ફ્રાન્સ: ચૂંટણીપરિણામોથી જમણેરી રાજકારણનો પ્રભાવ વધ્યો, યુરોપ અને દુનિયા પર શું અસર થશે?

જમણેરી વિચારધારાનાં ફ્રાન્સનાં નેતા મરીન લે પેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જમણેરી વિચારધારાનાં ફ્રાન્સનાં નેતા મરીન લે પેન
    • લેેખક, કાત્યા ઍડલર
    • પદ, યુરોપ ઍડિટર

ગત અઠવાડિયે ફ્રાન્સમાં સંસદીય ચૂંટણી માટેના મતદાનના પહેલા તબક્કા બાદ યુરોપમાં સમાચારોની હૅડલાઇનથી લઈને, બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયન અને સરકારી કાર્યાલયોમાં દેશમાં થયેલા નવા જમણેરી વિચારધારાના ઉદયની ચર્ચા વ્યાપક સ્વરૂપે જોવા મળી.

ફ્રાન્સમાં મરીન લે પેનની પાર્ટી- નેશનલ રેલીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, તેમને પણ બહુમતી મળી નથી.

અત્યાર સુધીનાં પરિણામોમાં કોઈ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી નથી અને ત્રિશંકુ સંસદના આસાર છે.

ડાબેરી પક્ષ ન્યૂ પૉપ્યુલર ફ્રન્ટને 182 બેઠકો, મધ્યમમાર્ગી ઍનસેમ્બલ ગઠબંધનને 168 તથા જમણેરી પક્ષ નેશનલ રેલી અને તેના ગઠબંધનને 143 બેઠકો મળી છે.

ફ્રાન્સમાં મધ્યમમાર્ગી અને ડાબેરી પક્ષોએ રવિવારે થયેલા નિર્ણાયક બીજા તબક્કાના મતદાન પહેલાં એક-બીજાના દાવેદારોને મજબૂત કરવા માટે રણનીતિપૂર્વક પોતાના ઉમેદવારોનાં નામ પાછાં ખેંચી લીધાં હતાં.

બીબીસી ગુજરાતી

જાણકારોનું માનવું છે કે ફ્રાન્સની ચૂંટણીની અસર સમગ્ર દુનિયા પર પડી શકે છે. નેશનલ રેલી પાર્ટીને બહુમતી મળે કે ન મળે, ટેકનૉલૉજીપ્રેમી જૉર્ડન બાર્ડેલા ફ્રાન્સના નવા વડા પ્રધાન બને કે ન બને, આ અસર સમગ્ર દુનિયા પર પડશે.

નેશનલ રેલીને કોઈ બીજા પક્ષ કરતાં વધુ બેઠકો મળી શકે તેવું અનુમાન છે. તેનો મતલબ એ પણ થાય છે કે યુરોપિયન યુનિયનનાં મુખ્ય દેશ ગણાતાં ફ્રાન્સમાં દાયકાઓથી ચાલી આવતી પરંપરા પણ તૂટી શકે છે.

જમણેરી રાજકારણ જ્યારે હાંસિયામાં ધકેલાઈ ગયું

યુરોપિયન યુનિયનનો જન્મ દ્વિતીય વિશ્વયુદ્ધની વિભીષિકા બાદ થયો હતો. તેને મુખ્યત્વે એક ‘પીસ પ્રોજેક્ટ’ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધમાં એકબીજાના દુશ્મન દેશો ગણાતાં ફ્રાન્સ અને જર્મનીની પણ તેમાં મહત્ત્વની ભૂમિકા હતી.

ત્યારબાદ જમણેરી રાજકીય પક્ષોને યુરોપના રાજકારણમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા. ગત મહિને વિશ્વના નેતાઓએ ઉત્તર ફ્રાન્સમાં ડી-ડેના 80 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં મુલાકાત કરી હતી.

નૉર્મેન્ડીમાં મિત્રદેશોના આક્રમણે નાઝી જર્મનીને હરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ હવે જમણેરી અથવા તો લોકોને લોભામણી લાલચો આપનારા રાષ્ટ્રવાદી પક્ષો નેધરલૅન્ડ, ઇટાલી અને ફિનલૅન્ડ સહિત યુરોપિયન યુનિયનના અનેક દેશોમાં ગઠબંધન સરકારોનો ભાગ છે.

હવે પક્ષોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની

ફ્રાન્સ ચૂંટણી 2024, જમણેરી વિચારધારા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, આ જમણેરી પક્ષોની ઓળખ કરવામાં પણ હવે અનેક પડકારો છે. આ પક્ષોની નીતિઓમાં વારંવાર પરિવર્તન થતું રહે છે. તેમની નીતિઓ વારંવાર દેશ પ્રમાણે પણ બદલાતી રહે છે.

આ નીતિઓનું સામાન્યીકરણ પણ નવી વાત નથી. પૂર્વ ઇટાલિયન વડા પ્રધાન અને મધ્યમમાર્ગી-જમણેરી રાજનીતિજ્ઞ સિલ્વિયો બર્લુસ્કોની આમ કરનારા યુરોપિયન યુનિયનના પહેલા નેતા હતા.

1994માં તેમણે રાજકીય સમૂહ ‘મોવિમૅન્ટો સોશલ ઇતાલિયનો’ સાથે મળીને સરકાર બનાવી હતી. છ વર્ષ પછી, ઑસ્ટ્રિયાના રૂઢિવાદીઓએ જમણેરી ફ્રીડમ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું.

આ ગઠબંધનથી યુરોપિયન યુનિયન એટલું નારાજ થયું હતું કે તેણે કેટલાય મહિનાઓ સુધી ઑસ્ટ્રિયા સાથે દ્વિપક્ષીય સંપર્કોને પણ તોડી નાખ્યાં હતાં.

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી રાજકીય માહોલ પ્રમાણે મુખ્યધારાના પક્ષોને ચૂંટણી સમયે એક અવરોધક તરીકે કામ કરવું પડતું હતું, જેથી કરીને અતિવાદીઓ સરકાર ન બનાવી શકે.

ફ્રાન્સમાં આ રાજકીય પ્રથાને ‘કૉર્ડન સૅનેટિયર’ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રથા ફ્રાન્સના લોકોની પ્રબળ રાજકીય ભાવનાઓને પણ દર્શાવે છે.

વર્ષ 2002ની ચૂંટણી

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2002ની ચૂંટણીમાં ફ્રાન્સના મતદાતાઓ જ્યારે મતદાન કેન્દ્રો પર મત આપવા માટે ગયા ત્યારે તેઓ પોતાના નાક પર કપડાંની પિન લગાવીને ગયાં હતાં. એવું તેમણે એટલા માટે કર્યું હતું કારણે કે તેઓ એ ઉમેદવારને મત આપવાના હતા જેનું તેઓ પૂર્ણ સમર્થન કરી રહ્યા ન હતા.

હકીકતમાં આ મતદાતાઓ જમણેરી પક્ષોને જીતવા દેવા માંગતા ન હતા. મરીન લે પેનના પિતા ઘણાં વર્ષોથી જમણેરી પક્ષોનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમના નેતૃત્વમાં નાઝી નેતૃત્વવાળી વેફેન એસએસ યુનિટના પૂર્વ ફ્રાન્સના સભ્યો પણ સામેલ હતા.

વર્ષ 2024માં ઝડપથી પ્રગતિ કરતાં મરીન લે પેને પોતાના પિતાની પાર્ટીનું નામ પણ બદલ્યું. પાર્ટીની છબીને વધુ સારી બનાવવાની તેમની એક દાયકાની મહત્ત્વાકાંક્ષા મહદંશે સફળ થઈ છે.

ફ્રાન્સના મધ્યમમાર્ગી-જમણેરી લૅસ રિપબ્લિકન્સના નેતાઓએ રવિવારે કેટલાંક ક્ષેત્રોમાં એકબીજાની પ્રતિસ્પર્ધા ન થાય તેના માટે નેશનલ રેલી સાથે એક કરાર કર્યો હતો.

બંને વચ્ચે થયેલા આ સમાધાન પછી જમણેરી વિચારધારાના પક્ષોને રાજકારણથી દૂર રાખવા માટે રચવામાં આવેલો સુરક્ષાઘેરો પણ તૂટી ગયો હતો. આ ફ્રાન્સમાં રાજકીય ભૂકંપનો પણ એક સંકેત છે.

મરીન પે લેન માટે એક મહત્ત્વની વાત એ છે કે જે લોકો હવે તેમનું સમર્થન કરે છે તેઓ હવે એ વાત સ્વીકારતાં શરમ નથી અનુભવતા. ફ્રાન્સમાં નેશનલ રેલીને અતિવાદી વિરોધી આંદોલન તરીકે જોવામાં નથી આવતી.

અનેક લોકો માટે આ પક્ષ વિશ્વસનીય રાજકીય પક્ષ તરીકે સામે આવ્યો છે. પછી ભલે તેના ટીકાકારો ગમે તે દાવો કરતા હોય.

અતિશય જમણેરી લોકો પર વધતો ભરોસો

ફ્રાન્સ ચૂંટણી 2024, જમણેરી વિચારધારા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મેક્રોં

ફાઇનાન્શિયલ ટાઇમ્સ અખબાર માટે ઇપ્સોસ પૉલ અનુસાર, "ફ્રાન્સના મતદાતાઓ પોતાની અર્થવ્યવસ્થા અને પબ્લિક ફંડને મૅનેજ કરવા માટે કોઈપણ પક્ષોના મુકાબલે નેશનલ રેલી પાર્ટી પર વધુ ભરોસો કરે છે. આ ભરોસો પણ તેઓ ત્યારે કરી રહ્યા છે જ્યારે આ પાર્ટી પાસે સરકાર ચલાવવા માટે જરૂરી અનુભવ પણ નથી."

જોકે, એવામાં એ સવાલ પણ ઊભો થાય છે કે જો પરંપરાગત રાજનેતાઓએ પોતાના મતદારોનું સારું ધ્યાન રાખ્યું હોત તો ઉદારવાદી લોકોમાં ફેલાયેલા આક્રોશ અને નિરાશા વચ્ચે યુરોપના લોકોને લોભાવનારાં નેતાઓની પકડ મજબૂત કરવાના અવસરો ન મળ્યા હોત?

મરીન પે લેન જેવા રાજનેતાઓને ફ્રાન્સમાં લોકોને લોભાવનારાં નેતા માનવામાં આવે છે. આ નેતાઓ સામાન્ય લોકોની વાત સાંભળવાનો, તેમના તરફથી બોલવાનો અને સરકાર સામે તેમનો બચાવ કરવાનો દાવો કરે છે.

ત્યાં સુધી કે ‘તેઓ’ અને ‘અમે’નો તર્ક પણ અતિશય કારગર નીવડી રહ્યો છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે મતદાતાઓ ચિંતિત છે અને સરકાર તેમને નજરઅંદાજ કરે છે.

તેનું ઉદાહરણ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને યુકેમાં લેબર પાર્ટીની જબરદસ્ત જીત તથા જર્મનીની વિવાદાસ્પદ પ્રવાસી વિરોધી એએફડી પાર્ટીની સફળતાઓમાં જોવા મળે છે.

રાષ્ટ્રપતિ મેક્રોં વિશે શું વિચારે છે ફ્રાન્સના લોકો?

ફ્રાન્સમાં ઘણા લોકો રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંને એક ભૂતપૂર્વ મરચન્ટ બૅન્કર છે, અભિમાની અને વિશેષાધિકારોથી ઘેરાયેલા નેતા તરીકે જુએ છે. તેમને પેરિસની બહાર રહેતા સામાન્ય લોકોની ચિંતાઓથી દૂર છે.

મેક્રોં વિશે એવો અભિપ્રાય પણ છે કે તેઓ એવા નેતા છે કે જેમણે રાષ્ટ્રીય પેન્શન વય મર્યાદા વધારીને અને પર્યાવરણીય ચિંતાને લઈને ઈંધણના ભાવમાં વધારો કરવાનો પ્રયાસ કરીને પહેલેથી મુશ્કેલ જીવનને વધુ મુશ્કેલ બનાવ્યું છે.

મેક્રોં માટે પણ ચિંતાજનક બાબત એ છે કે બેરોજગારીનો દર ઘટાડવામાં તેમની સફળતા, કૉવિડ રોગચાળા અને ઊર્જાસંકટની આર્થિક અસરોને ઘટાડવા માટે ખર્ચવામાં આવેલા અબજો યુરોને પણ લોકો ભૂલી ગયા છે.

જ્યારે નેશનલ રેલી પાર્ટીએ તેનું મોટા ભાગનું અભિયાન વધતી મોંઘવારી પર કેન્દ્રિત કર્યું છે. આ પાર્ટીએ ગેસ અને વીજળી પર ટૅક્સ ઘટાડવા અને ઓછી આવક ધરાવતા લોકો માટે લઘુતમ વેતન વધારવાનું વચન આપ્યું છે.

નેશનલ રેલી પાર્ટીના સમર્થકો શું કહે છે?

ફ્રાન્સ ચૂંટણી 2024, જમણેરી વિચારધારા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આવી ચૂંટણીની જાહેરાતો અને પ્રાથમિકતાઓ પછી નેશનલ રેલી પાર્ટીના સમર્થકો કહે છે કે હવે તેને અતિશય જમણેરી પાર્ટી કહેવી યોગ્ય નથી.

આની પાછળ તેઓ પક્ષની તરફેણમાં વધતા જનસમર્થનનો દાવો કરે છે અને કહે છે કે લે પેન જેવા વરિષ્ઠ નેતાના નેતૃત્વમાં પક્ષને તેના વંશીય મૂળોને કારણે કલંકિત ન કરવો જોઈએ.

ઇટાલીમાં પણ આ જ પ્રકારની દલીલો કરવામાં આવે છે. ઇટાલીનાં વડા પ્રધાન જ્યૉર્જિયા મેલોની પણ ફાંસીવાદી સરમુખત્યાર બેનિટો મુસોલિનીની પ્રશંસા કરતાં હતાં.

મેલોનીના ‘બ્રધર્સ ઑફ ઇટાલી’ પક્ષના મૂળ ફાંસીવાદ પછીના છે, પરંતુ તે હવે યુરોપિયન યુનિયનની સૌથી સ્થિર સરકારોમાંની એક સરકારનું નેતૃત્વ કરે છે.

મેલોનીએ તાજેતરમાં તેમની પાર્ટીની યુથ વિંગની બેઠકની પણ નિંદા કરી હતી. તે બેઠકમાં સભ્યોને ફાંસીવાદી સલામી આપતાં હોય તે રીતે ફિલ્માવવામાં આવ્યા હતા.

મેલોનીએ કહ્યું હતું કે 20મી સદીના અધિનાયકવાદી શાસનની યાદ માટે તેમની પાર્ટીમાં કોઈ જગ્યા નથી. જોકે, ટીકાકારોએ ઇટાલીના મીડિયાને પ્રભાવિત કરવાના મેલોનીના પ્રયાસો અને ઍલજીબીટીક્યૂના અધિકારો પરના તેમના વલણની પણ ટીકા કરી છે.

પરંતુ ઇમિગ્રન્ટ્સ અંગે મેલોનીની નક્કર યોજનાઓની પણ પ્રશંસા કરવામાં આવી છે. તેમની પ્રશંસા કરનારાઓમાં યુરોપિયન યુનિયન કમિશનનાં વડા ઉર્સુલા વોન ડેર લેયન અને ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકનો સમાવેશ થાય છે.

ફ્રાન્સ અને યુરોપમાં તેની શું અસર થશે?

ફ્રાન્સ ચૂંટણી 2024, જમણેરી વિચારધારા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સના વડા પ્રધાન ગેબ્રિયલ એટલ

યુરોપમાં પ્રવાસીઓનાં મુદ્દે અતિશય જમણેરી નેતાઓની નિવેદનબાજી અને પરંપરાગત મુખ્યપ્રવાહના રાજનેતાઓનાં નિવેદનો વચ્ચે અંતર કરવું મુશ્કેલ બની જાય છે.

મુખ્ય પ્રવાહનાં નેતાઓ પણ જાણીજોઈને મતદારોને લોભાવવાની કોશિશ કરવા માટે તેમનાં ભાષણોને આકાર આપે છે. ડૅનમાર્કના પૂર્વ વડા પ્રધાન માર્ક રુટે અને પોતે ઇમેન્યુઅલ મેક્રોં પણ લે પેનની લોકપ્રિયતા પછી આમ કરવા લાગ્યા છે.

જોકે, એક મુશ્કેલી એ પણ છે કે મુખ્ય પ્રવાહના નેતાઓ, પ્રવાસીઓ મુદ્દે જમણેરી પક્ષોની નકલ કરીને અજાણતાં જ પ્રવાસીઓ સામે કડક વલણ રાખનાર પક્ષોને વધુ સન્માનિત, સ્વીકાર્ય અને ચૂંટણી જીતવાની સંભાવનાવાળા પક્ષો બની રહ્યા છે.

નેધરલૅન્ડમાં સામાન્ય ચૂંટણીમાં પણ હાલમાં જ માઇગ્રેશન વિરોધી નેતા ગીર્ટ વાઇલ્ડર્સનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેમના પર નફરત ફેલાવવાનો આરોપ પણ લાગતો રહે છે.

આવી સ્થિતિમાં, એક જરૂરિયાત એ પણ અનુભવાઈ રહી છે કે ફાર-રાઇટ પાર્ટીના લેબલ પર ચર્ચા થવી જોઈએ, કારણ કે દરેક પક્ષનું માળખું પણ મહત્ત્વપૂર્ણ છે.

પરંતુ મેલોની જે રીતે વ્યાપક આંતરરાષ્ટ્રીય પ્લૅટફૉર્મ પર સ્વીકૃતિ મેળવી રહ્યાં છે તે હજુ પણ લે પેન માટે દૂરનું સ્વપ્ન છે. નેશનલ રેલી પાર્ટીનો દાવો છે કે તેને ગયા રવિવારે સંસદીય બહુમતી મળી છે.

સર્વે મુજબ સંસદમાં મડાગાંઠ સર્જાવાની શક્યતા છે અથવા તો લે પેન વિરોધી પક્ષો સાથે આવીને ગઠબંધન સરકાર બનાવી શકે છે.

જો ફ્રાન્સમાં ગઠબંધન સરકાર રચાય છે, તો તે દેખીતી રીતે મેક્રોંની સત્તામાં ઘટાડો કરશે. સ્થાનિક રીતે રાજકીય અસ્થિરતાનો અર્થ એ છે કે ફ્રાન્સ અને જર્મની જેવી મોટી યુરોપિયન શક્તિઓ પણ અનિશ્ચિતતા અનુભવશે.

ગાઝા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકામાં ફરી ટ્રમ્પની જીતની સંભાવના છે. આવી સ્થિતિમાં યુરોપ માટે નેતૃત્વ વિના રહેવું અનિશ્ચિત બની શકે છે.

મતદારો પણ અસુરક્ષિત અનુભવી રહ્યા છે અને મરીન લે પેનના સમર્થકોને લાગે છે કે તેમનો સમય ટૂંક સમયમાં આવી રહ્યો છે.