રશિયાના પુતિનને સમજવા એક કોયડો બની ગયો છે?

પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • 47 વર્ષની વયે રશિયાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પુતિન રશિયાની ઓળખને યુરોપ સાથે જોડીને જોતા હતા
  • એક વખત પુતિન ભાષણમાં જર્મન સંસદો ઊભા થઈને તાળીઓ પાડી રહ્યા હતા અને એન્જેલા મર્કેલ પણ એમાં સામેલ હતાં
  • યુકેના ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી છે અને 1999 અને 2003 વચ્ચે નાટોના સેક્રેટરી-જનરલ જ્યૉર્જ રૉબર્ટસનને પુતિને કહ્યું કે તમે અમને નાટોમાં જોડાવા માટે ક્યારે આમંત્રિત કરશો?
  • એક વાર અમેરીકી રાષ્ટ્રપતિ બુશે કહ્યું હતું કે મેં પુતિનની આંખોમાં જોયું તો તેઓ સંવેદનશીલ લાગ્યા. મને તે નીડર અને વિશ્વાસપાત્ર લાગ્યો
  • પુતિનનો જન્મ 1952માં લેનિનગ્રાદમાં થયો હતો. તે સોવિયેત અને નાઝી જર્મની વચ્ચેના યુદ્ધની છાયામાં મોટા થયા હતા

ભૂતપૂર્વ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે એક વાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પૂછ્યું હતું કે તેમની અત્યાર સુધીની સૌથી મોટી ભૂલ શું છે. પુતિને તેના જવાબમાં કહ્યું હતું - તમારાં પર વિશ્વાસ કરવો.

પુતિન વર્ષ 2000માં 47 વર્ષની વયે રશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ રશિયાની ઓળખને યુરોપ સાથે જોડીને જોતા હતા.

25 સપ્ટેમ્બર, 2001ના રોજ પુતિને જર્મનીની સંસદને સંબોધિત કરતા કહ્યું હતું કે રશિયા એક મિત્રવત યુરોપિયન દેશ છે. રશિયન રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું કે યુરોપમાં સ્થિરતા અને શાંતિ તેમના દેશનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

પુતિને જર્મન સંસદમાં કહ્યું હતું કે લોકતાંત્રિક અધિકારો અને સ્વતંત્રતા એ રશિયાની નીતિનું લક્ષ્ય છે.

જ્યારે પુતિન આમ કહી રહ્યા હતા ત્યારે જર્મન સંસદો ઊભા થઈને તાળીઓ પાડી રહ્યા હતા અને એન્જેલા મર્કેલ પણ એમાં સામેલ હતાં. ત્યારે મર્કેલ સાંસદ હતાં.

પેરિસમાં ન્યૂયૉર્ક ટાઈમ્સના મુખ્ય સંવાદદાતા રોજર કોહેને તેમના અહેવાલમાં લખ્યું છે કે પુતિન એ બર્લિન શહેરમાં સંબોધી રહ્યા હતા જે લાંબા સમયથી પશ્ચિમ અને સોવિયત સંઘ વચ્ચે વિભાજનનું પ્રતીક રહ્યું છે.

પરંતુ આવું પહેલી વાર નથી થયું કે જ્યારે પુતિને રશિયાને યુરોપિયન સંસ્કૃતિ સાથે જોડ્યું હોય અને સમૃદ્ધ યુરોપની વાત કરી હોય.

ગ્રે લાઇન

પુતિન નાટોમાં જોડાવા માગતા હતા?

આ તસવીર 25 સપ્ટેમ્બર 2001ની છે જ્યારે પુતિન જર્મનીની મુલાકાતે ગયા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ તસવીર 25 સપ્ટેમ્બર 2001ની છે જ્યારે પુતિન જર્મનીની મુલાકાતે ગયા હતા

જ્યૉર્જ રૉબર્ટસન યુકેના ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી છે અને 1999 અને 2003 વચ્ચે નાટોના સેક્રેટરી-જનરલ હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે નવેમ્બર 2021માં કહ્યું હતું કે પુતિન શરૂઆતમાં રશિયાને નાટોમાં સામેલ કરવા ઈચ્છતા હતા, પરંતુ તેઓ તેમાં સામેલ થવાની સામાન્ય પ્રક્રિયાને અપનાવવા માગતા ન હતા.

જ્યૉર્જ રૉબર્ટસને કહ્યું, "પુતિન સમૃદ્ધ, સ્થિર અને સંપન્ન પશ્ચિમનો ભાગ બનવા માગતા હતા."

જ્યૉર્જ રૉબર્ટસને પુતિન સાથેની પ્રારંભિક મુલાકાતને યાદ કરતાં કહ્યું છે, "પુતિને કહ્યું, તમે અમને નાટોમાં જોડાવા માટે ક્યારે આમંત્રિત કરશો? મેં જવાબ આપ્યો, અમે નાટોમાં જોડાવા માટે લોકોને આમંત્રિત કરતા નથી. તેમાં જોડાવા માગતા લોકો અરજી કરે છે. તેના જવાબમાં પુતિને કહ્યું હતું કે, હું તેમાં જોડાવા માટે અરજી કરવા માટે તે દેશોમાં નથી."

જ્યૉર્જ રૉબર્ટસને સીએનએનના ભૂતપૂર્વ પત્રકાર માઈકલ કોસિન્સકીના 'વન ડિસિઝન પોડકાસ્ટ'માં આ વાત કહી હતી.

પુતિને 5 માર્ચ, 2000ના રોજ બીબીસીના ડેવિડ ફ્રૉસ્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં કંઈક આવું જ કહ્યું હતું.

ડેવિડ ફ્રૉસ્ટે પુતિનને પૂછ્યું હતું કે, "નાટો વિશે તમે શું વિચારો છો? શું તમે નાટોને સંભવિત ભાગીદાર તરીકે કે હરીફ તરીકે કે દુશ્મન તરીકે જુઓ છો?"

તેના જવાબમાં પુતિને કહ્યું હતું કે, "રશિયા યુરોપની સંસ્કૃતિનો ભાગ છે. હું પોતે મારા દેશની યુરોપથી અલગ કલ્પના કરી શકતો નથી. આપણે ઘણી વાર આને સભ્ય દુનિયા કહીએ છીએ.

આવી સ્થિતિમાં નાટોને દુશ્મન તરીકે જોવું મારા માટે મુશ્કેલ છે. મને લાગે છે કે આવો પ્રશ્ન ઉઠાવવો પણ રશિયા કે દુનિયા માટે સારું નહીં ગણાય. આવા પ્રશ્નો નુકસાન પહોંચાડે છે.”

પુતિને કહ્યું હતું કે, "રશિયા તેના ભાગીદારો સાથે સમાન અને ન્યાયી સંબંધો ઇચ્છે છે. મુખ્ય સમસ્યા જેના પર પહેલાથી સંમત છીએ એ સામાન્ય હિતોથી અલગ થવાની છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન આપવું તે મહત્ત્વપૂર્ણ છે."

"અમે સમાન સહયોગ અને ભાગીદારી માટે તૈયાર છીએ. અમે નાટો સાથે સહકારની વાત કરી શકીએ છીએ, પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે રશિયાને સમાન ભાગીદાર તરીકે રાખવામાં આવશે. તમે જાણો છો કે અમે પૂર્વમાં નાટોના વિસ્તરણનો વિરોધ કરતા રહ્યા છીએ.”

ગ્રે લાઇન

જ્યારે બુશે પુતિનની પ્રશંસા કરી

1999 અને 2003 વચ્ચે યુકેના ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી અને નાટોના સેક્રેટરી જનરલ જ્યૉર્જ રૉબર્ટસન સાથે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન

ઇમેજ સ્રોત, KREMLIN

ઇમેજ કૅપ્શન, 1999 અને 2003 વચ્ચે યુકેના ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી અને નાટોના સેક્રેટરી જનરલ જ્યૉર્જ રૉબર્ટસન સાથે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન

જૂન 2001માં, જર્મન સંસદમાં ભાષણ આપ્યાના થોડા મહિના પહેલાં પુતિન તત્કાલીન યુએસ પ્રમુખ જ્યૉર્જ ડબલ્યૂ બુશને મળ્યા હતા.

આ બેઠક બાદ બુશે પુતિન વિશે કહ્યું હતું કે, "મેં પુતિનની આંખોમાં જોયું તો તેઓ સંવેદનશીલ લાગ્યા. મને તે નીડર અને વિશ્વાસપાત્ર લાગ્યો.”

16 જૂન, 2001ના રોજ, પુતિન અને બુશે તેમની બેઠક બાદ સ્લોવેનિયામાં સંયુક્ત પત્રકારપરિષદ યોજી હતી.

એ પ્રેસ-કૉન્ફરન્સમાં બુશે પુતિન વિશે કહ્યું કે, “પુતિન પોતાના દેશને લઈને ખૂબ જ પ્રતિબદ્ધ છે. તે પોતાના દેશના હિત માટે જાગ્રત રહે છે. હું નિખાલસ વાતચીત બદલ તેમની પ્રશંસા કરું છું. જો મને પુતિન પર વિશ્વાસ ન હોત તો મેં તેમને બિલકુલ આમંત્રણ ન આપ્યું હોત. રશિયા અને અમેરિકાએ શીતયુદ્ધની માનસિકતામાંથી બહાર નીકળવું જોઈએ અને સંબંધોને નવેસરથી મજબૂત કરવા જોઈએ.”

યુરોપ અને પશ્ચિમની સાથે રહેવાની વાત કરનાર પુતિન પશ્ચિમના દેશો માટે કેવી રીતે વિલન બની ગયા?

2022નું વર્ષ પુતિન સામે સમગ્ર પશ્ચિમની એકતા તરીકે જોવામાં આવશે અથવા તો પુતિનને સમગ્ર પશ્ચિમની ધમકીથી બેફિકર તરીકે જોવામાં આવશે.

ઉત્તર ઍટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે નાટોની રચના બીજા વિશ્વયુદ્ધ પછી 1949માં થઈ હતી.

અમેરિકા, કૅનેડા અને અન્ય પશ્ચિમી દેશોએ મળીને તેને બનાવ્યું હતું. તેમણે તેને સોવિયત યુનિયનથી રક્ષણ માટે બનાવ્યું હતું. ત્યારે વિશ્વ દ્વિધ્રુવી હતું. એક મહાસત્તા અમેરિકા અને બીજું સોવિયેત સંઘ.

શરૂઆતમાં નાટોના 12 સભ્ય દેશો હતા. નાટોની રચના પછી એવી જાહેરાત કરવામાં આવી હતી કે જો ઉત્તર અમેરિકા અથવા યુરોપના આમાંથી કોઈ એક દેશ પર હુમલો થશે તો આ સંગઠન સાથે સંકળાયેલા તમામ દેશો તેને પોતાના પરનો હુમલો ગણશે.

બીબીસી ગુજરાતી

નાટોના વિસ્તરણથી નારાજ પુતિન

પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

નાટોમાં સામેલ દરેક દેશ એકબીજાને મદદ કરશે. પરંતુ ડિસેમ્બર 1991માં સોવિયત યુનિયનના પતન પછી ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ.

નાટોની રચના કરવા જે કારણે કરવામાં આવી હતી તે સોવિયેત સંઘનું વિઘટન થઈ ગયું હતું. વિશ્વ એકધ્રુવીય બની ગયું હતું.

અમેરિકા એકમાત્ર મહાસત્તા બાકી રહી હતી. સોવિયત સંઘના વિઘટન પછી રશિયાની રચના થઈ હતી અને રશિયા આર્થિક રીતે તૂટી ગયું હતું.

2004માં શીતયુદ્ધ પછી નાટોનું બીજું વિસ્તરણ થયું. આ વિસ્તરણમાં એસ્ટોનિયા, લિથુઆનિયા, લાતવિયા, બલ્ગેરિયા, રોમાનિયા અને સ્લોવાકિયા નાટોમાં જોડાયા.

નવેમ્બર 2003માં જ્યોર્જિયામાં રોઝ રિવૉલ્યુશન થયું હતું અને થઈ અને તે પશ્ચિમમાં ખોળામાં જઈ પડ્યું. 2004માં મોટી સંખ્યામાં લોકો યુક્રેનની શેરીઓમાં વિરોધ કરવા ઊતર્યા અને તેને ઑરેન્જ રિવૉલ્યુશન નામ અપાયું.

પ્રદર્શનકારી રશિયાને નકારીને પશ્ચિમ સાથે તેમનું ભવિષ્ય જોઈ રહ્યા હતા. ક્રોએશિયા અને અલ્બાનિયા પણ 2009માં નાટોમાં જોડાઈ ગયા.

યુક્રેન પણ નાટોમાં જોડાવા માટે ઔપચારિક અરજી કરી ચૂક્યું છે, પરંતુ હજુ સુધી તેમાં સામેલ થયું નથી.

પુતિન માટે તે ચીડવનારી બાબત હતી. તેણે નાટોમાં તેના પડોશીઓ અથવા સોવિયત યુનિયનનો હિસ્સો રહેલા દેશોને જોડવાને અમેરિકાના વિશ્વાસઘાત તરીકે જોવાનું શરૂ કર્યું.

ઘણા માને છે કે પુતિન તેમના પડોશમાં નાટો કરતાં લોકશાહી આવવાથી વધુ ડરતા હતા.

જર્મનીના ભૂતપૂર્વ વિદેશમંત્રી યોશિકા ફિશરે ન્યૂયૉર્ક ટાઇમ્સને કહ્યું છે કે, "પુતિનના ડરનું કારણ નાટો નહીં પણ લોકશાહી હતી."

યુક્રેનની વર્તમાન સરકારને લાગે છે કે જો તે નાટોનું સભ્ય હોત તો રશિયાએ હુમલો ન કર્યો હોત.

આ વર્ષે એપ્રિલમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેન પર રશિયાના હુમલા માટે એન્જેલા મર્કેલ પણ આંશિક રીતે જવાબદાર છે, કારણ કે તેમણે તેને 2008માં નાટોમાં જોડાતાં અટકાવ્યું હતું.

મર્કેલની ઑફિસે આનો લેખિત જવાબ આપ્યો અને પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો.

મર્કેલે કહ્યું હતું કે તેમણે નાટોમાં જોડાતા અટકાવવાનું એ કારણ હતું કે યુક્રેન અંદરથી સાવ વિભાજિત હતું અને વ્યાપક ભ્રષ્ટાચાર હતો.

બીબીસી ગુજરાતી

નાટોના વિસ્તરણનું કારણ કે યુએસએસઆરના તૂટવાનું દુ:ખ?

પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

ઘણા માને છે કે નાટોના વિસ્તરણને કારણે પુતિન માત્ર પશ્ચિમના વિરોધી બન્યા નથી, પરંતુ સોવિયેત યુનિયનના તૂટવાથી તેમને ખૂબ જ દુઃખ થયું હતું અને તેને એક કરવાની ઇચ્છા તેમના મનમાં ક્યાંક દબાયેલી છે.

પુતિનનો જન્મ 1952માં લેનિનગ્રાદમાં થયો હતો. તે સોવિયેત અને નાઝી જર્મની વચ્ચેના યુદ્ધની છાયામાં મોટા થયા હતા.

રશિયાના લોકો માટે તે દેશભક્તિવાળી લડાઈ હતી. આ યુદ્ધમાં પુતિનના પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક મોટા ભાઈ માર્યા ગયા હતા.

લેનિનગ્રાદ શહેર મહિનાઓ સુધી જર્મન નિયંત્રણ હેઠળ હતું. પુતિનના દાદા સ્ટાલિનના રસોઈયા તરીકે કામ કરતા હતા.

પુતિનના પરિવારે નાઝીવાદ સામેની લડાઈમાં રેડ આર્મી માટે ઘણું બલિદાન આપ્યું હતું.

જેએનયુમાં સેન્ટર ફૉર સેન્ટ્રલ એશિયા ઍન્ડ રશિયન સ્ટડીઝના ઍસોસિયેટ પ્રોફેસર રાજનકુમાર કહે છે, "પુતિન માર્ક્સવાદી નથી. તેમણે રશિયા અને જર્મનીમાં કેન્દ્રીય અને નિયોજિત અર્થવ્યવસ્થાનું ભવિષ્ય જોયું હતું. 1985થી 1990 સુધી પુતિન સોવિયેત યુનિયનની એજન્સી કેજીબીના એજન્ટ હતા. પુતિને સોવિયેત સંઘનો નાશ થતો જોયો હતો."

"સોવિયેત યુનિયનના વિઘટન બાદ રશિયાની કમાન બોરિસ યેલ્તસિનના હાથમાં આવી. સામ્યવાદી યુગ પછી એટલે કે 1990ના દાયકામાં રશિયાનું નેતૃત્વ બોરિસ યેલ્તસિનના હાથમાં હતું. તેઓ રશિયાના પ્રથમ ચૂંટાયેલા નેતા હતા."

"બોરિસ યેલ્તસિન જે રીતે પશ્ચિમમાંથી આર્થિક મદદ લઈ રહ્યા હતા તે પુતિનને પસંદ નહોતું. સોવિયત યુનિયનની યાદોને રશિયનો ભૂલી શક્યા ન હતા. તેની તેમનામાં દઢપણે જીવિત હતી.”

રાજનકુમાર કહે છે કે, પુતિન છેલ્લાં 22 વર્ષથી રશિયાની સત્તા સંભાળી રહ્યા છે. આ સમય દરમિયાન અમેરિકામાં પાંચ રાષ્ટ્રપતિ બદલી ગયા. ચીન ઘણું આગળ નીકળી ગયું છે. અમેરિકાએ ઇરાક અને અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો અને તેના પરિણામો ભોગવવા પડ્યા. ટેક્નૉલૉજી આખી દુનિયામાં વિસ્તરી, પરંતુ પુતિન હજુ પણ એક રહસ્ય બનીને રહ્યા છે.”

રાજનકુમાર કહે છે, "અમેરિકામાં 09/11ના હુમલા પછી, પુતિન એવા પ્રથમ દેશના વડા હતા જેમણે યુએસ પ્રમુખને ફોન કરીને તમામ પ્રકારની મદદની વાત કરી હતી. પરંતુ નાટોનું વિસ્તરણ અને યુરોપની સુરક્ષાથી રશિયાનું અલગ થવું - આ બંને કારણોએ પુતિનના પશ્ચિમ વિરોધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

બીબીસી ગુજરાતી

યુએસએસઆરનું વિઘટન અને પુતિનનો રંજ

પુતિન અને અમેરીકી રાષ્ટ્રપતિ બુશ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુતિન અને અમેરીકી રાષ્ટ્રપતિ બુશ

યુરોપના વિશ્લેષકો પુતિનની પ્રારંભિક વાતોને જુઠ્ઠાણા તરીકે ગણે છે.

મૉસ્કોમાં ફ્રાન્સના રાજદૂત રહી ચૂકેલા સુવી બર્મને એક ટીવી કાર્યક્રમમાં કહ્યું હતું, "તમારે એ સમજવું જ પડશે કે પુતિન કેજીબીમાંથી આવે છે અને જૂઠું બોલવું એ તેમનો ધંધો છે. આ કોઈ પાપ નથી. પુતિન અરીસા જેવા છે. તેઓ જે જુએ છે તેને જ અપનાવે છે. આ જ તેમની તાલીમ છે."

અમેરિકાનાં પૂર્વ વિદેશમંત્રી કોન્ડોલિઝા રાઈસ પુતિનને ઘણી વખત મળી ચૂક્યાં છે.

તેમણે એક વાર પુતિન વિશે કહ્યું હતું કે, "તે હંમેશા એ મોહ સાથે જીવે છે કે સોવિયેત યુનિયનના તૂટ્યા પછી 25 મિલિયન રશિયનો તેમના વતન બહાર ફસાયેલા છે. વારંવાર તેઓ તેને દુ:ખ તરીકે વ્યક્ત કરતા રહે છે. 20મી સદીમાં સોવિયેત યુનિયનનું વિઘટન પુતિન માટે અનંત દુ:ખ જેવું બની રહ્યું છે."

વર્લ્ડ બૅંકના ભૂતપૂર્વ પ્રમુખ રૉબર્ટ બી. ઝોએલિકે વૉલ સ્ટ્રીટ જર્નલમાં લખ્યું છે કે, "રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ક્યારેય યુક્રેનની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો નથી. યુક્રેન સંપૂર્ણપણે પશ્ચિમમાં જાય તે પહેલાં 70 વર્ષીય પુતિન ગ્રેટર રશિયા પર ફરીથી દાવો કરવા માટે મક્કમ છે.

બીબીસી ગુજરાતી

યુક્રેન સાથેના યુદ્ધ પછી

જર્મનીનાં પૂર્વ ચાંસેલર એંજેલા મર્કેલ અને પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જર્મનીનાં પૂર્વ ચાંસેલર એંજેલા મર્કેલ અને પુતિન

આ વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં પુતિને યુક્રેન પર હુમલો કર્યો અને તેની અસર આખી દુનિયા પર પડી.

યુરોપમાં સ્વીડન અને ફિનલૅન્ડ દરેક પરિસ્થિતિમાં તટસ્થ રહેવા માટે જાણીતા હતા પરંતુ હવે તેમણે પણ નાટોમાં જોડાવા માટે અરજી કરી છે.

જર્મનીએ પણ તેનું સંરક્ષણ બજેટ વધારવાની જાહેરાત કરી છે.

યુરોપિયન યુનિયને રશિયા પરની તેમની ઊર્જા નિર્ભરતાને મોટા પાયે ઘટાડવાની જાહેરાત કરી હતી અને તેના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે.

જે યુરોપીયન ઉદ્યોગો રશિયન ગૅસ પર નિર્ભર હતા તેમણે બહાર તેમનું સેટઅપ કરવું પડ્યું.

અત્યારે યુરોપ ગમે તેમ કરીને પણ પોતાની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરી રહ્યું છે પરંતુ આવનારા સમયમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

યુક્રેન પરના હુમલાના વિરોધમાં અમેરિકાએ તેના સહયોગી દેશો સાથે મળીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયાની નિંદા કરતો ઠરાવ ઘણી વખત રજૂ કર્યો હતો, પરંતુ કેટલાય મહત્ત્વપૂર્ણ દેશોનું સમર્થન મળ્યું ન હતું.

ભારત અને ઈઝરાયલ સહિત પર્સિયન ગલ્ફમાં અમેરિકાના ઘણા સહયોગીઓએ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાનમાં ભાગ લીધો ન હતો.

મતદાનથી અળગા રહેવાને એ રીતે જોવામાં આવ્યું કે તેમનાં હિતો અલગ છે.

એવું કહેવામાં આવ્યું હતું કે આ દેશોએ તેમની અર્થવ્યવસ્થા અને સુરક્ષાની ચિંતાઓને પ્રાથમિકતા આપી છે. યુક્રેન પર હુમલા પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પુતિન સાથે 'જોડીદારીની કોઈ સીમા નહી' એવી મિત્રતા જાહેર કરી હતી.

પરંતુ ચીને રશિયાને પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે સતર્ક કર્યું હતું. અમેરિકાની ઈજારાશાહી સામે ચીનનો રશિયા સાથે લાંબા સમયથી સહયોગ છે, પરંતુ અમેરિકા સાથે તેનો કારોબાર પણ અબજો ડૉલરનો છે.

ઘણા નિષ્ણાતો માને છે કે રશિયાને ખ્યાલ નહોતો કે યુક્રેન સાથે તેનું યુદ્ધ આટલા લાંબા સમય સુધી ચાલશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા પોતે પણ હવે આ યુદ્ધમાં ફસાઈ ગયું છે.

બીબીસી ગુજરાતી

યુક્રેન સાથે યુદ્ધમાં કોની જીત?

પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લા એક દાયકામાં એવું પ્રથમ વખત બનશે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન વર્ષના અંતમાં પ્રેસ-કૉન્ફરન્સ નહીં કરે.

ગયા અઠવાડિયે રશિયન સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે નવા વર્ષ પહેલાં કોઈ પ્રેસ-કૉન્ફરન્સ થશે નહીં.

પેસ્કોવે પ્રેસ-કૉન્ફરન્સ ન યોજવાનું કોઈ કારણ આપ્યું ન હતું.

2012માં પુતિન ફરીથી રશિયાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેઓ દર વર્ષના અંતમાં ડિસેમ્બર મહિનામાં પ્રેસ-કૉન્ફરન્સ કરતા આવ્યા છે.

આ પત્રકારપરિષદમાં રશિયા અને રશિયા બહારના સેંકડો પત્રકારો સામેલ થતા હતા. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, આ પ્રેસ-કૉન્ફરન્સ ક્યારેક ત્રણ કલાક સુધી ચાલતી હતી.

પુતિનની વાર્ષિક પ્રેસ-કૉન્ફરન્સ રદ કરવાની બાબત એ હકીકત સાથે જોડાયેલી છે કે બધું બરાબર નથી.

યુક્રેન પર થયેલા હુમલામાં રશિયાને પણ ભારે નુકસાન થયું છે. માત્ર લશ્કરી નુકસાન જ નહીં પરંતુ રશિયાની અર્થવ્યવસ્થા પણ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે.

ઍટલાન્ટિક કાઉન્સિલ યુક્રેન ઍલર્ટ સર્વિસના એડિટર પીટર ડિકિન્સને લખ્યું છે કે, "યુક્રેન પર પુતિનનો હુમલો એ બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપનો સૌથી મોટો મુકાબલો છે. પુતિનની યોજના એવી હતી કે થોડા દિવસોમાં તે યુક્રેનને સાવ ઘૂંટણિયે ટેકવી દેશે. પરંતુ યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું."

"10 મહિના થઈ ગયા અને યુક્રેન ડગ્યું નથી. પુતિનના સૈનિકોને યુક્રેનના ઘણા શહેરોમાંથી પાછા ફરવું પડ્યું. મોટી સંખ્યામાં રશિયન સૈનિકો માર્યા ગયા છે."

"રશિયાની આંતરરાષ્ટ્રીય છબી પણ ઘણી બગડી છે. યુક્રેનના લાખો સામાન્ય લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. રશિયાની મહાસત્તાની છબી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. તમે ગમે તે સ્વરૂપે જુઓ, પુતિન 2022ના નિષ્ફળ રાષ્ટ્રપતિ દેખાશે.”

બીબીસી ગુજરાતી

પુતિનનાં બે લક્ષ્ય

પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

થિંક ટૅન્ક કાર્નેગી મૉસ્કો સેન્ટરના ડિરેક્ટર દિમિત્રી ત્રેનિને લખ્યું છે કે, "રશિયામાં પુતિન યુગની વિદેશનીતિનું મૂલ્યાંકન અનેક આધારો પર કરી શકાય છે. 1999થી જ્યાં સુધી મને દેખાય છે ત્યાં સુધી રાષ્ટ્રપતિ પુતિન બે લક્ષ્યને અનુસર્યા છે. રશિયાની એકતા પુનઃસ્થાપિત કરવી અને રશિયાને વૈશ્વિક મંચ પર મહાસત્તા બનાવવું."

"હું માનું છું કે પુતિને આ બંને લક્ષ્યો હાંસલ કર્યાં છે. સમગ્ર રશિયન ફેડરેશનમાં કેન્દ્રીય સત્તાને માન્યતા આપવામાં આવી હતી. રશિયા ફરી એક વાર વૈશ્વિક મંચ પર પરત ફર્યું છે. પુતિન યુએસએસઆરના તૂટ્યા બાદ ફરીથી રશિયાને એક કરવામાં સફળ થયા છે."

દિમિત્રી ત્રેનિને લખ્યું છે કે, "પુતિને રશિયન સાર્વભૌમત્વ પુનઃસ્થાપિત કર્યું છે અને તેને કોઈ નકારી શકે નહીં. 2000ના દાયકામાં તેલના ભાવમાં ઝડપથી વધારો થયો અને તેનાથી રશિયાના અર્થતંત્રને ઘણો ફાયદો થયો.

પુતિને 2000ના દાયકાના મધ્યમાં તેલ ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કર્યું. તેનાથી ઊર્જાનીતિ ઘડવામાં મદદ મળી. 2010ના પ્રથમ પાંચ વર્ષમાં સેનામાં પણ સુધારો કરવામાં આવ્યો હતો.

2022 સમાપ્ત થવામાં છે. યુરોપના લોકો ઠંડા શિયાળામાં ઊર્જાસંકટનો સામનો કરી રહ્યા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ અમેરિકા જઈને જાહેરાત કરી છે કે તેઓ પુતિન સામે ઝૂકશે નહીં. સમજૂતીની કોઈ શક્યતા જણાતી નથી.

પુતિન માટે આ યુદ્ધ જીતવું સરળ નથી. પરંતુ યુરોપનું ઊર્જાસંકટ, મોંઘવારી અને મંદીનું આવવું કે અમેરિકાની ચૂંટણીમાં મોંઘવારી મુદ્દો બની રહ્યો છે તે પણ પુતિનની જીત તરીકે જોઈ શકાય.

બીબીસી ગુજરાતી

વિશ્વ નવા શીતયુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે?

પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

એવું કહેવામાં આવી રહ્યું છે કે વિશ્વ ફરી એક વાર શીતયુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે અને આ વખતે પડકાર રશિયાની સાથેસાથે ચીનનો પણ છે.

જેરુસલેમ પૉસ્ટના ભૂતપૂર્વ સંપાદક અને પ્રખ્યાત પુલિત્ઝર વિજેતા કટારલેખક બ્રેટ સ્ટીફન્સે આ વર્ષે 29 માર્ચે ધ ન્યૂયૉર્ક ટાઈમ્સમાં 'હાઉ વી કેન વિન ધ સેકન્ડ કૉલ્ડ વૉર' નામથી કૉલમ લખી હતી.

આ કૉલમની શરૂઆતમાં જ સ્ટીફન્સે લખ્યું હતું કે, “પ્રથમ શીતયુદ્ધમાં અમેરિકા અને અમારા સહયોગીઓ પાસે સોવિયેત સંઘ અને તેના ઉપગ્રહો સામે ગુપ્ત હથિયાર હતું. આ હથિયાર ન તો સીઆઈએ દ્વારા બનાવવામાં આવ્યું હતું કે ન તો તે DARPA અથવા કોઈ લૅબમાંથી આવ્યું હતું. આ શસ્ત્ર સામ્યવાદ હતું.”

સ્ટીફન્સે લખ્યું હતું, "રશિયન સામ્યવાદને કારણે પશ્ચિમને એક લીડ મળી, કારણ કે આ વ્યવસ્થા મુક્ત બજારની સામે ટકી શકતી નથી. તેમની નીતિઓ સોવિયેત સંઘમાં જ નિષ્ફળ રહી હતી.

યુએસએસઆરમાં કામદારો વિશે એક કહેવત હતી, 'તેઓ અમને પૈસા આપવાનો ઢોંગ કરે છે અને અમે કામ કરવાનો ઢોંગ કરીએ છીએ'. આ નીતિના કારણે હજારો પરમાણુ શસ્ત્રોથી સજ્જ સોવિયેત સંઘનું વિઘટન થયું.

સ્ટીફન્સે લખ્યું છે કે, "હવે આપણે બીજા શીતયુદ્ધ તરફ આગળ વધી રહ્યા છીએ. આ વખતે ચીન સામે છે. બંને દેશ સ્પષ્ટ કહી રહ્યા છે કે માત્ર તેમના હિત જ નહીં પરંતુ તેમનાં મૂલ્યો પણ ટકરાયા છે. અમેરિકા કહી રહ્યું છે કે ચીન નિયમ આધારિત વૈશ્વિક વ્યવસ્થાને પડકારી રહ્યું છે. ચીન કહી રહ્યું છે કે તેમણે તેની લોકશાહીને બાકીના વિશ્વ પર થોપવાનું બંધ કરવું જોઈએ.”

રેડ લાઇન
રેડ લાઇન