ઑપેક: વિશ્વના મોટા ક્રૂડ ઉત્પાદક દેશો પુરવઠો કેમ ઘટાડી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વના અગ્રણી ક્રૂડ ઑઇલ ઉત્પાદક દેશોએ રોજના ખનીજ તેલનું ઉત્પાદન 20 લાખ બેરલ ઘટાડવાનું નક્કી કર્યું છે.
ખનીજ તેલના ઉત્પાદક દેશોના સંગઠન Opec+ (ઑપેક પ્લસ જેમાં રશિયાનો પણ સમાવેશ થાય છે)એ ખનીજ તેલના ભાવો વધે તેવું પગલું લીધું છે.
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તે પછી ખનીજ તેલના ભાવો ભડકે બળ્યા હતા, પરંતુ તે પછી જૂન મહિનાથી ક્રૂડના ભાવો ઘટાડા તરફી રહ્યા છે.

Opec+ શું છે?
Opec+ 23 ખનીજ તેલના નિકાસ કરનારા અગ્રણી દેશોનું સંગઠન છે, જે વિશ્વમાં ક્રૂડના ભાવો કયા સ્તરે રહેવા જોઈએ તે નક્કી કરવા માટે નિયમિત બેઠકો કરતું રહે છે.
ઑર્ગેનાઇઝેશન ઑફ ઑઇલ ઍક્સ્પૉર્ટિંગ કન્ટ્રીઝનું ટૂંકું નામ એટલે ઑપેક અને તેમાં મધ્ય પૂર્વ અને આફ્રિકાના 13 દેશોનો સમાવેશ થાય છે.
1960ના દાયકામાં ઑપેકની સ્થાપના થઈ હતી, જેનો હેતુ વિશ્વમાં ખનીજ તેલનો કેટલો પુરવઠો રહેવો જોઈએ અને તેની કિંમત કેટલી ટકી રહેવી જોઈએ તે નિર્ધારિત કરવાનો છે.
આજે વિશ્વના કુલ ખનીજ તેલમાંથી 30% ઑપેક દેશો ઉત્પાદન કરે છે. સાઉદી અરેબિયા સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને તે એકલે હાથે રોજના એક કરોડ બેરલ તેલનું ઉત્પાદન કરે છે.
2016માં ખનીજ તેલના ભાવો બહુ નીચે જતા રહ્યા તે પછી ઑપેક સંગઠને ક્રૂડ ઉત્પાદક બીજા દસ દેશોને પણ પોતાની સાથે જોડ્યા અને તે રીતે ઑપેક પ્લસ સંગઠન તૈયાર થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવા જોડાયેલા સભ્યોમાં એક હતું રશિયા, જે પોતે પણ રોજના એક કરોડ બેરલ ક્રૂડ ઑઇલના ઉત્પાદન સાથે મહત્ત્વનો નિકાસકર્તા દેશ છે.
દસ નવા દેશો જોડાયા તે સાથે હવે આ સંગઠનના દેશો વિશ્વનું કુલ 40% ક્રૂડ ઑઇલ ઉત્પાદન કરવા લાગ્યું છે.
ઍનર્જી ઇન્સ્ટિટ્યૂટના કૅટ ડૉરિયન કહે છે, "Opec+ બજારને સ્થિર રાખવા માટે માગ અને પુરવઠાને પોતાની રીતે નિયંત્રિત કરે છે. બજારમાં માગ ઓછી થાય અને ભાવો ઘટે ત્યારે જરૂર પ્રમાણે પુરઠવો ઓછો કરીને કિંમતોને ટકાવી રાખવામાં આવે છે."
એ જ રીતે Opec+ ધારે ત્યારે ભાવોને નીચે પણ લાવી શકે છે, કેમ કે તેના દેશો દ્વારા વધારે પ્રમાણમાં ક્રૂડની નિકાસ કરવામાં આવે ત્યારે ભાવો દબાય છે. હાલમાં અમેરિકા અને બ્રિટને આવી જ માગણી કરી છે કે આ દેશોએ પુરવઠો વધારીને ભાવોને નીચા લાવવામાં મદદરૂપ થવું જોઈએ.


- Opec+ 23 ખનીજ તેલના નિકાસ કરનારા અગ્રણી દેશોનું સંગઠન છે, જે વિશ્વમાં ક્રૂડના ભાવો કયા સ્તરે રહેવા જોઈએ તે નક્કી કરવા માટે નિયમિત બેઠકો કરતું રહે છે
- આજે વિશ્વના કુલ ખનીજ તેલમાંથી 30% ઑપેક દેશો ઉત્પાદન કરે છે. સાઉદી અરેબિયા સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને તે એકલે હાથે રોજના એક કરોડ બેરલ તેલનું ઉત્પાદન કરે છે
- 2016માં ખનીજ તેલના ભાવો બહુ નીચે જતા રહ્યા તે પછી ઑપેક સંગઠને ક્રૂડ ઉત્પાદક બીજા 10 દેશોને પણ પોતાની સાથે જોડ્યા અને તે રીતે ઑપેક પ્લસ સંગઠન તૈયાર થયું હતું
- યુક્રેન પર આક્રમણ પછી ઘણા દેશોએ રશિયા પાસેથી ખનીજ તેલની આયાત ઘટાડી હતી એટલે તેના ભાવો ઘટવા લાગ્યા હતા
- એક તબક્કે રશિયાના ક્રૂડની કિંમત (બ્રેન્ટ ક્રૂડની સરખામણીએ) એક બેરલના 30 ડૉલર જેટલા સસ્તા થઈ ગયા હતા. સપ્ટેમ્બરના અંત સુધીમાં તે 20 ડૉલર જેટલા સસ્તા થઈ ગયા હતા
- આજે રશિયા ચીનમાં સૌથી વધુ ખનીજ તેલ મોકલનારો દેશ બની ગયો છે અને સાઉદી અરેબિયાથી પણ આગળ નીકળી ગયો છે

ક્રૂડ ઑઇલના ભાવો આટલા બધા કેમ વધી ગયા?

ઇમેજ સ્રોત, Getty Images
માર્ચ 2020માં વિયેનામાં આ દેશના સભ્યો રૂબરૂમાં મળ્યા હતા અને બેઠક કરી હતી. તે વખતે નિર્ણય લેવાયો હતો કે ઑગસ્ટ 2022થી રોજના 20 લાખ બેરલનું ઉત્પાદન ઓછું કરવું અને તે રીતે રોજિંદો ક્રૂડનો પુરવઠો 4.2 કરોડ બેરલથી ઓછો રાખવો.
નવેમ્બરથી આ ઘટાડાનો અમલ શરૂ થશે અને તેના કારણે વિશ્વના કુલ ક્રૂડઑઇલ પુરવઠામાં બે ટકા જેટલો ઘટાડો થશે. ધારણા કરતાં આ વધારે મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.
2020ના વર્ષ પછી Opec+ સંગઠને કરેલો આ સૌથી મોટો ઘટાડો છે. તે અગાઉ કોરોના રોગચાળાને કારણે વિશ્વમાં માગ ઘટી ગઈ ત્યારે રોજના 90 લાખ બેરલ જેટલું ઉત્પાદન ઓછું કરવામાં આવ્યું હતું.
જૂન મહિનામાં ક્રૂડનો ભાવ $122 ડૉલર સુધી પહોંચી ગયો હતો, પરંતુ તે પછી તેમાં ઘટાડો થતો ગયો અને હાલમાં તે $90 ડૉલર સુધી નીચે આવ્યો હતો. જોકે ઑપેકના દેશોએ ઉત્પાદન ઘટાડાની જાહેરાત કરી તે પછી ફરી ભાવો વધવા લાગ્યા છે.
ક્રૂડના વધતા ભાવોને કારણે યુકે સહિતના દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધી ગયા હતા. તેનાથી ફુગાવો વધ્યો, જે યુકેમાં 40 વર્ષમાં સૌથી ઊંચે સ્તરે પહોંચી ગયો હતો.
અમેરિકાએ Opec+ દેશોને જણાવ્યું હતું કે આ રીતે ઉત્પાદનમાં કાપ મૂકવો જોઈએ, કેમ કે ભાવો જો નીચા રહે તો તેનાથી રશિયાને ઓછી કમાણી થાય. આમ છતાં આ નિર્ણય લેવાયો તેને અમેરિકાની સરકારે "ટૂંકી દૃષ્ટિનો" ગણાવ્યો છે.
જુલાઈ મહિનામાં અમેરિકાના પ્રમુખ બાઇડન સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા અને તે વખતે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને વિનંતી કરી હતી કે તમારે ખનીજ તેલનું ઉત્પાદન વધારવું જોઈએ. જોકે તેમણે એમ કરવા ઇનકાર કર્યો હતો.
યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સને પણ સાઉદી અરેબિયા તથા સંયુક્ત આરબ અમિરાતને ઉત્પાદન વધારવા કહ્યું હતું, પણ તેની કોઈ અસર થઈ નહોતી.

ક્રૂડના ભાવો કેમ વધ્યા?

2020ની વસંત દરમિયાન દુનિયાભરમાં કોવિડનો ચેપ ફેલાયો તેના કારણે ઘણા બધા દેશોમાં લૉકડાઉન લાગ્યું હતું. તેના કારણે માગ ઘટી હતી અને ક્રૂડના ભાવો નીચે આવી ગયા હતા.
કૅટ ડૉરિયન કહે છે, "તે વખતે ઉત્પાદક કંપનીઓએ ખરીદદારોને એવું કહેવું પડ્યું હતું કે તમે માલ ઉપાડી લો, કેમ કે ક્રૂડનો સંગ્રહ કરવા માટેની તેમની પાસે પૂરતી વ્યવસ્થા પણ નહોતી."
આવી સ્થિતિ પછી Opec+ દેશોએ રોજનું 10 લાખ બેરલ ઉત્પાદન ઘટાડ્યું હતું અને તેના કારણે ભાવો ફરી વધવા લાગ્યા હતા.
તે પછી જોકે માગ ધીમેધીમે વધવા લાગી તે પ્રમાણે ધીમેધીમે ઉત્પાદન પણ વધારાયું હતું.
પરંતુ તે પછી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો એટલે અચાનક ક્રૂડના ભાવોમાં તેજી બોલી ગઈ હતી અને બેરલનો ભાવ $100 ડૉલરને પણ વટાવી ગયો હતો. વૈશ્વિક ધોરણે રશિયા પર પ્રતિબંધો મુકાશે એટલે રશિયાના ખનીજ તેલનો પુરવઠો અટકી પડશે એવું બજારે ધારી લીધું હતું.
જોકે તે પછી ભાવો વધતા અટક્યા અને ઘટવા લાગ્યા એટલે Opec+ ફરીથી ઉત્પાદન ઘટાડશે તેવી શક્યતા વહેતી થઈ હતી.

રશિયાના ખનીજ તેલના પુરવઠાની શી સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેન પર આક્રમણ પછી ઘણા દેશોએ રશિયા પાસેથી ખનીજ તેલની આયાત ઘટાડી હતી એટલે તેના ભાવો ઘટવા લાગ્યા હતા.
એક તબક્કે રશિયાના ક્રૂડની કિંમત (બ્રેન્ટ ક્રૂડની સરખામણીએ) એક બેરલના 30 ડૉલર જેટલા સસ્તા થઈ ગયા હતા. સપ્ટેમ્બરના અંત સુધીમાં તે 20 ડૉલર જેટલા સસ્તા થઈ ગયા હતા.
રશિયા સામે પ્રતિબંધો મુકાયા તેમાં ભારત અને ચીને સાથ આપ્યો નહોતો અને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાની શરૂઆત કરી હતી. આ બંને દેશો આજે રશિયાનું લગભગ અડધોઅડધ ક્રૂડ ઑઇલ ખરીદી રહ્યા છે.
આજે રશિયા ચીનમાં સૌથી વધુ ખનીજ તેલ મોકલનારો દેશ બની ગયો છે અને સાઉદી અરેબિયાથી પણ આગળ નીકળી ગયો છે.
માર્ચ મહિના દરમિયાન યુરોપના 27 દેશો કરતાંય વધુ પ્રમાણમાં રશિયન ખનીજ તેલની આયાત ભારત અને ચીને કરી હતી.
યુરોપિયન યુનિયન પાંચમી ડિસેમ્બરથી રશિયાના ખનીજ તેલ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે. ટૅન્કર અને પાઇપલાઇનથી અપાતા બંને પ્રકારના પુરવઠા પર આ પ્રતિબંધ લાગુ પડશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













