રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ પીએમ મોદીની આ પહેલી મૉસ્કો યાત્રા કેટલી મહત્ત્વની?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઉપાસના ભટ્ટ
- પદ, બીબીસી મોનિટરિંગ
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મૉસ્કોની મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ 8-9 જુલાઈએ રશિયામાં રહેશે.
ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ આ તેમની પહેલી રશિયાની યાત્રા છે.
તેમજ સતત ત્રીજી વાર વડા પ્રધાન બન્યા બાદ પણ તેઓ રશિયાની પહેલી દ્વિપક્ષીય યાત્રા પર છે.
પશ્ચિમ દેશોના દબાણ છતાં યુક્રેન હુમલા મુદ્દે ભારતે પોતાના જૂના સહયોગી રશિયાની ખૂલીને ટીકા નથી કરી. જોકે સંઘર્ષ ખતમ કરવાનું સતત આહવાન કર્યું છે.
ભારતીય મીડિયા અને ટીકાકારો ભાર આપે છે કે આ મુલાકાતનો હેતુ મૉસ્કો અને બેઇજિંગ વચ્ચે વધતી નીકટતા દરમિયાન રશિયા સાથે દિલ્હીના સંબંધોને મહત્ત્વને દર્શાવવું અને પશ્ચિમ સાથેના સંબંધોને સંતુલિત કરવાના પ્રયાસ કરવાનો છે.
રશિયન અખબારોએ કહ્યું કે આ મુલાકાત દર્શાવે છે કે ભારતે “મૉસ્કોને અલગ પાડવાની પશ્ચિમી પ્રયત્નો”ને નકારી દીધા છે.
આ યાત્રા કેટલી મહત્ત્વની?

ઇમેજ સ્રોત, Getty Images
સતત ત્રીજી વાર વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ પહેલી દ્વિપક્ષીય યાત્રા છે. ગત મહિને તેઓ જી7 શિખર સંમેલનના આઉટરિચ સત્રમાં ભાગ લેવા માટે ઇટાલી ગયા હતા.
પોતાના પહેલા બંને કાર્યકાળમાં મોદીએ ચૂંટણીમાં જીત બાદ તેમની પ્રથમ વિદેશી યાત્રા માટે પડોશી દેશો પર પસંદગી ઉતારી હતી, પરંતુ એ યાત્રા વર્તમાન ભૂરાજકીય વાસ્તવિકતાઓનું પ્રતિબિંધ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મીડિયા રિપોર્ટ કહે છે કે બંને દેશો વચ્ચે શિખર સંમેલન 2021 બાદ આયોજિત થયું નથી.
સપ્ટેમ્બર 2022માં ઉઝબેકિસ્તાનમાં થયેલા શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (એસસીઓ) શિખર સંમેલન દરમિયાન મોદીએ દુનિયામાં "કૂટનીતિ અને સંવાદ"ના મહત્ત્વ પર ભાર આપતા પુતિનને કહ્યું હતું કે "આ યુદ્ધનો યુગ નથી."
ભારતીય વડા પ્રધાને ભારત-રશિયાના સંબંધોને "અતૂટ મૈત્રી" ગણાવ્યા હતા.
જ્યારથી યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારત મૉસ્કો સાથે પોતાના સંબંધો મુદ્દે પશ્ચિમના દબાણ સામે ઝૂક્યું નથી અને ઘરેલુ હિતોનો હવાલો આપીને સસ્તાદરે રશિયા પાસેથી ઑઇલ ખરીદી રહ્યું છે.
મોદીએ છેલ્લે 2019માં વ્લાદિવોસ્તોકમાં ઇસ્ટર્ન ઇકૉનૉમિક ફોરમમાં ભાગ લેવા માટે રશિયાની યાત્રા કરી હતી.
ઍજન્ડામાં શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બે જુલાઈએ ક્રેમલિને કહ્યું હતું કે "યાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં" છે, જ્યારે 28 જૂને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઉલ્લેખ કર્યો હતો કે "આગામી દ્વિપક્ષીય શિખર સંમેલનની તૈયારીઓ ચાલી રહી છે."
ક્રેમલિન પ્રવક્તા દમિત્રી પેસ્કોવે આ મુલાકાતને "બહુ મહત્ત્વની" ગણાવી છે અને કહ્યું કે બંને નેતાઓ સ્થાનિક, વૈશ્વિક સુરક્ષા, દ્વિપક્ષીય સંબંધો અને વેપાર પર ચર્ચા કરશે.
મીડિયામાં ભારત સરકારનાં સૂત્રોના હવાલાથી કહેવાયું કે વાતચીતમાં ડિફેન્સ, ઑઇલ અને ગૅસ મુખ્ય ઍજન્ડામાં હશે.
ન્યૂઝ રિપોર્ટ અનુસાર, દશકો સુધી ભારત રક્ષા ઉપકરણો માટે રશિયા પર બહુ વધારે નિર્ભર રહ્યું છે અને તે નહીં ઇચ્છે કે રશિયા ચીન તરફ વધારે ઢળે.
અસરકારક અખબાર 'ધ હિન્દુ'એ લખ્યું કે યુક્રેન યુદ્ધ, વેપાર, રશિયા પર પ્રતિબંધોને કારણે ચુકવણીના મુદ્દાને હલ કરવો, રક્ષા હાર્ડવેરની આપૂર્તિ, પ્રસ્તાવિક ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક મેરિટાઇમ કૉરિડૉરમાં રોકાણ અને મુખ્ય મિલિટરી લૉજિસ્ટિક ઍગ્રિમૅન્ટ પર વાતચીત થાય તેવી શક્યતા છે.
યુક્રેન યુદ્ધમાં રશિયા તરફથી લડી રહેલા ભારતીયોનો સંવેદનશીલ મુદ્દો પણ વાતચીતમાં સામેલ થાય તેવી શક્યતા છે.
ભારતે રશિયાની સેનામાં આ રીતની ભરતીઓને રોકવાની સતત માગ કરી છે. તેનું કહેવું છે કે "આ રીતની ગતિવિધિઓ આપણી ભાગીદારીને અનુરૂપ નહીં હોય."
ભારતીય મીડિયામાં શું કહેવાઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય મીડિયા અને વિશ્લેષકો કહે છે કે મોદીની રશિયાની યાત્રા મૉસ્કોના બીજિંગ તરફ વધતા ઝુકાવને સંતુલિત કરવાની છે.
રશિયામાં ભારતના પૂર્વ રાજદૂત વેંકટેશ વર્માએ ધ હિન્દુને કહ્યું કે "કોવિડને કારણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં ઝડપથી આવી રહેલા ફેરફારો દરમિયાન બાધિત નિયમિત શિખર સંમેલનમાં હવે એ જરૂરી થઈ ગયું હતું કે બંને પક્ષો આંતરિક સંબંધોમાં કડવાશની આંતરરાષ્ટ્રીય જગતની ધારણાને ખોટી સાબિત કરે. જોકે બંને પક્ષો વચ્ચે રણનીતિક ભાગીદારીને ફરીથી રિચાર્જ કરવું પણ જરૂરી હતું."
ત્રણ જુલાઈએ ફર્સ્ટપોસ્ટ વેબસાઇટના એક લેખમાં કહેવાયું કે "રશિયા અને અમેરિકા વચ્ચે બગડતા સંબંધો અને મૉસ્કોની ચીન તરફે વધતી નિર્ભરતાના સમયમાં મોદીની યાત્રાનો સમય મહત્ત્વનો છે."
હિન્દી અખબાર નવભારત ટાઇમ્સમાં 30 જૂને છપાયેલા એક લેખમાં કહેવાયું કે મોદી જાણે છે કે પશ્ચિમ આ યાત્રાને બારીકીથી જોઈ રહ્યું છે, આથી તેમણે "સંતુલન સાધવા માટે આ યાત્રાને એક દિવસ સુધી જ સીમિત કરી દીધી છે."
લેખમાં આગળ કહેવાયું કે "આ યાત્રાની શીખ છે કે ભારત હજુ પણ મધ્યમ માર્ગ અપનાવવા માટે તૈયાર છે અને કોઈના દબાણ કે કોઈ કૅમ્પમાં સામેલ થવાનું નથી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે વૉશિંગ્ટન અને મૉસ્કો બંને સાથે વાત કરશે."

રશિયન મીડિયામાં શું ચર્ચા થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
રશિયન અખબારોએ કહ્યું કે પોતાના ત્રીજા કાર્યકાળમાં પ્રથમ દ્વિપક્ષીય યાત્રા માટે મૉસ્કોની પસંદગી ભારતની "રણનીતિક સ્વાયત્તતા"ને દર્શાવે છે.
એક ખાનગી અખબાર નેવાવિસિમાયા ગૅઝેટાએ કહ્યું, "રશિયાને અલગ કરવાના પશ્ચિમના પ્રયત્નોને ભારતે ફગાવી દીધા છે."
તેમાં રાજકીય વિશ્લેષક ઍલેક્સેઈ કુપ્રિયાનોવના હવાલાથી કહેવાયું કે રશિયા અને ભારત વચ્ચે વેપારી અસહમતિઓ છે, પરંતુ તેના વચ્ચે કોઈ રાજકીય વિવાદ નથી."
કુપ્રિયાનોવે આગામી યાત્રાને "મોટી સફળતા" ગણાવી છે.
વેદોમોસ્તી બિઝનેસ ડેલીએ લખ્યું કે યુક્રેન યુદ્ધ ભારત માટે હાનિકારક છે અને તેના પર વાતચીત થવાની શક્યતા છે. પરંતુ તેમાં અનુમાન લગાવાયું કે બંને નેતાઓ વચ્ચે સૈન્ય તકનીકી સહયોગ, ભારતને થનારી રશિયન હાઇડ્રોકાર્બનની આપૂર્તિ અને "વૈશ્વિક રાજનીતિક અને આર્થિક સંરચનાઓમાં સુધારો" પર ખાસ વાતચીત થશે.
એક અન્ય પ્રભાવશાળી બિઝનેસ ડેલી કોમેરસૅન્ટે લખ્યું કે પુતિનને મળીને મોદી "ભારતની રણનીતિક સ્વાયત્તતા" અને "બિનપશ્ચિમી દુનિયાના નેતા"ની પોતાની મહત્ત્વાકાંક્ષાને દર્શાવે છે.
દક્ષિણપંથી રશિયન મીડિયા અને વિશ્લેષકે આ યાત્રાને અમેરિકન કૂટનીતિની અસફળતા ગણાવી છે.
દક્ષિણપંથી ટારગ્રૅડ ટીવી ચેનલે આ યાત્રાને 'સોનામાં સુગંધ', 'અમેરિકનોને રશિયાનો અંતિમ ઝટકો' ગણાવીને તેને ગ્લોબલ સાઉથના દેશોનો અમેરિકાની જગ્યાએ રશિયા તરફી ઝુકાવ ગણાવી છે.
પ્રખ્યાત બ્લૉગર યુરી પોદોલ્યાકાએ એક ટેલિગ્રામ પોસ્ટમાં લખ્યું કે મોદી દર્શાવવા માગે છે કે રશિયાની જેમ તેમનો દેશ વૈશ્વિક "શક્તિ પર અમેરિકાના એકાધિકારની વિરુદ્ધ" છે, આ પોસ્ટને 15 લાખ વ્યૂઝ મળ્યા છે.
(સૅન્ડ્રો ગ્વિંડાડઝેના વધારાના ઇનપૂટ સાથે)












