યુક્રેન યુદ્ધ : ઝેપોરિઝિયાને રશિયામાં સામેલ કરવાની જાહેરાત બાદ સ્થાનિકોનું સ્થળાંતર

- લેેખક, જેમ્સ વૉટરહાઉસ,
- પદ, બીબીસી ન્યૂઝ, ઝેપોરિઝિયા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયામાં યુક્રેનના નવા ચાર પ્રદેશના સમાવેશ અંગેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે અને મૉસ્કોમાં એક સમારોહમાં આ વિશે ભાષણ પણ આપ્યું છે.
આગામી થોડા દિવસોમાં રશિયામાં આ વિસ્તારોને ઔપચારિક રીતે સામેલ કરવાની પ્રક્રિયા પણ શરૂ થશે.
ક્રેમલિનમાં સેન્ટ જ્યોર્જ હૉલમાં આ જાહેરાત સાથે રશિયાએ સત્તાવાર રીતે યુક્રેનના ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસન અને ઝેપોરિઝિયા પ્રદેશોને જોડ્યા છે.
દરરોજ, ઝેપોરિઝિયા શહેરના સુપરમાર્કેટમાંમાં પોલીસસુરક્ષા હેઠળ લોકોનાં ટોળાં ઊમટી રહ્યાં છે.
આ લોકો રશિયાના કબજાવાળા દક્ષિણ યુક્રેનના વિસ્તારમાંથી ખતરનાક સફર ખેડીને યુક્રેનના કબજા હેઠળના સ્થાનિક પાટનગરના ભાગ સુધી પહોંચ્યા છે.
પોલીસને પોતાના દસ્તાવેજ સોંપનાર પૈકી એક ઍન્ટોન ઓસેનેવે કહ્યું કે રશિયનોએ બે વખત તેમને તેમના જ દેશ સાથે સંઘર્ષમાં ઊતરવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે કહ્યું, "પ્રથમ પ્રયાસ વખતે તેઓ ઘરે નહોતા. બીજા પ્રયાસ વખતે તેઓ અમારા ઘરે થોડા સમય સુધી રોકાયા હતા."
તેમનું માનવું છે કે જો એ ઓરડામાં એ સમયે તેમની સાથે તેમનાં ગર્ભવતી પત્ની ન હોત તો રશિયનો તેમને લઈ ગયા હોત. તેમના પિતા યુક્રેનની સેનામાં છે. અને જો તેઓ તૈયાર થઈ ગયા હોત તો તેઓ તેમની વિરોધી સેનામાં હોત.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મને હજી નથી સમજાઈ રહ્યું કે શું થઈ રહ્યું છે, અમને થોડા આરામની જરૂર છે."
અહીં અમુક લોકો જ મૉસ્કો દ્વારા જોડાણની જાહેરાતની પરવા કરે છે.
જોકે, તેમને હવે એ વાતની બીક છે કે હવે કબજો કરનાર લોકો તેમણે લઈ લીધેલા ક્ષેત્રની રક્ષા માટે શું કરશે - કદાચ સ્થાનિકોને રશિયા વતી લડવા મજબૂર કરાય કે મૉસ્કો દ્વારા વધુ ઘાતક હથિયારોનો ઉપયોગ કરવાનું શરૂ કરાય.
પાછલા અઠવાડિયે વ્લાદિમીર પુતિને તેમની પાસેનાં તમામ સંશાધનોનો ઉપયોગ કરવાની ધમકી આપી હતી. જેમાં પરમાણુ શસ્ત્રો પણ સામેલ છે.
ક્રેમલિન માટે હવે આગળ શું?

જેમજેમ દક્ષિણ તરફ ઝેપોરિઝિયા શહેરમાં જવામાં આવે ત્યારે રસ્તા ખાલીખમ હોવાનું નજરે પડે છે.
રોડ પર ઓછા લોકો દેખાય છે. અમુક સમયે કાર કે મિલિટરી વાહન તમારી બાજુમાંથી પસાર થાય છે. અહીં કોઈ ખાલી સમય ગાળવા ડ્રાઇવ કરવા નીકળતું નથી.
અહીં વ્યક્તિને વધુમાં વધુ મિલિટરી ચેકપૉઇન્ટ નજરે પડે છે. યુક્રેનનું સૈન્ય આ પૉઇન્ટ પાર કોણ જઈ શકે તેના પર નિયંત્રણ રાખવા માટે કરે છે.
આ પૉઇન્ટથી અમારા મિલિટરી એસ્કોર્ટની મદદથી આગળ વધ્યા બાદ અમને સીધો ખુલ્લો રોડ જોવા મળ્યો.
અડધા કલાક બાદ અમે યુક્રેનના નાના ગામ કોમીસુવાખા પહોંચ્યા.
રસ્તા પરની અમુક ઇમારતો ક્ષતિગ્રસ્ત અવસ્થામાં છે. મોટા ભાગની બારીઓ બંધ છે. મોટા ભાગે બધું શાંત છે.
જો અમે અહીંથી 11 માઇલ સુધી ડ્રાઇવ કરીને આગળ જઈએ તો ત્યાં અમને રશિયન ચેકપૉઇન્ટ મળશે. હવે મૉસ્કો એ સ્થાનને પોતાની યુક્રેન સાથેની નવી બૉર્ડર ગણાવે છે.
આ વિસ્તારનું પાટનગર યુક્રેનના કબજામાં હોવા છતાં રશિયન સૈન્ય ઝેપોરિઝિયાના મોટા ભાગના ક્ષેત્ર પર કબજો ધરાવે છે. આજની જોડાણની જાહેરાત તેમની આ ક્ષેત્રમાં હાજરીને ન્યાયિક ઠેરવવા તરફ એક પગલું છે.
કોમીસુવાખામાં અમે જેને જેને મળ્યા તેમને કશું યોગ્ય લાગી નથી રહ્યું.
આ પૈકી એક છે લ્યુબોવ સ્મીરનોવા. તેઓ અમને સળગાવી દેવાયેલી એક જગ્યાએ લઈ જાય છે, જે ક્યારેક તેમનું ઘર હતું.
મે માસમાં આ સ્થળે મિસાઇલ હુમલો થયો હતો.
તેઓ કહે છે કે, "મને લાગે છે કે પુતિનનું રાજકારણ અમને નષ્ટ કરવાનું છે, આ અમારા લોકો માટે નરસંહાર જેવું છે."
"અમારા પર સતત દબાણ છે. હું તેને શબ્દોમાં જણાવી શકતી નથી. કોમીસુવાખા પર લગભગ દરરોજ બૉમ્બમારો થાય છે."

અમને કહેવાયું કે, બધા અંદર છે, કારણ કે દિવસના મધ્ય ભાગમાં મોટા ભાગની સ્ટ્રાઇક થાય છે. હાલ તો પક્ષીઓ અને કૂતરાંના અવાજ હાલ આ નાની કૉમ્યુનિટી સાથે જે કાંઈ થયું તેને ઢાંકવાનો પ્રયાસ કરે છે.
અહીં મોટા ભાગે મહિલાઓ રહી ગયાં છે. કોમીસુવાખાના પુરુષો કાં તો યુદ્ધમાં લડી રહ્યા છે કાં તો અન્ય કોઈ જગ્યાએ છે.
અમે આગળ ત્રણ મહિલાઓ સાથે વાત કરી. તેઓ 70 વર્ષથી રહી રહ્યાં હતાં તે ઇમારતમાં અમે વાત કરી રહ્યાં હતાં. તેમના જીવનનો તાણ સપાટી પર આવતાં તેમની આંખો ભીની થઈ ગઈ છે.
તેઓ કહે છે કે, "શિયાળો આવી રહ્યો છે, અને ઘરમાં એકેય બારી નથી."
તેઓ જ્યાં રહે છે તે વિસ્તાર પરના રશિયાના દાવા અંગે તેઓ શું વિચારે છે?
તેઓ કહે છે કે, "યુક્રેન મુક્ત અને સ્વતંત્ર હોવું જોઈએ. અમે કોઈના પર હુમલો નથી કર્યો, કોઈને ઈજા નથી પહોંચાડી, અને કશું માગ્યું નથી. અમે અગાઉની માફક જીવવા માગીએ છીએ."
એક ખાલી કિંડરગાર્ટનના નિકાસદ્વાર પાછળ કંઈક પ્રવૃત્તિ ચાલી રહી છે. ત્યાં ત્રણ મહિલાઓ બટાટાં ધોતાં અને પેનકૅક બનાવતાં દેખાય છે.
તેઓ જણાવે છે કે, તેમને ખ્યાલ નથી કે તેઓ કોના માટે રાંધી રહ્યાં છે. તેઓ માત્ર એટલું જાણે છે કે આવું કરવા તેમને યુક્રેનની સેનાએ કહ્યું છે.

તેઓ એક મોટા કટોરામાં ખાદ્યસામગ્રીને હલાવી રહ્યાં છે, તે સમયે હું તેમને પૂછું છું કે હવે રશિયા તેમના ગામને તેમની નવી 'બૉર્ડર' નિકટ સમજે છે એ વાતથી તેમને કોઈ ફરક પડે છે કે કેમ?
તેઓ કહે છે કે, "અમને એ નથી જોઈતું. અમે પહેલાં જીવતા એ માફક જીવવા માગીએ છીએ. બધું ઠીક હતું, બધું બરાબર હતું."
તેઓ વધુમાં કહે છે કે, "અમે આવી જ રીતે મોટા થયાં હતાં. અમારાં બાળકો અને તેમનાં બાળકો પણ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













