ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બને તો...એ દેશો જે ભયમાં છે

અમેરિકાની ચૂંટણી, ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયા, યુક્રેન યુદ્ધ, યુરોપ

ઇમેજ સ્રોત, LEON NEAL/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ અને જેડી વેન્સ
    • લેેખક, જેસ પાર્કર અને જેમ્સ વૉટરહાઉસ
    • પદ, બર્લિન અને કીએવથી બીબીસી સંવાદદાતા

ડોનાલ્ડ ટ્રમ્પ જો ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો યુરોપ પર તેની શી અસર પડશે?

અમેરિકામાં સંભવિત સત્તા પરિવર્તનને લઈને યુરોપના નેતાઓ અને કૂટનીતિજ્ઞો અગાઉથી જ આ પડકારોનો સામનો કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ માટે ઓહાયોમાં સૅનેટર જેડી વેન્સની પસંદગી કરી તો યુરોપમાં એક સ્પષ્ટ સંદેશો ગયો કે ટ્રમ્પનું વલણ રાષ્ટ્રપતિ બન્યા બાદ શું હશે.

યુક્રેનમાં રશિયાના હુમલા, સુરક્ષાની ચિંતાઓ અને કારોબારનો મુદ્દો યુરોપ માટે મહત્ત્વનો છે. ટ્રમ્પ જો રાષ્ટ્રપતિ બનશે તો આ મુદ્દાઓ પર તેમનું વલણ શું રહેશે એ યુરોપની મુખ્ય ચિંતા છે.

જેડી વેન્સ યુક્રેનને અપાઈ રહેલી આર્થિક મદદની ટીકા કરવા માટે જાણીતા છે.

આ વર્ષે મ્યુનિખ સુરક્ષા સંમેલનમાં તેમણે કહ્યું હતું કે યુરોપને એ સમજવું જોઈએ કે અમેરિકાએ "પોતાનું ધ્યાન" પૂર્વીય એશિયા તરફ કેન્દ્રિત કરવું પડશે.

તેમણે કહ્યું હતું, "અમેરિકાની સુરક્ષા નીતિથી યુરોપની સુરક્ષા નબળી થઈ છે."

જર્મનીના ચાન્સેલર ઓલાફ શૉલ્ત્સની પાર્ટીના એક વરિષ્ઠ સૅનેટર અને જર્મન સંસદમાં સોશિયલ ડેમૉક્રેટ્સની વિદેશનીતિના પ્રમુખ નિલ્સ શ્મિડે બીબીસીને કહ્યું કે તેમને ભરોસો છે કે રિપબ્લિકન પાર્ટીની સરકાર બન્યા બાદ પણ અમેરિકા નેટોમાં રહેશે, ભલે જેડી વેન્સ "વધુ અલગ" વલણ અપનાવતા રહે અને ડોનાલ્ડ ટ્રમ્પ "અનપેક્ષિત" બનેલા રહે.

જોકે તેમણે ટ્રમ્પના નેતૃત્વાળી સરકારના સમયમાં નવી "ટ્રેડ વૉર" શરૂ થવાની ચેતવણી આપી છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

યુરોપને શેનો ડર છે?

અમેરિકાની ચૂંટણી, ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયા, યુક્રેન યુદ્ધ, યુરોપ
ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ સાથે મુલાકાત બાદ બોરિસ જૉન્સને તેમની સાથેની આ તસવીર પોસ્ટ કરી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુરોપીય સંઘના એક વરિષ્ઠ મુત્સદ્દીએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, એટલે કોઈ પણ ભોળા નથી.

તેમણે કહ્યું, "ટ્રમ્પના ફરી એક વાર સત્તામાં આવવાનો અર્થ શું હશે એ આપણે સમજીએ છીએ. તેનાથી કોઈ ફરક નથી પડતો કે તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ તરીકે કોણ છે."

તેમણે યુરોપીય સંઘની તુલના વાવાઝોડાની તૈયારી કરતી એક હોડી સાથે કરીને અને નામ ન આપવાની શરતે કહ્યું કે તેઓ ભલે ગમે તે કરી લે, તેમના માટે આવનારો સમય કઠિન જ રહેવાનો છે.

છેલ્લાં બે વર્ષમાં યુદ્ધની માર વેઠી રહેલા યુક્રેનનું સૌથી મોટું સહયોગી અમેરિકા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ અઠવાડિયે કહ્યું હતું, "ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને એનો મને ડર નથી, મને આશા છે કે અમે મળીને કામ કરીશું."

ઝેલેન્સ્કીએ એ પણ કહ્યું કે તેઓ માને છે કે રિપબ્લિકન પાર્ટીના મોટા ભાગના નેતા યુક્રેન અને તેના નાગરિકોનું સમર્થન કરે છે.

યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને ડોનાલ્ડ ટ્રમ્પના બ્રિટનના પૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સન સારા મિત્ર છે. બોરિસ જૉન્સન યુક્રેનને આર્થિક મદદનું સમર્થન કરે છે.

હાલમાં જ જૉન્સને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું, તેમને એ વાતમાં "કોઈ શંકા નથી કે ટ્રમ્પ એ દેશનું સમર્થન અને ગણતંત્રની રક્ષા કરવાના મામલામાં મજબૂત અને નિર્ણાયક નિર્ણયો લેશે."

જોકે આ ભાવના જો સાચી હોય તો પણ એ જરૂરી નથી કે આ વેન્સ પર પણ લાગુ થાય.

યુક્રેનના વિરુદ્ધ રશિયાનું 'સૈન્ય અભિયાન' શરૂ થયાના કેટલાક દિવસો અગાઉ એક પૉડકાસ્ટમાં વેન્સે કહ્યું હતું કે "એ વાતની કોઈ પરવા નથી કે યુક્રેનમાં શું થાય છે."

યુક્રેનને અપાયેલી 60 અબજ ડૉલરના અમેરિકાના સૈન્ય સહાય પૅકેજમાં મોડું થવામાં વેન્સે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

યુક્રેન મુદ્દે ટ્રમ્પનું વલણ કેવું રહેશે?

અમેરિકાની ચૂંટણી, ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયા, યુક્રેન યુદ્ધ, યુરોપ
ઇમેજ કૅપ્શન, હંગેરીના પીએમ વિક્ટર ઓરબાને માર-અ-લાગો જઈને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. તેમણે આ મામલે 28 સેકન્ડનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે

કીએવમાં મોજૂદ થિન્ક ટૅન્ક ઇન્સ્ટિટ્યૂટ ઑફ વર્લ્ડ પૉલિસીના કાર્યકારી નિદેશક યેવહેન મહદા કહે છે, "અમારા માટે એ જરૂરી છે કે અમે પ્રયત્નો કરીએ અને તેમને સમજાવીએ."

તેઓ કહે છે, "ઇરાક યુદ્ધમાં ટ્રમ્પની પાર્ટીની સરકાર સામેલ હતી. આપણે ટ્રમ્પને યુક્રેનની મુલાકાત લેવાનું નિમંત્રણ આપી શકીએ, જેથી તેઓ ખુદ આવીને જોઈ શકે કે શું થઈ રહ્યું છે અને અમેરિકાએ આપેલી આર્થિક મદદ ત્યાં કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે."

યુક્રેન કેટલી હદે અમેરિકાના નવા રાષ્ટ્રપતિને પ્રભાવિત કરી શકે છે એ પણ મહત્ત્વનું રહેશે.

યેવહેન મહદા એ વાત સાથે સહમત છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ટ્રમ્પનું અનપેક્ષિત વલણ યુક્રેન માટે સમસ્યા બની શકે છે.

યુરોપીય સંઘમાં ટ્રમ્પ અને વેન્સની જોડીના સૌથી પ્રબળ સમર્થક છે હંગેરી વડા પ્રધાન વિક્ટર ઓરબાન. ઓરબાને હામલાં જ યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે અમેરિકામાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી. પુતિન સાથે ઓરબાનના ગાઢ સંબંધો છે.

યુરોપીય સંઘના નેતાઓને લખેલી એક ચિઠ્ઠીમાં ઓરબાને કહ્યું હતું કે જો ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જાય તો તેઓ પદના શપથ લે ત્યાં સુધી રાહ નહીં જુએ અને જલદી રશિયા-યુક્રેન વચ્ચે શાંતિવાર્તાની માગ કરશે.

ઓરબાને પોતાની ચિઠ્ઠીમાં લખ્યું, "તેમની પાસે આની લાંબી અને ચોક્કસ યોજના છે."

તો વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ અઠવાડિયે કહ્યું હતું કે આ વર્ષે નવેમ્બરમાં થનારા સંભવિત શાંતિસંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સામેલ થવું જોઈએ.

તેમણે વાયદો કર્યો હતો કે નવેમ્બરમાં તેમની પાસે આની એક "આખી યોજના તૈયારી હશે". જોકે તેમણે એ પણ કહ્યું કે તેમના પર પશ્ચિમી પ્રાંતોનું કોઈ પણ દબાણ નથી.

હાલમાં જ ઓરબાને કથિત "શાંતિમિશન" હેઠળ રશિયા અને ચીનની મુલાકાત લીધી હતી, બાદમાં તેમના પર એ આરોપ લાગ્યો હતો કે તેઓ યુરોપીય કાઉન્સિલની છ મહિનાની અધ્યક્ષતાનો દુરુપયોગ કરી રહ્યા છે.

ઓરબાનની હરકતો જોતાં યુરોપીય કમિશનના અધિકારીઓને કહેવાયું કે તેઓ હંગેરીમાં થનારી બેઠકોમાં સામેલ ન થાય.

આ વર્ષે એક જુલાઈએ હંગેરીને યુરોપીય કાઉન્સિલની છ મહિનાની અધ્યક્ષતા મળી હતી. બાદમાં ઓરબાન યુક્રેન, રશિયાન, અઝરબૈજાન, ચીન અને અમેરિકાની મુલાકાત લઈ ચૂક્યા છે. તેઓ તેને "શાંતિમિશન" માટે દુનિયાની મુલાકાત કહી રહ્યા છે.

વેપારના ભવિષ્ય અંગે ચિંતા

અમેરિકાની ચૂંટણી, ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયા, યુક્રેન યુદ્ધ, યુરોપ

ઇમેજ સ્રોત, SAMUEL CORUM/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, હંગેરીના પીએમ વિક્ટર ઓરબાન

ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન યુરોપીય સંઘથી થનાર સ્ટીલ અને ઍલ્યુમિનિયમની આયાત પર અમેરિકાએ આયાતકર લાદ્યો હતો.

જોકે ત્યાર બાદ સત્તામાં આવેલા જો બાઇડન પ્રશાસને આ આયાતો પર રોક લગાવી હતી, પરંતુ ટ્રમ્પે સત્તામાં આવ્યા બાદ બધી આયાતો પર દસ ટકા ટૅક્સ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

વેપાર મુદ્દે અમેરિકા સાથે નવા આર્થિક ટકરાવની આશંકાને યુરોપના મોટા ભાગના પ્રાંતોમાં એક ખરાબ, એટલે સુધી કે વિનાશકારી પરિણામના રૂપમાં જોવાશે.

જર્મન સંસદમાં સોશિયલ ડેમૉક્રેટ્સની વિદેશનીતિના પ્રમુખ નિલ્સ શ્મિડ કહે છે, "એક વાત અમે ચોક્કસ જાણીએ છીએ તે એ છે કે યુરોપીય સંઘ પર દંડાત્મક શુલ્ક લગાવાશે અને એટલા માટે આપણે એક વધુ વેપારયુદ્ધ માટે તૈયાર રહેવું પડશે."

આ અગાઉ આ વર્ષે જેડી વેન્સે સૈન્ય તૈયારીઓ માટે જર્મનીની ટીકા કરી હતી.

તેમનો ઇરાદો જર્મનીના "ટીકા કરવાનો" નહોતો. તેમણે કહ્યું હતું કે હથિયારોનું ઉત્પાદન કરી રહેલા ઉદ્યોગોનો આધાર પૂરતો નથી.

આવનારા સમયમાં વેન્સનું નિવેદન યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા જર્મની પર યુરોપીય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે વધુ દબાણ કરી શકે છે.

ફેબ્રુઆરી 2022માં યુક્રેન સામે રશિયાના "સૈન્ય અભિયાન" બાદ જર્મની ચાન્સેલર આલોફ શૉલ્ત્સે સંસદમાં આપેલા પોતાના ભાષણમાં આને ઇતિહાસ બદલનારી ઘટના ગણાવી હતી. તેમના પર યુક્રેનને હથિયાર આપવામાં ખચકાટ અનુભવતા હોવાના આરોપ પણ લાગતા રહે છે.

અમેરિકાની ચૂંટણી, ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયા, યુક્રેન યુદ્ધ, યુરોપ

ઇમેજ સ્રોત, MARYAM MAJD/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, જર્મની ચાન્સેલર આલોફ શૉલ્ત્સ

યુક્રેન હુમલા બાદ સંસદમાં આપેલા ભાષણમાં આલોફે હથિયારની નિકાસને લઈને પ્રતિબંધ લાદ્યા હતા. તેમણે દેશનો રક્ષા ખર્ચ વધારવા અને રશિયા પાસેથી તેલ અને ગૅસ ખરીદવા પર રોક લગાવવાની વાત કરી હતી.

જોકે જર્મનીના સહયોગી કહેતા રહ્યા છે કે યુક્રેનને સૈન્ય સહાય આપવામાં અમેરિકા બાદ જો કોઈનો નંબર હોય તો એ જર્મની જ છે.

શીતયુદ્ધ ખતમ થયા બાદ પહેલી વાર, ભલે શૉર્ટ-ટર્મ બજેટના માધ્યમથી- જર્મની બે ટકા રક્ષાબજેટના લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહ્યું છે.

જર્મન સંસદમાં સોશિયલ ડેમોક્રેટ્સની વિદેશનીતિના પ્રમુખ શ્મિડ કહે છે, "મને લાગે છે કે અમે યોગ્ય રસ્તે છીએ. અમે એ સેનાનું પુનર્નિમાણ કરવા માગીએ છીએ, જેના પર ગત 15થી 20 વર્ષ સુધી ધ્યાન અપાયું નથી."

પરંતુ આ મામલામાં નજર રાખનારા આ વાતથી સહમત નથી કે પડદા પાછળ યુરોપની તૈયારીઓ ગંભીર કે પૂરતી છે.

એવા બહુ ઓછા નેતા છે, જેમની પાસે એક અસ્થિર યુરોપીય મહાદ્વીપના ભવિષ્યની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટેની રાજકીય ઇચ્છાશક્તિ હોય.

વિદેશનીતિ મામલામાં ઓલાફ શૉલ્ત્સની પોતાની સંયમિત રીત છે અને તેઓ આ મામલે નેતૃત્વ કરવાનું ટાળી રહ્યા છે.

તેઓ રાજકીય રીતે મુશ્કેલીઓથી ઝૂઝી રહ્યા છે અને બની શકે કે આગામી વર્ષે ચૂંટણીમાં તેમને સત્તામાંથી બહાર જવું પડે.

તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુલ મૅક્રોને અચાનક ચૂંટણીની જાહેરાત કરી અને ગત દિવસોમાં દેશમાં સંસદીય ચૂંટણી કરાવ્યા બાદ તેઓ ખુદ નબળી સ્થિતિમાં આવી ગયા છે.

ચૂંટણી બાદ દેશમાં દક્ષિણપંથીઓની આશા પ્રમાણે સરસાઈ ન મળી શકી અને દેશ હાલમાં પૉલિટિકલ પૅરાલિસીસના ગાળામાંથી પસાર થઈ રહ્યો છે.

તો પોલૅન્ડના રાષ્ટ્રપતિ આંદ્રઝેજ ડૂડાએ મંગળવારે ચેતવણી આપી હતી કે જો યુક્રેન રશિયા સામે યુદ્ધ હારી જાય તો "પશ્ચિમની સાથે રશિયાના યુદ્ધની સંભાવના બહુ વધારે વધી જશે."

તેમણે કહ્યું, "કબજો કરનારો આ રશિયન રાક્ષસ વધુ હુમલા કરવા માગશે અને સતત હુમલા કરવાનું ઇચ્છશે."

બીબીસી