એ મેદાન જ્યાં બાળકો ફૂટબૉલ રમે છે ત્યાં જ કેદીઓને જાહેરમાં આપવામાં આવે છે મોતની સજા

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, નાઈમા સઈદ સલાહ
- પદ, મોગાદિશૂ, સોમાલિયા
(ચેતવણી: આ અહેવાલનું વિવરણ વિચલિત કરી શકે છે.)
સોમાલિયાના પાટનગર મોગાદિશૂના દરિયાકાંઠા પર છ મોટા કૉન્ક્રિટના થાંભલાઓ ઊભા છે. તેમની નજીક જ વાદળી ચમકીલા હિન્દ મહાસાગરની લહેરો હિલોળા લઈ રહી છે. જોકે આ લહેરો કેટલીક હૃદય કંપાવનારી ઘટનાની સાક્ષી રહી છે.
જ્યારે પણ સુરક્ષાદળ લોકોને પકડીને અહીં લાવે છે અને તેમને ફૂટબૉલના ગોલપોસ્ટ સાથે પ્લાસ્ટિકની દોરી વડે બાંધવામાં આવે છે. ત્યાર પછી તેમના ચહેરાને કાળા કપડાંથી ઢાકવામાં આવે છે અને પછી માથા પર ગોળી મારી દેવામાં આવે છે.
વિશેષ પ્રશિક્ષિત ફાયરિંગ સ્ક્વૉડના સભ્યોના ચહેરા પણ ઢાંકેલા છે.
ગોળીઓ લાગ્યા પછી લોકોનાં માથાં ઝૂકી જાય છે પરંતુ શરીરને થાંભલા સાથે જ લટકાવીને રાખવામાં આવે છે.
આમાંથી કેટલાક લોકો ઇસ્લામી ગ્રૂપ અલ-શબાબની સૈન્ય અદાલતે સજા આપી છે. અલ-શબાબનો સોમાલિયાના એક મોટા વિસ્તાર પર કબજો છે અને દેશમાં લગભગ 20 વર્ષથી આ ગ્રૂપનો ભય છે.
સજા પામેલા કેટલાક સૈનિકો છે જે નાગરિકો અથવા તેમના સાથીઓની હત્યા કરવા માટે દોષી સાબિત થયા હતા. કેટલીકવાર કોર્ટ સામાન્ય ગુનેગારોને કેટલાક ગંભીર ગુનાઓ માટે સજા કરે છે.
ગયા વર્ષે આ જ તટ પર 25 લોકોને મોતની સજા આપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલમાં જ છ માર્ચે એક વ્યક્તિ સઈદ અલી મોઆલિમ દાઉદને મૃત્યુની સજા આપવામાં આવી હતી.
તેમને પોતાની પત્નીને રૂમમાં બંધ કરીને આગ ચાંપી દેવાના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.
દાઉદે કહ્યું કે તલાકની માંગણીને કારણે તેમને પોતાનાં પત્નીને જીવતાં સળગાવી દીધાં.
હમાર જાજબ જિલ્લામાં આ કતલખાનાની પાછળ એક નાની વસાહત છે, જ્યાં લગભગ 50 પરિવારો રહે છે. અહીં એક સમયે પોલીસ એકૅડેમી હતી.
માતા-પિતાને કઈ વાતની બીક છે?

ઇમેજ સ્રોત, NAIMA SAID SALAH
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જૂના પોલીસ સ્ટેશનની જગ્યાએ બનેલી વસાહતનાં રહેવાસી ફાર્તુન મોહમ્મદ ઇસ્માઇલે કહ્યું, "મારા પાંચ દીકરાઓ શાળાએથી ઘરે આવીને તરત જ બીચ પર ફૂટબૉલ રમવા માટે ચાલ્યા જાય છે."
તેમણે કહ્યું, "એ લોકો ગોલપોસ્ટને મૃત્યુની સજા આપવાના થાંભલા તરીકે ઉપયોગ કરે છે."
"હું મારા બાળકોની સુરક્ષા અંગે ચિંતિત છું. કારણ કે તેઓ ત્યાં જઈને રમે છે જ્યાં લોકોને ગોળી મારવામાં આવે છે અને લોહી વહેતું હોય છે. સજા આપ્યા પછી તે જગ્યાને સાફ કરવામાં પણ નથી આવતી."
લોકોને મારીને તે દરિયાકાંઠે જ દફનાવી દેવામાં આવે છે.
તેમણે કહ્યું, "મારી દીકરાઓ હિંસા અને અસુરક્ષાના વાતાવરણમાં ઊછર્યા છે કારણ કે તેઓ મોગાદિશૂમાં જન્મયા છે. આ શહેર 33 વર્ષોથી હિંસાગ્રસ્ત છે."
હિંસા વર્ષોથી ચાલી રહી છે છતાં અહીં રહેતાં માતા-પિતા માટે સજા પામેલા લોકોના લોહીમાં બાળકોનું રમવું એ ખૂબ જ ડરામણું છે.
જોકે બાળકોને બીચ પર રમતા રોકવા મુશ્કેલ છે કારણ કે તેમનાં માતા-પિતા રોજીંદાં કાર્યોમાં લાગેલાં હોય છે અને બાળકોની કાળજી લેવા માટે તેમની પાસે પૂરતો સમય નથી.
અહીં મોતની સજાઓ સામાન્ય રીતે સવારે છથી સાત વાગ્યા વચ્ચે આપવામાં આવે છે.
આ દરમિયાન સજા આપવાની પ્રક્રિયાને દેખાડવા માટે માત્ર પત્રકારોને બોલવવામાં આવે છે. જોકે બાળકો સહિત સ્થાનિક લોકોને ત્યાં એકઠા થઈને જોવા માટે કોઈ રોક-ટોક નથી.
બાળકો ક્યાંક ગોળીઓનો શિકાર ન થઈ જાય

ઇમેજ સ્રોત, Getty Images
સિયાદ બાર્રે જ્યારે રાષ્ટ્રપતિ બન્યાં ત્યારે તેમણે 1975માં આ જગ્યાને મોતની સજા આપવા માટેની જગ્યા તરીકે નિશ્ચિત કરી કારણ કે આસપાસના લોકો તેને જોઈ શકે.
તેમની સૈન્ય સરકારે કેટલાક ઇસ્લામિક મૌલાનાઓને ગોળી મારવા માટે આ થાંભલા બનાવ્યા હતા. આ ઇસ્લામિક મૌલાનાઓએ વારસામાં છોકરાઓ અને છોકરીઓને સમાન અધિકાર આપતા નવા કૌટુંબિક કાયદાનો વિરોધ કર્યો હતો.
હવે માત્ર થાંભલાઓ રહ્યા છે. જોકે, હવે લોકોને તે રીતે પ્રોત્સાહિત કરવામાં આવતા નથી.
વાલીઓને ડર છે કે આ મેદાન પર રમતાં બાળકો પણ ગોળીઓનો શિકાર ન થઈ જાય.
તેઓ કહે છે કે તેમનાં બાળકો પોલીસ અને સૈન્યથી ડરે છે.
આ મેદાનથી કેટલાક મીટર દૂર રહેતા વાલી ફાદુમા અબ્દુલ્લાહી કાસિમ સ્વીકાર કરતા કહે છે, "મને રાત્રે ઊંધ નથી આવતી અને ખૂબ જ બેચેની અનુભવું છે. ક્યારેક ક્યારેક મને વહેલી સવારે ગોળીઓનો અવાજ સંભળાય છે અને જાણું છું કોઈને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે."
તેમણે કહ્યું, "હું મારાં બાળકોને ઘરની અંદર જ રાખું છું. અમે દુ:ખી અને અસહાય છીએ. હું બહાર નથી જવા માંગતી અને રેતીમાં વહેતું લોહી જોવા માંગતી નથી."
રજાના દિવસે લોકોની ભીડ જામે છે

ઇમેજ સ્રોત, AFP
જોકે અહીં રહેતા ઘણા લોકો ડરીને રહે છે કારણ કે મોટા ભાગના સોમાલી લોકો મોતની સજાનું સમર્થન કરે છે. ખાસ કરીને અલ-શબાબના સભ્યો.
કાસિમ આ સજાનો વિરોધ કરે છે કારણ કે ઑક્ટોબર 2022માં મોગાદિશૂમાં થયેલા બે કાર બૉમ્બ ધડાકામાં તેમના 17 વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો હતો જે એક સ્નૅક બારમાં સફાઈનું કામ કરતો હતો.
આ ઘટનામાં 120 લોકોનું મૃત્યુ થયું અને 300 લોકોને ઈજા પહોંચી. આ ધડાકાઓ માટે અલ-શબાબ પર આરોપ લાગ્યા છે.
તેમણે કહ્યું, "જે લોકોને મૃત્યુની સજા આપવામાં આવે છે તેમને હું નથી ઓળખતી પરંતુ હું માનું છું કે આ પ્રકારની સજા ખૂબ જ અમાનવીય છે."
આ તટ પર લાગેલા થાંભલાઓ પાસે માત્ર આસપાસનાં બાળકો જ નથી રમતા પરંતુ સોમાલિયામાં રજાના દિવસ શુક્રવારે શહેરના અન્ય વિસ્તારોમાં રહેતા લોકો પણ અહીં આવે છે.
તેમાંથી એક 16 વર્ષીય અબ્દિરહમાન આદમ કહે છે, "તરવા અને ફૂટબૉલ રમવા માટે હું અને મારો ભાઈ દર શુક્રવારે તટ પર આવીએ છીએ. મારી બહેન પણ સુંદર કપડાં પહેરીને આવે છે જેથી અમે તેણીની સારી તસવીરો લઈ શકીએ."
તેઓ અને તેમના જેવા અન્ય લોકો અહીં આવે છે. તેઓ જાણે છે કે અહીં મૃત્યુની સજા આપવામાં આવે છે અને તેમની કબરો અહીં છે, તેમ છતાં તેઓ અહીં આવે છે.
તેમના માટે આ જગ્યાની સુંદરતા વધારે મહત્ત્વની છે.
આદમે કહ્યું, "જ્યારે અમારા સહપાઠીઓ આ ચિત્રો જુએ છે, ત્યારે તેઓને ઈર્ષ્યા થાય છે. તેઓ જાણતા નથી કે અમે એવી જગ્યાએ મજા કરી રહ્યા છીએ જ્યાં મૃત્યુદંડ આપવામાં આવે છે."
(નઈમા સઈદ સલાહ સોમાલિયાનાં એકમાત્ર મહિલા મીડિયા હાઉસ બિલાન મીડિયામાં પત્રકાર છે.)












