એશિયાના દેશોમાં ધર્મપરિવર્તનનું ચલણ કેમ વધી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લેબો ડિસેકો
- પદ, ધાર્મિક મામલાના સંવાદદાતા
'જૂન'નું પાલનપોષણ દક્ષિણ કોરિયાના એક ખ્રિસ્તી પરિવારમાં થયું છે, પરંતુ તેમના દેશના બીજા ઘણા લોકોની જેમ તેમની પણ ધાર્મિક માન્યતા તેમના બાળપણથી ઘણી જ અલગ છે.
દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલથી ફોન પર વાત કરતાં તેઓ કહે છે કે, "હું નથી જાણતો કે સત્ય શું છે, બની શકે કે ઇશ્વરનું અસ્તિત્વ હોય અથવા બની શકે કે ઇશ્વર અલૌકિક હોય."
જૂનનાં માતાપિતા હજી પણ ખ્રિસ્તી છે. જૂનનું કહેવું છે કે "જો તેમનાં માતાપિતાને ખબર પડે કે તેમનો દીકરો હવે આસ્તિક નથી રહ્યો તો તેમને 'ઘણું દુખ થશે."
તેમનાં માતાપિતા દુખી ન થાય તે માટે જૂને અમારી સાથે નામ બદલીને વાત કરી.
જૂનનો અનુભવ અમેરિકાની થિંક ટૅન્ક પ્યૂ રિસર્ચ સૅન્ટરના નવા અભ્યાસને દર્શાવે છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વી એશિયાના દેશોમાં લોકોમાં ધર્મ બદલવાનો અને ધર્મ છોડવાનો દર સૌથી વધારે છે.
10 હજારથી વધારે લોકોને તેમની ધાર્મિક માન્યતા વિશે પૂછવામાં આવ્યું અને તેમાંથી ઘણાએ કહ્યું કે હવે તેમની ધાર્મિક ઓળખ એ ધાર્મિક ઓળખથી અલગ છે જેમાં તેમનો ઉછેર થયો હતો. મતલબ કે તેમના બાળપણના ધર્મ અને માન્યતાઓ તેમના માટે બદલાઈ ગયા છે.
હૉંગકૉંગ અને દક્ષિણ કોરિયા આ યાદીમાં મોખરે છે. અહીં દેશમાં 53 ટકા જવાબ આપનારે કહ્યું છે કે તેઓએ તેમની ધાર્મિક ઓળખ બદલી દીધી છે, આમાં એ લોકો પણ સામેલ છે જેમણે ધર્મનો ખ્યાલ જ પૂરી રીતે છોડી દીધો છે.
તાઇવાનમાં 42 ટકા લોકોએ તેમની ધાર્મિક માન્યતાઓ બદલી દીધી છે, જાપાનમાં આ આંકડો 32 ટકા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આની તુલના યુરોપમાં 2017માં કરવામાં આવેલા એક સર્વે સાથે કરીએ તો, ત્યાં એવો એક પણ દેશ એવો નથી મળ્યો જ્યાં ધર્મ બદલવાનો દર 40 ટકાથી વધારે હોય. અમેરિકામાં પણ ગયા વર્ષે એકત્રિત કરેલા એક ડેટા પરથી જાણવા મળ્યું છે કે, ત્યાં 28 ટકા જ એવા પુખ્તવયના લોકો છે જે હવે એ ધર્મમાં ન માનતાં હોય જેમાં તેઓ મોટા થયા છે.

અન્ય ધર્મના લોકો પણ બદલી રહ્યા છે ધર્મ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જૂનના વિચારમાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે તેમણે ઘર છોડ્યું અને નવા વિચારથી પરિચિત થયા.
જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમનો પરિવાર સવારે છ વાગે ઊઠતો હતો અને બધાં જ પરિવારજનો બાઇબલ વાંચતા.
તેમણે 19 વર્ષની વયે ઘર છોડી દીધું અને સિઓલના સૌથી મોટા ચર્ચમાં જવા લાગ્યા, જેના હજારો સદ્સ્ય હતા.
ત્યાં બાઇબલનું ખૂબ જ શાબ્દિક અર્થઘટન કરવામાં આવ્યું હતું, ઉદાહરણ તરીકે વિકાસના સિદ્ધાંતને નકારી કાઢવામાં આવ્યો. આવું માનવું વૈજ્ઞાનિક સિદ્ધાંતની વિરુદ્ધ હતું. આવી જ રીતે બીજા ઘણા કારણોસર જૂનનો જે દુનિયા પ્રત્યેનો જે અભિગમ હતો તે બદલાઈ ગયો.
જૂન કહે છે, "મને લાગે છે કે, ખ્રિસ્તી ધર્મમાં સાચા અને ખોટા વચ્ચેની રેખા એકદમ સાફ છે. પરંતુ સમાજને જોયા અને પારખ્યા બાદ અને વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને મળ્યા બાદ એવું લાગવા લાગ્યું કે સાચાખોટાનો ભેદ તફાવત સમજવો એટલો સરળ નથી અને વિશ્વમાં ગ્રે ઝોન છે."
જૂન કહે છે કે તેમના લગભગ અડધા મિત્રો હવે જે ધર્મમાં મોટા થયા છે તેમાં વિશ્વાસ કરતા નથી, ખાસ કરીને તેઓ જેઓ ખ્રિસ્તી તરીકે ઊછર્યા હતા.
એવું નથી કે લોકોનો માત્ર ખ્રિસ્તી ધર્મથી મોહભંગ થઈ રહ્યો છે, બૌદ્ધ ધર્મમાં માનનારા 20% લોકોએ હવે આ ધર્મ છોડી દીધો છે. હૉંગકૉંગ અને જાપાનમાં આ સંખ્યા 17% છે.
નાસ્તિકની સંખ્યા પણ વધી રહી છે

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ એશિયામાં લોકોમાં નવો ધર્મ અપનાવવાનું ચલણ વધી રહ્યું છે.
ઉદાહરણ તરીકે, દક્ષિણ કોરિયામાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓમાં 12% વધારો જોવા મળ્યો, જ્યારે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ 5% વધ્યા.
હૉંગકૉંગમાં, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓમાં અનુક્રમે 9% અને 4% નો વધારો જોવા મળ્યો.
જોકે, તેમની ધાર્મિક ઓળખ બદલનારાઓમાં સૌથી વધુ સંખ્યા એવા લોકોની છે જેઓ હવે કોઈ ધર્મમાં માનતા નથી. વિશ્વના અન્ય ભાગોની સરખામણીમાં પૂર્વ એશિયાના દેશોમાં આ સંખ્યા વધુ છે.
હૉંગકૉંગમાં 37% અને દક્ષિણ કોરિયામાં 35% લોકોએ કહ્યું છે કે તેઓ હવે કોઈ ધર્મમાં માનતા નથી.
જ્યારે નોર્વેમાં આ સંખ્યા 30% અને અમેરિકામાં 20% છે.
પરંતુ અહીં બિનસાંપ્રદાયિકતા હોવા છતાં, આ સમગ્ર ક્ષેત્રમાં મોટી સંખ્યામાં લોકો કહે છે કે તેઓ હજુ પણ આધ્યાત્મિક ધાર્મિક વિધિઓ અને પ્રથાઓમાં ભાગ લે છે.
સર્વેક્ષણ કરાયેલા તમામ દેશોમાં, ધાર્મિક ઓળખને ધ્યાનમાં લીધા વિના અડધાથી વધુ લોકોએ જણાવ્યું હતું કે તેઓએ પાછલાં વર્ષમાં તેમના પૂર્વજોનું સન્માન કરવાં ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો. સર્વેમાં મોટાભાગના લોકોએ એ પણ કહ્યું કે તેઓ દેવતાઓ અથવા ન દેખાય તેવી શક્તિમાં વિશ્વાસ રાખે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ધાર્મિક અભ્યાસના નિષ્ણાત ડૉક્ટર સે-વુંગ કૂ માટે આ આશ્ચર્યજનક નથી.
સિઓલથી બીબીસી સાથે વાત કરતા, તેમણે કહ્યું કે વિવિધ ધર્મોનાં પાસાં અપનાવવા એ આ ક્ષેત્રના ઇતિહાસને અનુરૂપ છે.
તેઓ કહે છે કે, "ઐતિહાસિક રીતે કહીએ તો, પૂર્વ એશિયામાં એવું નહોતું કે કોઈ એક ધર્મને બીજા પર પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય અથવા જો કોઈ વ્યક્તિ એક ધર્મમાં માને તો તેનો અર્થ એ ન થાય કે તે અન્ય ધર્મમાં વિશ્વાસ કરી ન કરી શકે. ભૂતકાળમાં પણ એવું જોવા મળ્યું છે કે, જો કોઈ તાઓવાદી હોય, તો તેનો અર્થ એ નહતો કે તે તે જ સમયે બૌદ્ધ અથવા કન્ફ્યુશિયન ન બની શકે. પશ્ચિમની તુલનામાં, અહીં ધર્મમાં એવું કોઈ સ્પષ્ટ વિભાજન નથી."
જેમ જેમ 19મી સદીમાં પશ્ચિમી દેશો સાથે સંપર્ક અને પ્રભાવ વધ્યો તેમ તેમ પૂર્વ એશિયામાં ધર્મની વિભાવના ઊભરી આવી જે આજે આપણે જોઈએ છીએ.
ડૉક્ટર કૂ કહે છે કે આ પ્રદેશમાં એકસાથે અનેક ઓળખ અને પરંપરાઓને અપનાવવાની ક્ષમતાનો ક્યારેય અંત આવ્યો નથી.
તેમણે પોતાના ઘરમાં પણ આવું થતું જોયું છે. ડૉક્ટર કૂ કહે છે કે તેમની માતાએ અનેક પ્રસંગોએ તેમની ધાર્મિક ઓળખ બદલી છે.
તેમણે કહ્યું, "ગયા સપ્તાહના અંતે મારી મમ્મીએ અમારા વિસ્તારમાં કૅથલિક ચર્ચના સભ્ય તરીકે નોંધણી કરાવી હતી અને મને ખાતરી હતી કે તે રવિવારે ત્યાં જશે", પરંતુ પછી ઉમેર્યું કે તેઓ વાસ્તવમાં સ્થાનિક ઇવેન્જેલિકલ ચર્ચમાં "પ્રાર્થના હીલિંગ સત્ર" માં હાજરી આપવા ગયાં હતાં."
ડૉક્ટર કૂએ તેમની માતાને પૂછ્યું, "કૅથલિક ચર્ચનું શું થયું, મમ્મી?"
તેથી તેમનાં મમ્મીએ કહ્યું કે "તે સમયે તમને બીજી વસ્તુ કરતાં હીલિંગની વધારે જરૂર હતી."
તેમનાં માતા "કૅથલિક ચર્ચમાં જવા માંગતા હતાં કારણ કે તે કૅથલિક હતા, પરંતુ જ્યારે તેમને લાગ્યું કે તેમને કોઈ ચોક્કસ પ્રકારની રાહતની જરૂર છે ત્યારે તેઓ બીજી પરંપરા અપનાવવામાં જરાય નહોતાં શરમાતાં."












