Ind Vs SL: વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં 100મી મૅચ, ફરી સદીથી ચૂકી ગયા, મોહાલીમાં 45 રને આઉટ થયા
- લેેખક, પરાગ પાઠક
- પદ, બીબીસી મરાઠી
વિરાટ કોહલી મોહાલીમાં પોતાની 100મી ટેસ્ટ રમી રહ્યા છે. એકસો ટેસ્ટ મૅચ રમવાનું સીમાચિહ્ન હાંસલ કરનારા તેઓ 12મા ભારતીય ક્રિકેટર છે. સો ટેસ્ટ મૅચની વિરાટ કોહલીની આ સફર અનેક રીતે મહત્ત્વની રહી છે.
વિરાટ કોહલીની ગણતરી આમ તો ભારતના મહાન બૅટ્સમેનમાં થતી આવી છે પરંતુ લગભગ અઢી વર્ષથી વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સદી નથી ફટકારી શક્યા અને શુક્રવારે પણ તેઓ સદીના આ દુષ્કાળને ખતમ કરી શક્યા નહીં. તેઓ 45 રને મોહાલીમાં શ્રીલંકા સામેની મૅચમાં આઉટ થઈ ગયા.

ઇમેજ સ્રોત, Gareth Copley
કોહલીની અત્યાર સુધીની સફર
વર્ષ હતું 2014. ભારત ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયું હતું. વિરાટ કોહલીની હાજરી ટેસ્ટ ક્રિકેટમાં પણ પૂરાવા લાગી હતી. ચોથા નંબરે વિરાટ બેટિંગ કરવા આવતા. એકધારું સારું પ્રદર્શન કરીને વિરાટે ધ્યાન ખેંચ્યું હતું અને ફિટનેસની બાબતમાં પણ તેમનો જોટો જડે એમ નહોતો.
ભારતીય ક્રિકેટ ટીમમાં વિરાટ મહત્ત્વના બૅટ્સમૅન તરીકે જોડાયા હતા અને તેમની પાસેથી બહુ અપેક્ષાઓ હતા. પરંતુ વિરાટનો દેખાવ ધારણા પ્રમાણેનો રહ્યો નહીં.
કોહલી માટે ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ મૅચ રમવાનો આ પ્રથમ અનુભવ હતો. પ્રથમ અનુભવમાં તે બહુ ખરાબ રીતે તે નિષ્ફળ રહ્યા.
ઇંગ્લૅન્ડનું હવામાન વાદળિયું હોય છે અને તેવા માહોલમાં પિચ પર બૉલ બહુ સ્વિંગ થાય. જેમ્સ ઍન્ડરસન જેવા અનુભવી બૉલરને આવા હવામાનમાં બૉલિંગ કરવાની મજા પડી જાય. ઍન્ડરસને ખાસ કરીને પોતાના આઉટ સ્વિંગર્સ દ્વારા કોહલીને વારંવાર પરેશાન કર્યા હતા.
એ સિરીઝની મૅચોમાં કોહલી રમવા આવે અને ઍન્ડરસનની બૉલિંગ આવે એટલે તે તરત આઉટ થઈ જાય એવું બન્યું હતું. જાણકારો વિચારમાં પડી ગયા કે તકનીક પર માસ્ટરી માટે જાણીતા વિરાટ કોહલી આવી રીતે કેમ વારંવાર બીટ થઈ રહ્યા છે.
2014ની ઇંગ્લૅન્ડની આ ટુરની તૈયારીઓ ચાલતી હતી તે પહેલાંથી જ ભારતીય ક્રિકેટમાં કોહલીનું સ્થાન જામવા લાગ્યું હતું અને 'ભવિષ્યના આધારભૂત ખેલાડી' તરીકે તેમની ગણના થવા લાગી હતી. પરંતુ ઍન્ડરસનના સ્વિંગર્સનો સામનો કરવામાં વિરાટને વારંવાર મુશ્કેલી પડી તે બાબતની બ્રિટિશ મીડિયામાં ભારે ટીકા થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવા ટોણાં મારવામાં આવ્યાં કે બધા માસ્ટર બૅટ્સમેન પોતાના ઘરઆંગણાના મેદાનોમાં જ ફાવતા હોય છે.
'સાચો ગ્રેટ બૅટ્સમેન એ જ કહેવાય, જે વિદેશની ભૂમિ પર કુશળ બૉલર્સનો સામનો કરી શકે. વતન જેટલી જ સહેલાઈથી રમી શકતો હોવો જોઈ અને સારો સ્કોર પણ કરી શકતો હોવો જોઈએ. તેની સામે કોહલીનો પાંચ મેચમાં થયેલો સ્કોર જરાય પ્રભાવિત કરે તેવો નહોતો. પાંચ મૅચની 10 ઇનિંગ્ઝમાં વિરાટના રન આ પ્રમાણે હતા - 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20.'
ભઠ્ઠીમાં સોનું તપાવવામાં આવે ત્યારે તેમાં ચમક આવતી હોય છે એવું કહેવાય છે. કોહલીના કિસ્સામાં પણ કૈંક એવું જ થયું. મીડિયામાં ટીકા છતાં વિરાટ ડગ્યા નહીં. ભારત પરત આવ્યા પછી કોહલીએ નવેસરથી પોતાની તકનીક સુધારવા પર કામ કર્યું અને તેને ફુલપ્રૂફ બનાવી.

ઇમેજ સ્રોત, NOAH SEELAM
સર્વકાલીન મહાન બૅટ્સમેન સચીન તેંડુલકરની સલાહ લઈને તેમણે પ્રેક્ટિસ શરૂ કરી. અનુભવી કોચના માર્ગદર્શનમાં કલાકો સુધી નિયમિત પ્રૅક્ટિસ કરી. આ દરમિયાન નબળા દેખાવની ટીકાનો સામનો કરવાનું પણ થતું રહ્યું.
આખરે કોહલી ઇંગ્લૅન્ડની ટૂર વખતે મળેલી નિષ્ફળતાને બાજુએ રાખીને ઑસ્ટ્રેલિયાની ટૂર પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. ઑગસ્ટથી ડિસેમ્બર સુધી સતત પોતાની તકનીક સુધારવા માટે કરેલી મહેનત આખરે રંગ લાવી રહી હતી.
ઍડિલેડમાં રમાયેલી પ્રથમ મૅચની બંને ઇનિંગ્ઝમાં કોહલીએ સદી ફટકારી. ઇંગ્લૅન્ડમાં ઍન્ડરસન સામે હથિયાર હેઠે મૂકી દેવા પડ્યા હતા ત્યારે ઑસ્ટ્રેલિયાની ઝડપી પિચ પર તે કેવી રીતે રમી શકશે તેની શંકા હતી. ઑસ્ટ્રેલિયાના આક્રમક બૉલરોનો સામનો કરવો કંઈ સહેલું નહોતું.

ઇમેજ સ્રોત, Francois Nel
કોહલીએ ટીકાઓથી ડગ્યા વિના તેનો જવાબ પોતાના બૅટને બોલતું કર્યું. મેલબર્ન અને સિડની ટેસ્ટમાં પણ વિરાટે સદીઓ ફટકારી. તે પછી આપેલા ઇન્ટરવ્યૂમાં કોહલીએ કહ્યું હતું કે 2014ની ઇંગ્લૅન્ડના પ્રવાસ પછીનો અને ઑસ્ટ્રેલિયાની ટૂર પહેલાં સમય તેના જીવનનો સૌથી કપરો સમય હતો.
આ મુશ્કેલ સમયમાં પોતે ડિપ્રેશનનો પણ ભોગ બની ગયા હતા એવી કબૂલાત કરી. પોતાની જ શક્તિઓ પર અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકાશે કે કેમ તે વિશે મનોમન શંકાઓ થવા લાગી હતી.
કોહલીએ પોતાની ભૂલોને નિવારવાની સખત મહેનત કરી હતી. દર્શકો, ચાહકો, ભૂતપૂર્વ ક્રિકેટરો, ઍક્સપર્ટ અને કમેન્ટેટર્સ શું કહેશે તેની ચિંતા કર્યા વિના વિરાટે માત્ર પોતાની તકનીક સુધારવા પર જ ધ્યાન આપ્યું હતું. ફિઝિકલ ફિટનૅસ તો હતી જ અને તેમણે સાબિત કરી આપ્યું કે માનસિક રીતે પણ તે મજબૂત બની ગયા છે.

કોહલી આધુનિક યુગના ક્રિકેટર

ઇમેજ સ્રોત, Mike Hewitt
ઑસ્ટ્રેલિયાની ટૂરમાં જોરદાર દેખાવ કર્યા પછી કોહલી માટે પાછું વાળીને જોવાપણું રહ્યું નહોતું. એક રીતે કોહલી આધુનિક યુગના ક્રિકેટર છે, જે વન ડે અને ટ્વેન્ટી-20 મૅચમાં જોરદાર ફટકાબાજી કરી લે છે, પરંતુ તેને ટેસ્ટમાં અસલી ક્રિકેટ રમવાનું પણ ગમે છે.
વિરાટ માને છે કે પાંચ દિવસની ટેસ્ટમાં ક્રિકેટરની અસલ પરખ થઈ જાય છે. તેની શારીરિક અને માનસિક ક્ષમતાની કસોટી થઈ જાય છે.
કોહલીએ ઘણી વાર કહ્યું છે કે ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમનો હિસ્સો હોવાનું તેમને ગૌરવ છે. હવે વિરાટ કોહલી પોતાની 100મી ટેસ્ટ રમવાના છે.
વન ડે, ટ્વેન્ટી-20 અને આઈપીએલની સાથે ટેસ્ટ મૅચમાં પણ વિરાટ રમતા રહ્યા છે અને આ વર્ષો દરમિયાન ઘણો સમય પ્રવાસમાં, ફરજિયાત ક્વૉરેન્ટીન રમવામાં અને પ્રૅક્ટિસ કરવામાં ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમ સામાન્ય રીતે વર્ષના 365 દિવસમાંથી 330 રમતી હોય છે અને વિદેશ પ્રવાસ પણ કરતી હોય છે!
ટીમના અગ્રણી બૅટ્સમેન હોવા ઉપરાંત ટીમના કૅપ્ટન તરીકે વધારાની જવાબદારી પણ ખભે લઈને ચાલવાનું આવતું હતું. આમ છતાં ચમત્કારિક લાગે તેવી ફિટનૅસ અને સાતત્યપૂર્ણ દેખાવ સાથે વિરાટે પોતાની જવાબદારી નિભાવી છે. આ રીતે પોતાની કરિયરની એકસોમી ટેસ્ટ મૅચ રમવા સુધી તે પહોંચી શક્યા છે.
આ મુકામે પહોંચનારા તે માત્ર 12મા ક્રિકેટર બન્યા છે. સચીન તેડુંલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી,વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સહેવાગ, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, દિલીપ વેંગસરકર, અનિલ કુંબલે, ઇશાંત શર્મા અને હરભજન સિંહની હરોળમાં વિરાટ કોહલીને હવે સ્થાન મળશે. કોહલીને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું ત્યારે રાહુલ દ્રવિડ પણ હજી ક્રિકેટ રમતા હતા. આજે કોહલી 100મી ટેસ્ટ રમવાનો છે ત્યારે ટીમના કોચ તરીકે દ્રવિડ છે.
કોહલીએ પ્રથમ ટેસ્ટ કિંગ્સ્ટનમાં 20થી 24 જૂન, 2011માં રમી હતી. તે જ મૅચમાં પ્રથમ વાર કોહલી ઉપરાંત બૅટ્સમેન અભિનવ મુકુંદ અને બૉલર તરીકે પ્રવીણ કુમારને સ્થાન મળ્યું હતું. અભિનવ માત્ર 7 ટેસ્ટ જ રમી શક્યા, જ્યારે પ્રવીણ કુમારને છ ટેસ્ટ પછી ભારતીય ટીમમાં તક મળી નથી. તેની સામે કોહલીએ પોતાનું સ્થાન પાકું કર્યું અને આજે 100મી ટેસ્ટ રમવાની સિદ્ધિ મેળવશે. સાથે જ ભારતીય ટીમના કૅપ્ટન બનવા સુધીની વિરાટ સફર કોહલીએ ખેડી.
હકીકતમાં કોહલીને અંડર-19 ટીમનું નેતૃત્વ કરવાની પણ તક મળી હતી અને તે વખતે 2008માં ભારતીય ટીમ U-19 વર્લ્ડ કપ પણ જીતી ગઈ હતી. વિરાટ કોહલી કદાચ એક માત્ર એવા ક્રિકેટર રહ્યા છે, જેમણે જૂનિયર કક્ષાએથી શરૂ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દરેક ફોર્મેટમાં ટીમની કપ્તાની કરી સફળતા મેળવી હોય.

રનોનો ઢગલો

ઇમેજ સ્રોત, Gallo Images
ભલે ઇંગ્લૅન્ડમાં મુશ્કેલી આવી પરંતુ તે પછી ઘરઆંગણે જેટલા રન કર્યા એટલી જ આક્રમકતાની વિરાટ વિદેશની ભૂમિ પર રન કરતા રહ્યા છે. તેમની કરિયરનું આ જ આગવું પાસું બની રહ્યું છે.
દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા અને બીજા દેશોમાં અલગ-અલગ પ્રકારની પિચ હોય છે. વિદેશ પ્રવાસે ઉત્સાહથી થનગનતા સ્થાનિક બૉલરોનો પણ સામનો કરવાનો હોય છે.
આમ છતાં બૉલરોના પોતાના વતનના રમાયેલી મૅચમાં પણ ઉત્તમ બૉલર સામે પણ કોહલીએ જોરદાર ફટકાબાજી કરીને રન નોંધાવ્યા છે.
વિદેશના ક્રિકેટ મેદાનમાં રમવાના કારણે સારા બૅટ્સમેનની ઍવરેજ પણ ઘટી જતી હોય છે. ભારતીય મેદાનોમાં કોહલીની રન કરવાની ઍવરેજ 62ની છે, પણ વિદેશી મેદાનોમાં પણ સરેરાશ 44 રનની સરેરાશ જાળવી છે.
કોહલી મેદાનમાં ઉતરે ત્યારે ટીમને હૈયાધારણ રહેતી હોય છે કે તે સારો સ્કોર કરીને આવશે. પ્રતિસ્પર્ધી ટીમને પણ ખ્યાલ આવી જતો હોય છે કે કોહલી સહેલાઈથી આઉટ થવાના નથી.
કોહલી ફાસ્ટ બૉલિંગ અને સ્પિન બંનેનો એક સરખી રીતે સામનો કરી શકે છે.
પિચ કેવી છે તે જાણી લીધા પછી એક અને બે રન લઈને રનની ગતિ ઘટવા ના દે અને વચ્ચે-વચ્ચે ચોગ્ગા લાગતા રહે. આમ આ સહેલું લાગતું હશે, પરંતુ કોહલી પોતાની બૅટિંગથી ક્રિકેટની કલા જ પ્રદર્શિત કરે છે. મોટી ભાગીદારી કરવામાં પણ વિરાટને જોટો જડે નહીં. તેમને રન લેવા માટે વિકેટ વચ્ચે દોડતા જોવા એ પણ લહાવો છે.
જોરદાર ફાસ્ટ બૉલર હોય, ઉછળતી પિચ હોય, હાજ ધ્રૂજાવનારી ઠંડી હવા ચાલતી હોય કે માથે સૂર્ય તપી રહ્યો કોહલી એકધારી મક્કમતાથી રન કરતા રહે છે. કોઈ પણ હરીફ ટીમનું એક માત્ર લક્ષ્ય હોય છે કે ગમે તેમ કરીને કોહલીને આઉટ કરવા. એકવાર કોહલી 30 રનથી આગળ વધી જાય એટલા તેમના ચાહકો હવે સદી જોવા માટે જ આતુર થઈ જતા હોય છે - એવી તેની શાખ છે!
કોહલી હવે ટેસ્ટ મૅચ રમવાની સદી પણ પૂરી કરી રહ્યા છે ત્યારે એ પણ નોંધવું જોઈએ કે આજ સુધીમાં ક્યારેય તેમને ટીમમાં પડતા મૂકવામાં આવ્યા નથી. આ પણ તેમના દેખાવમાં કેટલું સાતત્ય છે તેની શાખ પૂરે છે.

વિરાટ કોહલી કૅપ્ટન તરીકે

ઇમેજ સ્રોત, Alex Davidson
બૅટિંગની જેટલી જ ઉત્કટતા સાથે કોહલીએ કૅપ્ટન તરીકે પણ કામ કર્યું છે. હાર જેવી સ્થિતિ હોય ત્યારે પણ કોહલી સંરક્ષણાત્મક અભિગમ દાખવવાને બદલે જીતી જવા માટેનો જ જોશ દાખવતા હોય છે.
તેમણે એવા ક્રિકેટરો તૈયાર કર્યા છે જે પાંચ દિવસ સુધી ક્રિકેટ રમતા રહે. ફિટનૅસની બાબતમાં પણ ટીમનું ધોરણ ઊંચે લઈ જવામાં તેમનો ફાળો છે.
ટેસ્ટ મૅચ જીતવા કોઈ પણ ટીમ માટે જરૂરી હોય છે કે 20 વિકેટો લઈ શકે તેવા બૉલરો. કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમનું સુકાનીપદ સંભાળ્યું તે પછી પાંચ બૉલરોને લેવાનો આગ્રહ રહ્યો છે.
પાંચ બૅટ્સમેન હોય, પાંચ બૉલર હોય અને સારી બૅટિંગ કરનારો વિકેટકિપર હોય તેવી રીતે ટીમ તૈયાર કરવાની. બૉલિંગ અને ફિલ્ડિંગમાં તેઓ ફેરફાર કરતા રહે છે અને કેટલાક બૅટ્સમેનો માટે ટ્રેપ પણ ગોઠવે છે.
સતત બૉલિંગનો મારો કરીને આક્રમક બૅટ્સમેનને અકળાવાની કોશિશ કરે. પોતે શારીરિક ચુસ્તી એટલી સારી ધરાવે છે કે બીજા માટે ફિલ્ડર તરીકે ઉદાહરણ બની શકે.
કોઈ પણ ટીમ માટે વિદેશની ધરતી પર જઈને ટેસ્ટ શ્રેણી જીતી લેવી તે મોટો પડકાર હોય છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારત ઑસ્ટ્રેલિયામાં પણ ટેસ્ટ સિરીઝ જીતી લાવ્યું. કોહલીની કપ્તાની વખતે જ ભારતની ટીમ આઈસીસી રૅન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી હતી.

ઉત્તમ ચાર સાથે સન્માન

ઇમેજ સ્રોત, Matt King - CA
ભારતના વિરાટ કોહલી, ઑસ્ટ્રેલિયાના કેન વિલિયમસન અને સ્ટીવ સ્મિથ, ઇંગ્લૅન્ડના જૉ રૂટ આ ચારેય સમકાલીન બૅટ્સમેનોની પોતપોતાની આગવી છટા છે. પરંતુ ચારેયને એક બાબત જોડે છે - આ ચારેય જોરદાર ફટકાબાજી કરી શકે છે.
આ ચારેય પોતપોતાની ટીમના આધારભૂત બૅટ્સમેન બની રહ્યા છે. આ ચારેય વળી પોતપોતાના દેશની ટીમના કૅપ્ટન પણ બન્યા.
પોતાની ટીમને જીતાડવામાં આ ચારેયની અગ્રણી ભૂમિકા રહી છે. ચારેયના આગવા વિશ્વવિક્રમો પણ છે. તેના કારણે જ ક્રિકેટની દુનિયામાં તેમને ફેબ ફૉર - ચાર ઉત્તમ ક્રિકેટરો તરીકે ઓળખવામાં આવે છે. જૉ રૂટ 100 ટેસ્ટ રમવાની સિદ્ધિ પાર કરીને ઇંગ્લૅન્ડના કૅપ્ટન બન્યા છે. જોકે રૂટ એટલી સંખ્યામાં વન ડે અને ટ્વેન્ટી-20 મૅચ રમતા નથી.
રૂટ આઈપીએલમાં પણ જોડાયા નથી. એ રીતે રૂટ મોટા ભાગે ટેસ્ટ ક્રિકેટમાં જ ધ્યાન આપતા રહ્યા છે. ઑસ્ટ્રેલિયાના સ્મિથ સામે બૉલ સાથે ચેડાં કરવાના આરોપ લાગ્યો તે પછી તેમની કરિયરને ડાઘ લાગી ગયો છે.
ફાંકડા ક્રિકેટ માટે અને મેદાનમાં વિવેકી વર્તન માટે કેન વિલિયમસનના વખાણ થતા રહે છે. જોકે ન્યૂઝીલૅન્ડ ઓછા પ્રમાણમાં ક્રિકેટ રમે છે એટલે કેન હજી 100મી ટેસ્ટ રમવા સુધી પહોંચી શક્યા નથી. આ ચારેયને મેદાનમાં ક્રિકેટ રમતા જોવા તે લહાવો છે.
આ ચારેયમાં સૌથી વધુ ટેસ્ટ મૅચ રૂટ રમ્યા છે અને સૌથી વધુ રન પણ તેમના છે. ઍવરેજની રીતે સ્મિથ સૌથી આગળ છે. ટેસ્ટ ક્રિકેટમાં સદીની બાબતે કોહલી અને સ્મિથ બંને સાથે છે - બંનેની 27 સદીઓ થઈ ચૂકી છે.

પિતાનું અવસાન અને રમતનું મેદાન

ઇમેજ સ્રોત, Michael Steele-ICC
કોહલીએ પોતાની મક્કમતા અને દૃઢતાનો પરિચય 2006માં જૂનિયર ક્રિકેટ રમતી વખતે જ આપી દીધો હતો.
દિલ્હી વતી કોહલી રમતા હતા અને 2006માં કર્ણાટક સામેની મૅચ હતી. તે વખતે કોહલીની ઉંમર માત્ર 17 વર્ષની હતી. બીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે વિરાટ કોહલી અને પુનીત મેદાનમાં નૉટ આઉટ હતા. તે રાત્રે જ તેના પિતા પ્રેમ કોહલીને બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને તેમનું અવસાન થયું.
વિરાટને ક્રિકેટર બનાવવામાં પિતાની ભૂમિકા બહુ અગત્યની હતી. અચાનક પિતાની વિદાય વિરાટ માટે પણ બહુ આઘાતજનક હતી.
ક્રીઝ પર તે નૉટ આઉટ હતા અને આ બાજુ ઘરે પિતાના અવસાનનો શોક હતો. આમ છતાં વિરાટે નક્કી કર્યું કે બીજા દિવસે પોતાની રમત આગળ વધારશે. તે વખતે ચેતન શર્મા અને મિથુન મનહાસે વિરાટને કહ્યું હતું કે, તારે આ ઘડીએ ઘરે રહેવું જોઈએ.
આમ છતાં વિરાટે કહ્યું કે પોતે મેદાનમાં રમત ચાલુ રાખવા માગે છે. તે ઇનિંગમાં વિરાટે 90 રન કર્યા હતા. હરીફ કર્ણાટકની ટીમના કૅપ્ટન યેરે ગૌડ અને સાથીઓએ પણ વિરાટની હિંમતને દાદ આપી હતી. ત્રીજા દિવસે મૅચ પૂર્ણ થઈ તે પછી વિરાટ પિતાના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા પહોંચ્યા હતા. પરિવારની જવાબદારી હવે વિરાટ અને તેમના ભાઈ પર હતી.

કૅપ્ટનના કાંટાળા તાજ સાથે રન

ઇમેજ સ્રોત, Francois Nel
ઘણા મહાન બૅટ્સમેન કૅપ્ટન બને તે પછી સારી રીતે રન કરી શકતા નથી. પરંતુ વિરાટના કેસમાં વાત જુદી રહી. 100 ટેસ્ટમાંથી કોહલીએ 68 મૅચમાં કપ્તાની કરી છે અને તેમાં પણ બૅટિંગમાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. આ રીતે કૅપ્ટન તરીકેની જવાબદારી સારી રીતે તે નિભાવી શક્યા છે.
કૅપ્ટન તરીકે બૅટિંગ કરવાની બાબતમાં પણ તેમનો રેકર્ડ ઉત્તમ રહ્યો છે. 68 મૅચોમાં કૅપ્ટન તરીકે બૅટિંગ કરી તેમાં કુલ 5864 રન 54.80ની ઍવરેજ સાથે કર્યા છે. કૅપ્ટને પોતાની ટીમ માટે દાખલો બેસાડવાનો હોય છે અને આ બાબતમાં કોહલીએ ખરેખર પ્રેરણારૂપ પરફોર્મન્સ આપ્યું છે.

સચીન સાથે તુલના

ઇમેજ સ્રોત, Hindustan Times
વિરાટ કોહલીની સરખામણી હંમેશા સચીન તેંડુલકર સાથે થતી રહી છે. સચીન સાથે સરખામણી થાય તે પણ કોઈ બૅટ્સમેન માટે બહુમાન છે. જોકે તેના કારણે બૅટ્સમેન પર સારું રમવા માટેનું દબાણ પણ સતત રહેતું હોય છે.
કોહલી આવા દબાણથી દૂર રહીને પોતાની રીતે સહજ ક્રિકેટ રમતા રહ્યા છે. એવી પણ ચર્ચાઓ ચાલતી રહી હતી કે કઈ રીતે સચીનના કેટલાક વિક્રમો કોહલી તોડી નાખશે. જોકે કોહલી પોતે હંમેશા સચીનની સલાહ લેતા રહ્યા છે. ખાસ કરીને 2011માં વિશ્વ કપ જીત્યા પછી તેમણે ખાસ સચીન માટે આભાર વ્યક્ત કર્યો હતો.

સદી માટેની રાહ

ઇમેજ સ્રોત, Francois Nel
વિરાટ કોહલીએ છેલ્લે 2019માં કોલકાતામાં બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટમાં સદી કરી હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન તે સદી કરી શક્યા નથી.
તેમણે ટ્વેન્ટી-20 ટીમના કૅપ્ટનપદને છોડી દીધું હતું. તે પછી વન-ડે ટીમના કૅપ્ટન તરીકે તેમને હઠાવી દેવાયા. દક્ષિણ આફ્રિકાની હાલની ટૂર પૂરી થઈ તે પછી હવે ટેસ્ટ ક્રિકેટનું સુકાનીપદ પણ વિરાટ કોહલીએ છોડી દીધું છે. તેના કારણે હવે સુકાનીપદનો ભાર તેમના પર નથી. 100મી ટેસ્ટ રમવાનું આવે ત્યારે બહુ ઓછા ક્રિકેટરો સદી કરી શક્યા છે.
મેદાનમાં પરિવારના સભ્યો પણ આ વિશેષ ઘડીએ હાજર હશે ત્યારે વિરાટ કોહલી માટે 100મી ટેસ્ટમાં એકસો રન સાથે સદી ફટકારવાની પણ ઉત્તમ તક છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












