કાશીનો દીકરો : દોઢ પાનાની વાર્તા પરથી બનેલી આ ગુજરાતી ફિલ્મ ઇતિહાસમાં ‘માઈલસ્ટોન’ કેવી રીતે બની ગઈ?

ઇમેજ સ્રોત, Mutthi Unchera Kanti Madiya
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી ગુજરાતી
કેટલીક ફિલ્મો એવી હોય છે જે સિનેમા માટે માપદંડ બની જાય છે. સિનેમા જે ઘરેડમાં ચાલતું હોય છે ત્યાંથી એક નવા વળાંક પર તેને લઈ જાય છે. આવી ફિલ્મ ઇતિહાસમાં નોંધાય છે અને ભવિષ્યમાં તેની સતત નોંધ લેવાય છે.
આવી જ એક ગુજરાતી ફિલ્મ એટલે વર્ષ 1979માં રજૂ થયેલી 'કાશીનો દીકરો'.
લોકકથામાં પરોવાયેલા મોતીઓની જેમ જ્યારે ગુજરાતી ફિલ્મોની વણજાર લાગી હતી ત્યારે આ ફિલ્મ એવો મણકો બનીને સામે આવી હતી જેને સિનેમાના ચાહકો ‘હટકે’ ફિલ્મ કહે છે.
ગુજરાતી ફિલ્મોમાં સંવેદનશીલ સ્ત્રી પાત્રો તો ખૂબ જોવા મળે છે, પરંતુ સશક્ત અને સંવેદનશીલ સ્ત્રી પાત્રો ધરાવતી ગુજરાતી ફિલ્મોમાં 'કાશીનો દીકરો' પણ સહજ રીતે સામેલ થાય છે.
આ ફિલ્મને ટિકિટબારી પર ખૂબ મોટી સફળતા નહોતી મળી પરંતુ તેને ગુજરાતી સિનેમાની દિશા બદલનારી ફિલ્મ તરીકે જરૂર જોવામાં આવી હતી.
કાશી એક એવું પાત્ર હતું જે પરિવાર પ્રત્યે સમર્પિત પ્રેમાળ અને દયાળુ મહિલા છે. અને પોતાના જ પરિવારની એક મહિલાનું સમાજના ધોરણો મુજબ સન્માન જળવાઈ રહે તે માટે એક મોટો નિર્ણય કરે છે.
કાશીનાં લગ્ન પ્રતિષ્ઠિત કુટુંબમાં થયાં હતાં. સાસુ મરતી વખતે પોતાના દીકરા કેશવની જવાબદારી કાશીને સોંપે છે.
કાશીને પોતાનો એક દીકરો શંભુ પણ છે. કાશી દિયર કેશવને અને પોતાના દીકરાને એકસરખા પ્રેમ અને માવજતથી ઉછેરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિયરનાં લગ્ન કાશી રમા સાથે કરાવે છે.
લગ્નની રાતે સાપ કરડતાં કેશવ મરણ પામે છે. દિયરની વિધવા રમાને કાશી પોતાની દીકરીની જેમ રાખે છે.
એક વખત કાશીના પતિની રમા પર નજર બગડે છે. પુત્રવધૂ પર બળાત્કાર કરે છે. જે બાદ રમાને ગર્ભ રહે છે. પતિ, પરિવાર અને પુત્રવધૂની આબરૂ બચાવવા કાશી પોતે ગર્ભવતી છે એવું કહીને રમાને લઈને તીર્થ યાત્રાએ ઊપડે છે.
"મૂઉઁ...આ ઉંમરમાં...મને તો બહુ શરમ આવે છે, પણ ભાયડા આગળ આપણું કંઈ ચાલે?" રમાની છૂપી સુવાવડ પછી કાશી, રમા અને રમાનું બાળક લઇને ઘરે આવે છે.
સૌને એવું જ લાગે છે કે આ કાશીનો દીકરો છે. અંતે કાશી મરણ પથારીએ હોય છે ત્યારે રમાને જ તેનું બાળક સોંપે છે.

21 વર્ષનાં રાગિણીએ 60 વર્ષનાં કાશીની ભૂમિકા ભજવી

ઇમેજ સ્રોત, Muthhi Unchera Kanti Madiya, Book
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફિલ્મની કહાણી જાણ્યા પછી તેના કલાકસબીઓનો પરિચય મેળવી લઈએ.
ગુજરાતી નાટ્યજગતમાં જેમનું નામ અદબથી લેવાય છે એવા કાન્તિ મડિયાએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું.
ગુજરાતી સાહિત્યનાં જાણીતાં સાહિત્યકાર વિનોદિની નીલકંઠની વાર્તા દરિયાવ દિલનાં મોતી(1958) પરથી ફિલ્મ બની હતી.
ફિલ્મની પટકથા અને સંવાદ પ્રબોધ જોષીએ લખ્યા હતા. ફિલ્મમાં કાશીની ભૂમિકા અભિનેત્રી રાગિણી અને રમાની ભૂમિકા રીટા ભાદુરીએ ભજવી હતી.
આ ઉપરાંત ફિલ્મમાં રાજીવ, ગીરેશ દેસાઈ, લીલાબહેન જરીવાલા, અરવિંદ વૈદ્ય, જગદીશ શાહ, પી.ખરસાણી વગેરે કલાકારો હતાં.
58-60 વર્ષનાં કાશીનો રોલ કરનારાં રાગિણી એ સમયે 21 વર્ષનાં હતાં. રાગિણીને જ્યારે ફિલ્મ ઑફર થઈ ત્યારનો પ્રસંગ રસપ્રદ છે.
મુંબઈમાં પેડર રોડ પરના કાન્તિ મડિયાના ઘરે રાગિણી ફિલ્મની મસલત માટે ગયાં ત્યારે ત્યાં જાણીતાં વરિષ્ઠ અભિનેત્રી દીના પાઠક અને અભિનેતા રાજીવ હાજર હતાં.
મડિયાએ ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી. ત્યાં દીના પાઠક પણ હતાં એટલે ત્યારે રાગિણીને લાગ્યું કે કાશીનો રોલ તો દીનાબહેન જ ભજવશે અને પોતાને દેરાણી રમાનો રોલ મળશે. પરંતુ મડિયાએ કહ્યું, "રાગિણી તું કાશી બનીશ?"
તેમણે એ શબ્દો કહ્યા ત્યારે રાગિણી સહિત સૌને નવાઈ લાગી? મડિયાએ રાગિણીને કહ્યું, "મને તારી આંખો જોઈએ છે. તારો ચહેરો કાશી માટે પરફેક્ટ છે."
રાગિણીએ ઉંમરલાયક મહિલાનો રોલ કોઈ પણ મેકઅપ વગર, વાળમાં સફેદ વાઇટનર અને સુતરાઉ સાડલા પહેરીને ભજવ્યો હતો.
અમેરિકન રેડિયોને આપેલી એક મુલાકાતમાં રાગિણીએ કહ્યું હતું કે, "ભર જુવાનીમાં ઇમેજની પરવા કર્યા વગર મેં પ્રૌઢ મહિલાનો રોલ એટલા માટે કર્યો હતો કેમ કે મને ખાતરી હતી કે મડિયા છે એટલે વાંધો નહીં આવે."

"પૈશાનું જે થવું હોય તે થાય, તમતમારે બનાવો જેવી બનાવવી હોય એવી ફિલિમ"

ઇમેજ સ્રોત, Mutthi Unchera Kanti Madiya
કાશીનો દીકરો ફિલ્મનું શૂટિંગ વડોદરા નજીક હાલોલના લકી સ્ટુડિયોમાં થયું હતું.
સ્ટુડિયોની બહારનાં એટલે કે આઉટડોર દૃશ્યો પણ હાલોલ પાસે જ ફિલ્માવાયાં હતાં.
દોઢ મહિનામાં શૂટિંગ આટોપવામાં આવ્યું હતું.
કળાનિર્દેશક છેલ પરેશની જોડીએ સ્ટુડિયોમાં ગામડાનો સેટ ઊભો કર્યો હતો.
સિરિયલોના કલાકાર તેમજ કેટલીક ફિલ્મોમાં નાના રોલ કરનારા જાવેદ ખાને પણ આ ફિલ્મમાં નાની ભૂમિકા ભજવી હતી, તેમજ તેઓ કાન્તિ મડિયાના સહાયક ડિરેક્ટર હતા.
મજાની વાત એ છે કે અભિનેતા પરેશ રાવલે જાવેદ ખાનની ભૂમિકાનું ગુજરાતી ડબિંગ કર્યું હતું.

ઇમેજ સ્રોત, Muthhi Unchera Kanti Madiya, Book
ફિલ્મમેકર અને લેખક સંજય છેલે નાનપણથી કાન્તિ મડિયા સાથે કામ કર્યું હતું. 'કાશીનો દીકરો'માં પણ સંજય છેલે બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી.
સંજય છેલે મડિયા વિશે 'મુઠ્ઠી ઊંચેરા કાન્તિ મડિયા' નામનું પુસ્તક તૈયાર કર્યું છે.
જેમાં નાટક - ફિલ્મનાં પ્રતિષ્ઠિત લોકોએ કાન્તિ મડિયા સાથેનાં પોતાનાં સંભારણાં લખ્યાં છે.
'મુઠ્ઠી ઊંચેરા કાન્તિ મડિયા' પુસ્તકમાં ફિલ્મ 'કાશીનો દીકરો' વિશે એક આંગત વિભાગમાં ફિલ્મ બનવાની કહાણીનું વર્ણન કરવામાં આવ્યું છે.
કાન્તિ મડિયા મૂળે નાટકના જીવ હતા. તેમણે જીવનભર નાટકો જ તૈયાર કર્યાં અને ભજવ્યાં હતાં.
કાશીનો દીકરો તેમણે બનાવેલી પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મ પણ અણધારી જ સર્જાઈ હતી. તેની પાછળનો પ્રસંગ રસપ્રદ છે.
મુંબઈસ્થિત પત્રકાર કેતન મિસ્ત્રીએ પુસ્તકમાં લખ્યું છે કે 'કાન્તિ મડિયા એક નાટક લઈને લંડન ગયા હતા. જ્યાં તેઓ એનઆરઆઈ નરેશ પટેલ મળ્યા હતા. નાટક જોઈને તેઓ ઓવારી ગયા હતા. તેમણે મડિયાને નાટક પરથી ફિલ્મ બનાવવા પૈસા આપવાની ઑફર કરી.'
મડિયાને ત્યારે એવું લાગ્યું કે ઉત્સાહમાં આવી જઈને પટેલે આવું કહ્યું હશે. મડિયાએ જવાબ આપ્યો કે, "તમે મુંબઈ આવો ત્યારે મળજો. જોઈશું."
પછી નરેશ પટેલ મુંબઈ આવ્યા અને મુંબઈની ઍમ્બૅસૅડર હોટલની બાજુની એક રેસ્ટોરાંમાં મિટિંગ થઈ.
એ મિટિંગમાં કાન્તિ મડિયાની સાથે જાણીતા ગુજરાતી પત્રકાર દિગંત ઓઝા, નાટ્યલેખક પ્રબોધ જોષી, ગુજરાતી રંગભૂમિના જ્ઞાનભોમિયા નિરંજન મહેતા અને નરેશ પટેલ હતા.
ચા પીતાંપીતાં નિરંજનભાઈએ નરેશ પટેલને કહ્યું કે, "એક વાત તમે સમજી લેજો નરેશભાઈ, હાલ જે પ્રકારની ફિલ્મો બને છે એવી ફિલ્મ મડિયા બનાવશે નહીં."
નરેશભાઈએ ચરોતરી ઢબે જવાબ આપ્યો કે, "કશો વોંધો નઈં. તમતમારે બનાવો જેવી બનાવવી હોય એવી ફિલિમ.પૈસાનું જે થવું હોય તે થાય. આપણને કોઈ પ્રૉબ્લેમ નઈં."
પછી ગાડી પાટે ચડી અને તૈયાર થઈ "કાશીનો દીકરો".

ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયાં...

ઇમેજ સ્રોત, Mutthi Unchera Kanti Madiya
સંગીત કર્ણપ્રિય હોય તો એ લોકોના હૈયામાં ફિલ્મ કરતાં લાંબો વસવાટ કરે છે અને એ રીતે સંગીત ફિલ્મની આવરદા લાંબી કરી નાખે છે.
'કાશીનો દીકરો' ફિલ્મનાં ગીતો એવાં નીવડેલાં છે કે આજે પણ ગુજરાતી સંગીતનાં કાર્યક્રમોમાં અને લગ્નના કાર્યક્રમોમાં ગવાતાં રહે છે.
ફિલ્મમાં કુલ પાંચ ગીતો હતાં. 'એવા રે મળેલા મનના મેળ' (કવિ બાલમુકુંદ દવે), 'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં' (કવિ રમેશ પારેખ), 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' (કવિ રાવજી પટેલ), 'ઝીણા ઝીણા રે આંકે' (કવિ અનિલ જોષી) અને 'રોઈ રોઈ ઊમટે' (કવિ માધવ રામાનુજ).
આ ગીતો તમને ઑનલાઇન પણ સાંભળવા મળશે. સામાન્ય રીતે એવું થતું હોય છે કે ગીતકારને કહીને ફિલ્મ માટે ગીત લખાવવામાં આવે છે, પરંતુ આમાં તો ચુનંદા કાવ્યોને પસંદ કરીને તેને સંગીતબદ્ધ કરવામાં આવ્યાં હતાં.
એકમાત્ર 'ઝીણા ઝીણા રે આંકે...' ગીત અનિલ જોષી પાસે તાબડતોબ લખાવાયું હતું. એ વખતે ફિલ્મોમાં લોકગીતોનું પણ પ્રચલન હતું અને 'કાશીનો દીકરો' ફિલ્મનાં ગીતો એ શ્રેણીનાં નહોતાં.
ડિરેક્ટર કાન્તિ મડિયાની કાવ્યસૂઝ કેળવાયેલી હતી. તેમનાં નાટકોનાં શીર્ષકો જુઓ તો એમાં પણ એ તરી આવે છે.
જેમકે, કોઈ ભીંતેથી આયના ઉતારો, આતમને ઓઝલ રાખ મા, મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ. તેથી તેમણે વીણી વીણીને કાવ્યો પસંદ કરીને તેને ફિલ્મના સંગીતબદ્ધ કરાયાં.
સંજય છેલના પુસ્તકમાં ઉલ્લેખ છે કે 'કાશીનો દીકરો' માટે સંગીતકાર તરીકે મડિયા હિન્દીના જાણીતા સંગીતકાર જયદેવને લેવા માગતા હતા.
જયદેવ તેમના ખાસ દોસ્ત હતા. એ વખતે ફિલ્મના ઍક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર નિરંજન મહેતાએ કહ્યું કે, "ગુજરાતી લેખિકાની વાર્તા પરથી ગુજરાતી કલાકારોવાળી ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી સંગીતકાર જ હોવા જોઈએ."
એ પછી મડિયા મૂંઝાયા ત્યારે નિરંજન મહેતાએ જ તેમને સંગીતકાર ક્ષેમુ દિવેટીયાનું નામ સૂચવ્યું હતું.
જે મડિયાને એકદમ યોગ્ય લાગ્યું હતું. ક્ષેમુ દિવેટીયા એ વખતે અમદાવાદ હતા.
તેમણે કહ્યું કે મુંબઈ જઈને રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં અરેન્જર્સ સાથે કામ કરવાનું વગેરે મને નહીં ફાવે.
એ વખતે સંગીતકાર ગૌરાંગ વ્યાસે એમાં તેમને સહયોગ આપ્યો. 'સંતૂરનવાઝ' પંડિત શિવકુમાર શર્મા, 'વાંસળીનવાઝ' પંડિત હરીપ્રસાદ ચૌરસીયા, ઝરીન દારૂવાલા જેવા શાસ્ત્રીય સંગીતના નીવડેલાં વાદકોએ પણ સૂરતાલ પુરાવ્યાં હતાં.
પત્રકાર દિગંત ઓઝા પણ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર હતા.

"કાશીના દીકરા"નું બાળમોત આપણને નહીં પરવડે

ઇમેજ સ્રોત, Mutthi Unchera Kanti Madiya
જાણીતા ફિલ્મ સમીક્ષક સલીલ દલાલને આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોની દિશા બદલી નાખનારી જણાઈ હતી.
1 જુલાઈ, 1979ના રોજ સંદેશ અખબારની પૂર્તિમાં પોતાની કૉલમ ફિલમની ચીલમમાં તેમણે લખ્યું હતું કે, "આ એક એવી ફિલ્મ છે જે કદાચ ગુજરાતી ફિલ્મોના નિર્માતાઓને સતી, જતિ અને બહારવટિયાની મુખ્યત્વે અંધશ્રદ્ધા ધરાવતી ફિલ્મોના નિર્માણના કુંડાળામાંથી બહાર કાઢી શકશે."
તેમણે એમ પણ લખ્યું હતું કે, "આપણો ગુજરાતીઓનો આ એકનો એક કાશીનો દીકરો લાંબું આયુષ્ય પામે એ જોવાની દરેક ગુજરાતીની ફરજ છે. એનું બાળમોત આપણને હરગિજ ન પરવડે."
આ જ લેખમાં કૉલમિસ્ટે, ફિલ્મ વિશે જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીનું કથન પણ નોંધ્યું છે, જે કંઈક આવું હતું, "હવે ગુજરાતી ચલચિત્ર વિશે વાત કરતાં શરમાવું નહીં પડે."
કાશીનો દીકરો અમદાવાદમાં સાતેક અઠવાડિયાં ચાલી હતી.
મુંબઈના રોક્સી સિનેમાગૃહમાં પણ ફિલ્મ રજૂ થઈ હતી.
ટિકિટબારી પર ફિલ્મને મોટી સફળતા મળી નહોતી.
જોકે એ ફિલ્મની નિરંતર નોંધ લેવાઈ છે. જ્યારે પણ ગુજરાતી સિનેમામાં કંઈક નવું કરવાની વાત આવે ત્યારે ‘કાશીનો દીકરો’નો અચૂક ઉલ્લેખ થાય છે.
વિનોદની નિલકંઠની દોઢેક પાનાની વાર્તા ‘દરિયાવ દિલ’ વાંચતા દસથી પંદર મિનિટ લાગે.
આ ટૂંકી વાર્તા પરથી 3,782 મીટર એટલે કે 16 રીલની અઢી કલાકની ફિલ્મ બનાવવામાં આવી હતી.
તેથી તેમાં દૃશ્યો, સંવાદો અને સંગીત વગેરે ઉમેરવા પડ્યાં હોય તેવું પણ ફિલ્મ સમીક્ષકોને લાગ્યું છે.
ફિલ્મના પટકથા – સંવાદ લેખક પ્રબોધ જોષી પણ મૂળ નાટકના જીવ હતા.
જાણીતા ફિલ્મ સમીક્ષક અમૃત ગંગર પોતાના પુસ્તક ‘રૂપાંતર’માં નોંધે છે કે, "ક્રેડિટ ટાઇટલો પછી આવતાં પ્રથમ દૃશ્યમાં પાત્રો જાણે રંગમંચની વિંગમાંથી જમણેથી ડાબી તરફ પ્રવેશે છે અને વચ્ચે આવીને બેસે છે."
"આવું સામાન્ય રીતે નાટકોમાં થતું હોય છે. ફિલ્મની પહેલી જ ફ્રેમમાં લાગે કે આપણે કોઈ ફિલ્મ નહીં નાટક જોઈ રહ્યા છીએ. સ્ટુડિયોમાં બાંધેલા સ્ટેજ પણ નાટકીય લાગે છે."
કાશીનો દીકરો ફિલ્મને રાજ્યસ્તરના ડઝનેક સરકારી પુરસ્કાર મળ્યા હતા.
અમૃત ગંગર લખે છે કે, 'ફિલ્મની આવી ટીકા કેમ કરી શકાય એમ કદાચ કોઈ વાચકને લાગશે, પણ એ હકીકત છે કે રાષ્ટ્રીય સ્તર પર ભારતીય પેનોરામા વિભાગમાં આ ફિલ્મ રિજેક્ટ થઈ હતી.'
નાટકમાં જેમ કલાકારો પોતાનાં દૃશ્યોમાં પોતાના અભિનયને સતત માંજતા રહે છે એટલે કે ઇમ્પ્રોવાઇઝ કરતા રહે છે તેમ કાન્તિ મડિયાએ જો બીજી કોઈ ફિલ્મ બનાવી હોત તો ટેકનિકલી કદાચ એ ઇમ્પ્રોવાઈઝ કરી હોત.
કાશીનો દીકરો ફિલ્મ ન ચાલી એનો મડિયાને પણ રંજ હતો.
17 ઑગસ્ટ, 1997નાં રોજ મુંબઈના અખબાર સમાંતર પ્રવાહમાં કેતન મિસ્ત્રીને આપેલી મુલાકાતમાં તેમણે પોતાનો રંજ પ્રગટ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, 'કાશીનો દીકરો ફિલ્મને સાતેક ઍવૉર્ડ મળ્યા, પણ ફિલ્મ ચાલી નહીં. એ ફિલ્મ દસ લાખમાં બનેલી.'
'જો આઠેક લાખ પણ કમાયા હોત તો એ પૈસાથી અમે ગુજરાતી સાહિત્યની બીજી કોઈ સારી કૃતિ પરથી ફિલ્મ બનાવત. એ ફિલ્મ સાથે મારી ફિલ્મ કારકિર્દી પણ સમાપ્ત થઈ ગઈ.'
નોંધ : લેખમાં ટાંકવામાં આવેલા મોટા ભાગના પ્રસંગો ‘મુઠ્ઠી ઊંચેરા કાન્તિ મડિયા’ પુસ્તકમાંથી લેવાયા છે.














