વોલોદિમીર ઝેલેન્સ્કી : રશિયાના પરમાણુ ખતરાને રોકવાનો પ્રયત્ન કરે વિશ્વ - બીબીસી ઍક્સક્લુઝિવ

- લેેખક, હ્યુગો બાચેગા, જૉન સિમ્પસન
- પદ, બીબીસી સંવાદદાતા, યુક્રેનના કિએવથી

રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધી શું-શું થયું?

- રશિયાએ ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર હુમલો કર્યો. આ હુમલાને રશિયાએ 'સૈન્ય અભિયાન' નામ આપ્યું. ત્યારથી આ બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલુ છે.
- આ હુમલા પહેલાં યુક્રેનની પશ્ચિમી દેશોના સૈન્યસંગઠન નેટોમાં સામેલ થવાની ચર્ચા હતી. જેનો રશિયા વિરોધ કરી રહ્યું હતું.
- રશિયાનું કહેવું છે કે તેમણે પોતાની સુરક્ષા માટે આ પગલું ભર્યું છે. જ્યારે યુક્રેનનું કહેવું છે કે રશિયા તેમના પર કબજો જમાવવા માગે છે.
- હુમલા બાદથી પશ્ચિમી દેશોએ રશિયા પર ઘણા આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. તેનાથી વિશ્વમાં ઑઇલ અને ગૅસના પુરવઠા પર અસર પડી છે.
- યુરોપિયન દેશો રશિયા પાસેથી ગૅસ સપ્લાય પરની નિર્ભરતા ધીમેધીમે ખતમ કરવાનો દાવો કરી રહ્યા છે.
- સંઘર્ષને સમાપ્ત કરવા બંને દેશો વચ્ચે બેઠકો પણ થઈ છે, જે નિરર્થક સાબિત થઈ છે. જોકે, તુર્કીની મધ્યસ્થી બાદ થયેલી એક સમજૂતી અંતર્ગત યુક્રેનનાં બંદરો પર પડેલાં અનાજને અન્ય દેશોમાં પહોંચાડવામાં આવી રહ્યું છે.
- તાજેતરમાં યુક્રેને રશિયા પર ઝડપી જવાબી હુમલા શરૂ કર્યા છે. યુક્રેને ઘણા વિસ્તારો રશિયાના કબજામાંથી પાછા મેળવ્યા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયાના અધિકારી 'પોતાના લોકોને' પરમાણુ હથિયારોના સંભવિત ઉપયોગને લઈને તૈયાર કરવા લાગ્યા છે. જોકે, તેમને એ વાત પર ભરોસો નથી કે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા માટે તૈયાર છે.
બીબીસી સાથેના એક ઇન્ટરવ્યૂમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એ વાતથી ઇનકાર કર્યો કે તેમણે રશિયા પર આક્રમણનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે તેમના નિવેદનનો 'ખોટો અનુવાદ' કરવામાં આવ્યો છે.
તેમણે પ્રતિબંધોનો ઉલ્લેખ કરતાં કહ્યું, "તમારે સ્વરક્ષણ માટે પગલાં ઉઠાવવાનાં હોય છે, આ હુમલો નથી."
તાજેતરમાં યુક્રેનિયન સેનાએ સતત હુમલા કર્યા છે અને રશિયન કબજાવાળા ઘણા વિસ્તારોને સ્વતંત્ર કરાવ્યા છે. રશિયન સેનાને તમામ એવી જગ્યાઓએથી પાછું હઠવું પડ્યું છે. જ્યાં તેમણે ઘણા સમય સુધી કબજો જમાવી રાખ્યો હતો.
યુક્રેનનું કહેવું છે કે રશિયાએ તેમના ચાર વિસ્તારોના કેટલાક ભાગ પર કબજો કરી લીધો હતો. બાદમાં તેમની સેનાએ રશિયા પર હુમલાની ઝડપ વધારી હતી.

યુક્રેન દેશના ભાગોને રશિયામાં સામેલ કરવાને 'ગેરકાયદેસર' જણાવીને રદિયો આપી ચૂક્યું છે. ત્યાર બાદ સાત મહિનાથી ચાલુ આ યુદ્ધ હજી વધુ ચાલવાની શક્યતા વધી ગઈ છે.
રાષ્ટ્રપતિ પુતિન અને રશિયાના અન્ય વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારોના બચાવ માટે તેઓ નાનાં 'ટૅક્ટિકલ હથિયારો' એટલે કે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. જોકે, પશ્ચિમી દેશોના અધિકારીઓએ કહ્યું છે કે એવા કોઈ પુરાવા મળ્યા નથી કે રશિયા એ માટે કોઈ તૈયારી કરી રહ્યું હોય.
કિએવસ્થિત રાષ્ટ્રપતિ કાર્યાલયમાં આપેલા ઇન્ટરવ્યૂમાં ઝેલેન્સ્કીએ કહ્યું, "તેમણે પોતાના સમાજને તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે, જે ઘણું ખતરનાક છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેઓ આ હથિયારોનો ઉપયોગ કરવા માટે તૈયાર નથી પરંતુ તેઓ આ વિશે સૂચનાઓની આપ-લે કરી રહ્યા છે. તેમને હાલ એ ખબર નથી કે તેઓ તેનો ઉપયોગ કરશે કે નહીં. મને લાગે છે કે આ વિશે વાત કરવી પણ ખતરનાક છે."
તેમણે કહ્યું, "અમારા અંદાજ પ્રમાણે રશિયામાં જે તાકતવર લોકો છે તેમને જીવનથી પ્રેમ છે અને તેથી મને લાગે છે કે જે રીતે જાણકારો કહે છે, પરમાણુ હથિયારોના ઉપયોગની શક્યતા ઘણી ઓછી છે. તેઓ પણ સમજે છે કે પરમાણુ હથિયારોનો ઉપયોગ કર્યા બાદ રસ્તો બદલવો કપરો હશે, માત્ર તેમનો ઇતિહાસ જ નહીં, પરંતુ તેઓ ખુદ અને તેમની ઓળખ પણ દાવ પર છે."

ઝેલેન્સ્કીએ ગુરુવારે આયોજિત એક ઓનલાઇન કાર્યક્રમમાં એ વાતને રદિયો આપ્યો કે તેમણે રશિયા પર હુમલાની અપીલ કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે તેમણે એ કાર્યક્રમમાં યુક્રેનિયન ભાષામાં જે કાંઈ પણ કહ્યું તેનો 'ખોટો અનુવાદ' કરવામાં આવ્યો છે.
આ મામલે રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું, "આ વધુ એક વિશ્વયુદ્ધ શરૂ કરવાની અપીલ હતી."
જ્યારે રશિયન વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું, "આ નિવેનદન દર્શાવે છે કે યુક્રેન વિરુદ્ધ અભિયાન શરૂ કરવાનો રશિયાનો નિર્ણય યોગ્ય હતો."
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું, "બાદમાં તેમણે(રશિયાએ) તેને પોતાની રીતે સમજીને ખુદના અર્થ કાઢ્યા."

'રશિયા પર વધુ પ્રતિબંધો લાદવામાં આવે'

ઇમેજ સ્રોત, Reuters
બીબીસીએ ઝેલેન્સ્કીનો ઇન્ટરવ્યૂ કર્યો તેની થોડી વાર પહેલાં જ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયા તરફથી પરમાણુ ખતરાને લઈને ચેતાવણી આપી હતી.
બાઇડને કહ્યું, "શીતયુદ્ધ દરમિયાન ક્યુબાના મિસાઇલ સંકટ બાદ રશિયા દ્વારા પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી વિશ્વને વિનાશ નજીક લઈ આવી છે."
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે હવે તેમની સામે પગલાં ઉઠાવવાનો સમય આવી ગયો છે. કારણ કે રશિયાની ધમકી સમગ્ર વિશ્વને જોખમમાં મૂકી શકે છે.
તેમનો દાવો છે કે રશિયાએ ઝાપોરિઝિયા પરમાણુ પ્લાન્ટ પર કબજો કરીને 'પહેલ' કરી છે. તેમનું કહેવું છે કે ઝાપોરિઝિયા પરમાણુ પ્લાન્ટ યુરોપનો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ છે અને પુતિન તેને રશિયાની સંપત્તિ બનાવી લેવા માગે છે.
ઝેલેન્સ્કીએ કહ્યું, "વિશ્વએ જલદી રશિયાની હરકતો પર અંકુશ લાવવો જોઈએ. આ પ્રકારના કિસ્સામાં એવા પ્રતિબંધો લાદવા જોઈએ કે જેથી તેઓ પરમાણુ પ્લાન્ટ છોડીને જવા માટે મજબૂર થઈ જાય."
રશિયા સામેના આ યુદ્ધમાં યુક્રેનિયન સેનાને પશ્ચિમી દેશો પાસેથી અત્યાધુનિક હથિયારો મળી રહ્યાં છે. જેની મદદથી યુક્રેનિયન સેના પૂર્વ અને દક્ષિણમાં આગળ વધી રહી છે અને જે ગામો અને શહેરો પર રશિયાએ કબજો જમાવી લીધો હતો તેના પર પાછો કબજો મેળવી રહી છે.

યુક્રેનના ક્યા ભાગો પર રશિયાનો કબજો છે?

ઇમેજ સ્રોત, Reuters
સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના ચાર નવા વિસ્તારોને રશિયામાં સામેલ કરવાના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યાર બાદ આ વિસ્તારોને રશિયામાં ઔપચારિક રીતે સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આ વિસ્તારો છે દૉનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસોન અને ઝોપોરિઝિયાનો કેટલોક ભાગ. તેમનો દાવો છે કે આ વિસ્તારોમાં જનમત લીધા બાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય જગતના મોટાભાગના દેશો રશિયાના આ જનમતને ગેરકાયદેસર માને છે.
2014માં રશિયાએ યુક્રેનના ક્રાઇમિયાને પોતાના નિયંત્રણમાં લઈ લીધું હતું. આ વિસ્તાર ત્યારથી રશિયાના નિયંત્રણમાં છે.
ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયન સેના તેમને 'પડકાર' આપી રહી છે પરંતુ યુક્રેનને તેમના મિત્રો પાસેથી હથિયાર મળી રહ્યાં છે. તેમણે કહ્યું, "હું એમ તો નહીં કહું કે એ પર્યાપ્ત છે પરંતુ તેનાંથી અમારી સેનાનો ઉત્સાહ વધે છે."
યુક્રેનમાં કબજામાં લેવાયેલી જગ્યાઓ પરથી પીછેહઠ રશિયન રાષ્ટ્રપતિ પુતિન માટે ઘણી શરમજનક બાબત છે. ત્યાર બાદથી દેશની અંદર પણ સેનાની ટીકા થવાની શરૂ થઈ ગઈ છે.
કબજા હેઠળના પ્રદેશોમાંથી પીછેહઠની વચ્ચે પુતિને લગભગ ત્રણ લાખ લોકોને સેનામાં સામેલ કરવાની જાહેરાત કરી હતી, જેના પછી દેશની અંદર યુદ્ધવિરોધી દેખાવો શરૂ થઈ ગયા હતા. આ પછી, એવા ઘણા લોકો જેઓ આનાથી બચવા માગતા હતા તેઓ દેશ છોડીને જવા માટે સરહદો પર જોવા મળ્યા.
એક અંદાજ મુજબ રશિયામાં 20 લાખ મિલિટરી રિઝર્વિસ્ટ છે. આ એ લોકો છે જેમણે ફરજિયાત લશ્કરી સેવા હેઠળ લશ્કરી તાલીમ લીધી છે.

ઝેલેન્સ્કીની રશિયન નાગરિકોને અપીલ

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયન નાગરિકોને અપીલ કરી છે કે તેઓ "પોતાનાં શરીર, જીવ અને આત્માના હક માટે લડે."
તેમણે કહ્યું, "આ એકઠા કરાયેલાં બાળકો કોઈપણ અનુભવ વગર કોઈપણ બંદૂક અને રક્ષણાત્મક કવર વગર મેદાનમાં પ્રવેશ કરશે. તે તેમને ઘાસચારાની જેમ ફેંકી દેવા જેવું છે પરંતુ જો કોઈને કોઈનો ચારો બનવું હોય તો અમે તેમને આવવા દઈશું. પરંતુ જો તેમને લાગે છે કે એ તેમનું ખુદનું જીવન છે તો તેમણે પોતાના હક માટે લડવું પડશે."
ઝેલેન્સ્કીએ કહ્યું, "પુતિન દરેક વાતથી ડરે છે. માત્ર પરમાણુ હથિયારોથી જ નહીં પરંતુ પોતાના સમાજથી પણ તેઓ ડરે છે."
તેમણે કહ્યું, "પુતિન પોતાના જ લોકોથી ડરે છે કારણ કે એ જ લોકોમાંથી કોઈ આવનારા સમયમાં તેમની જગ્યા સંભાળવામાં સક્ષમ બનશે. તેમના હાથમાંથી સત્તા છીનવી લેવી જોઈએ, આ તાકત બીજા કોઈને આપી દેવી જોઈએ."
જો યુદ્ધમાં યુક્રેન જીતી જાય તો શું રશિયન રાષ્ટ્રપતિ પુતિન એ આઘાત સહન કરી શકશે? આ પ્રશ્નના જવાબમાં ઝેલેન્સ્કીએ કહ્યું, "મને એ વાતથી ફરક પડતો નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














