અમેરિકાએ રાજધાનીને પરમાણુ હુમલાથી બચાવવા કેવાં બન્કર્સ બનાવ્યાં હતાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લિઓમાન લિમા
- પદ, વૉશિંગ્ટન ડીસી ખાતેના ખાસ પ્રતિનિધિ

- બીબીસી મુન્ડોએ વૉશિંગ્ટનમાં પરમાણુ હુમલાથી બચાવવા માટે તૈયાર કરવામાં આવેલા એક બંકરની મુલાકાત લીધી હતી
- કેટલાંક ફોલઆઉટ શેલ્ટર્સમાં સામગ્રીનો ત્યજી દેવાયેલો પુરવઠો જોવા મળે છે
- પ્લેટ્સ પરથી ખબર પડે છે કે આ સ્થળે ક્યારેક પરમાણુ શેલ્ટર્સ હતાં
- શેલ્ટર ઓછી ઊંચાઈવાળાં છે અને તેમાં ભેજની દુર્ગંધ અનુભવાય છે
- ફોલઆઉટ શેલ્ટર્સના ઘણા દસ્તાવેજો જાળવી રાખવામાં આવ્યા છે
- સંભવિત પરમાણુ હુમલા સામે ટકી રહેવાની વધુ એક માર્ગદર્શિકા અહીં રાખવામાં આવી છે
અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીના અનેક ખૂણામાં શીતયુદ્ધના સૌથી વધુ ભયાનક સંકેતો આજે પણ જોવા મળે છે.
અનેક ઇમારતોમાં જોવા મળતી મેટલ પ્લેટ્સ પર સમય, વરસાદ અને ધૂળને કારણે કાટ ચડી ગયો છે. એ પ્લેટ્સ પર સમબાહુ ત્રિભુજ સાથેનું એક ચક્ર જોવા મળે છે.
અમેરિકાની સત્તાના કેન્દ્રીય વિસ્તારમાંથી પસાર થતા લોકોને આ પ્લેટ્સ બહુ ઓછું જણાવે છે. થોડા દાયકાઓ પહેલાં સુધી આ પ્લેટ્સ અભૂતપૂર્વ સંભવિત આપત્તિની કાયમી ચેતવણી જ નહીં, પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવાની થોડી તકો પૈકીની એક પણ હતી.

કેટલીક પ્લેટ્સ પર હજુ પણ તેમના હેતુની વિગત જોવા મળે છે. તેના પર લખ્યું છે, રેડિએશન શેલ્ટર્સ.
આ નામ સૂચવે છે કે એવી પ્લેટ્સ ધરાવતી ઇમારતોમાં અમેરિકાએ અનેક બન્કર્સ એટલે કે ભોંયરાં બનાવ્યાં હતાં, અમેરિકાની 1950ના દાયકા પછીની ઘણી સરકારો આવા બન્કર્સને, સોવિયેત સંઘના ભાવિ અણુ હુમલાથી પોતાના નાગરિકોને બચાવવા માટેનો એકમાત્ર સંભવિત વિકલ્પ ગણતી રહી હતી.

'ધીસ ઈઝ ઑન્લી અ ટેસ્ટઃ હાઉ વૉશિંગ્ટન પ્રીપેર્ડ ફૉર ન્યુક્લિયર વૉર' નામના પુસ્તકના લેખક અને પ્લેટવિલેસ્થિત યુનિવર્સિટી ઑફ વિસ્કોન્સિન ખાતે ઇતિહાસના પ્રોફેસર તરીકે કાર્યરત ડેવિડ ક્રુગ્લર બીબીસી મુન્ડોને કહે છે, "વૉશિંગ્ટન ડીસી સોવિયેત સંઘનું અને અમેરિકા પર આક્રમણની યોજના ધરાવતા તમામ પરમાણુ રાષ્ટ્રોનું મુખ્ય ટાર્ગેટ હતું."
ક્રુગ્લર ઉમેરે છે, "આપણે વિશિષ્ટ સ્થળની વાત કરી રહ્યા છીએ, કારણ કે વૉશિંગ્ટન રાજધાની સત્તાનું કેન્દ્ર હોવાની સાથે એક શહેર પણ છે. તેથી વૉશિંગ્ટન ડીસીએ સંઘ સરકારના કેન્દ્ર સ્વરૂપે જ નહીં, લાખો લોકોનાં ઘર તરીકે પણ નાગરિક સંરક્ષણની વ્યવસ્થા અપનાવવી પડે."

અલબત્ત, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સમગ્ર શહેરમાં સંખ્યાબંધ રેડિએશન શેલ્ટર્સના નિર્માણની યોજનાનો એક પ્રતીકાત્મક હેતુ પણ હતો. તેઓ દેશના બાકીના હિસ્સાને ખાસ સંદેશો આપવા ઇચ્છતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્રુગ્લર જણાવે છે, "વૉશિંગ્ટન અમેરિકાના બાકીના હિસ્સા માટે રાજધાનીનું પ્રતીક અને આદર્શ શહેર બની રહ્યું છે. વૉશિંગ્ટન ડીસીનો ઉપયોગ વિવિધ પ્રકારના રાજકીય પ્રયોગો અને કાર્યક્રમોની પ્રયોગશાળા તરીકે વારંવાર કરવામાં આવતો રહ્યો છે. એ વાત નાગરિક સંરક્ષણને પણ લાગુ પડે છે."
તેઓ કહે છે, "રાજધાની સંભવિત આક્રમણ સામે તૈયાર છે એવું અમેરિકન નાગરિકો જાણી લે તો તેઓ એવું પણ માનવા લાગે કે દેશનું દરેક શહેર આ રીતે સજ્જ છે કે થઈ શકે છે. તેથી શીતયુદ્ધ દરમિયાન સંભવિત પરમાણુ હુમલાના સંદર્ભમાં નાગરિક સંરક્ષણનું આયોજન મૂળભૂત ઉદ્દેશ બની ગયો હતો."

કુલ કેટલાં રેડિએશન શેલ્ટર્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેના સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી, કેટલાકનું કામ અધૂરું છોડી દેવાયું હતું, કેટલાંક ત્યજી દેવાયાં હતાં અને કેટલાંકનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવામાં આવ્યો હતો.
અલબત્ત, ટાઈમ મશીનની માફક અકબંધ રહેલાં આવાં આશ્રયસ્થાનો મળી આવ્યાંના સમાચાર સમયાંતરે ચમકતા રહે છે. તે એવા સમયની કથા કહે છે, જ્યારે માનવજાત પરમાણુ બૉમ્બના રોજિંદા ભય સાથે જીવતી હતી.

ભૂગર્ભમાં જીવન

વૉશિંગ્ટન પર પરમાણુ હુમલો થયો હોત તો આ અંધારિયા શેલ્ટર્સમાં રહેલા માણસો તથા ખાદ્યસામગ્રીના કચરાની ગંધ વચ્ચે અને અજાણ્યા હજ્જારો લોકો સાથે રોજિંદું જીવન કેવું હોત તેની કલ્પના આજે પચાસ વર્ષ પછી પણ કરવી મુશ્કેલ છે.
બીબીસી મુન્ડોએ આવા એક શેલ્ટરની મુલાકાત લીધી હતી. નાનકડો દરવાજો ધરાવતા તે શેલ્ટરમાં બે પગથિયાં ચડીને જવાનું હતું.
અંદર ભેજની જોરદાર ગંધ આવતી હતી અને અત્યંત ઝાંખો પ્રકાશ હતો. તેનું કારણ સમય જતાં તૂટી ગયેલા કેટલાક બલ્બ નહીં, પરંતુ પરમાણુ હુમલો થાય તો બલ્બ માટે વીજળીના પુરવઠાની અનિશ્ચિતતા પણ હતી.
સમગ્ર વૉશિંગ્ટનમાં નાગરિકોને આશ્રય આપવા માટે તૈયાર કરાયેલાં આવાં ભોંયરાંમાં બે સપ્તાહ સુધી ટકી શકાય તેટલાં પાણી, બિસ્કિટ્સથી માંડીને દવાઓના પુરવઠા સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેટલાંક બન્કર્સમાં આજે પણ એ બધું યથાવત્ જોવા મળે છે.

અમેરિકાના નેશનલ મ્યુઝિયમ ઑફ હિસ્ટરીના ઇતિહાસકાર ફ્રેન્ક બ્લાઝિક કહે છે, "એ સમયે વૉશિંગ્ટન ડીસીમાંના મોટાં ભાગનાં શેલ્ટર્સમાં મર્યાદિત પ્રકાશ હતો અને ઊંચા લોકોનું માથું ભટકાય એટલી જ તેની ઊંચાઈ હતી. એ ભેજવાળાં, ધૂળિયાં હતાં. તેમાં બેસવા માટે ખુરશીઓ ન હતી. તે ક્રૉન્ક્રિટથી નિર્મિત વિશાળ, ખાલી જગ્યા હતાં."
ફ્રેન્ક ઉમેરે છે, "તમારા માટે માત્ર દસ ચોરસ ફૂટ જગ્યા જ હોય, આખા દિવસ માટે મર્યાદિત પ્રમાણમાં પાણી તથા ખોરાક આપવામાં આવતો એ સ્થિતિમાં અંધારિયા અન્ડરગ્રાઉન્ડ બન્કર્સમાં રહેવાનો અનુભવ કેવો હોય તે વિચારવું મુશ્કેલ છે."
જોકે, તે અન્ડરગ્રાઉન્ડ બન્કર્સ, રાજધાની પર પરમાણુ હુમલાની સંભાવના હતી ત્યારે પોતાના નાગરિકોને બચાવવા માટે અમેરિકન સરકારે કરેલી બુદ્ધિગમ્ય વ્યવસ્થા હતી, એવું ફ્રેન્ક જણાવે છે.

તેઓ કહે છે, "ક્યુબાની મિસાઈલ કટોકટી પછી અમેરિકાના તત્કાલીન પ્રમુખ જ્હૉન કૅનેડી સમજી ગયા હતા કે રાજધાની અને મહત્ત્વનાં બીજાં શહેરો પરના સંભવિત પરમાણુ હુમલાના ભયના પ્રતિસાદમાં કંઈક તો કરવું જ પડશે."
"સોવિયેત સંઘના તત્કાલીન વડા નિકિતા ખ્રુશ્ચેવ સાથેની મુલાકાત પછી કૅનેડી એ વાતથી ભયભીત થઈ ગયા હતા કે સોવિયેત સંઘ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવા તૈયાર છે. કૅનેડી સમજી ગયા હતા કે અમેરિકન નાગરિકોના રક્ષણ માટે કશુંક કરવાની તેમની જવાબદારી છે."
સંભવિત પરમાણુ હુમલા સામે નાગરિકોના રક્ષણનાં સ્થળોની વ્યવસ્થા માટે અમેરિકન પ્રમુખે સંસદ પાસે ભંડોળની માગ કરી હતી. તેને નેશનલ સર્વે ઑફ રેડિયોએક્ટિવ ફોલઆઉટ શેલ્ટર્સ કહેવામાં આવે છે.
આ વ્યવસ્થા માટે નાગરિક સંરક્ષણ તથા સંરક્ષણ વિભાગનું કામ વર્તમાન માળખાની યાદી બનાવવાનું અને તે કેટલા પ્રમાણમાં મજબૂત છે તેની ચકાસણી સ્થાપત્યના દૃષ્ટિકોણથી કરવાનું હતું.
ફ્રેન્ક એ વાતો યાદ કરતાં કહે છે, "1962 સુધીમાં આવાં પાંચ કરોડ આશ્રયસ્થાનો ઓળખી કાઢવાની અને તૈયાર કરવાની હતી, પરંતુ એવામાં મિસાઈલ કટોકટી સર્જાઈ હતી અને અમેરિકાને સમજાયું હતું કે વસ્તીના નાનકડા હિસ્સાનું રક્ષણ કરવાની ક્ષમતા પણ તેની પાસે નથી."

બીજી સમસ્યા એ હતી કે સાર્વજનિક આશ્રયસ્થાનો પરમાણુ હુમલાના કિરણોત્સર્ગ સામે અમુક અંશે જ રક્ષણ આપી શકે તેમ હતાં, વિસ્ફોટ કે તેની તત્કાલીન અસર સામે નહીં.
ફ્રેન્ક જણાવે છે, "વૉશિંગ્ટન ડીસી પર પરમાણુ હુમલો કરવામાં આવે તો તેમાંથી કોઈ બચે કે કેમ તેની કલ્પના કરવી મુશ્કેલ હતું, કારણ કે અણુશસ્ત્રોના વિસ્ફોટ તથા તેમાથી વછૂટતી ગરમી સામે આશ્રયસ્થાનો સલામત રહેશે કે કેમ તે પણ મહત્ત્વનો મુદ્દો હતો."
તેઓ ઉમેરે છે, "આ શેલ્ટર્સ નાગરિકોને પરમાણુ હુમલા સામે રક્ષણ આપી શક્યા હોત, પરંતુ હું માનું છું કે મોટાં ભાગનાં આશ્રયસ્થાનો પરમાણુ હુમલામાં જ ધરાશયી થઈ ગયાં હોત."

સરકારી આશ્રયસ્થાન

પોતાના નાગરિકોને બચાવવા સરકારે બનાવેલા શેલ્ટર્સ સંભવિત પરમાણુ હુમલા સામે ટકી શક્યાં હોત કે કેમ તે વિચારવાની વાત છે, પણ બીજી કથા સરકાર ચલાવતા લોકોના રક્ષણ માટે બનાવવામાં આવેલાં આશ્રયસ્થાનોની છે.
ક્રુગ્લેર કહે છે, "શીતયુદ્ધના સંદર્ભમાં 1962નું વર્ષ અતિ મહત્ત્વનું હતું. એ જ વર્ષમાં સંભવિત પરમાણુ હુમલાના સંજોગોમાં સંસદ અને સુપ્રીમ કોર્ટ જેવા સંઘ સરકારના મહત્ત્વનાં અંગોની મહત્ત્વની કાર્યવાહી ચાલતી રહે એ હેતુસર વૉશિંગ્ટન ડીસી અને તેની આજુબાજુના વિસ્તારોમાં અન્ડરગ્રાઉન્ડ તથા ગુપ્ત માળખાનું નિર્માણ કરવામાં આવ્યું હતું."
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પૂર્વ નિયુક્ત લોકોને અતિ જરૂરી કામગીરી માટે બચાવવાની પ્રક્રિયા અને યોજના પણ ઘડવામાં આવી હતી.
તેઓ જણાવે છે, "વૉશિંગ્ટન સત્તાનું કેન્દ્ર હોવાથી અનુગામી રાષ્ટ્રપ્રમુખના વહીવટીતંત્રોએ એ સુવિધાનો વિસ્તાર કર્યો છે. તેનો હેતુ સરકારમાં સાતત્ય જાળવવાનો છે. તેનો અર્થ એવો થાય કે કટોકટીની પરિસ્થિતિમાંથી ઉગારી લેવાયેલા સરકારી કર્મચારીઓ સંઘ સરકારનાં મહત્ત્વનાં કામ કરી શકે એવી મજબૂત વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે."
આ રીતે પરમાણુ સંરક્ષણ સંકુલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ વિશે અત્યાર સુધી કોઈ કશું જાણતું નથી.
આવા સંકુલોમાં અન્ડરગ્રાઉન્ડ પેન્ટાગોન તરીકે ઓળખાતા રવેન બ્લેક માઉન્ટેઈનનો સમાવેશ થાય છે. અન્ડરગ્રાઉન્ડ પેન્ટાગોન એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે પરમાણુ હુમલો થાય તો પણ સંરક્ષણ મંત્રાલય તેનું કામકાજ ચાલુ રાખી શકે અને રાષ્ટ્રપ્રમુખને તેમાં સાચવી શકાય.
ફેડરલ રિઝર્વ માટે બનાવવામાં આવેલાં પરમાણુ બન્કર્સ જેવાં સ્થળો હવે સાર્વજનિક ઇમારત બની ગયાં છે. તેમાં અમેરિકન કૉંગ્રેસ એટલે કે સંસદની ઓડિયો-વિઝ્યુઅલ કોન્ઝર્વેશન આર્કાઈવની ઑફિસ છે.
ક્રુગ્લર કહે છે, "સરકારના રક્ષણ માટે આ શ્રેણીબદ્ધ સુવિધાઓનું આયોજન તથા નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ એ વિશે ભારે ગુપ્તતા જાળવવામાં આવી છે અને એ વિશેની કોઈ માહિતી ભાગ્યે જ બહાર આવી છે. જાહેર વાત એ છે કે વૉશિંગ્ટન ડીસીમાં નાગરિકોના રક્ષણ માટે અમે શું વ્યવસ્થા કરી હતી અને શેલ્ટર્સ તેનું ઉદાહરણ છે."

અસ્તિત્વની લડાઈ

બીબીસી મુન્ડોએ જે ઈતિહાસ નિષ્ણાતોનો સંપર્ક કર્યો. તેઓ એક વાતે સહમત હતા કે શીતયુદ્ધ દરમિયાન અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસી પર હુમલો કરવામાં આવ્યો હોત તો સરકાર અને વસ્તીનો મોટો હિસ્સો કદાચ બચ્યો જ ન હોત.
બ્લાઝિક કહે છે, "અમે સદભાગી હતા કે મિસાઈલ કટોકટી વખતે ભય હતો તેમ સોવિયેત સંઘે ક્યુબામાંથી અમેરિકા પર પરમાણુ હુમલો ન કર્યો. હુમલો કર્યો હોત તો 99 ટકા અમેરિકન નાગરિકોના રક્ષણ માટે ભાગ્યે જ કશું શક્ય હતું. હું ચોક્કસ આંકડો આપવા માગતો નથી, પણ મોટા ભાગના અમેરિકનોને કોઈ રક્ષણ મળ્યું ન હોત."
નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે આ વાત અમેરિકન સરકાર જાણતી હતી. એટલે જ એ પછીનાં વર્ષોમાં અભિગમ બદલવામાં આવ્યો હતો અને હુમલા સામે શહેરોને તૈયાર કરવાને બદલે અણુશસ્ત્રોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તેથી નાગરિકો માટેનાં મોટાં ભાગનાં પરમાણુ શેલ્ટર્સ ધીમે ધીમે ત્યજી દેવામાં આવ્યાં હતાં. જૂની જોગવાઈઓ સાથેનાં કેટલાંક શેલ્ટર્સ અત્યારે પણ અસ્તિત્વમાં છે, કારણ કે જોગવાઈઓના નિકાલ માટે મોટો ખર્ચ થાય તેમ છે.

આ તબક્કે સવાલ થાય કે શહેર પર પરમાણુ બૉમ્બ ઝીંકવામાં આવશે ત્યારે આ પૈકીનું એકેય શેલ્ટર એક પણ નાગરિકનું રક્ષણ કરી શકશે નહીં એ વાત શરૂઆતથી જ જાણવા છતાં સરકારે આ શેલ્ટર્સનું નિર્માણ શા માટે કર્યું હતું?
ક્રુગ્લર કહે છે, "નાગરિક સંરક્ષણ કાર્યક્રમને ટેકો આપવાનો હેતુ અમેરકન નાગરિકોને એ વાત સમજાવવાનો હતો કે તેમની સરકાર અણુશસ્ત્રોનો સામનો કરવા સક્ષમ છે અને સરકાર તેના નાગરિકોના રક્ષણ માટે કશુંક કરી રહી છે."
વળી તે મૂળભૂત માનવીય જરૂરિયાતના પ્રતિસાદનું એક સ્વરૂપ પણ હતું, એમ જણાવતાં તેઓ ઉમેરે છે, "પરમાણુ યુદ્ધને લીધે માનવજાતનો વિનાશ થશે, વિશ્વની મોટા ભાગની વસ્તી ખતમ થઈ જશે અને બચી ગયેલા લોકો માટે ભવિષ્ય દયાજનક હશે, તેવું વિચારવું કોઈને ગમતું નથી. તેથી એવું થશે જ નહીં અને આજે આપણે તૈયારી કરીશું તો ભાવિ આપત્તિમાંથી બચી શકીશું એવું જણાવવાનો ઉત્તમ ઉપાય નાગરિક સંરક્ષણ છે."
"અલબત્ત, આ બધાથી કશુંક કરવામાં આવ્યાની ધરપત મળે છે, પરંતુ પરમાણુ સંઘર્ષમાંથી બચી ગયેલા લોકોનું શું થશે એ સવાલનો જવાબ મળતો નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













