IS-K : મૉસ્કો હુમલાના આરોપી ઇસ્લામિક સ્ટેટના જેહાદીઓ કોણ છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA

    • લેેખક, ફ્રેન્ક ગાર્ડનર
    • પદ, બીબીસી સિક્યૉરિટી સંવાદદાતા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને દેશના સરકારના નિયંત્રણ હેઠળનાં મીડિયાએ ગત શુક્રવારે મૉસ્કોમાં થયેલ ઘાતક હુમલા માટે યુક્રેનને જવાબદાર ઠેરવવાના ઘણા પ્રયાસો કર્યા હતા. છતાં આ હુમલાની જવાબદારી લેનારા જેહાદી જૂથ IS-K અંગે વધુ ને વધુ વિગતો સામે આવી રહી છે.

શું છે IS-K?

IS-Kએ ઇસ્લામિક સ્ટેટ-ખોરાસનનું ટૂંકુ સ્વરૂપ છે. આ જૂથ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલ એક સ્થાનિક એકમ છે. જેને વિશ્વના ઘણા દેશોની સરકારોએ આતંકી જૂથ જાહેર કર્યું છે.

તે અફઘાનિસ્તાન, ઈરાન, પાકિસ્તાન અને મધ્ય એશિયામાં કેન્દ્રીત છે.

આ જૂથે પોતાની જાતને ખોરસાન નામ આપ્યું છે, કારણ કે એ ઐતિહાસિક દૃષ્ટિએ આ પ્રદેશો એ સમયની ઇસ્લામિક ખિલાફતનો ભાગ હતા.

આમ તો આ જૂથ પાછલાં નવ વર્ષથી અસ્તિત્વમાં છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એ ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપની સૌથી ખતરનાક શાખા તરીકે સામે આવ્યું છે. જેની પહોંચ વ્યાપક છે, તેમજ આ જૂથ પોતાની આત્યંતિક ક્રૂરતા માટે પણ કુખ્યાત છે.

IS-Kએ સીરિયા અને ઇરાકમાં જૂથના વ્યાપક નેતૃત્વ સહિત આંતરરાષ્ટ્રીય ઇસ્લામિક ખિલાફતનું શાસન સ્થાપવા માગે છે, જ્યાં ઇસ્લામિક કાયદા એટલે કે સરિયાના અતિ કડક અર્થઘટન વડે શાસન ચલાવાશે.

અફઘાનિસ્તાનમાં આ જૂથ અનિયમિતપણે હાલના સત્તાધીશો તાલિબાન સામે ઘાતક વિદ્રોહ કરી રહ્યું છે. જૂથ વૈચારિક દૃષ્ટિકોણથી તાલિબાનનો વિરોધ કરે છે.

શું IS-K એ પહેલાં ક્યારેય હુમલા કર્યા છે?

કાબુલથી વિમાન મારફતે દેશ છોડીને જવા માટે તલપાપડ લોકોની ભીડ વચ્ચે બૉમ્બ વિસ્ફોટ થતા ઘણાનાં મૃત્યુ થયાં હતાં

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, કાબુલથી વિમાન મારફતે દેશ છોડીને જવા માટે તલપાપડ લોકોની ભીડ વચ્ચે બૉમ્બ વિસ્ફોટ થતા ઘણાનાં મૃત્યુ થયાં હતાં

આ પહેલાં જૂથ વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈન્યને પરત લાવવાના અભિયાન દરમિયાન કાબુલ ઍરપૉર્ટ પર ત્રાટક્યું હતું. ભીડ પર થયેલા આ હુમલામાં 170 અફઘાનીઓ સહિત 13 અમેરિકન સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.

બીજા વર્ષે જૂથે કાબુલમાં રશિયાના દૂતાવાસને નિશાન બનાવ્યું, જેમાં ઓછામાં ઓછા છનાં મૃત્યુ થયાં તેમજ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ સિવાય જૂથે મૅટરનિટી વૉર્ડ, બસ સ્ટેશન અને પોલીસ પર હુમલા સહિત કેટલાક અવિવેકપૂર્ણ હુમલા પણ કર્યા છે.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં IS-K એ ઈરાનના કેરમન ખાતે એક દરગાહ પર બૉમ્બ વિસ્ફોટ કર્યો હતો, જેમાં 100 ઈરાનીઓનાં મૃત્યુ થયાં હતાં.

રશિયામાં તેણે નાના પાયે ઘણા હુમલા કર્યા છે, જેમાં વર્ષ 2020નો હુમલો સામેલ છે. તેમજ રશિયાની આંતરિક સુરક્ષા સેવા FSB પ્રમાણે તેમણે ઘણા આતંકી હુમલા થતા અટકાવ્યા છે.

મૉસ્કોના હુમલાખોર કોણ હતા?

આ મામલાના આરોપી ડેલેર્ડઝ્હોન મીર્ઝોયેવના ચહેરા પર ઘણી ઈજાનાં નિશાન દેખાઈ રહ્યાં છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, આ મામલાના આરોપી ડેલેર્ડઝ્હોન મીર્ઝોયેવના ચહેરા પર ઘણી ઈજાનાં નિશાન દેખાઈ રહ્યાં છે

કોર્ટમાં હાજર કરાયેલા આરોપીઓના ચહેરા પરના ડાઘ અને ઈજાથી ખબર પડે છે કે તેમની ટૉર્ચરની હદ સુધી કડક પૂછપરછ કરાઈ છે.

જોકે, આ મામલામાં તકલીફ એ થશે કે આંતરરાષ્ટ્રીય નિયમોનુસાર તેમની કબૂલાત નકામી બની જશે. કારણ કે આવી કબૂલાતમાં દબાણનું તત્ત્વ સામેલ હોવાનું માની શકાય છે.

રિપોર્ટો પ્રમાણે આરોપીઓ પૈકીનો એક માર્ચ મહિનાની શરૂઆતમાં સ્થળની રેકી કરતા દેખાયો હતો. આ દરમિયાન જ અમેરિકાએ રશિયાને દેશમાં જાહેર સ્થળે આતંકી હુમલો થવાની ભીતિ હોવાની જાણ કરી હતી. જોકે, રશિયાએ આ ચેતવણીને ‘પ્રૉપેગૅન્ડા’ ગણાવી ધ્યાને લીધી નહોતી.

અન્ય એક રિપોર્ટમાં કહેવાયું છે કે ઓછામાં ઓછા બે હુમલાખોરો હાલમાં જ રશિયા આવ્યા હતા. જેનાથી એવું અનુમાન કરાઈ રહ્યું છે કે આ IS-K એ મોકલેલી ‘હિટ ટીમ’ હતી, દેશમાં જ રહેલા સ્લીપર સેલની ટીમ નહીં.

તેમણે રશિયાને નિશાન કેમ બનાવ્યું?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રશિયાને નિશાન બનાવવા પાછળ ઘણાં કારણો હોવાનું મનાય છે.

IS-K વિશ્વમાં મોટાભાગનાને પોતાના દુશ્મન માને છે. પરંતુ રશિયા એ યાદીમાં ખૂબ ઉપર છે. આ યાદીમાં અમેરિકા, યુરોપ, ઇઝરાયલ, યહૂદીઓ, ખ્રિસ્તી, શિયા મુસ્લિમો, તાલિબાન અને જેને તેઓ ‘સ્વધર્મત્યાગી’ ગણે છે, એવા મુસ્લિમ બહુમતીવાળા દેશો પણ સામેલ છે.

ઇસ્લામિક સ્ટેટ અને રશિયાની દુશ્મનીનાં મૂળ 1990 અને 2000ના દાયકાનાં ચેચન યુદ્ધોમાં દેખાય છે. નોંધનીય છે કે આ યુદ્ધો દરમિયાન મૉસ્કોએ ચેચન પાટનગર ગ્રોઝનીને તબાહ કરી દીધું હતું.

તાજેતરમાં રશિયા એક સમર્થક સ્વરૂપે સીરિયાના ગૃહયુદ્ધમાં ઝંપલાવ્યું હતું. સીરિયાના પ્રમુખ બશર અલ-અસદ અને રશિયાના વાયુ દળે આ દરમિયાન વિદ્રોહીઓ અને નાગરિકો પર ભારે બૉમ્બમારો કર્યો હતો, જેમાં ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપ અને અલ-કાયદા સાથે જોડાયેલા લડવૈયા ભારે સંખ્યામાં મૃત્યુ પામ્યા હતા.

અફઘાનિસ્તાનમાં IS-Kએ રશિયાને તાલિબાનના સમર્થક તરીકે જુએ છે, તેથી તેમણે વર્ષ 2022માં કાબુલ ખાતે દેશના દૂતાવાસ પર હુમલો કર્યો હતો.

આ સિવાય જૂથ વર્ષ 1979-89 દરમિયાન દસ વર્ષ સુધી સોવિયેટ યુનિયને અફઘાનિસ્તાન પર કરેલા ક્રૂર કબજા બાબતે પણ આક્રોશ ધરાવે છે.

આ સિવાય રશિયાની આંતરિક સ્થિતિ પણ જવાબદાર છે.

IS-K રશિયાને એક ખ્રિસ્તી દેશ તરીકે જુએ છે, હુમલા બાદ જાહેર કરાયેલા વીડિયોમાં તેઓ ખ્રિસ્તીઓનાં મૃત્યુ નિપજાવવાની વાત કરે છે.

આ સિવાય ઘણી વાર FSB દ્વારા તાજિક અને મધ્ય એશિયાના માઇગ્રન્ટ મજૂરોને આતંકી હુમલાની શંકામાં પ્રતાડિત પણ કરાય છે.

અંતે સૌથી મોટું કારણ એ હોઈ શકે કે હાલ જ્યારે રશિયા પોતાના પાડોશી યુક્રેન સાથે સંપૂર્ણ યુદ્ધની સ્થિતિમાં છે ત્યારે IS-K માટે રશિયા એ પ્રમાણસર સરળ ટાર્ગેટ સાબિત થઈ શકે એવું હતું. કારણ કે દેશમાં હથિયારો ઉપલબ્ધ હતાં અને દુશ્મનો વધુ જાગૃત નહોતા.

મૉસ્કો હુમલા અંગે હજી કઈ માહિતી નથી મળી?

રશિયાનું સુરક્ષાતંત્ર હુમલો રોકવામાં નાકામ રહ્યું હતું

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, રશિયાનું સુરક્ષાતંત્ર હુમલો રોકવામાં નાકામ રહ્યું હતું

આ સમગ્ર મામલામાં હજુ કેટલાક પ્રશ્નોના જવાબ મળ્યા નથી.

ઉદાહરણ તરીકે હુમલાખોરો ક્રૉકસ હૉલની આસપાસ એક કલાક સુધી કોઈ અવરોધ વગર કેવી રીતે ફરતા રહ્યા?

તેમજ એક એવો દેશ જ્યાં પોલીસ, સ્પેશિયલ સર્વિસ અને ખાસ કરીને FSB સર્વવ્યાપી હોય, ત્યાં આ હુમલાખોરો હથિયાર સાથે કોઈ પણ ભય વિના ફરી રહ્યા હતા.

આ સિવાય હથિયારો સંબંધી પ્રશ્ન પણ છે – કેવી રીતે હુમલાખોરો ઘાતક અને શક્તિશાળી હથિયારો હુમલાના સ્થળ સુધી કોઈનાય ધ્યાને આવ્યા વગર લાવી શક્યા?

તેમની ધરપકડની ઝડપ પણ આશ્ચર્યચકિત કરી દેનારી છે.

અન્ય જેહાદી હુમલાખોરોની માફક આ હુમલાખોરોએ આત્મઘાતી પટ્ટા નહોતા પહેરેલા.

તેમજ જે રશિયન તંત્ર પોતાની ધરતી પર પાછલાં 20 વર્ષમાં થયેલાં સૌથી ઘાતક હુમલાને રોકવામાં નાકામ રહ્યું, એ માત્ર અમુક કલાકોમાં જ આરોપીઓને પકડી લાવ્યું અને તેમના પર ખટલો પણ ચાલવા લાગ્યો.

આ બધા સવાલો કેટલાક લોકોમાં આ હુમલામાં ‘ઇનસાઇડ જૉબ’, ‘નકલી ઑપરેશન’ હોવાની શંકા પણ ઉપજાવી રહ્યા છે. લોકોને શંકા છે કે આવું યુક્રેન યુદ્ધ માટે લોકોનો ટેકો મેળવવા માટે કરાઈ રહ્યું છે.

જોકે, આ થિયરીના સમર્થનમાં કોઈ નક્કર પુરાવા નથી. તેમજ અમેરિકન ઇન્ટેલિજન્સે કન્ફર્મ કર્યું છે કે તેમના મતાનુસાર આ હુમલા પાછળ ઇસ્લામિક સ્ટેટનો જ હાથ હતો.

રેડ લાઇન
રેડ લાઇન