલગ-અલગ ફિલ્મકારો અને તેમની સ્ટાઇલને પોતાની રીતે સામેલ કરે છે.
પોતાની ફિલ્મના ચયન પર પાન નલિને ટ્વીટ કરીને લખ્યું હતું કે, "ઓહ માય ગોડ ! આજની રાત અજોડ બની રહેશે! ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા પ્રત્યે કૃતજ્ઞતા તથા જૂરી મેમ્બરોનો આભાર. 'છેલ્લો શો'માં વિશ્વાસ દાખવવા બદલ તમારો આભાર. હવે હું ફરીથી શ્વાસ લઈ શકીશ અને સ્વીકારીશ કે સિનેમા મનોરંજન આપે છે, પ્રેરણા આપે છે.'

ઇમેજ સ્રોત, TREESHUL MEDIA
પાન નલિનની આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે બાળકલાકારને શોધવું સહેલું નહોતું. નલિનની ટીમે તેમને સૌરાષ્ટ્ર અને કચ્છના અંતરિયાળ વિસ્તારમાંથી શોધ્યાં.
જ્યાં નલિનના પિતા રેલવેસ્ટેશન પર કામ કરતા હતા ત્યાં મુખ્ય ભૂમિકા ભજવનાર બાળકલાકાર ભાવિન રબારીના પિતા અલગ-અલગ શહેરો વચ્ચે બસ ચલાવે છે. ફિલ્મમાં કામ કરનાર બાળકો અલગ-અલગ છે, જેમ કે રબારી, કોળી, સિદી સમુદાય.
બાળપણનું ભોળપણ અને સપનાં દર્શાવતી આ ફિલ્મ 1998માં આવેલી ઈટાલિયન ફિલ્મ સિનેમા પૅરાડિઝોની કહાણી જેવી છે.
પાન નલિનની ફિલ્મ છેલ્લો શોને ગત અઠવાડિયે સિદ્ધાર્થ રૉય કપૂરની કંપનીએ ભારતમાં રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો.














