દુનિયાભરની ખરાબ અર્થવ્યવસ્થા વચ્ચે ડૉલર આટલો મજબૂત કેમ થઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images

- દુનિયાની અન્ય છ મુદ્રાઓ સાથે અમેરિકન ડૉલરની તુલના કરે છે તે ડૉલર ઇન્ડેક્સના આંકડા દર્શાવે છે કે ડૉલર છેલ્લાં 20 વર્ષોની સર્વોચ્ચ સપાટીએ છે
- 26 સપ્ટેમ્બરે ડૉલરની સરખામણીએ પાઉન્ડ રૅકૉર્ડ સ્તરે ઘટ્યો હતો, વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં પાઉન્ડમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે
- પાઉન્ડની જેમ જાપાનના યેનની કિંમત પણ ડૉલરના મુકાબલે 20 ટકા ઘટી, અને યૂરો 15 ટકા
- એનો અર્થ એવો પણ થાય કે અમેરિકામાંથી નિકાસ મોંઘી થઈ જાય છે. તેલની કિંમત અમેરિકન ડૉલરમાં નક્કી થાય છે, તેથી ઘણા દેશોમાં તેલ મોંઘું થઈ ગયું છે

છેલ્લા દાયકામાં અન્ય મુદ્રાઓની સરખામણીએ અમેરિકન ડૉલર સૌથી મજબૂત સ્થિતિમાં છે. એનો અર્થ એ કે ડૉલર ખરીદવા મોંઘા થઈ ગયા છે અને હવે એક ડૉલર પહેલાં કરતાં વધારે પાઉન્ડ, યૂરો કે યેન ખરીદી શકે છે.
આની અસર દુનિયાભરના વેપારઉદ્યોગ અને ઘરો પર પડી છે.
ડૉલર ઇન્ડેક્સ એટલે કે ડીએક્સવાય, દુનિયાની અન્ય છ મુદ્રાઓ સાથે અમેરિકન ડૉલરની તુલના કરે છે. એમાં યૂરો, પાઉન્ડ અને યેન સામેલ છે.
2022માં ડીએક્સવાય 15 ટકા વધ્યો છે. આ આંકડા દર્શાવે છે કે ડૉલર છેલ્લાં 20 વર્ષોની સર્વોચ્ચ સપાટીએ છે.

આટલો મજબૂત કેમ છે ડૉલર?
અમેરિકાની સેન્ટ્રલ બૅન્કે વધતી જતી કિંમતોને કાબુમાં રાખવા ચાલુ વર્ષે ઘણી વાર વ્યાજદર વધાર્યા છે.
એની અસર એ પડી કે એવાં નાણાકીય ઉત્પાદનોમાંથી કમાણી વધી ગઈ છે જે ડૉલરનો ઉપયોગ કરે છે. એનું એક ઉદાહરણ અમેરિકન સરકારી બૉન્ડ છે.
બૉન્ડ એ સરકાર અને કંપનીઓ માટે પૈસા ઉધાર લેવાની એક રીત હોય છે, જેના હેઠળ ભવિષ્યમાં એક નિશ્ચિત વ્યાજ સમેત નાણાં પાછાં આપવાનો વાયદો કરાય છે.
સામાન્ય રીતે સરકારી બૉન્ડ સુરક્ષિત મનાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલના સમયમાં રોકાણકારો લાખો ડૉલર ખર્ચ કરીને અમેરિકન બૉન્ડ ખરીદી રહ્યા છે. એમને આ બૉન્ડ્સ ખરીદવા માટે ડૉલર ખર્ચવા પડે છે અને વધતી જતી ડિમાન્ડના કારણે ડૉલરની કિંમત વધી છે.
જ્યારે રોકાણકાર ડૉલર ખરીદવા માટે અન્ય મુદ્રાઓનો ઉપયોગ કરે છે ત્યારે એ મુદ્રાઓની કિંમત ઘટે છે.
જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા સંકટમાં હોય છે, એવા સમયે પણ રોકાણકાર ડૉલર ખરીદવા માગે છે, આનું કારણ એ છે કે અમેરિકન અર્થતંત્ર ખૂબ મોટું છે અને એને 'સુરક્ષિત સ્થાન' માનવામાં આવે છે. આ કારણે પણ કિંમતો વધે છે.
યુરોપ અને એશિયાનાં ઘણાં અર્થતંત્રો તેલની વધતી જતી કિંમતોના કારણે મુશ્કેલીમાં છે.
છેલ્લા છ મહિનામાં વધતી કિંમતોની અમેરિકામાં એટલી વધારે અસર નથી થઈ.
છેલ્લા ત્રણ મહિનામાં અમેરિકાની અર્થવ્યવસ્થા પણ સંકોચાઈ છે, પરંતુ કંપનીઓમાં નિયુક્તિઓ થઈ રહી છે, એને વધતા વિશ્વાસરૂપે જોવાઈ રહી છે.

પાઉન્ડ કરતાં મજબૂત થતો ડૉલર

ઇમેજ સ્રોત, Getty Images
26 સપ્ટેમ્બરે ડૉલરની સરખામણીએ પાઉન્ડ રૅકૉર્ડ સ્તરે ઘટ્યો છે, એની કિંમત 1.03 ડૉલર હતી. ત્યાર બાદ થોડો સુધારો થયો છે.
વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં પાઉન્ડમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્યાર બાદ બ્રિટનના નાણામંત્રી ક્વાસી ક્વારટેંગે 45 અબજ પાઉન્ડના વેરાકાપવાળું એક મિની બજેટ લઈ આવ્યા. એ ઉપરાંત એમણે વેપાર અને ઘરોમાં વીજળીની સબસિડીની જાહેરાત પણ કરી.
એમણે ઇશારો કર્યો કે હજુ વધારે વેરાકાપ થઈ શકે છે. ઘણા રોકાણકારોએ બ્રિટનના બૉન્ડ અને અન્ય એસેટ વેચી નાંખ્યાં, કેમ કે, એમને બીક છે કે નાણામંત્રીએ ભરેલાં પગલાંથી સરકારી દેવું ખૂબ વધી શકે છે. આ કારણે પણ પાઉન્ડની કિંમત ગગડી છે.

નબળા ચલણ પર મજબૂત ડૉલરની શી અસર પડે છે?
પાઉન્ડની જેમ જાપાનના યેનની કિંમત પણ ડૉલરના મુકાબલે 20 ટકા ઘટી, અને યૂરો 15 ટકા.
નબળી મુદ્રાવાળા દેશોને મજબૂત ડૉલરથી લાભ થાય છે, કારણ કે એમના માટે સામાન અને સર્વિસ વેચવાં સસ્તાં થઈ જાય છે. એનાથી નિકાસ વધે છે.
જોકે એનો અર્થ એવો પણ થાય કે અમેરિકામાંથી નિકાસ મોંઘી થઈ જાય છે. તેલની કિંમત અમેરિકન ડૉલરમાં નક્કી થાય છે, તેથી ઘણા દેશોમાં તેલ મોંઘું થઈ ગયું છે.
ઉદાહરણ તરીકે, બ્રિટનમાં ચાલુ વર્ષની શરૂઆતમાં એક લીટર પેટ્રોલની સરેરાશ કિંમત 1.46 પાઉન્ડ હતી, જે વધીને સરેરાશ 1.67 થઈ ગઈ છે. એનો મતલબ એ કે 15 ટકાનો વધારો. જુલાઈમાં 1.91 ડૉલર સાથે તે કિંમત પોતાની સર્વોચ્ચ સપાટીએ હતી.
સરકારો અને કંપનીઓ ઘણી વાર અમેરિકન ડૉલરમાં દેવું કરે છે, કેમ કે સામાન્ય રીતે એની કિંમત એમની પોતાની મુદ્રાની તુલનાએ સ્થિર હોય છે.
ડૉલરની કિંમત વધે તો સ્થાનિક કરન્સીમાં દેવું ચૂકવવું મુશ્કેલ થઈ જાય છે.
આર્જેન્ટિનાની સરકાર પર મજબૂત ડૉલરની ખરાબ અસર થઈ છે. એણે કામચલાઉ ધોરણે સામાનોની આયાત પર પ્રતિબંધ લાદી દીધો છે. એણે આ પગલું પોતાના સુરક્ષિત મુદ્રા ભંડારને બચાવવા માટે લીધું છે.

બીજા દેશો શાં પગલાં લઈ રહ્યા છે?

દુનિયાના ઘણા દેશ વ્યાજદરોમાં વધારો કરીને પોતાની મુદ્રાનું મૂલ્ય વધારવાની કોશિશ કરી રહ્યા છે. બ્રિટને અત્યાર સુધીમાં 2 ટકા દર વધાર્યા છે.
બ્રિટનની સૅન્ટ્રલ બૅન્ક બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડનું કહેવું છે કે, વ્યાજદર હજુ પણ વધી શકે છે. ઘણા જાણકારોનું કહેવું છે કે વ્યાજદરો 6 ટકા સુધી પહોંચી શકે છે.
યુરોપિયન સૅન્ટ્રલ બૅન્કે વ્યાજદર 1.25 ટકા વધાર્યા છે. વ્યાજદર વધારવાથી વધતી જતી કિંમતોને ઘટાડવામાં મદદ મળે છે, પરંતુ સાથે જ, સામાન્ય નાગરિકો અને વેપારીઓ માટે દેવું કરવું મોંઘું થઈ જાય છે.
એનાથી મોંઘવારી ઘટાડવામાં મદદ મળે છે પરંતુ કંપનીઓનો નફો ઘટી જવાનો ડર રહે છે અને લોકોની નોકરીઓ જઈ શકે છે.
પરિવારો ખર્ચમાં કાપ કરવા લાગે છે. એનાથી મંદીની સ્થિતિ ઊભી થવાનો ડર રહે છે, એટલે કે અર્થવ્યવસ્થા સંકોચાય છે.
પરંતુ, હાલના દિવસોમાં પાઉન્ડની કિંમતો ઘટવા લાગી તે પહેલાં, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે, બ્રિટનમાં મંદી આવી શકે તેવી ચેતવણી આપી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













