રશિયાનું આ પગલું વિશ્વને એક નવા સંકટ તરફ ધકેલી રહ્યું છે?

રશિયા યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, બેરિલ મુનોકો
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ કાળા સમુદ્ર મારફત થતી અનાજ નિકાસને લઈને આશંકાઓ સેવાઈ રહી હતી પરંતું રશિયા અને યુક્રેને યુદ્ધ છતાં કાળા સમુદ્ર મારફત અનાજની સુરક્ષિત નિકાસ માટે સમજૂતી કરી હતી.

જોકે, હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. રશિયાએ આ કરારથી અલગ થવાની જાહેરાત કરી દીધી છે. હવે ચિંતા દર્શાવાઈ રહી છે કે પહેલાંથી જ દુષ્કાળનો સામનો કરી રહેલા આફ્રિકી દેશો માટે ખોરાકનું ગંભીર સંકટ ઉત્પન્ન થઈ શકે છે.

અનેક આંતરરાષ્ટ્રીય સુપરવાઇઝરો એ વાતને લઈને ચિંતામાં છે કે રશિયાએ આ નિર્ણય 27 અને 28 જુલાઈએ સેંટ પીટર્સબર્ગમાં યોજાયેલા રશિયા-આફ્રિકી શિખર સંમેલન પહેલાં લીધો હતો. આ કરાર ગયા વર્ષે જુલાઈમાં લાગુ થયો એ બાદ ત્રણ વાર એની સમિક્ષા કરાઈ ચૂકી છે.

આ કરાર અંતર્ગત યુક્રેનના ઓડેસા, ચોર્નામોસ્ક અને યૂઝની/પિવદની બંદરોથી માલવાહક જહાજને કાળા સમુદ્રમાંથી પસાર થવાની પરવાનગી હતી. કેન્યાની સરકારે રશિયાની આ કાર્યવાહીને પીઠમાં છરો મારવા જેવી ગણાવી છે અને કહ્યું છે કે આ નિર્ણયથી આફ્રિકી દેશો પર મોટી અસર થશે.

અનાજ વેપારમાં આવેલા અવરોધોના કારણે પહેલાં જ આફ્રિકી દેશો પર ખાદ્યની સુરક્ષાને લઈને દબાણ છે. લાખો લોકો પર ખાવાની કમી અને ખાદ્ય પદાર્થોની કિંમત વધવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

બીબીસી ગુજરાતી

તેનાથી ખાદ્ય સુરક્ષા પર શું અસર પડશે?

ખાદ્ય સુરક્ષા

ઇમેજ સ્રોત, Getty Images

સોમાલિયા, કેન્યા, ઇથિયોપિયા અને દક્ષિણ સુદાન જેવા દેશોમાં પાંચ કરોડથી વધુ લોકોને ખાદ્ય સુરક્ષા સહાયની જરૂર છે કારણ કે આ દેશોમાં વર્ષોથી યોગ્ય વરસાદ થયો નથી.

સંયુક્તરાષ્ટ્રસંઘ અનુસાર આ અનાજ-કરાર યુક્રેનને આ આફ્રિકી દેશોમાં માનવીય સહાયતા તરીકે 6 લાખ 25 હજાર ટન અનાજ મોકલવાની પરવાનગી આપતો હતો. વિશ્વ વેપાર સંગઠનનાં ડિરેક્ટર જનરલ ગોઝી ઓકોનઝો ઇવેલા કહે છે "કાળા સમુદ્ર મારફતે ખાદ્યપદાર્થ, ચારો અને ખાતરનો વેપાર વિશ્વ ખાદ્ય કિંમતોમાં સ્થિરતા માટે જરૂરી છે. એ કહેતાં દુ:ખ થાય છે કે આ નિર્ણયથી માત્ર ગરીબ લોકો અને ગરીબ દેશોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે."

સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ) મુજબ ગયા વર્ષે જુલાઈથી વૈશ્વિક ખાદ્ય કિંમતોમાં 11.6 ટકાનો જે ઘટાડો જોવા મળ્યો, તેમાં આ કરારનું પણ યોગદાન રહ્યું છે.

ઍડિસ અબાબા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને લોકનીતિના પ્રોફેસર ડૉક્ટર કૉસ્તોતીનોસ કહે છે, "માર્કેટનો ટ્રૅન્ડ તરત જ બદલાઈ જાય છે. જે નવું હોય, માર્કેટ એની જ સાથે જાય છે. આ જાહેરાત થતાં જ અનાજના વેપારીઓ ભાવો વધારી દેશે. દેશ નિકાસ પર પ્રતિબંધ લાદશે અને સંગ્રહખોરી વધી જશે."

ડૉક્ટર કૉસ્તોતીનોસે ઉમેર્યું "અનેક દેશોને ઘઉં, વનસ્પતિતેલ અને ખાતરની આયાતમાં મુશ્કેલી થવાની છે. સાથે જ શરણાર્થીઓ અને આફ્રિકામાં વિસ્થાપિત લોકો પર પણ સંકટ આવવાની શક્યતા છે."

બીબીસી ગુજરાતી

શું રશિયા બદલી શકે છે પોતાનો નિર્ણય?

અનાજ

ઇમેજ સ્રોત, Getty Images

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સ્પષ્ટ શબ્દોમાં કહી ચૂક્યા છે કે રશિયા ત્યારે જ આ કરારમાં સામેલ થશે જ્યારે પશ્ચિમી દેશો રશિયા પર લાગેલા આર્થિક પ્રતિબંધો હટાવી દેશે. આ સંકટને ખતમ કરવા માટે રશિયા પર ચોતરફથી કરાઈ રહેલા વૈશ્વિક દબાણ અને રાજદ્વારી પ્રયત્નો બાદ પુતિને આ વાત કહી છે.

સંયુક્ત રાષ્ટ્ર તુર્કી, યુરોપીયન સંઘની આગેવાનીમાં અનેક આફ્રિકી દેશોની સાથેસાથે અન્ય દેશોએ રશિયાના અધિકારીઓ સાથે આ મુદ્દે વાતચીત કરી છે કે જેથી ખાદ્ય સુરક્ષા જાળવી શકાય.

બીબીસી ગુજરાતી

પુતિને આફ્રિકાને આપી આ ઑફર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેમનો દેશ યુક્રેનથી આફ્રિકા મોકલાતા અનાજની ભરપાઈ કરી શકે છે. રશિયાએ છેલ્લા કેટલાક દિવસોમાં કાળા સમુદ્ર મારફતે અનાજ મોકલવા માટે સુરક્ષિત રસ્તો આપવાના યુક્રેન સાથેના કરારમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી.

આ સમજૂતી ખતમ થયા બાદ આફ્રિકન યુનિયને એક નિવેદન જાહેર કરીને નિરાશા દર્શાવી હતી. રશિયાના આ નિર્ણયથી આફ્રિકન યુનિયનના દેશો પર સૌથી વધુ અસર થઈ છે, ત્યાં અનાજના ભાવ વધી ગયા છે.

રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે રશિયામાં આ વર્ષે વિક્રમી ઉત્પાદન થવાની શક્યતા છે. ક્રેમલિને એક નિવેદનમાં કહ્યું છે કે રશિયા કૉમર્શિયલ અને ચાર્જ વગરના આધાર પર અનાજ ઉપલબ્ધ કરાવી શકે છે.

બીબીસી ગુજરાતી

શું આફ્રિકી દેશો રશિયાથી નારાજ થઈ જશે?

રશિયા યુક્રેન યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

રશિયા હાલમાં જ રશિયા-આફ્રિકા સમિટનું યજમાન બન્યું . આ બીજી સમિટ હતી. રિપોર્ટ અનુસાર રશિયાએ એક એવી યોજના ઘડવાનું સૂચન કર્યું છે કે જેના થકી આફ્રિકન દેશોમાં અનાજ મોકલી શકાય અને કતાર તથા તુર્કીને આ યોજનામાં સામેલ કરી શકાય. જોકે, હજી એ સ્પષ્ટ નથી કે આફ્રિકી દેશો આ પ્રસ્તાવને માનશે કે નહીં.

આ કરારમાંથી અલગ થવાથી રશિયાના આફ્રિકી દેશો સાથેના સંબંધ ખરાબ થઈ શકે છે. રશિયા-આફ્રિકા સમિટ 27-28 જુલાઈએ સેંટ પીટર્સબર્ગમાં યોજાઈ હતી. 14 આફ્રિકી દેશો ઘઉંની આયાત માટે રશિયા અને યુક્રેન પર નિર્ભર છે.

લીબિયા, માલી, સુદાન, મધ્ય આફ્રિકન ગણરાજ્ય, મોંઝામ્બિકની સાથે સાથે અન્ય આફ્રિકી દેશોમાં રશિયા આંતરિક મુદ્દાઓમાં સામેલ રહ્યું છે. જ્યાં તે વિદ્રોહીઓ અને જેહાદી ચરમપંથીઓ સાથે લડવા માટે આ દેશોની મદદ કરે છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી