ચીન સાથે પુતિનના ગાઢ સંબંધોનો ભારત માટે શો અર્થ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી
રશિયાનો બે-તૃતીયાંશ ભાગ એશિયામાં હોવા છતાં પણ રશિયાની વિદેશ નીતિનું ધ્યાન મધ્ય-પૂર્વ અને આફ્રિકા પર વધારે રહ્યું છે. જોકે, રશિયાની હાલમાં એશિયામાં વધી રહેલી રુચિએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મે અને જૂન વચ્ચે ચીન, ઉત્તર કોરિયા અને વિયતનામના પ્રવાસ દરમિયાન કેટલીક સમજૂતીઓ કરી હતી.
પુતિન થોડાક દિવસો પહેલાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મૉસ્કોમાં મળ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી આ મુલાકાતથી ખૂબ જ નિરાશ હતા. તેમણે કહ્યું હતું કે આ મુલાકાત શાંતિના પ્રયત્નો માટે એક મોટો ઝટકો છે.

ચીન અને રશિયાના સંબંધોમાં બદલાવનો સમય

ઇમેજ સ્રોત, Reuters
રશિયાના નેતાઓએ લગભગ એક દાયકા પહેલાં વ્લાદિવોસ્ટકમાં એશિયા પેસિફિક આર્થિક સહયોગ બેઠકનું આયોજન કરીને એશિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના ઇરાદા વિશે સંકેતો આપવાની શરૂઆત કરી દીધી હતી.
યુક્રેનમાં રશિયાના હુમલા પહેલાં જ રશિયા અને ચીન વચ્ચે રક્ષા મામલે સહયોગ વધશે તેવા સંકેતો મળવા લાગ્યા હતા. બંને દેશો ઘણા લાંબા સમયથી પૂર્વ એશિયાની સુરક્ષા પર વાતચીત કરતા રહ્યા છે. આ ઉપરાંત બંને દેશોએ સંયુક્ત રીતે ઘણા હવાઈ અને નૌકા અભ્યાસોમાં ભાગ લીધો છે.
રશિયાએ પોતાના ચીન સાથેના સંબંધોની અસર હજુ સુધી ભારત પર થવા દીધી નથી.
જોકે, ચીન મામલે વિશેષજ્ઞ મર્સી કુઓએ "ધી ડિપ્લોમેટ" પત્રિકામાં લખ્યું, "જેમ-જેમ રશિયાની આર્થિક નિર્ભરતા ચીન પર વધશે તેમ-તેમ આ સમીકરણોમાં પણ ફેરફારની શક્યતાઓ વધતી જશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કમ્યુનિસ્ટ આંદોલનના શરૂઆતી દિવસોથી સોવિયેટ સંઘ અને ચીન ખૂબ જ નજીક રહ્યા. જોકે, બંને દેશો વચ્ચેના સંબંધો 1960ના દાયકાથી ખરાબ થવાની શરૂઆત થઈ હતી.
બંને દેશોના સંબંધ 1970ના દાયકામાં સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી ગયા હતા. જોકે, સોવિયેટ સંઘના વિઘટન પછી અમેરિકાના એકાધિકારને ઘટાડવા માટે ચીન અને રશિયાએ એકબીજા સાથે સંબંધો મજબૂત કરવાનું ફરીથી શરૂ કર્યું.
આ સમયે રશિયા માટે ચીનથી વધારે મહત્ત્વપૂર્ણ કોઈ દેશ નથી. પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ વચ્ચે ગત મે મહિનામાં બેઇજિંગમાં થયેલી મુલાકાત દરમિયાન વારંવાર વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ જિનપિંગે પુતિનને કહ્યું કે અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવા માટે ચીન રશિયાની આર્થિક મદદ કરવાનુ ચાલુ રાખશે.
ચીન જ નહીં, પરંતુ દુનિયાથી અલગ પડી ગયેલું ઉત્તર કોરિયા પણ રશિયાના નવા પાર્ટનર તરીકે ઊભરી રહ્યું છે.
આ એક મોટો ફેરફાર છે. કારણ કે સાત વર્ષ પહેલાં જ્યારે ઉત્તર કોરિયાએ છઠ્ઠી વખત પરમાણુ પરીક્ષણ કર્યું હતું ત્યારે રશિયાએ ઉત્તર કોરિયા પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લાદેલા પ્રતિબંધોનું સમર્થન કર્યું હતું.
રશિયાની ઉત્તર કોરિયા સાથે વધતી નિકટતા

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વર્ષ 2000 પછી પ્રથમ વખત ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગને મળવા પ્યોંગયૉન્ગ પહોંચ્યા. પુતિનનું ત્યાં જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું. કિમ જૉંગે પોતે વિમાન સુધી જઈ તેમનું સ્વાગત કર્યું હતું.
બંને નેતાઓએ રક્ષા સમજૂતીમાં સુધાર કરીને એકબીજાને વાયદો આપ્યો કે જો બંનેમાંથી કોઈ પણ દેશ પર હુમલો થશે તો બીજો દેશો કોઈ પણ પ્રકારની રાહ જોયા વગર બીજા દેશને શક્ય તેટલી બધી જ મદદ કરશે.
આ વાતથી ઉત્તર કોરિયાનો પાડોશી દેશ દક્ષિણ કોરિયા ખૂબ જ નારાજ હતો. આ કારણે એ વાતની શક્યતા વધી ગઈ છે દક્ષિણ કોરિયા રશિયાની વિરુદ્ધ લડવા માટે યુક્રેનને સૈન્ય મદદ આપી શકે છે.
રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે સંબંધો અચાનક જ સુધર્યા નથી. ઉત્તર કોરિયાએ સપ્ટેમ્બર 2023માં વ્લાદિવોસ્ટકમાં થયેલી બેઠકમાં રશિયાને ખાતરી આપી હતી કે તે રશિયાને યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ માટે હથિયાર આપશે. તેના બદલામાં રશિયા ઉત્તર કોરિયાને મિસાઇલ કાર્યક્રમમાં ટેકનૉલૉજીના મામલે મદદ કરશે.
જોકે, આ સમજૂતી વિશે વધારે માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ઉત્તર કોરિયાએ સંરક્ષણ સાધનોથી ભરેલાં કેટલાંક જહાજો રશિયા મોકલ્યાં હતાં. અમેરિકાના વિદેશ મંત્રાલયના અનુમાન પ્રમાણે, 2023ની બેઠક પછી ઉત્તર કોરિયાએ હથિયારોથી ભરેલાં 11 હજારથી વધારે કન્ટેનરો મૉસ્કો મોકલ્યાં હતાં.
રશિયા અને ઉત્તર કોરિયાની વચ્ચે વધતી ભાગીદારી અમેરિકા અને યુરોપ માટે એક વ્યૂહાત્મક સમસ્યા બની શકે છે.
પુતિનનો વિયતનામ પ્રવાસ

ઇમેજ સ્રોત, EPA
ઉત્તર કોરિયાના પ્રવાસ પછી પુતિન વિયતનામ પણ ગયા હતા. વર્ષ 2013 પછી આ પુતિનનો પ્રથમ વિયતનામ પ્રવાસ હતો. જોકે, વિયતનામમાં તેમનું પ્યૉંગયાંગમાં જેટલું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું ન હતું.
આનો અર્થ છે કે વિયતનામ પશ્ચિમ સાથે પોતાના સંબંધોને ધ્યાનમાં રાખીને રશિયા તરફ પોતાના સંબંધોમાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધી રહ્યો છે. જોકે, રશિયા અને વિયતનામ વચ્ચે વધી રહેલા રક્ષા સંબંધો અંગે અમેરિકામાં થોડીક ચિંતા જરૂર છે. જોકે, આ કારણે પશ્ચિમ અને વિયતનામ વચ્ચેના સંબંધોમાં કોઈ ખાસ ફરક પડશે નહીં.
અમેરિકા અને વિયતનામ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો વધ્યા છે. આ જ કારણે અમેરિકાને વિયતનામમાં પુતિનની યજમાની પસંદ ન કરી.
દક્ષિણ એશિયાના મામલે વિશેષજ્ઞ ઇયાન સ્ટોરીનું માનવું છે, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં ત્રણ પ્રમુખ દેશો અમેરિકા, રશિયા અને ચીનના નેતાઓએ વિયતનામનો પ્રવાસ કર્યો હતો. આ વાતને વિયતનામની વિદેશ નીતિની સફળતા તરીકે ગણવી જોઈએ. ચીન અને વિયતનામ વચ્ચે સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે અને ઐતિહાસિક રૂપે ચીને (1979) વિયતનામ પર હુમલો પણ કર્યો હતો. ચીનના વલણ વિશે વિયતનામમાં શરૂઆતથી જ ચિંતા રહી છે. આ કારણે જ પુતિનની ઇચ્છા છતાં વિયતનામ રશિયા-ચીનનાં જોડાણ સાથે જોડાય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે."
એશિયા પેસિફિકમાં રશિયાની મહત્ત્વાકાંક્ષા
એશિયા પેસિફિકમાં રશિયાની ભૂમિકા અમેરિકા અને ચીનની તુલનામાં ખૂબ જ નહીંવત છે. હથિયાર અને થોડીક હદ સુધી તેલના પુરવઠા સિવાય આ વિસ્તારમાં રશિયાની મર્યાદિત ભૂમિકા રહી છે.
જાણીતા રક્ષા વિશેષજ્ઞ ડેરેક ગ્રૉસમૅનનું માનવું છે કે રશિયાની દબાયેલી ઇચ્છા છે કે પશ્ચિમ અને પૂર્વ બ્લૉક વચ્ચે કૉલ્ડ વોરના સમયની કડવાશ ફરીથી લાવી શકાય જેથી કરીને આંતરરાષ્ટ્રીય મંચ પર રશિયા ફરીથી વૈશ્વિક શક્તિ તરીકે આવી શકે.
જોકે, આ યોજના એશિયા પેસિફિકના દેશોમાં સફળ થાય તેની શક્યતા ખૂબ જ ઓછી છે. કારણ કે અમુક અપવાદોને છોડીને આ વિસ્તારના મોટાભાગના દેશો શક્તિ સંતુલનની રમતમાં ભાગ લેવાથી બચે છે.
બીજા વિકલ્પ તરીકે રશિયા પ્રયત્નો કરે છે કે પોતાના સંબંધો એશિયા પેસિફિક દેશો સાથે મજબૂત બનાવે. રશિયા પોતાના પ્રયત્નો થકી આ વિસ્તારમાં અમેરિકાના વર્ચસ્વનો મુકાબલો કરવા માગે છે.
આ યોજનામાં રશિયાને થોડીક સફળતા મળી હતી. દક્ષિણ એશિયાના અડધા દેશો અને પેસિફિક વિસ્તારના લગભગ બધા જ દેશોએ સ્વિઝર્લેન્ડમાં થયેલા યુક્રેન શાંતિ સંમેલનથી પોતાને અલગ રાખ્યા હતા.
એશિયા પેસિફિકના થોડાક દેશોએ સંમેલનમાં ભાગ લીધો હતો. તેમને પણ સંયુક્ત ઘોષણાપત્ર પર સહી કરવાની મનાઈ કરી હતી. આ વાતને એશિયા પેસિફિકમાં રશિયાની વધતી અસર તરીકે જોવામાં આવી રહી છે. જોકે, અમેરિકા અને ચીનની તુલનામાં આ વિસ્તારમાં રશિયાની પકડ ખૂબ જ ઓછી છે.
નરેન્દ્ર મોદી અને પુતિનની મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના યુક્રેન પર હુમલાઓ પછી મોદી પુતિનને મળવા માટે મૉસ્કો ગયા હતા. આખા વિશ્વની નજર એ વાત પર હતી કે અમેરિકાની નારાજગી છતાં પણ મોદી રશિયા સાથે પોતાના સંબંધોનું સંતુલન કેવી રીતે કરે છે?
યુક્રેન પર રશિયાના હુમલા પછી મોટાભાગના પશ્ચિચમી દેશોએ રશિયાથી અંતર રાખ્યું હતું. જોકે, ભારતે રશિયાથી ક્રૂડ ઑઇલની આયાત અને રક્ષા સહયોગ વધાર્યો છે. અમેરિકા જ નહીં, પરંતુ તેમના મિત્ર દેશોને પણ આ વાત ખટકી હતી.
નરેન્દ્ર મોદી જે દિવસે વ્લાદિમીર પુતિનને ભેટ્યા હતાં તે જ દિવસે રશિયાએ યુક્રેનમાં બાળકોની એક હૉસ્પિટલને નિશાનો બનાવી હતી. પશ્ચિમી દેશો આ વાતની ટીકા કરી રહ્યા હતા.
અમેરિકા એવા દેશોને શસ્ત્રો અને સંવેદનશીલ સંરક્ષણ ટેકનૉલૉજી પ્રદાન કરવામાં અનિચ્છા ધરાવે છે જેઓ રશિયન લશ્કરી સાધનસામગ્રી ખરીદે છે.
વિલ્સન સેન્ટરના દક્ષિણ એશિયા બાબતોના નિદેશક માઇકલ કુગલમેને લખ્યું, "તેમ છતાં પણ મોદીના મૉસ્કો પ્રવાસ વૉશિંગટન માટે એટલો અપ્રિય ન હતો જેટલો લોકો માને છે. રશિયા ભારતને સૌથી વધારે હથિયારની નિકાસ કરે છે."
"જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે રશિયાથી હથિયારની આયાતમાં ઘટાડો કર્યો છે અને અમેરિકાથી હથિયારની આયાત વધારી છે."
"એ વાત છુપાયેલી નથી કે ભારત પશ્ચિમી દેશો સાથે સહયોગ વધારી રહ્યું છે અને અમેરિકાની ઇન્ડો-પેસિફિક નીતિને પણ સમર્થન આપે છે. જોકે, આ વાત રશિયાને પસંદ નથી."
રશિયા માટે ભારતનું મહત્ત્વ યથાવત

ઇમેજ સ્રોત, Getty Images
રશિયા ભારતના સૌથી મોટા હરીફ ચીન સાથે પોતાના સંબંધો મજબૂત કરી રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન સાથે પણ રશિયાનો રાજકીય સંપર્ક સતત વધી રહ્યો છે.
રશિયાએ બ્રિક્સ અને શાંઘાઈ સહયોગ સંગઠન જેવા બહુરાષ્ટ્રીય મંચો પર પોતાની સક્રિયતા વધારી છે. બીજી તરફ ભારત બ્રિક્સ અને શાંઘાઈ સહયોગ સંગઠન ઉપરાંત ઇન્ડો-પેસિફિક ક્વૉડનું પણ સભ્ય છે.
ભારતની વિદેશનીતિનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસશીલ અને વિકસીત દેશો વચ્ચે એક પુલ તરીકે કામ કરવાનો છે, જેમાં એવા દેશો પણ સામેલ છે જેને રશિયાનું સમર્થન છે.
યુક્રેન સાથે રશિયાની લડાઈ ભારતના હિતમાં નથી. કારણ કે આ યુદ્ધને કારણે ભારતની ખાદ્ય અને ઊર્જા સુરક્ષાને નુકસાન થયું હતું અને રશિયા ચીનની વધારે નજીક પહોંચ્યું.
ભારતે અમેરિકાની જેમ યુદ્ધની સ્પષ્ટ શબ્દોમાં ટીકા કરી નથી. જોકે, ભારતે વારંવાર યુદ્ધ ખતમ કરવાની અપીલ કરી હતી. એ વાત સાચી છે કે પુતિને મોદીની શાંતિની અપીલ ન માની.
નરેન્દ્ર મોદીના મૉસ્કો પ્રવાસનું એક કારણ એ પણ છે કે રશિયા અને ચીન વચ્ચે મજબૂત થતા સંબંધોને રોકવામાં મદદ મળે. આ એક એવો ઘટનાક્રમ છે જેને કારણે ભારત અને અમેરિકા બંને ચિંતિત છે.
બીજી તરફ આ તથ્ય નકારી ન શકાય કે રશિયા આર્થિક કારણોસર ચીનના શરણે જઈ રહ્યું છે. જોકે, રશિયા હજુ પણ ભારત સાથેના વેપાર અને સંરક્ષણ સંબંધોને અવગણી ન શકે.












