સીરિયા અને ભારત એકબીજાની આટલા નજીક કેમ આવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, @DRSJAISHANKAR
સીરિયાના વિદેશમંત્રી ફૈઝલ મકદાદ 17થી 21 નવેમ્બર દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી. સીરિયાના વિદેશમંત્રીની ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર સાથે પણ મુલાકાત થઈ હતી.
બંને વિદેશમંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને બંને દેશોના હિત સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.
સીરિયાના વિદેશમંત્રીની મુલાકાત અંગે જારી કરાયેલા નિવેદનમાં ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત સીરિયાને પાવર પ્લાન્ટ અને સ્ટીલ પ્લાન્ટ બનાવવા માટે 28 કરોડ ડૉલરની આર્થિક મદદ કરશે.
વિવન ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સીરિયાના વિદેશમંત્રી ફૈઝલ મકદાદે કહ્યું છે કે, "ભારતીય દૂતાવાસે 2013, 2014 અને 2015માં સીરિયામાં ભીષણ સંઘર્ષ દરમિયાન પણ દમાસ્કસમાં કામગીરી બંધ કરી ન હતી. ત્યાં સુધી કે રાજધાની દમાસ્કસમાં સીરિયાના વિદેશ મંત્રાલયની ઇમારત પર પણ રૉકેટ હુમલા થઈ રહ્યા હતા."
"આ મુશ્કેલ સમયમાં પણ ભારત અને સીરિયા વચ્ચે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની હિલચાલ અટકી નથી. દમાસ્કસથી દિલ્હી પહોંચવામાં ચાર કલાકનો સમય લાગે છે."
"આમ તમે બંને દેશોમાં સમય અને સ્થળના સંદર્ભમાં નિકટતા સમજી શકો છો. જે સીરિયા માટે ખતરનાક છે તે ભારત માટે પણ ખતરનાક છે. અમે બંને ધર્મનિરપેક્ષ દેશો છીએ. અમે બંને લોકતાંત્રિક સિદ્ધાંતોમાં વિશ્વાસ કરીએ છીએ."
સીરિયા મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ હોવા છતાં બંધારણમાં તેનો કોઈ રાજ્ય ધર્મ નથી. સીરિયા એક પ્રજાસત્તાક છે અને બંધારણીય રીતે પણ બિનસાંપ્રદાયિક છે.

ઐતિહાસિક સંબંધો

ઇમેજ સ્રોત, @DRSJAISHANKAR
સીરિયાના વિદેશમંત્રીએ કહ્યું કે, સીરિયા માને છે કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ મળવું જોઈએ. છેલ્લાં બે વર્ષથી સીરિયા ખાદ્યસંકટનો સામનો કરી રહ્યું હતું ત્યારે ભારતે ચોખા મોકલ્યા હતા. અમે એશિયાઈ દેશ છીએ. તમે અમને પશ્ચિમ એશિયાનો દેશ કહી શકો, પરંતુ અમારામાં એશિયાનું દિલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માર્ચ 2011માં શરૂ થયેલી લોકશાહી તરફી આંદોલન સીરિયાને ગૃહયુદ્ધ તરફ દોરી ગયું હતું. આ દરમિયાન અમેરિકાએ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને હટાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેને સફળતા ન મળી.
બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બશર અલ-અસદની પડખે ઊભા રહ્યા અને અમેરિકાની રણનીતિને ફાવવા ન દીધી.
દરમિયાન ભારત સીરિયામાં કોઈ પણ બાહ્ય સૈન્ય હસ્તક્ષેપનો વિરોધ કરતું રહ્યું. યુપીએ સરકારનું પણ આ જ વલણ હતું.
ભારતની દલીલ હતી કે બધા પક્ષોએ સાથે બેસીને વાત કરવી જોઈએ. 2013માં ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે સીરિયામાં લશ્કરી ઉકેલ કોઈ વિકલ્પ નથી.
સીરિયા અને ભારત વચ્ચે ઐતિહાસિક રીતે સારા સંબંધો છે. આઝાદી બાદ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ બિન-જોડાણવાદી આંદોલનના દાયરાની બહાર જઈને આરબ દેશો સાથે સારા સંબંધો બનાવ્યા હતા.
નેહરુએ 1957 અને 1960માં સીરિયાની મુલાકાત લીધી હતી. નેહરુએ સીરિયાની બાથ પાર્ટી અને તેના નેતાઓ સાથે સારા સંબંધો બનાવ્યા હતા.
ઇઝરાયલની બાર ઇલાન યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર ડૉ. રામી ગિનાતે તેમના સંશોધન લેખમાં લખ્યું છે કે નેહરુની મુલાકાતને લઈને સ્થાનિક પ્રેસમાં ઘણી ગરમાગરમી હતી.

અસદ પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images
લોકોમાં ઘણો ઉત્સાહ હતો. નેહરુના સ્વાગત માટે 10,000થી વધુ લોકો ઍરપૉર્ટ પર ઊભા હતા. નેહરુને જોઈને લોકો એક અવાજે કહી રહ્યા હતા - વિશ્વશાંતિના નાયકનું સ્વાગત છે. એશિયાના નેતા જિંદાબાદના નારા લાગ્યા હતા.
1978 અને 1983માં તત્કાલીન સીરિયાના રાષ્ટ્રપતિ હાફિઝ અલ-અસદ ભારતની મુલાકાતે આવ્યા હતા.
2003માં ભારતના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સીરિયાના પ્રવાસે ગયા હતા. વાજપેયીની સીરિયાની મુલાકાત 15 વર્ષ પછી કોઈ ભારતીય વડા પ્રધાનની મુલાકાત હતી.
ત્યાર બાદ 2008માં સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ ભારતની મુલાકાતે આવ્યા હતા. બાદમાં બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની આવનજાવન ચાલુ રહી.
2010માં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે સીરિયાની મુલાકાત લીધી હતી. એવું કહેવામાં આવે છે કે ભારતે અસદના પરિવાર સાથે હંમેશાં સારા સંબંધો જાળવી રાખ્યા છે.
બશર અલ-અસદના પિતા હાફિઝ અલ-અસદ 1971થી 2000 સુધી સીરિયામાં સત્તા પર હતા. 2000 પછીથી સીરિયાની કમાન બશર અલ-અસદ પાસે છે.

ઇમેજ સ્રોત, Getty Images
2011માં શરૂ થયેલી અરબ સ્પ્રિંગ પછી બશર અલ-અસદ માટે મુશ્કેલીઓ વધી ગઈ. અસદ પર પણ સત્તામાંથી બહાર જવા માટે દબાણ હતું. અમેરિકા તેનું ખુલ્લેઆમ સમર્થન કરતું હતું, પરંતુ એવું ન થયું.
સીરિયામાં ચાલી રહેલા સંઘર્ષના ઉકેલ માટે 2013માં જીનીવા-2 કૉન્ફરન્સ યોજાઈ હતી. રશિયાએ આમાં ભારતની ભૂમિકાની પણ વાત કરી હતી.
ભારતના તત્કાલીન વિદેશમંત્રી સલમાન ખુર્શીદ આ કૉન્ફરન્સમાં હાજર રહ્યા હતા. સલમાન ખુર્શીદે આ કૉન્ફરન્સમાં ભારતનું સ્ટેન્ડ રશિયા અને ચીનની લાઇન પર રાખ્યું હતું.
જીનીવામાં ખુર્શીદે કહ્યું હતું કે, સીરિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતના હિત દાવ પર લાગ્યા છે. પશ્ચિમ એશિયા અને ખાડી દેશો સાથે ભારતનો ઐતિહાસિક સંબંધ છે. સીરિયા અને આ ક્ષેત્ર સાથેનો આપણો વ્યાપાર, આ વિસ્તારોમાં રહેતા ભારતીયોની કમાણી, ઊર્જા અને સુરક્ષા સાથે સીધું જોડાણ છે. અહીં કોઈ પણ પ્રકારનો સંઘર્ષ આપણા હિતને મોટા પાયા પર અસર કરે છે.
2003માં અટલ બિહારી વાજપેયીની સીરિયાની મુલાકાત દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયના તત્કાલીન પ્રવક્તા નવતેજ સરનાએ સીરિયા ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આરબ વિશ્વ અને ખાસ કરીને સીરિયા સાથે ભારતના ખૂબ જ મજબૂત સંબંધો છે.
તેમણે કહ્યું હતું કે વાજપેયીની સીરિયાની મુલાકાત દર્શાવે છે કે આ દેશ ભારત માટે કેટલું મહત્ત્વ ધરાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
સરનાને પૂછવામાં આવ્યું કે શું ઇઝરાયેલ સાથે વધતા સુરક્ષા સંબંધોને કારણે સીરિયાને લઈને ભારતનું વલણ સ્પષ્ટ નથી?
જવાબમાં સરનાએ કહ્યું હતું કે પ્રેસમાં આવી વાતો ચાલે છે, પરંતુ વાસ્તવમાં સીરિયાને લઈને કોઈ મૂંઝવણ નથી.
ત્યારે પાંચજન્યના તત્કાલીન સંપાદક તરુણ વિજય પણ અટલ બિહારી વાજપેયી સાથે ગયા હતા.
તેમણે સીરિયા ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "આ મારી સીરિયાની પ્રથમ મુલાકાત છે. સીરિયા આરબ વિશ્વનો એક મુસ્લિમ દેશ છે. મને હતું કે તે ખૂબ જ રૂઢિચુસ્ત દેશ હશે. પણ જ્યારે હું અહીં આવ્યો ત્યારે મારી ધારણા સાવ ખોટી સાબિત થઈ. સીરિયામાં ચિત્ર સંપૂર્ણપણે અલગ છે. અહીં મહિલાઓ સાથે બિલકુલ ભેદભાવ નથી."
"હકીકતમાં ઘણા મામલાઓમાં અહીંની મહિલાઓ પુરુષો કરતાં પણ આગળ છે. અહીંના લોકોનું વર્તન ભારતીયો પ્રત્યે મૈત્રીપૂર્ણ છે. અહીંના લોકો ભારતીયોને પ્રેમથી મળે છે."
તરુણ વિજયે કહ્યું હતું કે, "સીરિયામાં પારિવારિક મૂલ્યોનું પણ સન્માન કરવામાં આવે છે. સીરિયામાં બશર અલ-અસદનું શાસન ધર્મનિરપેક્ષ છે અને આ દૃષ્ટિએ આરબ જગતમાં તેમનું મોટું યોગદાન છે. હું સીરિયામાં ઘણી જગ્યાએ ગયો. મેં જોયું કે ત્યાંનાં શહેરો અન્ય ઘણાં ભારતીય શહેરો કરતાં વધુ પ્રગતિશીલ અને આધુનિક છે."
તરુણ વિજયે કહ્યું હતું કે, "હું ઉમય્યાદ મસ્જિદ પણ ગયો હતો. હું હિંદુ છું પણ લોકોએ મારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. મેં જોયું કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ ખુશીથી સાથે રહે છે. કોઈ પણ ધર્મ પ્રત્યે કોઈ ભેદભાવ નથી. સીરિયાના લોકો ખૂબ સંસ્કારી અને આકર્ષક છે."














