યુક્રેન સંઘર્ષ : 'દેવું પૂરું ન થાય ત્યાં સુધી મફતમાં પણ ભારત પાછી નહીં આવું', યુક્રેનમાં નોકરી કરતાં ગુજરાતી મહિલા

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

યુક્રેનમાં રશિયાના હુમલા બાદ હજારો ભારતીયોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હોવાનો દાવો છે પરંતુ એક ગુજરાત મહિલા છે જેઓ ત્યાં સુધી આવવા ભારત પાછા આવવા માગતાં નથી જ્યાં સુધી તેઓ દેવું ન ચૂકવી લે.

"લાખો રૂપિયાનું દેવું કરીને એજન્ટને પૈસા આપ્યા અને મારાં બાળકોને ભારતમાં મૂકીને સારી કમાણી માટે હું યુકેન આવી હતી. યુક્રેન પહોંચી તેના પાંચ મહિનામાં જ યુદ્ધ શરૂ થયું છે. લોકો ભલે પાછા ભારત આવતા હોય પણ મારું દેવું પૂરું થાય એટલું નહીં કમાઉં ત્યાં સુધી ભારત નહીં આવું."

આ શબ્દ છે ગુજરાતી મહિલા તેજલ પટેલના, જેઓ યુદ્ધમાં બે દિવસ ચાલીને ખારકિએવથી પોલૅન્ડ પહોંચ્યાં હતાં.

તેજલ પટેલ

ઇમેજ સ્રોત, Tejal Patel

ઇમેજ કૅપ્શન, તેજલ પટેલ યુક્રેનમાં નોકરી કરતાં હતાં

તેમણે જણાવ્યું કે તેઓ એજન્ટને પૈસા આપીને યુક્રેન ગયાં હતાં અને ત્યાં તેમને એક નોકરી પણ મળી ગઈ હતી જેથી પરિવારની મદદ થઈ રહી હતી. પરંતુ યુક્રેન પર રશિયાના હુમલા પછી બધું બદલાઈ ગયું છે.

તેજલ પટેલ યુક્રેનના ખારકિએવ શહેરમાં નોકરી કરતાં હતાં.

ખારકિએવ યુક્રેનનાં મુખ્ય શહેરોમાંથી એક છે અને રશિયાની સેના યુક્રેનનાં ખારકિએવ સહિત મુખ્ય શહેરોમાં તીવ્ર બૉમ્બમારો કરી રહી છે અને યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયા પર ખારકિએવમાં ગંભીર યુદ્ધઅપરાધનો આક્ષેપ પણ કર્યો છે.

24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો ત્યારથી સામાન્ય લોકો પોતાનો જીવ બચાવવા માટે બંકરોમાં શરણ લેવા મજબૂર થયા છે.

લાખો યુક્રેનિયન લોકો પોતાનો દેશ છોડીને પાડોશી દેશોમાં શરણ લઈ રહ્યા છે. તો હજારો ભારતીયો પોલૅન્ડ, રોમાનિયા જેવા પાડોશી દેશો સુધી જવા માટે યુક્રેનમાં પગપાળા ચાલીને સરહદ પહોંચવાના સમાચાર પણ આવ્યા છે.

યુક્રેનમાં તેમના સ્વજનો ફસાયા હોવાને પગલે ભારતમાં સંખ્યાબંધ પરિવારોએ કેન્દ્ર સરકારને મદદ માટે વિનંતી કરી હતી અને કેન્દ્ર સરકારે ઑપરેશન ગંગા ચલાવીને હજારો ભારતીયોને પાછા લાવવાની વ્યવસ્થા કરી હતી.

line

'બાળકોની ફી ભરવાના પણ પૈસા નહોતા બચ્યા'

તેજલ પટેલનાં બાળકો જે સ્કૂલમાં અભ્યાસ કરે છે

ઇમેજ સ્રોત, Tejal Patel

ઇમેજ કૅપ્શન, તેજલ પટેલનાં બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે

તેજલ પટેલના પરિવાર અનુસાર તેમનો પરિવાર કોરોનાકાળમાં આર્થિક ભીંસમાં આવી ગયો હતો અને ત્યાર બાદ તેઓ યુક્રેન ગયાં હતાં.

તેજલ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "કોરોનાકાળમાં અમારા પરિવાર માટે કપરો સમય શરૂ થયો હતો. મારા પતિ પ્રવીણ સ્કૂલ વૅન ચલાવતા, હું એક ખાનગી પેઢીમાં આઠ હજાર રૂપિયામાં નોકરી કરતી હતી. કોરોના મહામારી દરમિયાન મારી નોકરી છૂટી ગઈ, સ્કૂલો બંધ હોવાથી મારા પતિને કોઈ કામ મળતું નહોતું. અમારી આવક બંધ થઈ ગઈ."

"બે વર્ષમાં ઘરમાંથી ઘણાં ઘરેણાં વેચાઈ ગયાં, આ વર્ષે સ્કૂલ ખૂલી ત્યારે અમારી પાસે મારાં બંને બાળકોની સ્કૂલની ફી ભરવાના પૈસા પણ નહોતા. અમે મધ્યમવર્ગના લોકો એટલે કોઈની સામે હાથ પણ લાંબો ના કરી શકીએ."

"મારા પતિના મિત્ર પરદેશ જવાની ઇચ્છા ધરાવતા લોકો માટે વિઝાની વ્યવસ્થા કરવાનું અને નોકરી અપાવવા માટેના એજન્ટ તરીકે કામ કરે છે. એમને અમે અમારી મુશ્કેલીઓ જણાવી તો તેમણે વિદેશ જવાનો રસ્તો બતાવ્યો."

તેજલ પટેલ કહે છે કે વિદેશમાં તેમના પતિ માટે નોકરી મળી રહી નહોતી, પરંતુ યુક્રેનમાં ગુજરાતી વિદ્યાર્થીઓ માટે રસોઈ કરવાનું કામ તેમને મળતું હતું એટલે તેમણે યુક્રેન જવાનું નક્કી કર્યું.

તેઓ કહે છે કે, "મારા પતિ માટે કોઈ નોકરી નહોતી. પણ યુક્રેનમાં ગુજરાતી છોકરાઓ માટે હોટલમાં રસોઈ બનવવાની એક નોકરી હતી . મેં મારા પતિ અને બાળકો સાથે ચર્ચા કરી અને એજન્ટને 7.5 લાખ રૂપિયા આપીને અહીં આવવાનું નક્કી કર્યું."

line

'5.5 લાખ રૂપિયાનું દેવું બાકી છે અને યુદ્ધ ફાટી નીકળ્યું'

તેજલ પટેલનો પરિવાર કોરોનાના સમયમાં આર્થિક ભીંસમાં આવી ગયો હતો.

ઇમેજ સ્રોત, Tejal Patel

ઇમેજ કૅપ્શન, તેજલ પટેલનો પરિવાર કોરોનાના સમયમાં આર્થિક ભીંસમાં આવી ગયો હતો.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેજલ કહે છે કે "પરદેશ મોકલવાનું કામ કરતા એજન્ટ પતિના મિત્ર હોવાથી એવું નક્કી થયું કે મારે એમના ત્યાં ઘરેણાં ગીરવી મૂકીને આવવાનું હતું અને જેમ-જેમ મારો પગાર આવતો જાય, તેમ-તેમ હફ્તે-હફ્તે પાછા આપવાના હતા."

"ગયા ઑગસ્ટ મહિનામાં હું અહીં આવી અને મને અહીં એક ઇન્ડિયન હોટેૃલમાં નોકરી મળી ગઈ. અહીં મારે રહેવા, ખાવા-પીવાનો કોઈ ખર્ચો નહોતો કરવો પડતો."

"અમારી હોટેલમાંથી ટિફિન મંગાવતા 27 છોકરાઓ માટે હું રોજ સવારે ઊઠીને 75 પરોઠાં, દાળ-ભાત અને શાક બનાવતી હતી. મહિને જે પગાર મળતો એમાંથી થોડા પૈસા મારા ખિસ્સાખર્ચ માટે રાખતી અને બાકી મહિને 30 હજાર રૂપિયા હું મારા પતિને ભારત મોકલતી હતી."

"પાંચ મહિનામાં થોડું દેવું ઓછું થયું પરંતુ હજી 5.5 લાખ રૂપિયાનું દેવું બાકી છે અને યુદ્ધ ફાટી નીકળ્યું."

વીડિયો કૅપ્શન, રશિયાએ રૉકેટ છોડ્યા ત્યાં ભારતીય વિદ્યાર્થીઓની બંકરોમાં કેવી સ્થિતિ છે?

તેજલ પટેલ કહે છે કે, "અહીંથી છોકરાઓ જે બસમાં યુક્રેનની સરહદે જતા હતા એની સાથે બેસી ગઈ. બસ લગભગ 28 કિલોમીટર દૂર ટ્રાફિક જામના કારણે રોકાઈ ગઈ."

"હું ગુજરાતી છોકરા-છોકરીઓ સાથે ચાલતી-ચાલતી સરહદે પહોંચી. રસ્તામાં અમારી પાસે જે ભોજન હતું એ પૂરું થઈ ગયું હતું, અમે બ્રેડની બે સ્લાઇસ અને પાણી પર 24 કલાક કાઢ્યા."

"યુક્રેન અને પોલૅન્ડ સરહદ પર ભારે ભીડ હતી. 48 કલાકની મુસાફરી પછી અમે પોલૅન્ડ પહોંચ્યાં, અને રસ્તામાં મારો ફોન ખોવાઈ ગયો. પણ રોજ અમારી હોટલ પર આવતા વિદ્યાર્થીઓએ મને એમનો ફોન આપ્યો અને એ લોકો ભારત જવા નીકળી ગયાં પણ હું પોલૅન્ડમાં જ છું."

સત્તાવાર ડેટા અનુસાર યુક્રેનમાં અભ્યાસ કરતા 76 હજાર વિદેશી વિદ્યાર્થીઓમાં 20 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ હતા. મોટા ભાગના વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટીમાં મેડિકલનો કોર્સ કરતા હોય છે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા સ્વદેશ લાવવા માટે ઑપરેશન ગંગા હેઠળ અત્યાર સુધી 76 વિમાનોમાં 16 હજાર જેટલા લોકોને લાવવામાં આવ્યા છે.

line

'પોલૅન્ડમાં મજૂરી કરીને પણ દેવું તો પૂરું કરીશ જ'

તેજલ પટેલને આશા છે કે તેમને પોલૅન્ડમાં વર્ક પરમિટ મળી જશે.

ઇમેજ સ્રોત, Tejal Patel

ઇમેજ કૅપ્શન, તેજલ પટેલને આશા છે કે તેમને પોલૅન્ડમાં વર્ક પરમિટ મળી જશે.

તેજલ પટેલ યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિથી ઘણાં હતાશ થયાં પરંતુ તેમણે આશા નથી મૂકી. તેઓ કહે છે કે, "યુક્રેન આવીને મારી સારી કમાણી શરૂ થઈ ગઈ હતી અને થોડા જ સમયમાં યુદ્ધ શરૂ થયું."

"ભારતમાં હું બીકૉમ હોવા છતાં આઠ હજારની માંડ નોકરી મળે છે. મારા પતિ પણ ગ્રેજ્યુએટ છે એમને કામ નહીં મળતા એમને એક વૅન ખરીદી અને હવે સ્કૂલ માટે કામ કરે છે આ સંજોગોમાં હું ભારત પરત આવીને શું કરું?"

લાખો રૂપિયાના દેવાની ચિંતા કરતાં તેજલ કહે છે કે, "આઠ હજારના પગારમાં છ લાખ રૂપિયાનું દેવું કેવી રીતે પૂરું કરવું એટલે હું પોલૅન્ડમાં જ રોકાઈ ગઈ છું, અહીં મને વર્ક પરમિટ મળી જશે."

"અહીં અત્યારે એક મૉલમાં ભારતીયની દુકાનમાં કામ મળી ગયું છે પણ પોલૅન્ડમાં મકાન ભાડે રાખવા મેં મારા કાનની સોનાની બુટ્ટી વેચી દીધી છે."

પોલૅન્ડમાં વર્ક પરમિટની આશા રાખતાં તેજલ કહે છે કે, "મારા પતિના મિત્ર એજન્ટ છે એ પોલૅન્ડમાં વર્ક પરમિટ કરાવી દેશે એટલે વાંધો નહીં આવે એવી તેમને આશા છે પણ હું ભારત પરત નહીં જાઉં."

"પછી ભલે મારે અહીં ગમે તે મજૂરીનું કામ કરવું પડે. અહીં રસોઈ અને બીજા કામ કરીને ભારત કરતા વધુ પૈસા કમાઈ શકાય છે, એટલે હું અહીં રહીને એક વર્ષમાં દેવું પૂરું કરીશ અને ભારત પૈસા મોકલીશ એટલે આવતા વર્ષે મારો દીકરો બારમા ધોરણમાં આવશે તો એનો ટ્યુશન અને બીજો ભણવાનો ખર્ચો નીકળી જશે."

"મારી દીકરી અત્યારે તો સાતમા ધોરણમાં ભણે છે એના લગ્નના ખર્ચ માટે પૈસા પણ ભેગા થઈ જશે. આટલા પૈસા ભેગા કરીને હું ભારત પરત ફરીશ. પછી ભલે સરકાર અત્યારે મફત ભારત લાવતી હોય પણ હું નહીં જાઉં."

આ અંગે તેજલના પતિ પ્રવીણ પટેલ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "મારાં પત્ની ત્યાં સલામત છે એ મારા માટે મોટી વાત છે. એ પરદેશમાં સેટલ થઈ જાય એટલે મારાં બાળકોને મારાં માતા-પિતા પાસે મૂકીને હું પણ ત્યાં જતો રહીશ. મારી પત્ની મારા માટે કામ શોધી રાખશે અને અમે પતિ-પત્ની ભેગા મળીને કમાઈશું અને બે પૈસા બચાવીને બાળકોનું ભવિષ્ય સુધારીશું."

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો