ઇસ્લામ, યહૂદી, ઈસાઈ અને હિન્દુ ધર્મમાં પશુબલિ કેમ ચઢાવવામાં આવે છે?

પ્રાચીન કાળથી કેટલાક સમાજો પશુની બલિ દેવાની પ્રથા ચાલી રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રાચીન કાળથી કેટલાક સમાજોમાં પશુબલિ દેવાની પ્રથા ચાલી રહી છે
    • લેેખક, ઓર્ચી ઓતોન્દ્રિલા
    • પદ, બીબીસી ન્યૂઝ સંવાદદાતા

ઇસ્લામમાં માનનારા લોકો માટે શનિવારથી ઈદ-ઉલ-અઝ્હા એટલે કે બકરી ઈદ કે કુરબાનીનો તહેવાર શરૂ થશે. આ દિવસે મુસ્લિમો યાદ કરે છે કે પયગંબર ઇબ્રાહીમ પોતાનો દીકરો અલ્લાહને કુરબાનીમાં આપવા માગતા હતા, પરંતુ અલ્લાહે તેમને રોકીને કહ્યું કે તેઓ દીકરાની જગ્યાએ ઘેટાની કુરબાન આપે.

ઇબ્રાહીમને ઈસાઈ અને યહૂદી ધર્મમાં અબ્રાહમના નામથી ઓળખવામાં આવે છે.

માનવામાં આવે છે કે પયગંબર ઇબ્રાહીમે એક સપનું જોયું કે અલ્લાહે તેમને કહ્યું કે તેઓ અલ્લાહ પ્રત્યે પોતાની વફાદારી પુરવાર કરવા માટે દીકરા ઇસ્માઇલનો બલિ આપે.

પયગંબર ઇબ્રાહીમે આ સપનાને અલ્લાહનો સંદેશ માનીને પોતાના દીકરા સાથે આ વિશે વાત કરી. તેમના દીકરાએ કહ્યું કે અલ્લાહના આદેશનું પાલન કરવું જોઈએ.

ઇબ્રાહીમ અલ્લાહ માટે જ્યારે પોતાની દીકરીનો બલિ આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે અલ્લાહ તેમને રોક્યા. અલ્લાહે કહ્યું કે તેમનો ઈરાદો પરીક્ષા લેવાનો હતો અને દીકરાનો બલિ ચઢાવવાની જરૂર નથી. અલ્લાહે તેમને એક ઘેટું આપ્યું અને કહ્યું કે દીકરાને બદલે આ પશુનો બલિ ચઢાવે.

બલિ ચઢાવવાની આ પરંપરા ઇસ્લામની ઉત્પતિ પહેલાંથી જ ચાલી આવે છે.

વિશ્વભરના મુસ્લિમો ધાર્મિક ભાવનાઓને કારણે અલગ-અલગ પ્રકારનાં પશુઓનો બલિ આપે છે. પરંપરાગત રીતે કોઈ વ્યક્તિ પાસે જરૂર કરતાં વધારે સંપત્તિ હોય તો બલિ ચઢાવવી જરૂરી છે.

જોકે, બીજા ધર્મો પશુના બલિ વિશે શું કહે છે? યહૂદી, ઈસાઈ અને હિન્દુ ધર્મમાં પશુના બલિને કેવી રીતે જોવામાં આવે છે?

બીબીસી ગુજરાતી

યહૂદી ધર્મ

બકરી ઈદ, પશુબલિ, ધર્મ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇસ્લામનો ઇતિહાસ અને યહૂદીઓ અને ઈસાઈના ઇતિહાસમાં ઘણી સમાનતા છે.

રબ્બી ગૈલી સોમર્સ બ્રિટનની લિયો બેક કૉલેજમાં ઍકેડમિક સેવાના પ્રમુખ છે.

તેમણે કહ્યું કે યહૂદીઓના ધર્મગ્રંથોમાં કેટલાક પ્રકારના બલિનો ઉલ્લેખ છે. આ બલિ માટે વિશેષ જગ્યા અને વિશેષ સમયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું, “વર્તમાનમાં આપણે બલિ દેવાની આ બધી જ પરંપરાનું પાલન કરતા નથી, કારણ કે જે જગ્યા પર બલિ દેવામાં આવતી હતી તે હાલમાં હાજર નથી. આપણે બલિ આપવાને બદલે પોતાની પ્રાર્થનામાં બલિની વાત યાદ કરીએ છીએ.”

રબ્બી ડૉક્ટર બ્રૈડલી શેવિટ આર્ટસન અમેરિકન જ્યૂઇસ યુનિવર્સિટીના ઉપાધ્યક્ષ છે. તેઓ ઝિગ્લર સ્કૂલ ઑફ રબ્બિનિક સ્ટડીઝ સાથે પણ જોડાયેલા છે.

તેમણે કહ્યું, “રોમન લડવૈયાએ જ્યારથી બીજા ટેમ્પલને નષ્ટ કર્યું ત્યારથી જ યહૂદી ધર્મમાં પશુબલિની મંજૂરી નથી. કેટલાક લોકોનું માનવું છે કે બલિ પર હંમેશાં માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે, કેટલાક લોકો માને છે કે મસીહાના અવતાર પછી આ પરંપરાને ફરીથી માનવાનું શરૂ કર્યું.”

યહૂદીઓ માટે ટેમ્પલનો અર્થ એ ટેમ્પલ માઉંટથી છે જે જેરુસલેમના જૂના શહેરમાં હતું અને જ્યાં વર્તમાનમાં અલ-અક્સા મસ્જિદ છે.

યહૂદી લોકો પોતાની પ્રાર્થના માટે ફરી એક વખત ટેમ્પલ બનાવવાની કામના કરે છે. તેમનું માનવું છે કે ટેમ્પલ અહીં ફરીથી બની જાય તો ફરીથી ત્યાં પશુબલિ આપી શકશે.

ઇઝરાયલના કબજા વાળા વેસ્ટ બૅન્કમાં 22 એપ્રિલે લેવામા આવેલી તસવીરમાં જોઈ શકાય કે યહૂદી (સમરિયાઈ) પાસઓવર તહેવારમાં પશુબલિ આપે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના કબજાવાળા વેસ્ટ બૅન્કમાં 22 એપ્રિલે લેવામાં આવેલી તસવીરમાં જોઈ શકાય કે યહૂદી (સમરિયાઈ) પાસઓવર તહેવારમાં પશુબલિ આપે છે

ટેમ્પલ ન હોવાને કારણે મોટા ભાગના યહૂદીઓ પશુબલિની પરંપરાનું પાલન કરતા નથી. જોકે, સમરિયાઈ જેવા જેરુસલેમનાં કેટલાંક સમૂહો હજી પણ પાસઓવર તહેવાર દરમિયાન આ પ્રથાનું પાલન કરે છે. કેટલાંક સમૂહો પશુઓની કિંમત જેટલી રકમ દાનમાં આપે છે.

બલિ પછી ઘેટાં, ભેંસ કે બકરાનો કેમ ન હોય તે પશુબલિ માટે ધાર્મિક રીતે યોગ્ય એટલે કે “કોશર” હોવું જોઈએ.

હિબ્રૂ ભાષામાં “કોશર”નો અર્થ “તૈયાર” અથવા તો “ખાવા માટે યોગ્ય” થાય છે. એ ખાદ્ય પદાર્થો જે યહૂદીના આહાર સાથે જોડાયેલા નિયમો પ્રમાણે છે તેને “કોશર ખાદ્ય પદાર્થો” કહેવામાં આવે છે.

બલિના ઇતિહાસ વિશે ડૉક્ટર આર્ટસને કહ્યું, “જે પશુઓ કોશર છે માત્ર તેવા જ જાનવરોનો બલિ આપવામાં આવે છે. કેટલાંક પશુઓને બલિની વેદી પર સળગાવી દેવામાં આવે છે જ્યારે કેટલાંક પશુને પૂજારીના પરિવારોને આપી દેવામાં આવે છે. કેટલાંક પશુને બલિ દેનાર લોકો અને તેમનો પરિવાર પોતે ખાય છે.”

સમયની સાથે બલિ દેવાની પ્રથા ઓછી થઈ ગઈ, પરંતુ માંસનું સેવન કેટલાય તહેવારોનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

પશુબલિ માટે યહૂદીઓનાં અલગ-અલગ પ્રકારનાં ધાર્મિક અનુષ્ઠાન છે અને તે બલિના ઉદ્દેશ્ય પ્રમાણે અલગ-અલગ હોય છે.

યહૂદી ધર્મમાં પહેલા ત્રણ ધાર્મિક તહેવારો હતા, જે પશુબલિ માટે મહત્ત્વપૂર્ણ હતા. આ તહેવારો પેસ્સાહ (પાસઓવર), શાવોત (અઠવાડિયાને તહેવાર) અને સુક્કોટ (ઝૂંપડીઓનો તહેવાર).

રબ્બી ગૈરી સોમર્સ જણાવે છે કે રોશ હશનાહ (યહૂદીનું નવું વર્ષ) અને યોમ કિપ્પુર (પ્રાયશ્ચિતનો દિવસ) જેવા બીજા તહેવારોમાં પણ પશુબલિ આપવામાં આવતી હતી.

યહૂદી ધર્મગ્રંથોમાં પયગંબર અબ્રાહમની કુરબાનીની પણ કહાણી મળે છે. જોકે, તેમાં પશુઓનો બલિ દેવાનો આદેશ પાછળથી આવ્યો અને તે યહૂદીઓ માટે થોડું અલગ હતું.

ઈસાઈ ધર્મ

ઈસાઈ ધર્મ

ઇમેજ સ્રોત, Getty Images

ઈસાઈ ધર્મનું મૂળ યહૂદી ધર્મમાં છે અને યહૂદી ધર્મગ્રંથોમાં ઘણું એવું છે, જેનો ઉલ્લેખ બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં મળતો આવે છે.

બાંગ્લાદેશના ઢાંકાસ્થિત કફરૂલ કૅથલિક ચર્ચના પાદરી ડૉક્ટર પ્રશાંતો ટી રીબેરોએ કહ્યું, “ઓલ્ડ ટેસ્ટામેન્ટનાં પુસ્તકોમાં ખાસ કરીને લેવિટિક્સ 17 અને ડ્યુટરોનૉમીમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે કે પશુબલિ કેવી રીતે દેવામાં આવે છે. અલગ-અલગ તહેવારોમાં સવારે અને સાંજે પશુબલિ આપવામાં આવે છે.”

તે સમયમાં નકારાત્મક પ્રવૃત્તિઓ માટે માફી અને પસ્તાવા માટે પશુબલિ આપવામાં આવતો હતો.

જોકે, ધાર્મિક રીતે આ પ્રથાનું અનુસરણ બંધ થઈ ગયું, કારણ કે ઈસુ મસીહના મોતને સૌથી મોટા બલિના રૂપે જોવામાં આવે છે. ઈસા મસીહને ઈસાઈ ધર્મમાં “લેમ્બ ઑફ ગોડ” તરીકે જોવામાં આવે છે.

ડૉક્ટર રીબેરો કહે છે કે બલિ માટે કોઈ ધાર્મિક જોગવાઈ નથી. જોકે, કેટલાક કિસ્સામાં કોઈ ઈશ્વરને વાયદો કરે છે કે પછી કોઈ મન્નત માગે છે તો તેઓ બલિ આપે છે. આ રીતે અલગ-અલગ પ્રકારે પશુબલિ આપવામાં આવે છે.

તેઓ કહે છે કે યહૂદીઓ સાથે સંબંધ સિવાય ઈસાઈ ધર્મમાં ઈશ્વરના નામે પશુબલિ દેવાની કોઈ ખાસ પ્રથા નથી.

જોકે, ઈસાઈ ધર્મમાં માંસ ખાવાને લઈને કોઈ રોકટોક નથી.

કેટલાક દેશોમાં યહૂદીઓ પાસઓવર તહેવાર દરમિયાન પરંપરાગત રીતે માંસ ખાય છે.

રીબેરો કહે છે કે મેં મારા ઈટાલીના પ્રવાસ દરમિયાન જોયું છે કે ઈસ્ટરના તહેવાર પહેલાં ઘેટાનું માંસ ખાવું લગભગ જરૂરી હતું.

જોકે, ધાર્મિક ઉદ્દેશ્યને કારણે જે પ્રકારે યહૂદી ધર્મમાં પશુબલિની પ્રથા છે તે પ્રમાણે ઈસાઈ ધર્મમાં બલિની કોઈ પ્રથા નથી.

હિન્દુ ધર્મ

આસામના કામાખ્ય મંદિરમાં દેવધાની તહેવાર દરમિયાન બલિનો બકરો લઈને નાચતા પૂજારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આસામના કામાખ્યા મંદિરમાં દેવધાની તહેવાર દરમિયાન બલિનો બકરો લઈને નાચતા પૂજારી

હિન્દુ ધર્મમાં પશુબલિ મુદ્દે વિવાદ છે. જોકે, હિન્દુઓમાં અમુક વર્ગ પશુબલિની પ્રથાનું પાલન કરે છે.

ઉદાહરણ રૂપે, ભારત અને બાંગ્લાદેશના કેટલાક ભાગોમાં દુર્ગાપૂજા અને કાળીપૂજા જેવાં ધાર્મિક અનુષ્ઠાનો દરમિયાન પશુબલિ આપવામાં આવે છે.

ડૉક્ટર કુશલવરન ચક્રવર્તી બાંગ્લાદેશની ચિટગાંવ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તેમણે કહ્યું, “હિન્દુઓનાં કેટલાંક ધાર્મિક પુસ્તકો જેવાં કે રામાયણ, મહાભારત અને પુરાણ જેવા પવિત્ર ગ્રંથોમાં પશુબલિનો ઉલ્લેખ છે.”

“હિન્દુ ધર્મમાં પ્રાચીન ગણાતા ગ્રંથ ઋગ્વેદમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પશુનો બલિ આપવામાં આવે છે તે બંધનમાંથી મુક્ત થઈ જાય છે.”

માનવામાં આવે છે કે ઈસવીસન પૂર્વે 500થી લઈને ઈસવીસન પૂર્વે 1500 સુધી પશુબલિની પ્રથા સામાન્ય ગણાતી હતી. બલિ ચઢાવેલા પશુનું માસ પહેલાં ઈશ્વરને ચઢાવવામાં આવતું અને ત્યાર બાદ લોકો તેને ભોજનમાં લેતા હતા. જોકે, આધુનિક ભારતમાં પશુબલિને લઈને જાણકારોનો મત અલગ-અલગ છે.

ડૉક્ટર ચક્રવતી કહે છે કે કેટલાંક પ્રાચીન મંદિરોમાં આજે પણ પશુબલિની પ્રથા છે.

તેઓ બાંગ્લાદેશમાં ઠાકેશ્વરી અને ભારતમાં ત્રિપુરા સુંદરી, કામાખ્યા અને કાલીઘાટ કાલી મંદિરોનું ઉદાહરણ આપે છે.

જોકે, હિન્દુ ધર્મનાં અન્ય એક જાણકાર ડૉક્ટર રોહિણી ધર્મપાલ કહે છે કે મને આધુનિક ભારતમાં મોટા પાયે પશુબલિની પ્રથાની કોઈ માહિતી નથી.

ડૉ. ચક્રવતી કહે છે કે હિન્દુ ધર્મમાં પશુબલિની આધુનિક પ્રથાઓનું કારણ મોટે ભાગે આત્મસંતોષ, સ્પર્ધા અને ભોગવિલાસ છે. તેનું કોઈ આધ્યાત્મિક મહત્ત્વ નથી. તેઓ કહે છે કે આ રીતે બલિપ્રથાની પવિત્રતા ઓછી થઈ છે.

ભારતમાં કેટલાંક સમૂહોએ સ્વેચ્છાએ અલગ-અલગ મંદિરોમાં પશુબલિ બંધ કરી દીધો છે અને આ સમૂહો ધાર્મિક ઉદ્દેશ્ય માટે પશુબલિ પર પ્રતિબંધનું સમર્થન કરે છે.

શ્રીલંકામાં હિન્દુઓ દ્વારા પશુબલિ આપવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

નેપાળમાં કેટલાક લોકોએ સ્વેચ્છાએ તહેવારો દરમિયાન પશુબલિ આપવાની પ્રથા બંધ કરી દીધી છે.

પૂર્વમાં હિન્દુ રાજ્યનો હિસ્સો રહેલું નેપાળ હવે એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. જોકે, નેપાળમાં પશુબલિ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.