યુક્રેન-રશિયા યુદ્ધ : 'એવું લાગ્યું કે જીવતા નહીં રહીએ', યુક્રેનમાં શ્રીલંકનો પર રશિયન સૈનિકોના જુલમની કહાણી

- લેેખક, સોફિયા બેટ્ટિઝા
- પદ, બીબીસી સંવાદદાતા
યુક્રેને ઇઝિયમ શહેરને રશિયાના કબજામાંથી પરત મેળવી લીધું છે અને આ દરમિયાન શહેરમાં રહેતા શ્રીલંકન લોકોના એક સમૂહે રશિયન સેના પર અત્યાચારનો આરોપ મૂક્યો છે.
રશિયન સૈનિકોના જુલમની કહાણી કહેનારા આ શ્રીલંકન નાગરિકોને ઘણા મહિનાથી ત્યાં કેદ રાખવામાં આવ્યા છે.
આ કેદીઓમાંથી એક દિલુજાન પતથિનાજકને કહ્યું, "એમ લાગી રહ્યું હતું કે અમે અહીંથી જીવતા બહાર નહીં નીકળી શકીએ."
દિલુજાન એ સાત શ્રીલંકન નાગરિકો પૈકી એક છે, જેમને રશિયન સૈનિકોએ મે મહિનામાં પકડી લીધા હતા. રશિયન હુમલા દરમિયાન જીવ જોખમમાં મૂકીને આ લોકો કુપિયાંસ્કમાં પોતાના ઘરથી વધુ સુરક્ષિત ખારકિએવ તરફ નીકળ્યા હતા.
કુપિયાંસ્કથી ખારકિએવ 120 કિલોમિટર દૂર છે. જોકે, પ્રથમ ચૅકપોસ્ટ પર જ તેઓ પકડાઈ ગયા. સૈનિકોએ તેમની આંખો પર પટ્ટી અને હાથોને પાછળ બાંધ્યાં તથા વોવચાંસ્કમાં એક મશીન ટૂલ ફેકટરીમાં લઈ ગયા. આ સ્થળ રશિયન સરહદની નજીક આવેલું છે.
આ ચાર મહિનાના એમના દુઃસ્વપ્ન શરૂઆત માત્ર હતી. તેમને ત્યાં જ બંધ હાલતમાં રાખવામાં આવ્યા. તેમની પાસે જબરદસ્તી કામ કરાવવામાં આવતું હતું અને તેમના પર અત્યાચાર ગુજારવામાં આવતો.

દિવસમાં એક વખત બે મિનિટ માટે ટૉયલેટ બ્રેક

અભ્યાસ અને રોજગાર માટે યુક્રેન આવેલું શ્રીલંકન લોકોનું આ જૂથ હવે રશિયાનું કેદી હતું. એમને માત્ર નામ પૂરતો ખોરાક આપવામાં આવતો હતો. આખા દિવસમાં માત્ર બે મિનિટ જ ટૉયલેટ બ્રેક આપવામાં આવતો.
આ કેદમાં ઉંમરનો ત્રીજા દાયકો વિતાવી રહેલાં પુરુષોને એક રૂમમાં બંધ રાખવામાં આવ્યા હતા. જ્યારે 50 વર્ષનાં મહિલા મેરી એડિટ ઉથાજકુમારને તેમનાંથી અલગ રાખવામાં આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ જણાવે છે, "તેમણે અમને એક રૂમમાં બંધ રાખી હતી. અમે જ્યારે નાહવા માટે બહાર નીકળતાં ત્યારે રશિયન સૈનિકો અમને મારતા હતા. તેમણે મને અન્ય બંધકો સાથે ભળવા નહોતી દીધી. અમે ત્રણ મહિના સુધી અંદર ફસાયેલા રહ્યાં હતાં."
શ્રીલંકામાં અગાઉથી થયેલા એક વિસ્ફોટમાં મેરીના ચહેરાને નુકસાન થયું હતું. તેઓ હ્રદયની બીમારીથી પીડાતાં હતાં પરંતુ તેમને ત્યાં આની કોઈ દવા આપવામાં આવતી આવી.
વળી, ઓરડીમાં એકલા જ બંધ રહેવાથી તેમના સ્વાસ્થ્ય પર પણ વિપરિત અસર પડી છે.
તેઓ જણાવે છે, "ઓરડીમાં એકલા બંધ રહેવાથી હું તણાવમાં અનુભવતી. રશિયન સૈનિકોએ અમને કહ્યું કે મારું માનસિક સ્વાસ્થ્ય ઠીક નથી. મને દવા આપવામાં આવતી હતી પણ મેં તે લીધી નહોતી."

પગના અંગૂઠાના નખ ઉખાડી નાખ્યા

ઇમેજ સ્રોત, AFP
આ દરમિયાન બીજા લોકો પર પણ જુલમ ગુજારાયો. કેદમાં રહેલી અન્ય એક વ્યક્તિએ પગરખાં ઉતારીને અંગૂઠા બતાવ્યા.
તેમના અંગૂઠાના નખ પ્લાયર વડે ખેંચી કાઢવામાં આવ્યા હતા. અન્ય એક વ્યક્તિને પણ યાતનાઓ દેવાઈ હતી.
કેદમાં રખાયેલા લોકોનું કહેવું છે કે તેમને કારણ વગર મારવામાં આવતા હતા. રશિયન સૈનિકો દારૂ પીને તેમને મારવા માટે તૂટી પડતા હતા.
35 વર્ષીય થિનેશ ગગનથિન જણાવે છે, "એક સૈનિકે મારા પેટમાં મુક્કા માર્યા હતા. તેનાંથી હું બે દિવસ સુધી દર્દમાં કણસતો રહ્યો હતો. ત્યાર બાદ મારી પાસે પૈસા માગવામાં આવ્યા હતા."
25 વર્ષીય દિલુકશાન રૉબર્ટક્લાઇવે જણાવ્યું, "અમને ગુસ્સો આવી રહ્યો હતો. અમે ઘણા દુખી હતા અને રોજ રડતા હતા. અમને માત્ર એક જ વસ્તુએ જીવિત રાખ્યા હતા, એ હતી અમારી પ્રાર્થના અને પરિવારની યાદો."
રશિયાએ યુક્રેન પર હુમલા દરમિયાન નાગરિકોને નિશાન બનાવ્યા હોવાના યુદ્ધઅપરાધોના આરોપો ફગાવી દીધા છે પરંતુ શ્રીલંકન નાગરિકો પર જુલમના આ અહેવાલો એવા સમયે પ્રકાશમાં આવ્યા છે, જ્યારે રશિયન સૈનિકો પર લાગેલા આરોપોમાં નોંધપાત્ર વધારો થયો છે.

'મૃતદેહો પર યાતનાના નિશાન'

ઇમેજ સ્રોત, Reuters
યુક્રેન ઇઝિયમનાં કબ્રસ્તાનોમાંથી મૃતદેહોના અવશેષો કાઢી રહ્યું છે. કેટલાક મૃતદેહો પર યાતનાનાં નિશાનો છે.
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું, "ખારકિએવમાં આઝાદ કરાઈ રહેલા વિસ્તારો અને ઘણાં શહેરોમાંથી 10થી વધુ 'ટૉર્ચર ચેમ્બર' મળી છે."
રશિયન સૈનિકોની કેદમાંથી આ શ્રીલંકન લોકોને ત્યારે છોડાવવામાં આવ્યા, જ્યારે યુક્રેનિયન સૈનિકોએ આ મહિને વોવચાંસ્ક સહિત ઘણા વિસ્તારો પર ફરીથી કબજો કરવાનું શરૂ કર્યું.
રશિયન સૈનિકોના કબજામાંથી છૂટેલું શ્રીલંકન લોકોનું આ જૂથ ફરી એક વખત ખારકિએવ તરફ જઈ રહ્યું હતું, પરંતુ તેમની પાસે ફોન ન હતો. તેમના પરિવાર સાથે સંપર્ક કરવાનો તેમની પાસે કોઈ રસ્તો ન હતો.

કેવી રીતે મળી મુક્તિ?

અંતે તેમના નસીબે પલટો માર્યો. કેટલાક લોકોએ તેમને રસ્તામાં જ ઓળખી લીધા અને પોલીસને જાણ કરી.
એક પોલીસઅધિકારીએ તેમને પોતાનો ફોન આપ્યો. 40 વર્ષીય એંકનાથન ગણેશમૂર્તિ ફોન સ્ક્રીન પર પોતાનાં પત્ની અને પુત્રીને જોઈને રડી પડ્યા હતા. ફોન આવતો રહ્યો અને આંસુ વહેતાં રહ્યાં. પોલીસઅધિકારીને આ લોકો ભેટી પડ્યા હતા.
આ જૂથને ખારકિએવ લઈ જવામાં આવ્યું. જ્યાં તેમની સારવાર કરાવવામાં આવી અને નવા કપડાં આપવામાં આવ્યાં. ત્યાંથી તેમને પુનર્વસનકેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં સ્વિમિંગ પૂલ અને જીમ છે. ખુશી સાથે દિલુકશાન કહે છે, "હવે હું ઘણો ખુશ છું."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













