રશિયાની શાળાનું એ પુસ્તક જે કિશોરોને યુક્રેન સામે યુદ્ધ લડવા પ્રોત્સાહિત કરી રહ્યું છે

રશિયા યુક્રેન યુદ્ધ પાઠ્યપુસ્તક કિશોરો

ઇમેજ સ્રોત, Getty Images/BBC

    • લેેખક, મારિયા કૉરન્યુક
    • પદ, બીબીસી ગ્લૉબલ ડિસઇન્ફોર્મેશન ટીમ

રશિયા તેની તમામ શાળાઓ અને યુક્રેનના તેના કબ્જામાં રહેલા વિસ્તારોની શાળાઓમાં એક નવો સૈન્ય વિષય દાખલ કરી રહ્યું છે. આ વિષયનું નામ ‘ફન્ડામેન્ટલ્સ ઑફ સિક્યૉરિટી ઍન્ડ ડિફેન્સ ઑફ મધરલૅન્ડ’ રાખવામાં આવ્યું છે. 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે આ વિષય ફરજિયાત રહેશે અને 1 સપ્ટેમ્બર, 2024થી તે અભ્યાસક્રમમાં દાખલ થઈ જશે.

બીબીસીએ આ વિષય માટેનાં નવાં બનાવવામાં આવેલાં પાઠ્યપુસ્તકની નકલ મેળવી છે અને તેના 368 પાનાનું વિશ્લેષણ કર્યું છે. આ પુસ્તક યુક્રેન સામેના યુદ્ધ વિશે રશિયાનાં ખોટાં વર્ણનો ધરાવે છે અને વિદ્યાર્થીઓને સૈન્યમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે.

રશિયાની તમામ શાળાઓ અને યુક્રેનના પાંચ રશિયા અધિકૃત પ્રદેશોમાં ‘ફન્ડામેન્ટલ્સ ઑફ સેફ લિવિંગ’ તરીકે ઓળખાતા લાંબા સમયથી ચાલતા આ વિષયને બદલે ‘ફન્ડામેન્ટલ્સ ઑફ સિક્યોરિટી ઍન્ડ ડિફેન્સ ઑફ મધરલૅન્ડ’ શીખવવામાં આવશે.

ભૂતપૂર્વ સૈનિકો આ નવા વિષયના શિક્ષક બનશે તેવું મનાય છે. યુક્રેનના યુદ્ધમાંથી પાછા ફરતા અને પેડાગૉજીની ડિગ્રી ધરાવતા રશિયનોને શાળાના શિક્ષકો બનવા માટે પહેલાંથી જ મફતમાં પુનઃપ્રશિક્ષણ અભ્યાસક્રમો ઑફર કરવામાં આવે છે.

રશિયાના ઍનલાઇટનમેન્ટ મિનિસ્ટર સર્ગેઈ ક્રાવત્સોવે જણાવ્યું હતું કે, "અમે પ્રારંભિક લશ્કરી તાલીમના મોડ્યુલને વધુ આકર્ષક અને આધુનિક બનાવવા માટે વધારીશું."

રશિયા યુક્રેન યુદ્ધ પાઠ્યપુસ્તક કિશોરો

ઇમેજ સ્રોત, Getty Images

‘ધ રશિયન આર્મી ઇન ડિફેન્સ ઑફ ધ ફાધરલેન્ડ’ એ નવા વિષય માટેનું પ્રથમ પાઠ્યપુસ્તક છે જે અગ્રણી રશિયન શૈક્ષણિક પ્રકાશક ‘એનલાઇટનમેન્ટ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. કંપનીએ જાન્યુઆરીમાં શિક્ષકો માટે એક ઑનલાઇન પ્રારંભિક સત્રનું આયોજન કર્યું હતું, જે બીબીસીએ પણ જોયું હતું.

પબ્લિશિંગ હાઉસના પ્રતિનિધિ ઑલ્ગા પ્લેચોવાએ કહ્યું, "પ્રિય સાથીઓ, આપણે બધા આપણા દેશ (રશિયા)ના પરિપ્રેક્ષ્યમાં આપણા વિદ્યાર્થીઓને માહિતી આપવાના મહત્ત્વને સમજીએ છીએ."

"આપણે વિદ્યાર્થીઓને વૈકલ્પિક દૃષ્ટિકોણ આપી શકતા નથી. તેથી, આ પાઠ્યપુસ્તક તમને બાળકોના પ્રશ્નોને સંબોધવામાં અને અમુક ઘટનાઓનું ચોક્કસપણે કવરેજ આપવામાં મદદ કરશે."

રશિયા યુક્રેન યુદ્ધ પાઠ્યપુસ્તક કિશોરો

ઇમેજ સ્રોત, Getty Images/BBC

ઇમેજ કૅપ્શન, પુસ્તકમાં તસવીરોની નીચે એવું કૅપ્શન લખવામાં આવ્યું છે કે, "ક્યારેક શાંતિ ટૅન્કની મદદથી જ આવી શકે છે"

આ પ્રકારની ઘટનાઓને સંપૂર્ણપણે લોકો સુધી પહોંચાડવા માટે પ્રકાશકે રક્ષા મંત્રાલયના લેફ્ટેનન્ટ જનરલ રફાલ તિમોશેવ અને ક્રેમલિનના રશિયન અખબારના સહતંત્રી આઇગોર ચેરન્યકની મદદ લીધી છે જેઓ આ પાઠ્યપુસ્તકના સહલેખકો પણ છે.

નાઝી રૉકેટ હુમલાઓનો ઉલ્લેખ

બીબીસીએ ‘રશિયન આર્મી ઇન ડીફેન્સ ઑફ ધ ફાધરલૅન્ડ’ ની કોપીને પણ જોઈ હતી. આ પુસ્તકના પાનાંઓ રશિયન સૈનિકોની ઐતિહાસિક જીતની કહાણીઓથી ભરપૂર છે. છેક 13મી સદીથી આજ સુધીની અનેક ઘટનાઓનો તેમાં ઉલ્લેખ છે.

આ પ્રકાશનના લેખકોએ સોવિયત તાનાશાહ જૉસેફ સ્ટાલિનના વખાણ કર્યાં છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સોવિયતના લોકોએ કરેલી ઉજવણી, ક્રાઇમિયાના રશિયા સાથેના પુન:જોડાણ દરમિયાન રશિયાની સેનાના રોલ અંગે પણ વાત કરવામાં આવી છે.

રશિયા યુક્રેન યુદ્ધ પાઠ્યપુસ્તક કિશોરો

ઇમેજ સ્રોત, Getty Images/BBC

ઇમેજ કૅપ્શન, પાઠ્યપુસ્તકમાં સોવિયત તાનાશાહ સ્ટાલિનને પણ સારી રીતે રજૂ કરવાનો આરોપ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પુસ્તકના એક વિભાગમાં યુક્રેનમાં કથિત વિશેષ લશ્કરી કાર્યવાહીનો (જેને રશિયા યુક્રેન પર સંપૂર્ણપણે આક્રમણ કહે છે) પણ ઉલ્લેખ છે.

"જ્યારે 2014માં કિવમાં બળવો થયો હતો, ત્યારે નવી આવેલી સરકારે દરેક રશિયન વસ્તુ પર કડક કાર્યવાહી શરૂ કરી હતી. રશિયન પુસ્તકો બાળી નાખવામાં આવ્યાં હતાં, સ્મારકોનો નાશ કરવામાં આવ્યો હતો, રશિયન ગીતો અને રશિયન ભાષા પર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રશિયન બ્લડ' કોકટેલ રેસ્ટોરાંમાં પીરસવામાં આવતી હતી." આ બધી બાબતોને પુસ્તકમાં લેખકો ખોટી રીતે વર્ણવે છે.

"લુહાન્સ્ક અને દોનેસ્ક પ્રદેશોમાં આવેલાં શહેરો કે જ્યાં આવી નીતિઓ સામે અસંમતિ છે ત્યાં નાઝી શેલ્સ અને રૉકેટ દ્વારા બૉમ્બમારો કરવામાં આવ્યો હતો." – આ પ્રકારના ખોટા દાવાઓ પણ કરવામાં આવ્યા છે.

પાઠયપુસ્તકના લેખકો જણાવે છે કે, "યુક્રેન અને નાટોએ જ યુદ્ધ શરૂ કરવાની યોજના બનાવી હતી.”

પાઠ્યપુસ્તક અનુસાર, "19 ફેબ્રુઆરી, 2022ના રોજ મ્યુનિક કૉન્ફરન્સમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ રશિયાને ધમકી આપી હતી કે યુક્રેન પરમાણુશસ્ત્રો મેળવવાની યોજના બનાવી રહ્યું છે. કિવ ડૉનબાસ પર ફરીથી નિયંત્રણ મેળવવા અને ક્રાઇમિયા પર કબજો કરવાની યોજના બનાવી રહ્યું હતું. જેના પછી નાટો સૈનિકોને ત્યાં ઉતારવાની યોજના હતી. આ જ ફકરામાં તેઓ ભારપૂર્વક કહે છે કે યુક્રેનિયન સૈનિકો અને સશસ્ત્ર વાહનોની મોટી સંખ્યામાં સરહદો પર ગોઠવવામાં આવ્યાં હતાં."

યુક્રેનિયન રાજકીય વિશ્લેષક વોલોદિમિર ફેસેન્કો આ સામગ્રીને ‘ખોટી માહિતી અને જૂઠાણાં’ તરીકે વર્ગીકૃત કરે છે.

તેમણે મ્યુનિકમાં ઝેલેન્સ્કીના ભાષણમાં હાજરી આપી હતી એ ઘટનાને યાદ કરતા કહે છે કે, "ત્યાં યુક્રેનિયન રાષ્ટ્રપતિએ બુડાપેશ મેમોરેન્ડમનો પણ ઉલ્લેખ કર્યો હતો. 1994માં હસ્તાક્ષરિત આ કરારમાં યુક્રેને રશિયા અને અન્ય દેશોની સુરક્ષાની ખાતરીના બદલામાં પરમાણુશસ્ત્રો સરેન્ડર કર્યા હતા. જ્યારે રશિયાએ 2014માં ક્રાઇમિયા પર કબ્જો કર્યો ત્યારે આ બાંહેધરીનો ભંગ કરવામાં આવ્યો હતો."

ફેસેન્કોના જણાવ્યા અનુસાર પાઠ્યપુસ્તકનાં નિવેદનોથી વિપરીત પ્રમુખ ઝેલેન્સ્કીએ તો 2021ના અંતથી યુક્રેનની સરહદો નજીક રશિયન સૈન્યની તહેનાતી અંગેની વધતી જતી આશંકાઓ વચ્ચે આ કરારના ઉલ્લંઘન પર ભાર મૂક્યો હતો. મ્યુનિક કૉન્ફરન્સ પછી તરત જ રશિયન ફેડરેશને યુક્રેન પર સંપૂર્ણપણે હુમલો શરૂ કર્યો હતો.

રશિયા યુક્રેન યુદ્ધ પાઠ્યપુસ્તક કિશોરો

ઇમેજ સ્રોત, Getty Images/BBC

આ સિવાય પાઠ્યપુસ્તક એવો ખોટો દાવો પણ કરે છે કે યુક્રેનનું મારિયોપૉલ શહેર કે જેનો રશિયાએ બૉમ્બમારાથી નાશ કર્યો હતો તેને નાઝીઓ અને અન્ય વિદેશી સૈનિકોએ નાશ કર્યું હતું.

બીબીસીએ જે વિશેષજ્ઞોનો ઇન્ટરવ્યૂ કર્યો હતો તેઓ એ વાતને રેખાંકિત કરે છે કે કઈ રીતે આ પુસ્તક એવો દાવો કરે છે કે રશિયાએ યુક્રેનના નાગરિકોની સુરક્ષાનો ખ્યાલ રાખ્યો હતો અને ઓછામાં ઓછું નુકસાન થાય તેનું ધ્યાન રાખ્યું હતું. આ પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન જ નાગરિકોને નુકસાન થાય એ રીતે હુમલાઓ કરે છે જ્યારે રશિયા તો ખૂબ ધ્યાન રાખીને યુદ્ધ લડે છે.

ફેસેન્કો કહે છે, "આપણને સૌને બુચા, કિએવમાં થયેલી ઘટનાઓ યાદ છે. જ્યાં અનેક યુક્રેનિયન નાગરિકોને રશિયા દ્વારા મારી નાખવામાં આવ્યા હતા અને મહિલાઓનો બળાત્કાર કરવામાં આવ્યો હતો."

"આવી તો અનેક ઘટનાઓ બની છે. ખારકિએવ નેશનલ યુનિવર્સિટીના જે બિલ્ડિંગમાં મેં 20 વર્ષ પહેલાં કામ કર્યું હતું તેને રશિયાએ આ શહેર પર કરેલા હુમલામાં જ નાશ કરી દીધો હતો. જે શાળામાં મારી દીકરીઓ ભણી હતી તેના પર પણ બૉમ્બમારો કરવામાં આવ્યો હતો. રશિયાએ નાગરિકોને ઉપયોગી મોટાભાગની ઇમારતો પર હુમલા કરીને તેનો નાશ કરી દીધો છે."

શાળાની બેન્ચથી યુદ્ધના મેદાન સુધી

‘ધ રશિયન આર્મી ઇન ડિફેન્સ ઑફ ધ ફાધરલૅન્ડ’નો બીજો ભાગ રશિયન સશસ્ત્ર દળોની રચનાની ઊંડાણપૂર્વકની ઝાંખી સાથે શરૂ થાય છે. જેમ જેમ આ પુસ્તકની સામગ્રી સામે આવતી જાય છે તેમ તેમ એવું પ્રતીત થાય છે કે તે 18 વર્ષથી વધુ વયના લોકોને સેનામાં જોડાવાની હિમાયત કરે છે.

પાઠ્યપુસ્તકમાં તમામ માહિતી છે. તે સેનામાં જોડાવાની પ્રક્રિયાની રૂપરેખા આપે છે જેમાં જરૂરી દસ્તાવેજો, ફોટો સાઇઝ, અરજી ફોર્મની લિંક અને રજિસ્ટ્રેશન માટે નજીકના સરનામાની માહિતી પણ છે. તે મફત તબીબી સારવાર અને વીમો, આકર્ષક પગાર અને દિવસમાં ત્રણ વખત ભોજન જેવા લાભનો પણ પ્રચાર કરે છે અને યુવાનોને સેનામાં જોડાવા પ્રોત્સાહિત કરે છે.

જો ભરતી કરવામાં આવે અને ભરતીની ઑફિસમાં ઉમેદવાર હાજર ન રહી શકે તો તેવા કિસ્સામાં કેવા પ્રકારના પ્રતિબંધો લાગી શકે તેની યાદી પણ આપવામાં આવી છે. જેમાં કાર ચલાવવા પર પ્રતિબંધ અથવા મિલકતની નોંધણી કરવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

રશિયા યુક્રેન યુદ્ધ પાઠ્યપુસ્તક કિશોરો

ઇમેજ સ્રોત, Getty Images/BBC

ઇમેજ કૅપ્શન, સૈન્યમાં જોડાવા માટેનું માર્ગદર્શન આપતી માહિતી

ક્રાઇમિયન હ્યુમન રાઇટ્સ ગ્રુપના ઑલ્હા સ્ક્રિપન્ક કહે છે, “ક્રાઇમિયા અને ડૉનબાસ જેવા યુક્રેનના જે વિસ્તારો પર કબ્જો છે ત્યાંના યુવાનો કદાચ આવી સુવિધાઓથી પ્રભાવિત થઈ શકે છે.”

તેઓ કહે છે, "આ સિવાય ખૂબ ઉગ્ર પ્રોપેગેન્ડા પણ ફેલાવવામાં આવી રહ્યો છે. યુક્રેનના કબ્જે કરાયેલા વિસ્તારોમાં છેલ્લાં દસ વર્ષથી રહેતા કિશોરોને લક્ષ્યમાં રાખીને આ વાત કરવામાં આવી રહી છે. તેમાં એવું કહેવાઈ રહ્યું છે કે ત્યાં પૈસા કમાવા માટે કોઈ તક નથી."

રશિયા યુક્રેન યુદ્ધ પાઠ્યપુસ્તક કિશોરો

ઇમેજ સ્રોત, Telegram channel New Melitopol

ઇમેજ કૅપ્શન, મેલિટોપોલમાં શાળામાં રશિયન સૈનિકો

તેઓ કહે છે કે, નવા પુસ્તકને કારણે રશિયાએ કબ્જે કરેલા ક્ષેત્રોમાં અને અન્ય વિસ્તારોમાં પણ કિશોર વયના લોકો યુદ્ધમાં જોડાવા પ્રેરાશે, તેઓ યુદ્ધમાં ભાગ લેશે અને મૃત્યુ પામશે.

બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ જેમની ઉંમર 20 વર્ષથી ઓછી હોય તેવા ઓછામાં ઓછા 1240 સૈનિકોને ગુમાવ્યા છે. આ માત્ર એવો આંકડો છે જેની પુષ્ટિ બીબીસીની રશિયન સેવાએ જાહેરમાં ઉપલબ્ધ માહિતી પરથઈ કરી છે.

(ગ્રાફિક્સ: ઍન્જેલિના કોરબા)