દુનિયાના માથે પરમાણુ હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે જૂનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઘોષણા કરી હતી કે તેમણે બેલારુસમાં પરમાણુ હથિયારોની પહેલી ખેપ મોકલી છે.
યુક્રેન યુદ્ધની શરૂઆતથી જ તેઓ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યા હતા, પરંતુ આ તહેનાતી એ પ્રથમ નક્કર કાર્યવાહી છે.
આ પરમાણુ હથિયારો બેલારુસમાં યુક્રેનની સરહદ પાસે તહેનાત કરાઈ રહ્યાં છે, જ્યાંથી નેટોના પોલૅન્ડ અને લિથુયાનિયા જેવા દેશોને નિશાન બનાવી શકશે. આ સાથે એવી મિસાઇલ અને લડાકુ વિમાન પણ મોકલવામાં આવ્યાં, જે 500 કિલોમીટરના અંતર સુધી પરમાણુ હથિયારોથી હુમલો કરી શકે છે.
અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકને આને બેજવાબદારીભર્યું કૃત્ય ગણાવ્યું છે. રશિયાએ યુક્રેનના ઝાપોરિઝિયા પરમાણુ પાવરપ્લાન્ટ પર પણ કબજો કરી લીધો છે.
વર્તમાન બહુધ્રુવીય વિશ્વમાં માત્ર રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ધમકીઓ જ ચિંતાનું કારણ નથી, પરંતુ ચીન પણ પરમાણુ હથિયારોના ઉત્પાદનમાં અમેરિકા અને રશિયાની બરાબરી કરવા માગે છે.
દરેક જગ્યાએ હથિયાર નિયંત્રણ સંધિઓની જરૂર ખતમ થઈ રહી છે અને નવા કરારો થતા નથી.

રશિયાની ન્યૂક્લિયર બ્લૅકમેલ

રશિયાએ કહ્યું છે કે જો તેના સાર્વભૌમત્વ અને અસ્તિત્વને ખતરો હશે, તો નિ:શકપણે તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે.
રશિયા પાસે હજારો પરમાણુ હથિયાર છે, જેમાં ઘણાં નાનાં ટૅક્ટિકલ ન્યૂક્લિયર હથિયારોનો પણ સમાવેશ થાય છે, જેનો ઉપયોગ યુદ્ધના મેદાનમાં થઈ શકે છે. આમાંના કેટલાક ટૅક્ટિકલ પરમાણુ હથિયાર એ બૉમ્બ જેટલાં શક્તિશાળી છે, જેનો ઉપયોગ હિરોશિમામાં કરવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રશિયા દ્વારા બેલારુસમાં પરમાણુ હથિયારોની તહેનાતી કેટલી મોટી ચિંતા છે, એ સમજવા માટે અમે રશિયાના પૂર્વ પરમાણુ વાર્તાકાર અને વિયેના સેન્ટર ફૉર ડિસઆર્મમૅન્ટ ઍન્ડ નૉન પ્રોલિફરેશનના સંશોધક નિકોલાઈ સોકોવ સાથે વાત કરી છે.
તેમણે કહ્યું કે આ પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે રશિયાના વલણમાં પરિવર્તનનો સંકેત છે, “રશિયામાં પરમાણુ હથિયારોના મર્યાદિત ઉપયોગને લઈને સાર્વજનિક રીતે વિશેષજ્ઞો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પરંતુ તે માત્ર રશિયન સરકારની વિચારસરણીને જ પ્રતિબિંબિત કરે છે. આ એક ગંભીર બાબત છે.”
નિકોલાઈ સોકોવનું માનવું છે કે આ હથિયારોથી નેટોના સભ્યદેશોને યુક્રેન કરતાં વધુ ખતરો છે.
નિકોલાઈ સોકોવના જણાવ્યા અનુસાર, “આપણે સમજવું જોઈએ કે યુક્રેન સામેના યુદ્ધને રશિયામાં એક પ્રૉક્સી વૉર તરીકે જોવામાં આવે છે. ત્યાં તેને યુક્રેનની આડમાં નેટો સામેની લડાઈ તરીકે જોવામાં આવે છે. ઘણા લોકો વિચારે છે કે રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરી શકે છે.”
“પરંતુ મારો અલગ મત છે અને મને લાગે છે કે તે ખૂબ જ અસંભવ છે. મને ચિંતા છે કે રશિયા નેટો સાથેના સંઘર્ષને એ હદ સુધી વધારી શકે કે તે પરમાણુ સંઘર્ષ તરફ દોરી શકે છે.”
આ ખતરાને પશ્ચિમી દેશોમાં ગંભીરતાથી લેવામાં આવે છે, પરંતુ વ્લાદિમીર પુતિન સંઘર્ષને આ મર્યાદા સુધી કેવી રીતે લઈ જશે?
નિકોલાઈ સોકોવનું કહેવું છે કે, “આ હુમલો અચાનક નહીં થાય. પહેલા નાના સંઘર્ષો થશે, પરંપરાગત હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં નેટોના એ ઠેકાણાને નિશાન બનાવી શકાય છે જે યુક્રેન યુદ્ધ સાથે સંબંધિત છે.”
“તેના પર નેટો કેવી પ્રતિક્રિયા આપે છે, તેના દ્વારા નક્કી થશે કે સંઘર્ષ કેટલો વધી શકે છે. રશિયા પરમાણુ પરીક્ષણ પણ કરી શકે છે, જે નેટો માટે એક મજબૂત સંદેશ આપશે. પોલૅન્ડ પર પરમાણુ હુમલાનો ખતરો વધી શકે છે. હાલમાં સંદેશાના આદાન-પ્રદાનની રમત ચાલી રહી છે, પરંતુ આ સ્થિતિ વિસ્ફોટક બની શકે છે.”
નિકોલાઈ સોકોવનું કહેવું છે કે “રશિયા સંઘર્ષને એટલી હદે વધારવા માગે છે કે પરમાણુ સંઘર્ષનો ખતરો પેદા થઈ જાય અને નેટો તેનાથી ડરીને પીછેહઠ કરે. આ એક ન્યૂક્લિયર બ્લૅકમેલ છે.”
ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વિશ્વ આ ન્યૂક્લિયર બ્લૅકમેલનો સામનો કેવી રીતે કરશે?

ચીનની ભૂમિકા અને ત્રિ-ધ્રુવીય દુનિયા

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના પરમાણુ ખતરા અંગે અમેરિકાની પ્રતિક્રિયા ખૂબ માપવામાં આવી હતી. જોકે અમેરિકી પ્રશાસનના અધિકારીઓનું કહેવું છે કે રશિયા પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છે એવું લાગતું નથી.
પરંતુ રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે, ‘આ એક વાસ્તવિક ખતરો છે.’
અમેરિકાના વુડ્રો વિલ્સન ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર સ્કૉલર્સના આંતરરાષ્ટ્રીય સુરક્ષા વિભાગના નિદેશક રૉબર્ટ લિટવાકનું કહેવું છે કે, “અમેરિકી પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે જો રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.”
તેઓ કહે છે કે, “બાઇડન સરકારે એ પણ કહ્યું છે કે રશિયાએ નાના ટૅક્ટિકલ પરમાણુ હથિયારનો ઉપયોગ કરવો જોઈએ કે મોટા બૉમ્બનો. અમેરિકા માટે બંનેનો ઉપયોગ સમાન જ છે અને તે તેને પરમાણુ હુમલા તરીકે જોશે.”
અને આ જ વાત રશિયા દ્વારા યુક્રેનના ઝાપોરિઝિયા પરમાણુ પાવર પ્લાન્ટના કબજાને લાગુ પડે છે. આ પ્લાન્ટ લગભગ છેલ્લા એક વર્ષથી રશિયાના કબજા હેઠળ છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીએ કહ્યું છે કે રશિયાએ ત્યાં દારૂગોળાની સુરંગો ફેલાવી છે. સાથે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના રિપોર્ટ અનુસાર, આ પ્લાન્ટની નજીક બૉમ્બમારાની ઘણી ઘટનાઓ બની છે.
રૉબર્ટ લિટવાકના કહ્યા મુજબ, “રશિયા દ્વારા પરમાણુ હથિયારોના ઉપયોગ વિશે અમેરિકા અગાઉ જ કહી ચૂક્યુ છે કે જો રશિયા આવું કરશે તો તેનાં ગંભીર પરિણામો આવશે.”
“મારા મતે જો રશિયાના કારણે આ પાવર પ્લાન્ટમાં કોઈ દુર્ઘટના ઘટશે, તો અમેરિકા તેને પરમાણુ હુમલા તરીકે જોશે અને એ મુજબ જ કાર્યવાહી કરશે.”
પરંતુ શું કોઈ પુતિનની પરમાણુ ધમકીઓને રોકી શકે છે? કેટલાક લોકોને આશા છે કે ચીનના નેતા શી જિનપિંગ આ ભૂમિકા નિભાવી શકે છે, કારણ કે ચીને ‘નો ફર્સ્ટ યૂઝ’ની નીતિની વાત કરી છે. એટલે કે તેણે કહ્યું છે કે તે સંઘર્ષ દરમિયાન પહેલા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે નહીં.
રૉબર્ટ લિટવાક કહે છે કે, “અમેરિકાએ ચીન પર દબાણ કર્યું છે કે તે રશિયાને એવાં હથિયારો ન સોંપે, જેનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધ થઈ શકે. શી જિનપિંગ પુતિનને મળ્યા હતા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હતા. મને લાગે છે કે આ બંને નેતાઓએ યુક્રેન વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પરમાણુ હથિયારના ઉપયોગનો વિરોધ કર્યો હતો. આનાથી રશિયા પર થોડો અંકુશ આવ્યો છે.”
બીજા વિશ્વયુદ્ધ પછી પરમાણુ હથિયારોના ઉપયોગના નિવારણ માટે આંતરરાષ્ટ્રીય કરારો થયા હતા, પરંતુ તેમનો કાર્યકાળ હવે પૂરો થઈ ગયો છે અને નવા કરારો પર હસ્તાક્ષર કરાયા નથી.
લિટવાક કહે છે કે, એ સમયે બે મહાસત્તા હતી અને દ્વિપક્ષીય કરારો દ્વારા સંઘર્ષને નિયંત્રણમાં રાખી શકાતું હતું.
“પરંતુ હવે ચીન પણ એક મહાશક્તિ છે અને દુનિયા ત્રિ-ધ્રુવીય બની ગઈ છે. આ કારણથી નવા પડકારો પણ પેદા થયા છે. સંઘર્ષ વધવાની શક્યતાઓ વ્યાપક થતી ગઈ છે. ઉદાહરણ તરીકે યુરોપની સુરક્ષાની દૃષ્ટિએ યુક્રેન મહત્ત્વપૂર્ણ છે. ઉત્તર-પૂર્વ એશિયામાં તાઇવાન અને ચીન વચ્ચે પણ આવી જ સ્થિતિ છે.”
જ્યાં સુધી ચીનની વાત છે, તો તે 1964માં જ પરમાણુ શક્તિ બની ગયું હતું, પરંતુ હવે તે એક પરમાણુ મહાશક્તિ બની રહ્યું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સંતુલન અને વ્યવસ્થાની જટિલતા વધી રહી છે.

પરમાણુ હથિયાર મુદ્દે ચીનની રેસ

ઇમેજ સ્રોત, Getty Images
હેનરિક હીમ નૉર્વેઇયન ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ઍસોસિએટ પ્રોફેસર છે. તેમનું કહેવું છે કે હવે ઘણા દેશો તેમની સંરક્ષણ નીતિમાં પરમાણુ હથિયારોને વધુ મહત્ત્વ આપી રહ્યા છે.
એશિયામાં તે વધુ તીવ્ર બની રહ્યું હોવાનું જણાય છે. ઉત્તર કોરિયાનાં પરમાણુ પરીક્ષણો જ નહીં, પરંતુ ચીનની પરમાણુ નીતિએ પણ અમેરિકા અને તેના સહયોગી દેશો માટે પડકાર વધારી દીધો છે.
“પરંપરાગત રીતે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં પરમાણુ હથિયારોએ ખાસ ભૂમિકા ભજવી નથી. પરંતુ હવે ચીન તેનાં પરમાણુ હથિયારોનું વિસ્તરણ કરી રહ્યું છે, જેનાથી બંને દેશો વચ્ચે હરીફાઈ વધી ગઈ છે.”
“ચીને ત્રણ વર્ષ પહેલાં તેના પરમાણુ હથિયારોના કાર્યક્રમમાં વધારો કર્યો હતો, જેની 2021માં ખબર પડી હતી. સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે પશ્ચિમ ચીનમાં ત્રણ સ્થળોએ મિસાઇલ ‘સાયલો ફીલ્ડ’ બનાવાઈ છે. દરેક જગ્યાએ 100થી વધુ ‘સાયલો’ એટલે કે ભૂમિગત ઇમારતો છે. ત્યારથી પરમાણુ હથિયારોના ભવિષ્ય અને અમેરિકા અને ચીનના સંબંધોને લઈને ચર્ચામાં ગરમાવો આવ્યો છે.”
કેટલાક અંદાજ પ્રમાણે, ચીન પાસે હાલ 200થી 300 પરમાણુ હથિયાર છે, જ્યારે અમેરિકા પાસે લગભગ 1500 પરમાણુ હથિયારો તહેનાત રાખ્યાં છે.
એવું માનવામાં આવે છે કે આવનારાં 10-12 વર્ષમાં ચીનનાં પરમાણુ હથિયારોની સંખ્યા અમેરિકા જેટલી થઈ જશે.
હેનરિક હીમના જણાવ્યા અનુસાર, “ચીન તેના પરમાણુ કવચને વધુ મજબૂત કરવા માગે છે, જેથી જરૂર પડે ત્યારે તાઇવાન વિરુદ્ધ આક્રમક કાર્યવાહી કરી શકાય. રશિયા યુક્રેનમાં જેવી રીતે આક્રમક કાર્યવાહી કરી રહ્યું છે તેવી રીતે જ કરશે.”
પરંતુ તેઓ એ પણ કહે છે કે તેને જોવાની બીજી રીત એ છે કે અમેરિકાનાં પરમાણુ હથિયારો અને અન્ય અત્યાધુનિક હથિયારોને ધ્યાનમાં રાખીને ચીન, અમેરિકા સાથે કોઈ પણ સંઘર્ષનો સામનો કરવાની ક્ષમતા મેળવવા માગે છે. જેથી જો અમેરિકા પહેલા ચીન સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરે તો ચીન જવાબી હુમલો કરી શકે છે.
ચીનના પરમાણુ હથિયાર કાર્યક્રમના વિસ્તરણને ધ્યાનમાં રાખીને એવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીન તેના ‘નો ફર્સ્ટ સ્ટ્રાઇક ડ્રૉક્ટ્રિન’ એટલે કે પહેલા પરમાણુ હુમલો ન કરવાની નીતિ, ત્યાગવાની તૈયારી કરી રહ્યું છે.
ચીનની આ પરમાણુ નીતિ 1960ના દાયકાથી અમલમાં છે. આ અંગે કોઈ સત્તાવાર કરાર થયા નથી, પરંતુ તેને બદલે તે તેમનું એકતરફી આશ્વાસન રહ્યું છે.
હેનરિક હીમે કહ્યું છે કે, “અમેરિકા અને રશિયાએ ક્યારેય આ પ્રકારની ‘નો ફર્સ્ટ સ્ટ્રાઇક’ નીતિની ઘોષણા કરી નથી. અમેરિકા અને રશિયા બંને ચોક્કસ સંજોગમાં પરમાણુ હથિયારના પ્રથમ ઉપયોગનો વિકલ્પ જાળવી રાખ્યો છે.”
અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ હથિયારોના નિયંત્રણને લઈને ઘણી વાતચીત થતી રહે છે. બંને દેશો વચ્ચે આવી વાતચીતની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ અમેરિકા અને ચીન વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી. તેમજ નજીકના ભવિષ્યમાં પણ આવી વાતો થાય તેવા સંકેત દેખાતા નથી.

સહકારની અપેક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષની શરૂઆતમાં રશિયાએ કહ્યું હતું કે તે નવી START (Strategic Arms Reduction Treaty) સંધિમાં સામેલ નહીં થાય.
આ કરારને કારણે દસ વર્ષથી વધારે સમય સુધી અમેરિકા અને રશિયા વચ્ચે લાંબા અંતરનાં પરમાણુ હથિયારો પર નિયંત્રણ હતું.
નવા કરાર માટે વાટાઘાટની શક્યતાઓ ઓછી છે. આવી સ્થિતિમાં પરિસ્થિતિ કેટલી ગંભીર બની ગઈ છે તે સમજવા માટે અમે રોઝ ગૉટેમોલર સાથે વાત કરી.
તેઓ નેટોના ઉપમહાસચિવ રહી ચૂક્યા છે અને હાલ અમેરિકાની સ્ટૅનફર્ડ યુનિવર્સિટીના સ્પૉગ્લી ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં વરિષ્ઠ સંશોધક છે. તેઓ કહે છે કે સંધિની જોગવાઈને સંપૂર્ણ અવગણવામાં આવી રહી નથી.
“રશિયાએ નવી ‘સ્ટાર્ટ’ સંધિનો અમલ કરવાનું બંધ કરી દીધું છે. એટલે કે હવે તે પરમાણુ નિરીક્ષણની અનુમતિ આપી રહ્યું નથી. તે અમેરિકા સાથે તેના પરમાણુ પ્રતિરોધકની સ્થિતિનું સ્ટેટસ રોજ શૅર કરી રહ્યું નથી.”
“પરંતુ રશિયાએ કહ્યું છે કે જ્યાં સુધી નવી સ્ટાર્ટ સંધિ નહીં થાય ત્યાં સુધી તે સંધિની જોગવાઈઓ હેઠળ હથિયાર નિયંત્રણ જાળવી રાખશે. એટલે કે તે પરમાણુ હથિયારો એટલે કે મિસાઇલ અને લડાકુ વિમાનોનો ઉપયોગ કરતી સિસ્ટમની કુલ સંખ્યાને 700 સુધી સીમિત કરશે. અમેરિકા અને રશિયા બંનેનું કહેવું છે કે તેઓ હાલમાં પરમાણુ હથિયારોની સંખ્યા મર્યાદિત રાખશે.”
રોઝ ગૉટેમોલરનું માનવું છે કે હાલની પરિસ્થિતિ 1991માં સોવિયત સંઘના વિઘટન સમયની પરિસ્થિતિ જેવી જ છે.
“1991 અને 1992માં મોટું સંકટ ઊભુ થયું હતું. અનિશ્ચિતતા અને અસ્થિરતા હતી. એ સમયે સોવિયત સંઘ પાસે વર્તમાન રશિયા કરતાં વધારે પરમાણુ હથિયાર હતાં. ત્યારે અમને ચિંતા હતી કે તેમાંથી કેટલાંક હથિયાર ગુમ થઈ જશે અથવા આતંકવાદીઓના હાથમાં આવી જશે.”
“હાલ રશિયા પાસે ચારથી પાંચ હજાર પરમાણુ હથિયાર છે. એ સમયે અમેરિકા અને સોવિયત સંઘના નેતાઓ વચ્ચે આ જોખમને ઓછું કરવા સહયોગના પ્રસ્તાવ જણાતા હતા, જે હવે દેખાતા નથી.”

ઇમેજ સ્રોત, EPA
રશિયામાં પરમાણુ હથિયારોના પ્રથમ ઉપયોગને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ પશ્ચિમી દેશોમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રશિયાની પરમાણુ નીતિમાં કોઈ ફેરફાર નહીં થાય.
જોકે રશિયાની અંદરની અસ્થિરતા ચિંતાનો વિષય છે. તાજેતરમાં જ રશિયામાં વાગનર ગ્રૂપનો બળવો પણ થયો હતો. આવી ઘટનાઓ રાષ્ટ્રપતિ પુતિનની વિશ્વસનીયતાને પડકારી શકે છે.
એવામાં સત્તા પર પોતાની પકડ જાળવી રાખવા માટે તેઓ ટૅક્ટિકલ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનું વિચારી શકે છે.
પરંતુ રોઝ ગૉટેમોલરે કહ્યું હતું કે, “હું કહી શકતી નથી કે વાગનર ગ્રૂપના બળવાને કારણે પુતિન દ્વારા ટૅક્ટિકલ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની શક્યતામાં વધારો કરશે. પણ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે વ્લાદિમીર પુતિને ત્રણ દિવસમાં બે વખત કહ્યું હતું કે રશિયા ગૃહયુદ્ધની અણિ પર છે. જો ગૃહયુદ્ધ ફાટી નીકળે તો ત્યાં તહેનાત પરમાણુ હથિયારો અને પરમાણુ સામગ્રીની જાળવણી અને સુરક્ષા અંગેની ચિંતા સ્વાભાવિક છે.”
પરંતુ શું ચીન સાથે પરમાણુ હથિયારોના નિયંત્રણને લઈને વાતચીત થઈ શકે છે?
ગૉટેમોલરનું કહેવું છે કે તેની શક્યતા ઘણી ઓછી છે, કારણ કે ચીન પારદર્શિતા ઇચ્છતું નથી. તે તેની પરમાણુ અને અન્ય સૈન્યક્ષમતા વિશેની માહિતી અમેરિકા સાથે શૅર કરવા માગતું નથી, કારણ કે તેને શંકા છે કે અમેરિકા તેની નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે.














