એ ચાર હુમલાખોરો કોણ છે જેમના પર મૉસ્કોમાં ઘૂસીને 137 લોકોના જીવ લેવાનો આરોપ છે?

ઇમેજ સ્રોત, REUTERS
- લેેખક, ગ્રેમી બેકર
- પદ, બીબીસી ન્યૂઝ
રશિયાએ મૉસ્કોમાં આવેલા કૉન્સર્ટ હૉલમાં થયેલો હુમલો અને 137 લોકોની હત્યા મામલે ચાર લોકો પર આરોપ મૂક્યા છે.
તેમાંથી ત્રણ લોકોને લંગડાતી હાલતમાં અને ચોથાને વ્હીલચૅર પર કોર્ટમાં લવાયા હતા.
ઇસ્લામિક સ્ટેટે શુક્રવારે ક્રૉકસ સિટી હૉલમાં થયેલા હુમલાની જવાબદારી લેતો એક વીડિયો રજૂ કર્યો છે.
જોકે રશિયન અધિકારીઓ કોઈ પણ પુરાવા રજૂ કર્યા વિના આ હુમલામાં યુક્રેનનો હાથ ગણાવ્યો છે, યુક્રેને આ આરોપ ફગાવી દીધો છે.

રશિયાના મૉસ્કોમાં હુમલો કરનાર કોણ છે?

ઇમેજ સ્રોત, REUTERS
આ ચાર લોકોનાં નામ છે, દાલેરદઝોન મિર્ઝોયેવ, સૈદાકરામી મુરોદલી રાચાબલિઝોદા, શમ્સિદીન ફરિદુની અને મુહમ્મદાસોબિર ફૈજોવ.
સામે આવેલા એક વીડિયોમાં કેટલાક નકાબધારી પોલીસકર્મીઓ ત્રણ આરોપીને બેસમેની જિલ્લાની કોર્ટમાં લઈ જતા જોઈ શકાય છે.
વીડિયો જોતાં લાગે છે કે બધા આરોપીઓને ખરાબ રીતે માર મારવામાં આવ્યો છે. આ આરોપીઓ સાથે બર્બરપૂર્વક પૂછપરછના વીડિયો સંભવિત રશિયન સુરક્ષા દળો તરફથી લીક કરવામાં આવ્યો છે. એક શખ્સને વીજળીના ઝાટકા આપ્યા હોવાના પણ સમાચાર છે.
કોર્ટે જે લોકોની ઓળખ મિર્ઝોયેવ અને રાચાબલિઝોદાના રૂપમાં કરી છે, તેમની આંખો પર કાળાં ચકામાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો રાચાબલિઝોદાના કાન પર ઘણી પટ્ટીઓ બાંધેલી હતી.
કેટલાક રિપોર્ટ અનુસાર, રાચાબલિઝોદાને પકડતી વખતે તેમનો અડધો કાન ઊખડી ગયો હતો. તો મિર્ઝોયેવની ગરદન પર પૉલિથીન બાંધેલી જોવા મળી હતી.
ફરીદુની નામના એક શખ્સનો ચહેરો ખરાબ રીતે સૂજેલો જોવા મળતો હતો. સાથે જ ફેઝોવ નામનો શખ્સ બેભાન નજરે ચડતો હતો. તેમને એક પાતળા હૉસ્પિટલ ગાઉનમાં વ્હીલચૅર પર લવાયા હતા.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, તેમની એક આંખ ગુમ થયેલી જોવા મળી હતી.
કોર્ટની કાર્યવાહી દરમિયાન બધા આરોપીઓને અરીસાથી ઢાંકેલા બૂથમાં રાખ્યા હતા. તેઓ જેટલો સમય કોર્ટમાં રહ્યા ત્યાં સુધી તેમની આસપાસ નકાબધારી પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.
મૅસેજિંગ સર્વિસ ટેલિગ્રામ પર જોવા મળેલા એક કોર્ટ સ્ટેટમેન્ટ અનુસાર, મિર્ઝોયેવ અને રાચાબલિઝોદાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
રશિયાની સ્ટેટ ન્યૂજ એજન્સી તાસ અનુસાર, આ લોકોની ઓળખ તાજિકિસ્તાની નાગરિકના રૂપમાં થઈ છે.
કોર્ટે કહ્યું કે આ ચાર લોકોને 22 મે સુધી પ્રી-ટ્રાયલ ડિટેન્શનમાં રાખવામાં આવશે.

છ હજાર લોકો પર ગોળીઓ ચલાવી

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શુક્રવારની રાતે ચાર બંદૂકધારીઓએ ઉત્તર મૉસ્કોમાં આવેલા ક્રૉકસ સિટી હૉલમાં હાજર અંદાજે 6,000 લોકો પર ગોળી ચલાવી હતી. આ લોકો એક રૉક કૉન્સર્ટમાં ભાગ લઈ રહ્યા હતા.
ત્યાર બાદ હુમલાખોરોએ કૉન્સર્ટમાં આગ ચાંપી દીધી, જેનાથી તેની છત નીચે પડી ગઈ.
રશિયાના અધિકારીઓનું કહેવું છે કે આ હુમલામાં 137 લોકોનાં મોત થયાં છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
રશિયન જાસૂસી એજન્સી ફેડરલ સિક્યૉરિટી સર્વિસ (એફએસબી)એ કહ્યું કે કોર્ટમાં નજરે ચડતા ચાર લોકોની હુમલાના 14 કલાક બાદ બ્રાયંસ્ક વિસ્તારથી ધરપકડ કરાઈ હતી.
બ્રાયંસ્ક રશિયાની રાજધાની મૉસ્કોથી દક્ષિણ પશ્ચિમમાં અંદાજે 400 કિમી દૂર છે.
ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લેતા એક વીડિયો જારી કર્યો છે, જેમાં હુમલાખોરો ગોળીઓ ચલાવતા જોઈ શકાય છે.
બીબીસીએ પોતાની તપાસમાં આ વીડિયો અસલી હોવાનું જાણ્યું છે.
જોકે રશિયાની કોઈ પણ અધિકારીએ આ દાવો સ્વીકાર્યો નથી. તેણે પુરાવા આપ્યા વિના કહ્યું કે હુમલાખોરોને યુક્રેનથી મદદ મળતી હતી અને તેણે હુમલાખોરોને સીમા પાર કરાવવાની વ્યવસ્થા પણ કરી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રવિવારે આ દાવો ફગાવ્યો હતો.
યુક્રેનના મિલિટરી ઇન્ટેલિજન્સ ડાયરેક્ટરે કહ્યું કે 'આ નિવેદન પાયાવિહોણું છે કે આ લોકો એ સીમાને પાર કરીને સુરક્ષિત સ્થળે જવા માગતા હતા, જે બારુદી સુરંગો અને લાખો રશિયન સૈનિકોથી સજ્જ છે.'
અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનાં પ્રવક્તા ઍૅડ્રિન વૉટસને કહ્યું કે ઇસ્લામિક સ્ટેટ 'આ હુમલા માટે જવાબદાર છે. તેમાં યુક્રેન કોઈ રીતે સામેલ નહોતું.'
રશિયામાં અત્યાર સુધીમાં આ મામલે સાત અન્ય સંદિગ્ધોને પણ પકડવામાં આવ્યા છે.

ઇસ્લામિક સ્ટેટના નિશાને કેમ છે રશિયા?

ઇમેજ સ્રોત, REUTERS
અમેરિકાએ આ મહિનાની શરૂઆતમાં રશિયાને ચેતવણી આપતા કહ્યું હતું કે કોઈ એવા સ્થળે હુમલો થઈ શકે છે, જ્યાં બહુ બધા લોકો ભેગા થયા હોય.
ત્યાર બાદ પોતાના નાગરિકો માટે એક પબ્લિક ઍડવાઇઝરી પણ જાહેર કરાઈ હતી.
રશિયન સરકારે આ ચેતવણીને દુષ્પ્રચાર ગણાવીને તેને નજરઅંદાજ કરી હતી અને પોતાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ ગણાવી હતી.
અમેરિકન સરકારે હુમલા બાદ કહ્યું કે તેની પાસે ઇસ્લામિક સ્ટેટના દાવા પર ભરોસો ન કરવાનું કોઈ કારણ નથી.
આ પહેલી વાર નથી થયું કે ઇસ્લામિક સ્ટેટ કે તેની શાખાઓએ રશિયા અને દુનિયાભરમાં તેનાં હિતોને નિશાન બનાવ્યાં હોય.
આ સમૂહે વર્ષ 2014માં ઇજિપ્તમાં રશિયન વિમાનમાં બૉમ્બધડાકાની જવાબદારી લીધી હતી. આ વિમાનમાં 224 લોકો હતા અને મોટા ભાગના રશિયન હતા.
તો ઇસ્લામિક સ્ટેટે વર્ષ 2017 સેન્ટ પીટર્સબર્ગ મેટ્રોમાં થયેલા બૉમ્બધડાકાની જવાબદારી લીધી હતી, જેમાં 15 લોકોનાં મોત થયાં હતાં.
સુરક્ષા વિશ્લેષકો અનુસાર, ઇસ્લામિક સ્ટેટ અનેક કારણસર રશિયાને નિશાન બનાવી રહ્યું છે.
તેનું એક કારણ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના ગઢને પાડીને અસદ સરકારને મજબૂતી દેવામાં રશિયાની ભૂમિકા છે.
તો પહેલાં સોવિયત સંઘ અને પછી રશિયા તરફથી બે મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં યુદ્ધ લડવું એ પણ એક કારણ છે.
પહેલું સ્થળ અફઘાનિસ્તાન છે, જ્યાં સોવિયત સંઘે એક લાંબું યુદ્ધ લડ્યું છે. તો બીજી જગ્યા ચેચન્યા છે, જ્યાં રશિયાએ 1994-2009 સુધી લાંબી લડાઈ લડી છે.
આઇએસ-કે મુખ્ય રીતે અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયાના કેટલાક વિસ્તારોમાં સક્રિય છે. તેનું નામ પણ આ વિસ્તારના જૂના નામ પર પડ્યું છે.
આ ઇસ્લામિક સ્ટેટમાંથી નીકળેલી શાખાઓમાં સૌથી સક્ષમ અને સક્રિય છે. આ શાખાને વર્ષ 2021ના સપ્ટેમ્બરમાં કાબુલ ઍરપૉર્ટ પર થયેલા હુમલા માટે જવાબદાર ઠેરવવામાં આવે છે.
આ શાખા ઘણી વાર પોતાના દુષ્પ્રચારમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ટીકા કરતી રહે છે.














