જૈનો 'શુદ્ધ શાકાહારી' છે? જૈન ધર્મમાં ખાનપાન અંગે શું કહેવાયું છે?

ઇમેજ સ્રોત, Rawf8/Alamy
- લેેખક, ચારુકેશી રામદુરાઈ
- પદ, બીબીસી ગુજરાતી માટે
પશ્ચિમના ઘણા લોકો આ મહિનાને વિગન્યુઆરી ગણીને ઊજવી રહ્યા છે, પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે અઢી હજાર વર્ષ જૂનો એક ધર્મ છે, જે જીવિત વસ્તુને નુકસાન પહોંચે એવી દરેક પ્રવૃત્તિ-ક્રિયા ટાળે છે.
વિગન (શાકાહારી કે દરેક પ્રકારની પ્રાણીજન્ય પેદાશોનો ઉપયોગ કરવાનું ટાળવાની પ્રવૃત્તિ) શબ્દ આજથી 80 વર્ષ પહેલાં બ્રિટનના પ્રાણી અધિકારો માટે લડત ચલાવનારા ડોનાલ્ડ વૉટસને આપ્યો હતો, પરંતુ તે પ્રચલિત થયો છે હાલના દાયકાઓમાં. વિગનિઝમનું ચલણ હાલના સમયમાં વધ્યું છે અને જાન્યુઆરી મહિનાને વિગન્યુઆરી તરીકે ઓળખાવીને આ મહિનામાં તે પ્રકારની જીવનશૈલીની ઉજવણી થવા લાગી છે.
આ મહિનામાં માત્ર વનસ્પતિ આધારિત આહાર જ લેવામાં આવે છે. જોકે, પૂર્વના દેશોની ઘણી સંસ્કૃતિમાં પ્રાણીમાત્ર પ્રત્યે કરુણાના ભાવ સાથે માંસાહારનો નિષેધ કરવામાં આવ્યો છે અને તે પરંપરા લગભગ બે હજાર વર્ષ કરતાંય જૂની છે.
ખાસ કરીને ભારતમાં જૈન પરંપરામાં વિગન કહેવાય તેવી જીવનશૈલી રોજબરોજના જીવનનો જ એક ભાગ છે. ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમીથી સાતમી શતાબ્દિ પૂર્વે આ ધર્મનો ઉદય થયો હતો.
રાજસ્થાન યુનિવર્સિટીનાં નિવૃત્ત પ્રોફેસર કુસુમ જૈને આ વિષય પર સંશોધન કરેલું છે અને આ વિષયમાં પીએચ. ડી. કરનારા વિદ્યાર્થીઓનાં ગાઇડ તરીકે પણ કામ કરતાં રહ્યાં છે.
તેઓ કહે છે કે "અહિંસા એ જૈનોના જીવનનો મૂળભૂત સિદ્ધાંત છે. માત્ર મનુષ્યો પ્રત્યે નહીં, પણ દરેક જીવ પ્રત્યે અહિંસાનો ભાવ.”
“નાનામાં નાના જંતુ, અમુક કિસ્સામાં વનસ્પતિ, જળમાં રહેનારા કે ભૂગર્ભમાં રહેનારા દરેક જીવ માટે કરુણા. શિકાર કરવો કે કોઈ પણ જીવને જરા પણ હાનિ કરવી તે જૈનો માટે એક હિંસા સમાન છે."
કુસુમ જૈન અહિંસાની વ્યાખ્યાને વિસ્તૃત કરતાં કહે છે તેમાં અન્ય કોઈ પ્રત્યે મનમાં દુર્ભાવના રાખવી કે શાબ્દિક હિંસા કરવાનો પણ નિષેધ છે, કેમ કે જૈનો માને છે કે "જે કંઈ કર્મ કરો તેનું ફળ ભોગવવું પડે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૈન પરંપરાના 24 તીર્થંકરોએ અહિંસાનો જ ઉપદેશ આપેલો છે. છેલ્લા તીર્થંકર મહાવીર જૈનનો પણ એ જ સંદેશ છે, જેઓ બુદ્ધના સમકાલીન હતા. સર્જનહાર તરીકે કોઈ સ્વરૂપને પૂજવાના બદલે જૈનો આ તીર્થંકરોને પૂજ્ય માને છે.
પ્રોફેસર જૈન કહે છે તે પ્રમાણે, "તીર્થંકર એવા મનુષ્યો હતા, જેઓ પોતાના કાર્ય દ્વારા સંત બન્યા હતા. તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને નિર્વાણ પામ્યા હતા અને તેથી તેઓ આપને મુક્તિનો માર્ગ બતાવી શક્યા છે."
ભારતની કુલ વસતિમાં (2011ના આંકડાં પ્રમાણે) જૈનોની વસતિ માત્ર 0.4% જેટલી જ છે, પરંતુ જૈન પરંપરા દેશમાં આજેય વિકસી રહી છે. સમગ્ર દેશમાં જૈનો વસેલા છે અને મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં તેમની વધારે વસતિ છે.
રાજસ્થાનમાં રાણકપુર અને દેલવાડાનાં અદભુત દેરાસરો છે. ભારતમાં જૈનો સૌથી સમૃદ્ધ છે અને એટલા પ્રભાવશાળી છે કે પ્રસિદ્ધ રેસ્ટૉરાંમાં અલગ જૈન મેનુ હોય છે.
દરેક ખાણીપીણીના સ્થળે જૈન ડિશ અલગથી મળતી હોય છે (આ વાત અંગે વાનગીમાં પડતી વસ્તુઓ બદલીને કે ટાળીને ભોજનને ‘વિગનાઇઝ’ કરવાની દૃષ્ટિએ વિચારો).

ઇમેજ સ્રોત, History and Art Collection/Alamy
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જૈન ધર્મમાં સૌથી ચુસ્ત સિદ્ધાંતોનું પાલન તેમના મુનિઓ, સાધુઓ અને સાધ્વીઓ કરે છે. તેઓ સાદાં અને સિવડાવેલાં ન હોય એવાં જ વસ્ત્રો ધારણ કરે છે અને એટલું જ નહીં મોં પર સફેદ કપડું (મુહપત્તી) બાંધેલું હોય છે, જેથી કોઈ જીવજંતુને અકસ્માતેય હાનિ ના થાય.
તેમજ તેમણે હાથમાં ઓઘો રાખ્યો હોય છે, જેનાથી જમીન વાળીને પછી જ બેસે છે, જેથી બેસતી વખતે નાનામાં નાનો જીવ પણ કચરાઈ ના જાય.
જૈન સંસારીઓ તેમના જીવનમાં જે નિયમ ચુસ્તપણે પાળે છે, તે છે ખાણીપીણી અને રીતરિવાજો.
તેઓ શાકાહારી ભોજન જ લે છે અને માંસ, મચ્છી, ઈંડાંનું સેવન નથી કરતા. એટલું જ નહીં, જમીનની નીચે ઊગતા એટલે કે કંદમૂળ કહેવાય તેવાં ડુંગળી, લસણ, ગાજર, બટાટાને પણ વર્જિત ગણે છે.
તેઓ માને છે કે કંદમૂળને જ્યારે જમીનમાંથી ખેંચવામાં આવે છે ત્યારે તેની સાથે અનેક સુક્ષ્મ જીવોને હાનિ થાય છે. તેથી તેનો નિષેધ કરાય છે. લસણના સ્થાને મસાલા તરીકે અને સ્વાદ તરીકે હિંગનો ઉપયોગ જૈન ભોજનમાં થતો હોય છે.
માસ્ટર શેફ ઇન્ડિયા કાર્યક્રમમાં ફાઇનલિસ્ટ તરીકે હાલમાં જ સ્થાન પામેલાં અને જૈન પદ્ધતિને પાળતાં શેફ અરુણા જૈન કહે છે કે તેમની ખાણીપીણી ઋતુને અનુરૂપ હોય છે.
તેઓ કહે છે, "ચાતુર્માસ દરમિયાન ભારતમાં ચોમાસું હોય છે એટલે તે દરમિયાન પાલક, કોથમીર, ફુદીનો જેવી વસ્તુઓને ટાળવામાં આવે છે, કેમ કે ચોમાસામાં આવી પાનવાળી વનસ્પતિઓમાં સુક્ષ્મ જંતુઓ વસેલા હોય છે અને તેને કાપીને કે રાંધીને ખવાય ત્યારે અજાણ્યે તેનો નાશ કરતા હોઈએ છીએ."
એટલું જ નહીં, ચોમાસું ભરપૂર હોય ત્યારે જ પર્યુષણ પર્વ આવતું હોય છે અને તે દરમિયાન તો દરેક પ્રકારની શાકભાજી અને ફળોનો ત્યાગ કરવામાં આવે છે. તે દરમિયાન માત્ર અનાજ અને કઠોળનું જ ભોજન લેવામાં આવે છે. સાથે જ દહીં વગેરે જેવા પદાર્થો જ લેવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Victor Koldunov/Alamy
કરુણા અને અહિંસાના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જૈનો ભોજન લે છે, પરંતુ દૂધ, દહીં, ઘી વગેરે જેવા ડેરી ઉત્પાદનો લેવાની છૂટ છે. તેમાં કોઈ નૈતિક અડચણ જોવામાં આવતી નથી.
પ્રોફેસર જૈન કહે છે, "હકીકતમાં ઘીને ખૂબ શુદ્ધ અને ઉત્તમ આહાર માનવામાં આવે છે."
શેફ વિજય આ વિશે કહે છે કે કદાચ પ્રાચીન સમયમાં ખાણીપીણીના નિયમો નક્કી થયા ત્યારે દૂધાળાં પશુઓનું પાલન નૈતિક પ્રકારનું હતું અને તેમાં પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવામાં આવતો હતો. તે વખતે વેપારી ધોરણે દૂધનું જથ્થાબંધ ઉત્પાદન થતું હોય તેવું પણ નહોતું.
તેઓ કહે છે, "હું નાની હતી ત્યારે અમારે ઘરે અમે ગાય પાળતા હતા, જેથી દૂધ, દહીં, માખણ, ઘી ઘરનું જ મળી રહે. અમે વાછડાંને પહેલા દૂધ પીવા દેતા અને પછી જ ગાયને દોહતા."
આ રીતે માત્ર વનસ્પતિ જ આહારમાં લેવાની વાત વિગનિઝમમાં છે, તે ચુસ્ત વ્યાખ્યાની રીતે જૈન પરંપરા સાથે મળતી ના આવે, પણ બંનેના મૂળ સિદ્ધાંતો એક સમાન જ છે.
2021માં વ્હૂઝ સમોસા ઇઝ ઇટ એનીવે? એવા નામે પુસ્તક લખનારાં સોનલ વેદ કહે છે કે જૈનોના આહારમાં અહિંસાનો સિદ્ધાંત પાયામાં છે અને તેમાં માંસાહારને કારણે સૃષ્ટિને હાનિ થવાની વાત જ કેન્દ્રમાં છે. "જૈન અને વિગન આહાર આમ જુદા છે, પણ તેમાં એક સમાન વાત એ છે કે ક્રૂરતા વિના મળતુ્ં ભોજન જ લેવું."
સમગ્ર ભારતમાં ભોજનની જે પરંપરા છે તેમાં ઘણી બધી વાનગીઓ અને ખાણીપીણી કુદરતી રીતે જ વિગન છે.
સોનલ વેદે હાલમાં ધ ઇન્ડિયન વિગન નામે પણ પુસ્તક પ્રગટ કર્યું છે, જે લખવા માટે સંશોધન દરમિયાન તેમણે જોયું કે ભારતની પ્રાદેશિક ભોજન પરંપરા ઘણી રીતે વિગનને અનુરૂપ જ છે.
તેઓ કહે છે, "અરબી સમુદ્રના કિનારે પશ્ચિમમાં તૈયાર થયેલી માલવણી ખાણીપીણી હોય કે પૂર્વમાં બંગાળી ખાણીપીણી, ભારતીયો સદીઓથી માંસની જગ્યાએ વનસ્પતિ આધારિત ભોજનની પરંપરા જ ધરાવે છે."

ઇમેજ સ્રોત, Jan Wlodarczyk/Alamy
વિજય કહે છે, "દક્ષિણ ભારતીય થાળીમાં દહીંને બાદ કરતાં બધું જ વિગન છે - ચોખા, કૂટ્ટુ, સંભાર, રસમ વગેરે." પરંપરાગત ભોજનમાં ભાતની સાથે દાળ અને શાકભાજી લેવાતાં રહ્યાં છે.
ભારતમાં વિગન જીવનશૈલી અપનાવવી ખૂબ સહેલી છે એટલે યુવા પેઢીમાંથી ઘણા આ જીવન પદ્ઘતિ અપનાવી રહ્યા છે. સાથે જ ઘણા જૈનો હવે ડેરી પ્રોડક્ટનો પણ ત્યાગ કરવા લાગ્યા છે અને તે રીતે સંપૂર્ણપણે વિગન ભોજન તરફ વળી રહ્યા છે.
વિજય કહે છે, "ભારતમાં ખાણીપીણી બદલાઈ રહી છે, ખાસ કરીને કોવિડ પછી. હવે લોકો સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ભોજન લે છે અને મારા ઘણા મિત્રો હવે વિગન બની રહ્યા છે."
વેદના જણાવ્યા અનુસાર, "ભારતનું વિગન ખાણીપીણીનું બજાર 1,372.3 મિલિયન ડૉલર જેટલું હોવાનો અંદાજ 2022માં મુકાયો હતો અને તેમાં વધારો થવાની ગણતરી છે. તે દર્શાવે છે કે વિગનિઝમ એ માત્ર કોઈ શોખ નથી, પણ જીવનશૈલી બની રહી છે. વિગનિઝમને કારણે સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ શક્ય બને છે અને તેના કારણે ક્લાઇમેટ ચેન્જને પણ ધીમું પાડી શકાય છે, તે આવકારદાયક છે."
પ્રોફેસર જૈન માને છે કે જૈન પરંપરામાં અહિંસા છે તે સિદ્ધાંતનો જ આ વિસ્તાર છે.
તેઓ હળવા હાસ્ય સાથે કહે છે, "છેલ્લા તીર્થંકર 2,500 વર્ષ પહેલાં થઈ ગયા છે, એટલે હું કહીશ કે જૈન પંરપરાની સામે વિગનિઝમ એ તો હાલનો જ વિચાર છે."
આ જીવનશૈલી માટે જે પણ શબ્દ વાપરવામાં આવે, પણ વિજય કહે છે તે પ્રમાણે સૌથી અગત્યની બાબત એ છે કે જૈન લોકો "ભૂલથી પણ કોઈને કશી હાનિ ના થઈ જાય તે બાબતમાં હંમેશાં કાળજી રાખતા રહે છે. અમારો સિદ્ધાંત જ એ છે કે જીવો અને જીવવા દો."












