યુક્રેન સંઘર્ષ : 'મારો પરિવાર બંકરમાં છે, પણ હું તેમને કોઈ મદદ નથી કરી શકતી', ગુજરાતમાં રહેતાં યુક્રેનિયન યુવતીની વ્યથા
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"હું ભારતમાં છું અને મારો આખો પરિવાર યુક્રેનમાં છે. તે બૉમ્બમારાને કારણે બંકરમાં ફસાયેલો છે. આવતા અઠવાડિયે તેમને રૅશન મળશે કે નહીં, તેની પણ ખબર નથી. હું ગર્ભવતી છું, એટલે યુદ્ધ શરૂ થયું તે અઠવાડિયાથી મારા પતિએ ટીવી બંધ કરી દીધું છે."
"મારા આવનારા બાળક પર અસર ન પડે, તેની કાળજી રાખી રહ્યા છીએ. યુદ્ધ શરૂ થયું તે સમયથી હું કશું ખાઈ નથી શકતી. છતાં આવનારા બાળકને ખાતર બે-ચાર કોળિયા ખાઈ લઉં છું."

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આ વ્યથા છે મૂળ યુક્રેનનાં સ્વેત્લાનાસિંહની, જેણે એક ભારતીય સાથે લગ્ન કર્યાં છે અને ગુજરાતમાં રહે છે.
ભારતે 'ઑપરેશન ગંગા' હેઠળ રોમાનિયા, પોલૅન્ડ અને સ્લૉવાકિયાના રસ્તે ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા અભિયાન હાથ ધર્યું છે. છેલ્લા લગભગ એક પખવાડિયામાં લગભગ દસ લાખ યુક્રેનવાસીઓ દેશ છોડી ગયા છે.
બીજી બાજુ, રશિયાની સેના રાજધાની કિએવના દરવાજા સુધી પહોંચી ગઈ છે તથા યુક્રેનનાં કેટલાંક શહેર તેના તાબા હેઠળ આવી ગયાં છે તથા અને યુક્રેનવાસીઓની જિંદગી અગાઉ જેવી નથી રહી.

દિલની ઇજનેરી

ઇમેજ સ્રોત, Bhargav Parikh
લખનૌના પવનસિંહ મિકેનિકલ ઇજનેરીનો અભ્યાસ કરવા માટે 1996માં યુક્રેન ગયા હતા, ત્યારે તેઓ સ્વેત્લાનાના સંપર્કમાં આવ્યા હતા. બંને ઇજનેરીની એક જ બ્રાન્ચમાં હતાં.
એ પછી સ્વેત્લાનાએ મૅન્યુફૅક્ચરિંગ ઇજનેરીમાં માસ્ટર ડિગ્રી મેળવી અને પવનનો અનુસ્નાતકનો અભ્યાસ પણ ચાલુ હતો.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સ્વેત્સાલાનાએ કહ્યું, "સાથે ભણતાં હતાં ત્યારે અમારી વચ્ચે પ્રેમ ન હતો. યુક્રેનની યુનિવર્સિટીઓમાં અનેક વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશથી આવે છે. શરૂઆતમાં પવન સાથેના મારા સંબંધ કૉલેજના અન્ય કોઈ સ્ટુડન્ટ સાથે હોય તેવા જ હતા, પણ પવનનો કૅરિંગ નૅચર મને ગમી ગયો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"બંનેએ માસ્ટર કમ્પ્લીટ કર્યા પછી અમે જર્મની જઈને પીએચ. ડી. (ડૉક્ટરેટ ઇન ફિલૉસૉફી) કરવાનું નક્કી કર્યું. અમે બંને યુક્રેનથી જર્મની ગયાં. એ સમયે અમારી વચ્ચે પ્રેમ પાંગર્યો. 2002માં અમે જર્મનીમાં ભણતાં હતાં ત્યારે સાથે રહેવાનું નક્કી કર્યું. પવન પીએચ. ડી. કરતા હતા ત્યારે જ એક મલ્ટિનેશનલ કંપનીમાં બહુ સારા પગારની નોકરી મળી. હું હજુ ભણતી હતી, પવને ઑફર સ્વીકારી ને નોકરીમાં જોડાયા."
પવને વ્યાવસાયિક કારકિર્દી માટે શૈક્ષણિક કારકિર્દીને બાજુએ મૂકી અને પોતાનું પીએચ.ડી. અધૂરું છોડ્યું. બીજી બાજુ, જર્મનીમાં સ્વેત્લાનાનો અભ્યાસ ચાલુ રહ્યો.
નોકરીનાં શરૂઆતનાં બે વર્ષ પવન અને સ્વેત્લાના અલગ-અલગ રહ્યાં. જોકે, તેમની વચ્ચેનો સંપર્ક જળવાઈ રહ્યો.

પ્રેમનો પવન

ઇમેજ સ્રોત, Bhargav Parikh
એ દિવસોને યાદ કરતાં સ્વેત્લાના કહે છે, "બે વર્ષ અલગ રહ્યાં પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. માત્ર બે વર્ષમાં જ પવન મૅનેજિંગ ડિરેક્ટરની પોસ્ટ પર પહોંચી ગયો હતો. છેવટે વર્ષ 2005માં અમે ડેનમાર્કમાં લગ્ન કર્યાં. 2009માં પવનને બીજી મલ્ટિનેશનલ કંપનીમાં જોબ મળી એટલે અમે ભારત આવી ગયા."
"ભારત આવ્યા પછી અમે ફૅમિલી પ્લાન કર્યું. અમારે એક દીકરી થઈ. તેના ઉછેર માટે મેં હાઉસવાઇફ બનવાનું અને પવન જોબ કરે તેવું અમે નક્કી કર્યું હતું."
અહીં આવીને સ્વેત્લાના ભારતીય બની ગયાં. તેઓ ગળામાં ઈસુ ખ્રિસ્તના પેડન્ટની સાથે મંગળસૂત્ર પણ પહેરે છે. ખીચડી, મટરપનીર, આલુમટર, કોબીજ અને ફ્લાવર તેમના ફેવરિટ શાક બની ગયાં છે. તો મહારાષ્ટ્રમાં લાંબો સમય સુધી રહ્યાં હોવાથી ગણેશચતુર્થીનો તહેવાર ઊજવે છે.
સ્વેત્લાનાની વાતને આગળ વધારતાં તેમના પતિ પવન કહે છે, "તે (સ્વેત્લાના) માનસિક રીતે ખૂબ જ મજબૂત છે. એ અમારી પહેલી દીકરી પૌલિનાથી પ્રેગનન્ટ હતી, ત્યારે એનાં માતાને બ્રેઇન ટ્યૂમર ડિટેક્ટ થયું. સ્વેત્લાના યુક્રેન ગઈ અને છ મહિનાની ગર્ભવતી હોવા છતાં એણે પોતાની માતાની સંભાળ લીધી અને તેનું ઑપરેશન કરાવડાવ્યું."
પૌલિનાના જન્મનાં 11 વર્ષ બાદ સ્વેત્લાના અને પવને બીજું બાળક પ્લાન કર્યું, ત્યારે રશિયા ઉપર યુક્રેનની ચઢાઈ દંપતી ઉપર વધુ એક વિપદા આવી પડી. સ્વેત્લાનાનાં બહેન અને માતા-પિતા ખારકિએવમાં રહે છે. તેમણે બંકરમાં આશરો લીધો છે અને વીડિયો કૉલ પર વાત પણ થાય છે.

રશિયા-યુક્રેન અને યુદ્ધનું વંટોળ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
યુક્રેનની સ્થિતિ જોઈને દંપતી ખૂબ જ દુ:ખી થઈ જાય છે. સ્વેત્લાનાને માનસિક અસર ન થાય તે માટે પવનના પરિવારે ટીવી જોવાનું બંધ કર્યું છે. પરંતુ યુક્રેન તથા રશિયામાં રહેતાં પરિવારજનો અને સંબંધીઓના ફોનને કારણે સ્વેત્લાના ખૂબ જ તણાવમાં રહે છે.
પવન કહે છે, "સ્વેત્લાના તણાવ ન લે અને સારી રીતે પૂરતો ખોરાક લે તે માટે હું પોતે એક અઠવાડિયાથી ઊંઘ્યો નથી. તેને પૂરતી ઊંઘ મળે તથા ઇન્ટરનેટ પર રશિયા અને યુક્રેન વિશે બહુ સમાચાર ન જુએ તેની કાળજી રાખું છું."
સ્વેત્લાના કહે છે, "હું પોતે રશિયન બોલતી યુક્રેનિયન છું. મારા સંખ્યાબંધ મિત્રો રશિયન છે. યુદ્ધની સ્થિતિ જાણ્યા પછી માતા-પિતાને કૉલ કર્યો હતો, તેઓ બંકરમાં છુપાઈને બેઠા છે. વીડિયો કૉલમાં તેમની સ્થિતિ જોઈને હું વ્યથિત થઈ ગઈ છું. મારી બહેન પણ ખારકિએવમાં જ રહે છે."
"સગાંવહાલાં તથા મિત્રોએ મોકલેલા ખારકિએવના વીડિયોમાં ત્યાં થયેલી તબાહી મારાથી જોવાતી નથી. રસ્તા નિર્જન છે. માર્કેટ તૂટી ગઈ છે અને અમારા વિસ્તારમાં પણ બૉમ્બમારો થયો છે. મારા પરિવારજનોએ બંકરમાં આશરો લીધો છે, પરંતુ તેમનું રૅશન ખૂટશે તો? એવી ચિંતા મને સતાવે છે. મારું જમવાનું અને ઊંઘવાનું હરામ થઈ ગયું છે."
પવન કહે છે, "હું મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરું છું અને યુરોપના અનેક દેશોમાં તેનું કામકાજ ફેલાયેલું છે. અનેક યુક્રેનવાસીઓને લાગતું ન હતું કે રશિયા દ્વારા આવું કોઈ પગલું લેવામાં આવશે. યુદ્ધની શક્યતાને જોતા મેં મારાં સાસુ-સસરાને ભારત આવી જવા કહ્યું, પરંતુ એમને લાગતું હતું કે યુદ્ધ નહીં થાય. એ લોકો જ્યાં રહે છે, એ શહેર જ યુદ્ધમાં તારાજ થઈ ગયું છે."
"સ્વેત્લાનાનાં અનેક સગાં-સંબંધી વેપારધંધા માટે યુક્રેનમાં સ્થાયી થયાં છે. એમને પણ લાગતું ન હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થશે."
સ્વેત્લાના કહે છે, "યુક્રેન અને રશિયાના લોકો વચ્ચે કોઈ મનભેદ નથી. યુક્રેનવાસીઓની લાશો મારાથી જોવાતી નથી. મારી એક જ વિનંતી છે કે દુનિયાના બીજા દેશો વચ્ચે પડીને સમાધાન કરીને યુદ્ધ બંધ કરાવે આ બરબાદી મારાથી જોવાતી નથી."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












