રશિયા-યુક્રેન યુદ્ધ: શું આ બે દેશો વૈશ્વિક મંદી નોતરી શકે છે?

    • લેેખક, પાબ્લો ઓચો
    • પદ, બીબીસી ન્યૂઝ સંવાદદાતા

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે વિશ્વભરમાં અર્થવ્યવસ્થાને લઈને ચિંતા જન્મી છે. જોકે, જાણકારોનું માનવું છે કે યુદ્ધ હોવા છતાં આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થા વિકાસના રસ્તે હશે પરંતુ તેમનું એમ પણ કહેવું છે કે યુદ્ધની અસર દુનિયાના દરેક ખૂણે અનુભવ કરી શકાશે.

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વિશ્વભરના શૅરબજારોમાં મંદી જોવા મળી રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વિશ્વભરના શૅરબજારોમાં મંદી જોવા મળી રહી છે

જોકે, અસર કેટલી ખરાબ હશે, તે એ વાત પર નિર્ભર કરે છે કે યુદ્ધ કેટલું લાંબુ ખેંચાય છે, વૈશ્વિક બજાર અત્યારે જે ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે તે થોડા સમયની જ વાત છે કે તેની અસર લાંબાગાળાની છે.

અહીં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર કેટલી મોટી અસર પડશે અને શું આ કારણે વૈશ્વિક મંદી આવી શકે છે?

line

અલગઅલગ જગ્યાઓએ જુદીજુદી અસર

પેટ્રોલની અછત વચ્ચે તુર્કીમાં પેટ્રોલ પંપ બહાર ગાડીઓની લાંબી કતાર જોવા મળી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેટ્રોલની અછત વચ્ચે તુર્કીમાં પેટ્રોલ પંપ બહાર ગાડીઓની લાંબી કતાર જોવા મળી હતી

બ્રિટન સ્થિત કન્સલ્ટન્સી કંપની ઑક્સફૉર્ડ ઇકોનૉમિક્સ અનુસાર રશિયા અને યુક્રેન માટે યુદ્ધનું આર્થિક પરિણામ 'નાટકીય' હશે પરંતુ દુનિયાના અન્ય દેશો માટે તે એક જેવું નહીં હોય.

ઉદાહરણ તરીકે પોલૅન્ડ અને તુર્કીના રશિયા સાથે ખૂબ સારા વ્યાપારિક સંબંધો છે અને આ કારણે યુદ્ધની અસરના મામલે તે અન્ય અર્થતંત્રોની સરખામણીએ વધારે જોખમી પરિસ્થિતિમાં છે.

ઈંધણના મામલે પોલૅન્ડ પોતાની જરૂરિયાતનો અડધો જથ્થો રશિયા પાસેથી આયાત કરે છે. જ્યારે તુર્કી પોતાની જરૂરિયાતોનું એક તૃતીયાંશ ક્રૂડ ઑઇલ રશિયા પાસેથી લે છે.

આ દેશોની સરખામણીએ અમેરિકાનો રશિયા સાથેનો વેપાર તેમની જીડીપીના માત્ર 0.5 ટકા છે. ચીન માટે આ આંકડો 2.5 ટકા છે. એવામાં કહેવાય છે કે આ બન્ને પર રશિયા-યુક્રેન સંકટની કોઈ મોટી અસર નહીં પડે.

ઑક્સફૉર્ડ ઇકોનૉમિક્સમાં ગ્લોબલ મૅક્રો રિસર્ચના નિદેશક બેન મે કહે છે કે વૈશ્વિક આર્થિક વિકાસની વાત કરીએ તો અનુમાન લગાવી શકાય છે કે યુદ્ધના કારણે તેની ગતિ 0.2 ટકા ઓછી થઈ શકે છે, એટલે કે ચાર ટકાથી ઘટીને તે 3.8 ટકા સુધી પહોંચી શકે છે.

તેઓ કહે છે, "જોકે આ એ વાત પર નિર્ભર કરે છે કે યુદ્ધ કેટલું લાંબું ચાલે છે. સ્પષ્ટ રીતે જો આ યુદ્ધ વધારે દિવસ માટે ચાલે તો તેની અસર ભયાવહ થઈ શકે છે."

line

'સ્ટૅગફ્લેશન' અને તેલની કિંમતો પર અસર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમતમાં 21 ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો, ત્યાર બાદ એ વધુ 18 ટકા વધ્યો હતો અને 140 ડૉલર પ્રતિ બૅરલ સુધી પહોંચ્યું હતું.

એક મહત્વપૂર્ણ ફૅક્ટર છે બજારમાં તેલની કિંમતો, જે યુદ્ધના કારણે પહેલેથી વધી રહી છે.

અમેરિકન ઍનર્જી ઇન્ફૉર્મેશન ઍડમિનિસ્ટ્રેશન અનુસાર, અમેરિકા અને સાઉદી અરબ બાદ વિશ્વમાં કાચા તેલના ઉત્પાદનમાં રશિયા ત્રીજા ક્રમે છે. વર્ષ 2020માં રશિયાએ પ્રતિદિન 1.05 કરોડ બૅરલ તેલનું ઉત્પાદન કર્યું હતું. જેમાંથી 50-60 લાખ બૅરલ્સની નિકાસ કરવામાં આવી હતી. તેમાંથી પણ અડધા બૅરલ્સ તો યુરોપને જ આપવામાં આવ્યા હતા.

રશિયા દ્વારા કરાતી તેલની નિકાસને લઈને અમેરિકા અને યુરોપે સંભવિત પ્રતિબંધની આશંકા વચ્ચે સાત માર્ચે બ્રૅન્ટ ઑઇલ (નૉર્થ સીના વિસ્તારમાંથી કઢાતા તેલ)ની કિંમતોમાં રૅકર્ડ વધારો જોવા મળ્યો હતો.

ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમતમાં 21 ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો, ત્યાર બાદ એ વધુ 18 ટકા વધ્યો હતો અને 140 ડૉલર પ્રતિ બૅરલ સુધી પહોંચ્યું હતું.

આઠ માર્ચે અમેરિકાએ રશિયાના તેલની ખરીદી પર પ્રતિબંધ લાદ્યો અને બ્રિટને કહ્યું કે વર્ષ 2022ના અંત પહેલા તેઓ રશિયા પાસેથી તેલ ખરીદવાનું સંપૂર્ણરીતે બંધ કરી દેશે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રિસર્ચ કંપની થંડર સૅન્ડ ઍનર્જીના પ્રમુખ રૉબ વેસ્ટે ફાઇનાન્શિયલ ટાઇમ્સને જણાવ્યું, "હાલની પરિસ્થિતિના કારણે કાચા તેલની કિંમત 200 ડૉલર પ્રતિ બૅરલ સુધી પહોંચી શકે છે."

જોકે, આઠ માર્ચે રશિયાના ઉપવડા પ્રધાન અલૅક્ઝૅન્ડર નોવાકે તેનાંથી એક પગલું આગળ વધીને કહ્યું કે કાચા તેલની કિંમતો ઝડપથી વધી રહી છે. આ ઓછામાં ઓછા 300 ડૉલર પ્રતિ બૅરલ સુધી પહોંચી શકે છે.

સરકારી ટૅલિવિઝન પર પ્રસારિત એક સંદેશમાં નોવાકે કહ્યું કે "આ સ્પષ્ટ છે કે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવાની અસર આંતરરાષ્ટ્રીય બજાર પર ખૂબ ભયાનક રહેશે."

કાચા તેલની કિંમત વધવાથી માત્ર પેટ્રોલ, ડીઝલ કે ગૅસની કિંમતો જ નહીં પરંતુ જરૂરિયાતના તમામ સામાનની કિંમત પણ વધી જાય છે. ઉત્પાદન માટે સામાન એક જગ્યાએથી અન્ય જગ્યાએ જવા માટે ઈંધણનો ઉપયોગ થાય છે, એવામાં તેલની કિંમતોનો સીધો સંબંધ મોંઘવારી સાથે છે.

બાર્કલેઝ બૅન્કના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે "તેનાંથી સ્ટૅગફ્લેશન વધવાનો ખતરો છે. બાર્કલેઝ પહેલેથી જ વૈશ્વિક વિકાસના આ વર્ષના પોતાના અનુમાનમાં એક ટકાનો ઘટાડી કરી ચૂક્યું છે. "

સ્ટૅગફ્લેશન એ સ્થિતિ હોય છે જ્યારે મોંઘવારી સતત વધે છે અને અર્થવ્યવસ્થા એક જગ્યાએ અટકી જાય છે. એટલે કે અર્થવ્યવસ્થાનો વિકાસ ધીમો પડી જાય છે અને બેરોજગારી વધી જાય છે. આપ કહી શકો છો કે જ્યારે એક જ ઝટકામાં મોંઘવારી વધે છે અને જીડીપી ઘટવા લાગે છે. તો એ સ્થિતિને સ્ટૅગફ્લેશન કહે છે.

line

ખાદ્યપદાર્થોની કિંમત પર શું પડશે અસર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લેબનન, ઇજિપ્ત અને તુર્કી ઘઉંની પોતાની જરૂરતનો મોટો ભાગ રસિયા અથવા તો યુક્રેન પાસેથી ખરીદે છે.

યુદ્ધની અસર ખાદ્યપદાર્થોની કિંમત પર પણ પડી શકે છે, કારણ કે રશિયા અને યુક્રેન બન્ને કૃષિ ઉત્પાદનના મામલે આગળ છે.

સ્ટેલેનબૉશ યુનિવર્સિટી અને જેપી મૉર્ગનમાં કૃષિ અર્થશાસ્ત્રમાં સીનિયર રિસર્ચર વેન્ડિલ શિલોબો અનુસાર વિશ્વમાં ઘઉંના ઉત્પાદનનો 14 ટકા જથ્થો રશિયા અને યુક્રેનમાં થાય છે અને ઘઉંના વૈશ્વિક બજારમાં 29 ટકા ભાગ આ બન્ને દેશોનો છે. આ બન્ને દેશો મકાઇ અને સુરજમૂખીના તેલના ઉત્પાદનમાં પણ આગળ છે.

જો અહીંથી નિકાસ થતા ખાદ્યપદાર્થોમાં કોઈ ઘટાડો નોંધાયો તો તેની અસર મધ્યપૂર્વ, આફ્રિકા અને તુર્કી પર પડશે.

લેબનન, ઇજિપ્ત અને તુર્કી ઘઉંની પોતાની જરૂરતનો મોટો ભાગ રશિયા અથવા તો યુક્રેન પાસેથી ખરીદે છે. આ સિવાય સુડાન, નાઇજીરિયા, તન્ઝાનિયા, આલ્જીરિયા, કીનિયા અને દક્ષિણ આફ્રિકા પણ અનાજની પોતાની જરૂરિયાતો માટે આ બન્ને દેશો પર નિર્ભર છે.

વિશ્વની મોટી ખાતર કંપનીઓમાંની એક યારાના પ્રમુખ સ્વેન ટોરે હૉલસેથર કહે છે, "મારા માટે પ્રશ્ન એ નથી કે શું વૈશ્વિક સ્તરે ખાદ્યસંકટ પેદા થઈ શકે છે, મારા માટે પ્રશ્ન એ છે કે આ સંકટ કેટલું મોટું હશે."

કાચા તેલની કિંમતોના કારણે ખાતરની કિંમતો પહેલેથી વધી ગઈ છે. ખાતરના મામલે પણ રશિયા વિશ્વના સૌથી મોટા નિકાસકર્તા દેશોમાં સામેલ છે.

હૉલસેથરે બીબીસીને જણાવ્યું, "આ મામલે યુદ્ધ પહેલાં પણ અમે મુશ્કેલીમાં હતા. વિશ્વની અડધી વસતીને અનાજ મળવાનું એક મોટું કારણ છે ખાતર. જો તમે ખેતીને ખાતરથી દૂર કરી દેશો તો કૃષિ ઉત્પાદન અડધાથી પણ ઓછું થઈ જશે."

line

વધી શકે છે વ્યાજદર

કૅપિટલ ઇકોનૉમિક્સના ગ્લોબલ ઇકોનૉમિક્સ સર્વિસના પ્રમુખ જેનિફર મૅક્કિયોન કહે છે કે ઈંધણ અને ખાદ્યપદાર્થોની વધતી કિંમતોના કારણે ઘણા વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થામાં મોંઘવારી ઓછામાં ઓછી એક ટકા સુધી વધશે.

પહેલેથી મોંઘવારીની સમસ્યા સામે ઝઝૂમી રહેલા કેન્દ્રીય યુરોપ અને લૅટિન અમેરિકાના કેટલાક દેશોમાં મોંઘવારીને કાબૂમાં રાખવા માટે કેન્દ્રીય બૅન્ક વ્યાજ દરોમાં પણ વધારો કરવાનો રસ્તો અપનાવી શકે છે.

જેનિફર મૅક્કિયોને બીબીસીને કહ્યું, "એમ થયું તો આ અર્થવ્યવસ્થા પર પડી રહેલા બોજને હજુ વધારી દેવા જેમ હશે."

આ વચ્ચે માનવામાં આવે છે કે પૂર્વ યુરોપના કેટલાક ભાગ, જર્મની, ઇટલી અને તુર્કી જેવા દેશો જે રશિયા પાસેથી મળતા કાચા તેલ પર ઘણા અંશે નિર્ભર છે, ત્યાં લોકો માટે વસ્તુઓ પહેલાથી મોંઘી થઈ જશે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Reuters

કન્ઝ્યુમર ડિમાન્ડ

મૅક્કિયોન કહે છે કે વૈશ્વિક સ્તર પર ઉપભોક્તાની ખરીદશક્તિ પર જે અસર પડશે તેનાથી એશિયાના દેશોનાં અર્થતંત્રો બચી નહીં શકે.

તેઓ કહે છે, "મને લાગે છે કે કન્ઝ્યુમર ડિમાન્ડ અને નિર્યાતની માગ પર અસર પડી તો એશિયા પર પણ અસર થશે. જો યુદ્ધના કારણે કાચા તેલની કિંમતો વધી અને યુરોઝોનમાં તેલ અથવા તો ખાદ્યપદાર્થોની માગ ઓછી થઈ તો એશિયામાંથી થતી નિકાસ પણ પ્રભાવિત થઈ શકે છે."

line

આગળનો કઠિન રસ્તો

વિશ્લેષકોનું અનુમાન છે કે વૈશ્વિક અર્થતંત્રમાં આ વર્ષે તેજી જોવા મળશે. તેનું એક કારણ એ પણ છે કે કોરોના મહામારીના લીધે પેદા થયેલા સંકટથી બહાર આવી રહેલાં અર્થતંત્રો આ વર્ષે મહામારીના પહેલાંના સ્તર સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે.

બેન મે કહે છે કે સામાન્ય સમયમાં પરત ફરવું એ અર્થવ્યવસ્થાના વિકાસના હિસાબથી સારો પ્રભાવ હશે.

યુદ્ધના કારણે વિકાસની ગતિને લઈને આશંકા જરૂર વ્યક્ત કરી શકાય છે પરંતુ તેની અસર મોટાભાગે એ વાત પર નિર્ભર કરે છે કે યુદ્ધ કેટલા સમય સુધી જારી રહે છે અને પરિસ્થિતિ કેટલી બગડે છે.

બેન મે કહે છે, "આ એવું નથી કે તેનાથી ગ્લોબલ ઇકોનોમી મંદીમાં જવાનો ખતરો હોય."

જોકે, બેન માને છે કે હાલની પરિસ્થિતિ સામાન્ય રીતે અનિશ્ચિતતા પેદા કરી શકે છે અને પરિસ્થિતિ વધુ કેટલી બગડી શકે છે તે વિષે અત્યાર સુધી ચોક્કસપણે કંઈ ખબર નથી.

line
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો