નેપાળના યુવાનો રશિયાની સેનામાં કેમ ભરતી થઈ રહ્યા છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, સ્વેચ્છા રાઉત
    • પદ, બીબીસી નેપાળી સેવા

રમેશ (નામ બદલ્યું છે) નેપાળથી સ્ટુડન્ટ વિઝા પર રશિયા આવ્યા હતા. તેઓ એક બહેતર જિંદગીની શોધમાં હતા.

નેપાળમાં ઘણી ગરીબીમાં જીવી રહેલા રમેશ કોઈ પણ રીતે ગરીબીથી પીછો છોડાવવા માગતા હતા.

પરંતુ રશિયામાં પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમની પરેશાનીઓ ઓછી નહીં થઈ હતી.

તેઓ ક્યાં તો નેપાળ પરત જતા રહેતા અથવા કોઈ મામૂલી નોકરીમાં લાગી ગયા હોત અથવા રશિયામાં સારું કામ શોધી લીધું હોત. પરંતુ એ એટલું સરળ નહોતું.

રમેશે બીબીસી નેપાળી સાથે ઑનલાઇન વાતચીતમાં જણાવ્યું, “મારી જેમ રશિયા આવનારા એ દરેક વિદ્યાર્થી પરેશાનીમાં હતા. તેમને સારી નોકરી નહોતી મળી રહી.”

ગ્રે લાઇન

ટિકટૉક વીડિયોમાં બતાવી રહ્યા છે રશિયાની સેનામાં ભરતી થવાની રીત

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અહીં રમેશ અને નેપાળથી રશિયા આવેલા તેમના કેટલાક મિત્રો એ દુવિધાનો સામનો કરી રહ્યા હતા તો, બીજી તરફ યુક્રેન વિરુદ્ધ રશિયાએ યુદ્ધનું એલાન કરી દીધું.

યુક્રેન યુદ્ધમાં રશિયાની સેનાને પણ નુકસાન થયું છે. શરૂઆતી યુદ્ધમાં હજારો રશિયન સૈનિકોનાં મોત થયાં. એ જોતા રાષ્ટ્રપતિ પુતિને નિયમોમાં બદલાવ કર્યો જેથી વિદેશીઓ માટે રશિયાની સેનામાં સામેલ થવું સરળ અને આકર્ષક થાય.

સારું એવું વેતનથી લઈને રશિયન નાગરિક બનવાની પ્રક્રિયા સરળ બનાવવા સુધી, કેટલાય નિયમો લાવવામાં આવ્યા, જેથી વિદેશી નાગરિકોને સેનામાં સામેલ કરવું સરળ થઈ જાય.

પોતાની સેનાને મજબૂત કરવા માટે રશિયા બહારના લોકોનું દિલ ખોલીને સ્વાગત કરી રહ્યું છે.

રમેશ કહે છે કે તેમણે રશિયાની સેનામાં સામેલ થવા માટેની આ શાનદાર તક ઝડપી લીધી.

તેમણે કહ્યું કે તેઓ લેખિત પરીક્ષા અને મેડિકલ પરીક્ષણ પછી રશિયાની સેના માટે પસંદ થઈ ગયા. એ માટે તેમણે કહ્યું કે એક લાખ નેપાળી રૂપિયા ખર્ચ કર્યા. જોકે તેમણે એ નહીં જણાવ્યું કે આ પૈસા તેમણે કોને આપ્યા શા માટે આપ્યા.

તેમણે કહ્યું કે ભરતીનું કામ ભરોસા પર થાય છે. રમેશે પોતાના ટિકટૉક એકાઉન્ટ પર રશિયાની સેનામાં ભરતી થવાની ખબર ફેલાવી દીધી.

પોતાના કેટલાય વીડિયોમાં તેમણે જણાવ્યું કે તેમના માટે આ કેટલો મુશ્કેલ નિર્ણય હતો.

એક વીડિયોમાં તેમણે મૅસેજ લખ્યો, “એક સૈનિકનું કામ છે, કરો અથવા મરો. જો તમે આ કરવા માગતા હોવ તો સેનામાં ભરતી થઈ જાવ.”

‘માહિતીથી’ ભરેલા એક વીડિયોમાં તેમણે કહ્યું, “અહીં ઘણા પડકારો છે. પરિસ્થિતિ જેવી હોવી જોઈએ એવી નથી. મારું માનવું છે કે આ જિંદગીનો એક મુશ્કેલ સમય છે, કેમ કે દેશ હાલ યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યો છે.”

ગ્રે લાઇન

રશિયાની સેનામાં ભરતી થવા માટે ‘કાઉન્સેલિંગ સર્વિસ’

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

છેલ્લે જ્યારે બીબીસીએ રમેશનો સંપર્ક કર્યો હતો ત્યારે તેમની પાસે જરાય સમય નહોતો.

તેમણે જણાવ્યું કે તાલીમ માટે તેમને બેલારુસ લઈ જવાઈ રહ્યા છે. ત્યાર બાદ બીબીસી તેમનો સંપર્ક કરવામાં સફળ ન રહી શક્યું.

રાજ પણ એક વિદ્યાર્થી છે જેઓ ઉચ્ચ શિક્ષણ માટે રશિયા પહોંચ્યા હતા. પરંતુ જ્યારે રશિયાએ એપ્રિલ 2022માં પોતાની સેનામાં વિદેશીઓની ભરતી કરવાની જાહેરાત કરી છે, તો જે નેપાળીઓ રશિયન ભાષા એકદમ ઓછી જાણે છે તેમણે તેમને મદદ માટે ફોન કરવાની શરૂઆત કરી. તેઓ તેમની પાસે રશિયન ભાષામાં મળી રહેલા ફૉર્મ ભરવા માટે મદદ માગી રહ્યા હતા.

રાજે બીબીસી નેપાળીને જણાવ્યું, “મેં મારા ઘણા પરિચિત નેપાળીઓને ફૉર્મ ભરવામાં મદદ કરી. આ લોકો હવે અન્ય લોકોને મારો નંબર આપી રહ્યા છે જેઓ રશિયાની સેનામાં ભરતી થવા માગે છે.”

રાજ નેપાળમાં અભ્યાસ માટે રશિયા જવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરતા હતા. હવે નેપાળના કેટલાક પૂર્વ સૈનિક અને વિદ્યાર્થીઓ તેમના પાસે સેનામાં ભરતી થવા માટે મદદ માગી રહ્યા છે.

રાજને દિવસમાં એક વાર 40-50 ફોન આવે છે. તેમને લોકો એ જ પૂછે છે કે રશિયાની સેનામાં કેવી રીતે ભરતી થઈ શકાય છે. રશિયાની સેનામાં ભરતી થવાનો વીડિયો પોસ્ટ કરનારાઓમાં કેટલાક નેપાળી યુવકોએ જ બીબીસીને રાજનું ઠેકાણું જણાવ્યું હતું.

રાજ કહે છે કે તેમને એ માલૂમ નથી કે નેપાળીઓ માટે રશિયાની સેનામાં ભરતી થવું ગેરકાનૂની છે કે નહીં. તેઓ કહે છે કે પોતાની સલાહ માટે તેઓ કોઈ પૈસા નથી લેતા. પરંતુ તેમની સેવા લેનારા કેટલાક નેપાળીઓ દાવો કરે છે કે રાજને 10 હજાર નેપાળી રૂપિયા આપ્યા હતા.

ગ્રે લાઇન

નેપાળ સરકારના નિયમો શું કહે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

નેપાળ સરકારે પશ્ચિમી દેશની જેમ યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરી છે. પરંતુ તેનું કહેવું છે કે તેમને એ વાતની ખબર નથી કે તેમના નાગરિકો રશિયાની સેનામાં ભરતી થઈ રહ્યા છે.

નેપાળના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સેવા લામસાલે બીબીસી નેપાળીને કહ્યું, “આ અમારી નીતિ સાથે મેળ નથી ખાતું.”

નેપાળ, ભારત અને બ્રિટન વચ્ચે 1947માં એક ત્રિપક્ષીય સંધિ થઈ હતી. તેના હેઠળ નેપાળી નાગરિક વિદેશી સેનામાં ભરતી થઈ શકે છે. આ સંધિમાં સ્પષ્ટ લખ્યું છે કે નેપાળી નાગરિક ભારત અને બ્રિટનની સેનામાં ભરતી કરવામાં આવશે.

તેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સેનામાં સામેલ થનારા નેપાળીના નાગરિકને ‘ભાડાના સૈનિક’ નહીં ગણવામાં આવે.

આ સંધિ માત્ર ભારત અને બ્રિટન સાથે થઈ હતી. કોઈ અન્ય દેશની સેનામાં નેપાળીઓને ભરતી કરવા માટે આવી કોઈ નીતિ નથી.

બીબીસી નેપાળીએ આ મામલે વાત કરવા માચે રશિયામાં નેપાળના રાજદૂત મિલનરાજ તુલાધારનો સંપર્ક કર્યો.

તુલાધારે જણાવ્યું, “જો નેપાળી નાગરિક રશિયામાં ભણવા અથવા ફરવા આવે છે, તેઓ કોઈ બીજું કામ નથી કરી શકતા. નેપાળના નાગરિકો માત્ર ભારત અને બ્રિટનની સેનામાં ભરતી થઈ શકે છે. આ ત્રણેય દેશોની સંધિના કારણે છે. રશિયા સાથે નેપાળની આવી કોઈ સંધિ નથી.”

તેમણે કહ્યું કે રશિયાની સેનામાં ભરતી થનારા નેપાળી લોકો ટિકટૉક પર જે વીડિયો અપલોડ કરી રહ્યા છે તેમની ઓળખની પુષ્ટિ નથી થઈ શકતી.

ગ્રે લાઇન

બીબીસીની તપાસમાં શું મળ્યું?

રશિયન સેનામાં ભરતીના દસ્તાવેજી પુરાવા
ઇમેજ કૅપ્શન, રશિયન સેનામાં ભરતીના દસ્તાવેજી પુરાવા

જોકે બીબીસીએ આ પ્રકારના કેટલાક વીડિયોની તપાસ કરી છે અને જાણ્યું કે આ એવા વિસ્તારોથી પોસ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં રશિયાના મિલિટરી કૅમ્પ છે.

કેટલાંક એકાઉન્ટથી પોસ્ટ કરાયેલા દસ્તાવેજોને બીબીસીની રશિયાન સર્વિસે વેરિફાઇ કર્યા છે. બીબીસી રશિયાન સેવાના પત્રકાર આંદ્રે કોઝેન્કોએ ઓછામાં ઓછા આવા બે એકાઉન્ટની ચકાસણી કરી, જેનાથી રશિયાની સેનાએ દસ્તાવેજો પર તસવીરો પોસ્ટ કરી છે.

કોઝેન્કો કહે છે, “અમારી પાસે ઉપલબ્ધ બંને દસ્તાવેજો દર્શાવે છે કે જે બે લોકોએ આ દસ્તાવેજો પોસ્ટ કર્યા છે, તેઓ રશિયાની સેનામાં કામ કરી રહ્યા છે.”

તેમાં એ લોકોનાં મિલિટરી રૅન્ક, પૂરું નામ અને માતાપિતાનાં નામ સામેલ છે. તેમાં એ મિલિટરી યુનિટોનો પણ ઉલ્લેખ છે, જ્યાં તેઓ કામ કરી રહ્યા છે.

આ મામલે વાત કરવા માટે બીબીસીએ રશિયાના રક્ષા અને વિદેશ મંત્રાલયનો ઇમેલ મારફતે સંપર્ક કર્યો.

એ સાથે જ નેપાળમાં રશિયન દૂતાવાસનો પણ સંપર્ક કર્યો. જોકે આ અહેવાલ પ્રકાશિત થયો ત્યાં સુધી હજુ કોઈ જવાબ નથી આવ્યો.

ગ્રે લાઇન

નેપાળી યુવક રશિયાની સેનામાં ભરતી કેમ થઈ રહ્યા છે?

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

નિષ્ણાતોનું કહેવું છે કે નેપાળમાં સારી તકોની કમી છે. આ જ કારણ છે કે નેપાળમાં યુવાનો વિદેશી સેનામાં ભરતી થવા માટે મજબૂર થઈ રહ્યા છે.

ત્રિભુવન યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી ટીકારામ ગૌતમ કહે છે, “નેપાળના લોકો ભલે કામ કરવા અથવા ફરવા માટે વિદેશ જાય પરંતુ તેમનો અસલી હેતુ ત્યાં જઈને કામ કરવાનો અને પૈસા કમાવવાનો છે. બની શકે કે નેપાળી યુવાનો એ માટે રશિયાની સેના તરફે આકર્ષિત થયા છે કે જે પૈસા તેઓ ત્યાં કેટલાક મહિનાઓમાં મેળવશે તે કમાતા તેમને નેપાળમાં વરસો લાગી શકે છે.”

નેપાળ સરકારના આંકડા દર્શાવે છે કે યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ અલગ-અલગ હેતુસર 1729 નેપાળી નાગરિકો રશિયા ગયા છે.

નેપાળ સરકારના ઇમિગ્રેશન વિભાગના આંકડા અનુસાર અભ્યાસ માટે 749 નેપાળી રશિયા ગયા છે, જ્યારે રોજગાર માટે 356 લોકો ગયા છે.

રાજની મદદથી જે નેપાળી સેનામાં ભરતી થયા હતા, તેમની સાથે અમે વાત કરી. તેમણે એ જ વાત જણાવી જે રાજે જણાવી.

રશિયાની સેનામાં કામ કરવાનો દાવો કરતા ટિકટૉક વીડિયો પોસ્ટ કરાનારા એક વ્યક્તિએ બીબીસી નેપાળી સેવાને કહ્યું, “અમે અહીં પૈસા માટે આવ્યા છીએ, જે કમાણી અમે અહીં કરી શકીએ છે, તે નેપાળમાં ન કરી શક્યા હોત. અન્ય દેશોમાં આટલી કમાણી નહીં થાય. કોઈ પણ એવી વ્યક્તિ જેમને હૃદયની બીમારી હોય તેઓ અહીં આવી શકે છે.”

એક અન્ય યુવકે કહ્યું, “જો અમે પોતાના જીવની પરવાહ કરીને નેપાળ પરત જઈએ તો ત્યાં અમને શું કામ મળશે.”

ગ્રે લાઇન

નેપાળીઓને રશિયામાં કેટલું વેતન મળી રહ્યું છે?

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

રશિયાની સરકાર એ લોકોને વધુ વેતન આપવાનો વાયદો કરે છે જેઓ યુક્રેનમાં તેમના માટે લડશે. રાજે જણાવ્યું કે તાલીમ દરમિયાન નેપાળીઓને 60 હજાર નેપાળી રૂપિયા બરાબર વેતન મળે છે.

રશિયાના મિલિટરી કૅમ્પમાં તાલીમ લઈ રહેલા એક વ્યક્તિએ જણાવ્યું કે તેમના કરારમાં લખવામાં આવ્યું છે કે, “તાલીમ દરમિયાન તેમને દર મહિને 1.95 લાખ રૂબલ મળશે”

રાજે જણાવ્યું, “આ વેતન 3 લાખ નેપાળી રૂપિયા બરાબર છે. કરારમાં એવું પણ કહેવાયું છે કે એક વર્ષ પૂર્ણ થવા પર સૈનિકોને રશિયાનો પાસપૉર્ટ મળશે અને ત્યાર બાદ તેઓ પોતાના પરિવારના સભ્યોને રશિયા પણ લાવી શકશે.”

(આ સ્ટોરીમાં રશિયા ગયેલા નેપાળી લોકોની સુરક્ષાને ધ્યાને લઈને તેમની તસવીરો અને ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.)

રેડ લાઇન
રેડ લાઇન