રશિયા : મૉસ્કોમાં કોન્સર્ટ હૉલ ઉપર હુમલો, બાળકો સહિત 130થી વધુનાં મૃત્યુ, સેંકડો ઘાયલ

russia shooting

ઇમેજ સ્રોત, AFP via Getty Images

રશિયાના એક કોન્સર્ટ હૉલમાં હથિયારબંધ લોકોએ કરેલા ગોળીબારમાં બાળકો સહિત 133 લોકોનાં મૃત્યું થયાં હોવાના અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

શુક્રવાર સાંજે અજાણ્યા બંદૂકધારીઓએ મોસ્કો નજીક આવેલા ક્રૉકસ સિટી હૉલમાં ઘૂસીને મશીનગનથી ગોળીબાર શરૂ કરી દીધો હતો.

સમાચાર એજન્સી રૉઇટર્સ પ્રમાણે રશિયાના માનવાધિકાર આયોગે તેને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો છે.

રશિયન ન્યૂઝ ઍજન્સી પ્રમાણે આ ઘટના મૉસ્કો પાસેના ક્રૉકસ સિટી મૉલમાં બની હતી જ્યાં એક કોન્સર્ટ થવાનો હતો. આ હૉલ સંગીત સમારોહ માટે મોસ્કોમાં આવેલી સૌથી મોટી જગ્યાઓમાંથી એક છે. તેની ક્ષમતા છ હજાર લોકો જેટલી છે.

એ સાંજે હજારો લોકો હૉલમાં હાજર હતા, જેઓ પિકનિક ગ્રૂપના કોન્સર્ટમાં ભાગ લેવા આવ્યા હતા.

કોન્સર્ટની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી.

અધિકૃત આંકડા અનુસાર આ હુમલામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 133 થઈ છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામનારા લોકોમાં બાળકો પણ સામેલ છે.

બીબીસી રશિયા એડિટર સ્ટીવ રૉજેનબર્ગ અનુસાર, કોન્સર્ટ પહેલાં વેશ બદલીને હોલમાં ઘૂસેલા હથિયારબંધ લોકોએ અંધાધૂંધ ગોળીબાર ચાલુ કરી દીધો હતો. ત્યારબાદ અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો.

ઇમારતમાં આગ લાગી ગઈ હતી અને હજુ તેમાં અંદર ઘણા લોકો ફસાયા હોવાની શક્યતા છે.

ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષાદળોએ અંદાજે 100 લોકોને બૅઝમેન્ટમાંથી બહાર કાઢીને બચાવ્યા હતા.

આરઆઈએ નોવોસ્તી સમાચાર એજન્સી પ્રમાણે ઓછામાં ઓછા ત્રણ હુમલાખોરો હોલમાં ઘૂસ્યા હતા.

એક પ્રત્યક્ષદર્શી વિતાલીએ કહ્યું કે, “મેં મારી નરી આંખે જોયું કે આતંકવાદીઓ લોકોને ગોળી મારી રહ્યા છે. તેમણે પેટ્રોલ બૉમ્બ ફેંક્યો હતો અને આગ લાગી ગઈ. અમે લોકો ઍક્ઝિટ માટેના દરવાજા સુધી પહોંચ્યા પરંતુ તે બંધ હતો એટલે અમે બૅઝમેન્ટમાં ચાલ્યા ગયા.”

એક અન્ય પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે જ્યારે ગોળીબાર શરૂ થયો ત્યારે માતાપિતા તેમનાં બાળકો સાથે બૉલરૂમ નૃત્યસ્પર્ધામાં ભાગ લેવા માટે ઊભાં હતાં.

'હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો'

રશિયા મૉસ્કો ક્રૉક્સ સિટી હોલ ગોળીબાર બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ ઘટના જ્યાં બની ત્યાં સુરક્ષાવ્યવસ્થા સંભાળી રહેલા એક સુરક્ષા જવાને આ ઘટનાનું વર્ણન ટેલિગ્રામ ચેનલ બાઝા પર કર્યું હતું. બીબીસી તેમની આ વાતની પુષ્ટિ કરતું નથી પરંતુ એમના જેવા અનેક લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ છે.

આ વીડિયોમાં તેઓ જણાવે છે કે કઈ રીતે તેમણે અને તેમના ત્રણ સાથીઓએ પોતાનો જીવ બચાવ્યો.

તેઓ કહે છે, “જ્યારે ગોળીબારની શરૂઆત થઈ ત્યારે હું ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા સેન્ટ્રલ એન્ટ્રન્સ પર ઊભો હતો.”

રશિયા મૉસ્કો ક્રૉક્સ સિટી હોલ ગોળીબાર બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

“તેમણે બહારથી ગોળીબારની શરૂઆત કરી અને બારીઓના કાચ તૂટ્યા હતા. અંદર આવવાના રસ્તે ત્રણ અન્ય સુરક્ષાજવાનો હતા. અમે જાહેરાતના હૉર્ડિંગ્સ પાછળ છુપાઈ ગયા. આ હુમલાખોરો અમારાથી માત્ર 10 મીટર (અંદાજે ત્રીસ ફૂટ) નજીકથી જ ચાલીને પસાર થયા હતા.”

“તેમણે આડેધડ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલા લોકો પર ગોળીબાર શરૂ કર્યો અને તેઓ કોન્સર્ટ તરફ જવા લાગ્યા.”

“જ્યારે ગોળીબાર બંધ થયો ત્યારે અમે સેન્ટ્રલ ઍક્ઝિટથી જ બહાર આવ્યા ત્યારે ઘાયલ થયેલા લોકોને તંત્ર મદદ કરી રહ્યું હતું.”

આગનો ધુમાડો દૂરદૂર સુધી જોઈ શકાતો હતો

રશિયા મૉસ્કો ક્રૉક્સ સિટી હોલ ગોળીબાર બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ria Novosti

બીબીસી યુરોપ ડિજિટલ એડિટર પૉલ કિર્બીએ આપેલી માહિતી અનુસાર હુમલા બાદ લાગેલી આગે મૉલની સમગ્ર છતને તેના કબજામાં લઈ લીધી હતી અને ક્રૉકસ સિટી હોલના સમગ્ર બિલ્ડીંગમાં જાણે કે ધુમાડો છવાયેલો જોવા મળતો હતો.

આગનો ધુમાડો એટલો ભયાવહ હતો કે ક્રાસ્નોગૉર્સ્કમાં આવેલી સ્કાયલાઇન પરથી પણ તે સ્પષ્ટપણે દેખાતો હતો.

તાસ સ્ટેટ ન્યૂઝ ઍજન્સીના સંવાદદાતાએ જણાવ્યા અનુસાર ત્રીજા ભાગની ઇમારતમાં આગ લાગી ગઈ હતી.

અન્ય અહેવાલોએ એવો પણ દાવો કર્યો હતો કે આગ અને વિસ્ફોટને કારણે સૌથી ઉપરના બે માળે આવેલા કાચના સ્ટ્રક્ચર પડી ભાંગ્યા હતા.

થિયેટર પાસે આવેલાં છાપરાંનો હિસ્સો પણ તૂટી ગયો હતો એવું કહેવાઈ રહ્યું છે.

જે લોકોએ ગોળીબારથી બચવાની કોશિશ કરી તેમાંથી અમુક લોકો બૅઝમેન્ટ તરફ ભાગ્યા હતા તો અમુક લોકો છત તરફ ભાગ્યા હતા.

જોકે, ભારતીય સમય પ્રમાણે રાત્રે 2 વાગ્યે જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

રશિયાનું પ્રસિદ્ધ રૉક બૅન્ડ અહીં પર્ફોર્મ કરવાનું હતું

રશિયા મૉસ્કો ક્રૉક્સ સિટી હોલ ગોળીબાર બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

મૉસ્કોના ઉત્તર-પશ્ચિમમાં આવેલા ઉપનગર ક્રાસ્નોગૉર્સ્કમાં આવેલો આ ક્રૉકસ સિટી હૉલ એ હજારો લોકોને સમાવવાની ક્ષમતા ધરાવે છે. અહીં ટોચના આંતરરાષ્ટ્રીય કલાકારોના કાર્યક્રમો થતા રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં કેટલાક સશસ્ત્ર લોકો ગોળીબાર કરતાં પહેલાં લોબીમાં પ્રવેશતા દેખાય છે.

આ હુમલો ‘પિકનિક’ નામના લોકપ્રિય રૉક બેન્ડ દ્વારા આયોજિત કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં જ થયો હતો. આ બૅન્ડે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે તેમની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.

રશિયન મીડિયા અનુસાર ગઇકાલ રાત્રિના આ પ્રોગ્રામ માટે 6200 ટિકિટો વેચવામાં આવી હતી. પરંતુ હુમલા સમયે કેટલા લોકો અંદર હતા તેની ચોક્કસ જાણકારી હજુ સુધી મળી નથી.

રશિયન મીડિયા સંસ્થાઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે આ ગોળીબારથી બૅન્ડના સભ્યોને કોઈ નુકસાન થયું નથી.

રશિયાની સુરક્ષા એજન્સીએ શું કહ્યું?

રશિયા મૉસ્કો ક્રૉક્સ સિટી હોલ ગોળીબાર બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, REUTERS

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ એફએસબીએ આ હુમલા અંગે એક નિવેદન જાહેર કર્યું હતું.

"મૉસ્કો પાસેના ક્રૉકસ સિટી હૉલમાં આતંકવાદી હુમલાને કારણે પ્રભાવિત અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવા માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવી રહ્યાં છે."

"વિશેષ સેવાઓ ક્રૉકસ કૉમ્પ્લેક્સમાં ઇમરજન્સીની આ પરિસ્થિતિમાં ઍક્ટિવ સર્ચ ઑપરેશન કરી રહી છે."

મૉસ્કોના મેયર સર્જે સૉબ્યાનિને આ ઘટનાને ભયાવહ ગણાવી છે જ્યારે રશિયાના વિદેશ મંત્રાલયે તેને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો છે.

રશિયન નેશનલ ગાર્ડ એ ક્રૉકસ સિટી હૉલ પર હુમલાના ગુનેગારોને શોધી રહ્યા છે.

તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝૅલેન્સ્કીની નજીકના ગણાતા માયખાઈલો પૉડોલ્યાકે કહ્યું છે કે,"અમે એ પહેલેથી જ સ્પષ્ટ કરી દેવા ઇચ્છીએ છીએ કે યુક્રેનને આ હુમલા સાથે કોઈ લેવાદેવા નથી."