રશિયા-યુક્રેન સંકટ : યુક્રેન પર રશિયાના આક્રમણથી વિશ્વમાં ફરી શીતયુદ્ધ શરૂ થશે?
- લેેખક, જ્હોન સિમ્પસન
- પદ, વર્લ્ડ અફેર્સ એડિટર
એક યુગનો અંત આવી રહ્યો હોય તેવું આ લાગી રહ્યું છે. નવેમ્બર 1989માં બર્લિનની દીવાલ તૂટી પડી હતી અને આપણે માની લીધું હતું કે પૂર્વ અને પશ્ચિમ જગત વચ્ચેની ભેદરેખા પણ હવે નાબૂદ થઈ ગઈ હતી.
મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચેનો વૈચારિક મતભેદ પણ વરાળ થઈને ઊડી ગયો હતો એટલે આપણે માની બેઠા હતા કે હવે સૌ એક જ બાજુએ છે.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ મુશ્કેલી એ છે કે એક જમાનામાં કેજીબીના જાસૂસ રહી ચૂકેલા વ્લાદિમીર પુતિન માટે સોવિયેટ સંઘનું વિઘટન એ જાણે અંગત અફસોસનો મામલો હતો.
પૂર્વ જર્મનીમાં કેબીજી અધિકારી તરીકે કામ કરનારા પુતિન માટે આ ઘવાયેલી લાગણીનો ઘા વર્ષો વીતવા સાથે ઊંડો થતો જ ગયો હતો.
એક જમાનામાં યુક્રેન યુએસએસઆરનો અગત્યનો ભાગ હતો, તે પણ રશિયન ફેડરેશનમાંથી નીકળી ગયું તેના કારણે પુતિન પોતે જે કોઈ માન્યતા ધરાવતા હતા તેના અપમાન સમાન હતું.
એ વાતનો પછી કોઈ અર્થ નહોતો રહ્યો કે રશિયાએ યુક્રેનની આંતરરાષ્ટ્રીય સરહદોને માન્ય કરતા આંતરરાષ્ટ્રીય કરાર પર સહી પણ કરી હતી.
2014 સુધીમાં પુતિને એક રસ્તો શોધી કાઢ્યો કે કેવી રીતે ક્રાઇમિયાને પોતાનામાં સમાવી દેવું. યુક્રેનના સૌથી વધુ રશિયન લાગતા આ પ્રતીકાત્મક પ્રદેશમાં સૈનિકોમાં તેમણે ઘૂસણખોરી કરાવી હતી અને તે રીતે તેને હસ્તગત કરી લીધું હતું.
રશિયાએ ક્રાઇમિયાને છૂટું પાડી દીધું અને બાદમાં ત્યાં જનમત લેવામાં આવ્યો ત્યારે મહત્તમ રશિયન મૂળના લોકોની વસ્તી હોવાથી તેમણે રશિયામાં ભળી જવા માટેનો મત આપ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ હતું. આમ છતાં પશ્ચિમી જગતે કહ્યું કે પોતે રશિયાના પુતિન સાથે હજી પણ કામકાજ કરતું રહેશે.
તેની વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યાં હતાં અને પ્રતિબંધો પણ મુકાયા હતા, પરંતુ એવા કોઈ પગલાં લેવાયાં નહોતા કે પ્રમુખ પુતિન અને તેમના સાથીઓ પોતાનાં પગલાં વિશે નવેસરથી વિચારતા થઈ જાય.

પશ્ચિમની ચેતવણી છતાં રશિયા અડગ

ઇમેજ સ્રોત, Rex Features
એવું જ કૈંક થતું રહ્યું કે જ્યારે એક જમાનામાં પોતાની સાથે કેજીબીમાં કામ કરનારા સાથીઓ અને બાદમાં તે એફએસબી બની તેના કેટલાક અધિકારીઓને પુતિનના દુશ્મન ગણી લેવામાં આવ્યા.
આ રીતે જેમને દુશ્મન ધારી લેવામાં આવ્યા તેમને ઝેર આપીને, ઠાર કરીને કે અન્ય રીતે ખતમ કરી દેવાતા રહ્યા. બ્રિટન અને યુરોપમાં અન્યત્ર જતા રહેલાને પણ ત્યાં નિશાન બનાવીને ખતમ કરાયા.
પશ્ચિમે ચેતવણીઓ આપી અને નવા પ્રતિબંધો પણ લાદ્યા, પરંતુ પુતિનનું રશિયા તેની સાથે પનારો પાડવા માટે તૈયાર થઈ ગયું હતું.
છેલ્લાં 10 વર્ષમાં રશિયાએ ચીન સાથે મળીને એક નવું સંગઠન તૈયાર કરવાની પ્રક્રિયા આરંભી દીધી હતી. તે પશ્ચિમનું વિરોધી હોય તેવું જરૂરી નહોતું, પરંતુ પશ્ચિમ તરફથી ટીકા થાય ત્યારે એક બીજાને સાથ આપતા રહે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પુતિને પરસ્પરને સમર્થન પ્રાપ્ત થાય તેવું એક નવું સંગઠન ઊભું કરી લીધું છે. હવે ચીન યુક્રેનમાં લેવાયેલાં પગલાં અંગે રશિયાની ટીકા કરવા તૈયાર નથી.
સામેની બાજુએ તાઇવાનના લોકોને ચિંતા થવા લાગી છે કે શું હવે પછી તેમના પર પણ આ જ રીતે આક્રમણ થશે. ચીનથી અલગ પડેલા તાઇવાનને શી જિનપિંગ કાયમ ચીનનો જ હિસ્સો ગણાવે છે અને તેના પર આક્રમણ નહીં કરવામાં આવે તેવું કહેવા ક્યારેય તેઓ તૈયાર થયા નથી.
આ રીતે હવે થોડાં વર્ષો પહેલાં હતું તેના કરતાં અત્યારનું જગત વધારે ચિંતા જગાવે તેવું બન્યું છે. આના કરતાં ભૂતકાળમાં જ્યારે શીતયુદ્ધ ચાલતું હતું ત્યારે સ્થિતિ વધારે સીધી હતી.
કોણ કઈ બાજુ છે અને શું થઈ શકે છે તેની સ્પષ્ટતા હતી. કોઈ એક જૂથના સભ્ય પર અન્ય જૂથના સભ્ય દેશનો હુમલો થતો ત્યારે વળતું મોટા પાયાનું આક્રમણ થાય અને બંને બાજુ વિનાશ વેરાય તે નક્કી જેવું હતું. આના કારણે ઘણી બધી વાર યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થયેલી, પણ ખરેખર થયું નહોતું.
પરંતુ સામ્યવાદની પડતી થઈ તે પછી હવે સ્થિતિ પલટાઈ છે. હવે નવાં રાષ્ટ્રો બન્યાં તેની સરહદો નક્કી નથી અને સાથે જ સામ્યવાદ ક્યાં સુધી તે પણ સ્પષ્ટ કહી શકાય તેમ નથી.

સતત આગળ વધતા પુતિન

ઇમેજ સ્રોત, Getty Images
હવે ઘણા રાજકારણીઓ અને અભ્યાસુઓ કહી રહ્યા છે કે પશ્ચાતવર્તી વિચાર કરતાં લાગે છે કે બર્લિન દીવાલ તૂટી પડી તે પછી નેટોએ પોતાના અભિગમમાં પરિવર્તન કરવાની જરૂર હતી.
આવું કહેનારા નિષ્ણાતોની સંખ્યા પણ વધી રહી છે. આ જાણકારો કહે છે કે નેટોએ મૉસ્કોને સોખમણ થાય તેવું કરવાની જરૂર નહોતી. પૂર્વ યુરોપના દેશોને એક પછી એક નેટોમાં જોડીને પુતિનના રશિયા સામે જાણે મોરચો મંડાયો હોય તેવી સ્થિતિ ઊભી કરવાની જરૂર નહોતી.
એક દિવસ યુક્રેનને પણ નેટો જોડી દેવામાં આવશે તે પ્રકારની વાતો શરૂ થઈ તેના કારણે ક્રેમલિનના સત્તાધીશો ગુસ્સે ભરાયા હતા. (જોકે નેટોમાં તેના જોડાવાની શક્યતા ઓછી જણાતી હતી). આવી સ્થિતિને કારણે પુતિનને લાગ્યો કે યુક્રેનના મામલાનો હવે કાયમી ઉકેલ લાવી દેવો પડશે.
સૌ કોઈ જાણે છે કે આ તેમની જ પોતાની અંગત નીતિ જ રહી છે. રશિયાના ઘણા નેતાઓ અને સેનાના પણ ઘણા અફસરોએ અગાઉ જ કહ્યું હતું કે આ રીતે આક્રમણ કરવું યોગ્ય ગણાશે નહીં. પરંતુ આવા વિરોધ છતાં પુતિન માનવાના નહોતા.
આક્રમણ કર્યા પછી હવે પુતિને વિજેતા થવું જરૂરી છે, રશિયાએ આ આક્રમણમાં સફળ થવું જરૂરી બની ગયું છે. જોકે આ પ્રકારે લશ્કરી આક્રમણ કરવામાં આવે ત્યારે તેમાં ધારણાઓ ઊંધી વળી જાય તેવું બનતું આવ્યું છે.
આઠ વર્ષ પહેલાં પુતિનને ક્રાઇમિયામાં સફળતા મળી ગઈ હતી અને તેના કારણે સ્થાનિક ધોરણે તેમનું નેતૃત્વ બહુ મજબૂત બની ગયું હતું.
ફરી એક વાર તેમને સફળતા મળે એવું પણ બની શકે છે. યુક્રેનની સેનાને હઠાવીને, કેટલાક મહત્ત્વના પ્રદેશો કબજે કરીને અને પછી ઝડપથી તેઓ પરત ફરી શકે છે. તે રીતે પોતાનું વિજય સરઘસ તેઓ કાઢી શકે છે.

પુતિન હવે શું કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
આવું થવું શક્ય છે. પરંતુ ધારો કે એ રીતે વાત આગળ ના વધી તો શું તે સવાલ છે. રશિયાના સૈનિકોની મોટા પાયે ખુવારી થાવા લાગે અને રશિયા સામે મુકાયેલા આર્થિક મુશ્કેલીઓથી સ્થાનિક ધોરણે સમસ્યાઓ ઊભી થવી લાગે તો શું થાય? તેના કારણે એવું પણ થઈ શકે કે પુતિનની સ્થિતિ નબળી પડે.
આવી સ્થિતિમાં પુતિન શું કરી શકે છે? તેનો એક જ જવાબ છે - સ્થાનિક ધોરણે તેમની ટીકા કરનારા સામે હંમેશાંની જેમ વધારે આક્રમકતાથી પગલાં લેશે. રાષ્ટ્રીય સુરક્ષાના નામે તેઓ કંઈ પણ કરી શકે છે.
નવાઈની વાત લાગશે કે પણ ભૂતકાળ કરતાં અત્યારે વધારે મોકળાશ ધરાવતો રશિયન સમાજ છે તે પણ હકીકત છે.
પરંતુ એ મોકળાશ ખતમ થઈ જશે. રશિયાના અર્થતંત્રના બુરા હાલ થશે અને ચીન તરફથી થનારી મદદથી પણ તે ભરપાઈ થઈ શકશે નહીં.
એવા સંજોગોમાં 30 વર્ષથી વ્લાદિમીર પુતિન જે બાબતનો અફસોસ કરી રહ્યા છે કે અને જેના કારણે યુક્રેન પર આક્રમણ કર્યું છે તે બાબત તરફ આગળ વધશે.
તેઓ કદાચ ફરીથી યુએસએસઆરના દિવસો તરફ દેશને લઈ જશે. એવું થશે ત્યારે પશ્ચિમને ખ્યાલ આવશે કે પોતે માનતું હતું કે રશિયા સાથે હવે કામકાજ કરી શકાય તેવો દેશ છે તે ખરેખર એવો નથી. ફરી એક વાર જૂના દિવસો વધુ ઝનૂન સાથે આવી પહોંચ્યા છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












