લોકો ઓવરઇટિંગ શા માટે કરતા હોય છે? વધુ પડતું જમવાથી શરીર પર કેવી અસર થાય છે?

ભોજન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વિલિયમ પાર્ક
    • પદ, બીબીસી ફ્યુચર

ભોજન આપણા જીવનમાં મોટો ભાગ ભજવે છે, પરંતુ આપણે વધારે પડતું ખાઈ લઈએ તો શું થાય?

સારી રીતે જમ્યા પછી શું થાય તેની આગાહી હું ખાતરીપૂર્વક કરી શકું છું. સુસ્તી લાગે, ઊંઘ આવે અને પેટ ભારે થઈ જાય, પરંતુ બીજા દિવસે જમવાના સમયે એકાદ રોટલી માટે પેટમાં જગ્યા થઈ જશે તેની મને ખાતરી હોય છે. તેના વિશે વિચારીએ ત્યારે એ બહુ વિચિત્ર લાગે છે કે ભરપૂર ભોજન જમ્યાના બીજા જ દિવસે આપણે એટલી જ માત્રામાં ભોજન કરી શકીએ છીએ. આવું આપણા જીવનમાં અગાઉ ઘણી વાર થાય છે.

જન્માષ્ટમી, દિવાળી, ક્રિસમસ કે થૅંક્સગિવિંગ જેવા તહેવારો પછી પણ આપણને ભૂખ શા માટે લાગે છે? શું વધારે પડતું ભોજન કર્યા પછી આપણું પેટ “ખેંચાતું” હોય છે? એટલે કે બીજા દિવસે ભોજન માટે તેમાં વધારે જગ્યા થઈ જતી હોય છે? માત્ર આ વિશે વિચારવાથી જ મને અત્યારે ભૂખ લાગી રહી છે.

આ સવાલનો જવાબ એ છે કે મોટા ભાગના લોકોને મોટા પ્રમાણમાં ભોજન કરવા છતાં ભૂખ લાગતી નથી. ફરી ભૂખ લાગવાનું કારણ પણ આ જ છે.

સૌથી પહેલાં એ સમજીએ કે ભૂખની આ અનુભૂતિ શું છે? તમે જે લાગણી અનુભવો છો તે તમારી અંદરનાં અનેક શારીરિક પરિવર્તનનું પરિણામ છે, જે તમને ભોજન લેવા પ્રેરિત કરે છે.

પેટ ખાલી કે ભરેલું હોય ત્યારે તેનો આકાર બદલાઈ જાય છે, તે સાચું છે. ભોજનના પાચન દરમિયાન પેટ સંકડાતું હોય છે, જેનાથી ખોરાકને આંતરડાની તરફ મોકલવામાં મદદ મળે છે. ભોજનને નીચેની તરફ ધકેલતી વખતે હવા અને ખોરાક ચારે તરફ ફરે ત્યારે ગડગડાટ થાય છે. આ ઘટનાને બોરબોરીગ્મસ કહેવામાં આવે છે, જે મોટા ભાગે પહેલો સંકેત હોય છે કે આપણને ભૂખ લાગશે, કારણ કે તે શ્રવ્ય અને શારીરિક હોય છે. ગડગડાટ બાદ પેટ ખાવાની તૈયારીમાં ફરીથી વિસ્તરે છે. તેનો પ્રારંભ હોર્મોન્સ દ્વારા કરવામાં આવે છે.

જટિલ અંત:સ્રાવ પ્રણાલી

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હકીકતમાં ખાવાથી પેટ ખેંચાય છે તે સાચું નથી. પેટ બહુ લચીલું હોય છે. તેથી વધારે ભોજન પછી પોતાની રેસ્ટિંગ કૅપેસિટી (આશરે એકથી બે લીટર)માં પાછું આવી જાય છે. વાસ્તવમાં મોટા ભાગના લોકોને પેટની ક્ષમતા ઘણા અંશે સમાન હોય છે. વ્યક્તિના વજન કે ઊંચાઈનો તેના પર કોઈ પ્રભાવ પડતો નથી.

જે ચીજ બાબતે આપણે સચેત નથી થઈ શકતા તે છે આપણા ભૂખસંબંધી હોર્મોન્સ એનપીવાય અને એજીપીઆરનું હાયપોથેલમસ નામની સ્રાવગ્રંથિમાંથી અને ઘ્રેલિનનું પેટમાંથી રીલિઝ થવું. પેટ ખાલી હોવાથી ઘ્રેલિનનો સ્રાવ થાય છે અને આપણા મગજમાં એનપીવાય તથા એજીઆરપીના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. આ બે હોર્મોન ભૂખની લાગણી પેદા કરવા અને આપણને સંતુષ્ટિનો અહેસાસ કરાવતા હોર્મોન્સ પર પ્રભાવી હોવા માટે જવાબદાર છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દુબળી વ્યક્તિઓમાં ઘ્રેલિનનું સ્તર વધારે હોય છે, જ્યારે સ્થૂળ લોકોમાં ઓછું હોય છે. એવું લાગી શકે કેવધુ પ્રમાણમાં આહાર કરતા લોકોમાં ભૂખ વધારતા હોર્મોન્સ વધારે હોતા હશે, પરંતુ આ વિરોધાભાસ કદાચ એવું દર્શાવે છે કે આપણી અંતઃસ્રાવ પ્રણાલી કેટલી જટિલ છે.

ભૂખની લાગણી પેદા કરવા માટે માત્ર ત્રણ જ હોર્મોન જવાબદાર હોય છે, પરંતુ તૃપ્તિનો અહેસાસ કરાવવા માટે લગભગ એક ડઝન હોર્મોન્સની જરૂર પડે છે. એ પૈકીના બે જીઆઈપી તથા જીએલપી-વન કાર્બોહાઈડ્રેટના ચયાપચયને નિયંત્રિત કરવા માટે જરૂરી ઇન્સ્યુલિનના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. બીજા કેટલાક હોર્મોન આપણા પેટના માધ્યમથી ભોજનની ગતિને ધીમી કરવામાં સામેલ હોય છે, જેથી આપણા શરીરને ભોજન પચાવવાનો સમય મળી શકે. સ્થૂળકાય લોકોમાં ઘ્રેલિનનું પ્રમાણ ઓછું હોય છે. એવા લોકોના કિસ્સામાં હાઇ-કાર્બોહાઇડ્રેટ ડાયટના પાચન માટે જરૂરી ઇન્સ્યુલિનનું ઉચ્ચ સ્તર ઘ્રેલિનના ઉત્પાદનને રોકતું હોય તેવું બની શકે.

ભૂખની લાગણી ઘટાડવા માટે સીકેકે અને પીવાયવાય હોર્મોન્સ મહત્ત્વપૂર્ણ છે. જે દર્દીઓમાં ગેસ્ટ્રિક બેન્ડ (તે પેટના આકારને ઓછો કરે છે) લગાવવામાં આવ્યું હોય તેમાં પીવાયવાયનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી ભૂખમાં ઘટાડો થાય છે.

તમારું પેટ ક્યારે ખાલી છે એ તમારા મગજને જણાવવા માટેની એક હોર્મોનલ પ્રણાલી ભલે તમારા પેટમાં હોય, પરંતુ દિવસના સમય અને ભૂખ લાગવા વચ્ચેના સંબંધને લીધે તેનું પ્રમાણ વધી જાય છે. તેથી તમે બપોરે ભલે ભરપેટ જમ્યા હો, પરંતુ રાતે તમને ફરી ભૂખનો અહેસાસ થાય છે.

અનુભૂતિની સ્મૃતિ અને શારીરિક-મનોવૈજ્ઞાનિક જોડાણ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

માસ્ટ્રિચ યુનિવર્સિટી ખાતેના ભૂતપૂર્વ અને સેન્ટર ડેટા ખાતેના વર્તમાન શોધકર્તા કેરોલિયન વેન ડેન અક્કર કહે છે, “તમે રાતનું ભોજન કર્યા બાદ ટીવી જોવા સોફા પર બેસો પછી વારંવાર ચૉકલેટ કે ક્રિસ્પનો ટુકડો ખાતા હો તો તમારા શરીરમાં સોફા પર બેસવા, ટીવી જોવા અને કશુંક સારું ખાવાનું જોડાણ શરૂ થઈ શકે છે. તેના પરિણામે તમે સોફા પર બેસો ત્યારે તમે એક લાલસાનો અનુભવ કરો છો. તમે તૃપ્ત હો અને તમારા ઊર્જાભંડાર ભરેલા હોય ત્યારે પણ આવું થઈ શકે છે.”

વેન ડેન અક્કરના જણાવ્યા મુજબ, ઓવરઇટિંગ મૂળભૂત રીતે ખરાબ બાબત નથી. અકરાંતિયાની જેમ ખાવાની તકલીફ(જેમાં બહુ ઓછા સમયમાં વધારે પ્રમાણમાં ભોજન કરવામાં આવતું હોય)નું ક્લિનિકલ નિદાન એ છે કે મોટા ભાગે તેને ઘૃણા, અપરાધ કે શરમની લાગણી સાથે સંબંધ હોય છે. વધારે પડતો આહાર કરવાની બાબતને એક આદત ગણી શકાય, જેને તેઓ છોડવા ઇચ્છે છે. જોકે, ભોજનની લાલસા કોઈ આહાર પર સફળતાપૂર્વક ટકી રહેવાનું બહુ મુશ્કેલ બનાવી શકે છે.

આપણે ભોજનના લાભદાયક ગુણો, ખાસ કરીને મોટા પ્રમાણમાં ગળ્યા હોય તેવા પદાર્થોને વિશિષ્ટ સમય, ગંધ, દૃશ્ય અને વ્યવહાર સાથે જોડવાનું શીખીએ છીએ ત્યારે અનુભૂતિની સ્મૃતિ સક્રિય થઈ જાય છે અને વધુ લાલસા થાય છે. એ પછી માત્ર મનોવૈજ્ઞાનિક જ નહીં, પરંતુ લાળ પડવા જેવી શારીરિક પ્રતિક્રિયાઓ પણ શરૂ થઈ જાય છે.

આ વાત એક પ્રયોગથી સમજી શકાય.

પાવલોવના કૂતરા પરના પ્રયોગમાં ભોજનના સમયે ઘંટડી વગાડવામાં આવતી હતી, જેથી કૂતરો ઘંટડી વાગવાના સમયને ભોજન પ્રાપ્તિના સમય સાથે સાંકળી શકે. તેમાં માત્ર ઘંટડી વગાડવાથી કૂતરાના મોંમાથી લાળ ટપકવા લાગતી હતી. આ સંદર્ભમાં મનુષ્ય કૂતરાથી વધારે પરિષ્કૃત નથી.

એક અન્ય પ્રયોગમાં લોકોને ગોળ અને ચોરસ સરળ આકૃતિઓ દેખાડવામાં આવી હતી. જેમણે ચોરસ આકૃતિ જોઈ હતી તેમને ચૉકલેટનો એક ટુકડો આપવામાં આવ્યો હતો. પછી તેમને ફરીથી ચોરસ આકૃતિ દેખાડવામાં આવી ત્યારે તેમને ચૉકલેટની લાલસા થવા લાગી હતી. કૂતરાંની માફક મનુષ્યને પણ સાધારણ સંકેતોને આધારે ભોજનની અપેક્ષા કરવા માટે તૈયાર કરી શકાય છે.

વેન ડેન અક્કર કહે છે, "આ સંબંધ ઝડપથી અને માત્ર એક-બે ગ્રામ જેટલી નાની માત્રામાં ચૉકલેટથી પણ વિકસિત થતો હોય છે. આ ઇચ્છાની પ્રાપ્તિ તો બહુ આસાન છે, પરંતુ તેનાથી છુટકારો મેળવવો બહુ મુશ્કેલ છે. તમારું શરીર યાદ રાખે છે કે તમે નિશ્ચિત સમયે ચૉકલેટ ખાધી હતી. માત્ર ચાર દિવસ એવું થયું હોય તો પણ એ આસાનીથી દૈનિક ક્રેવિંગમાં પલટાઈ શકે છે."

ભૂખના ટ્રિગર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ક્યારેક આપણો મૂડ પણ કન્ડિશનિંગનું કારણ બની શકે છે. લોકો સામાન્ય રીતે એવું કહેતા હોય છે કે તેમનો મૂડ ખરાબ હોય કે તેઓ થાકેલા હોય તો તેમનું આત્મનિયંત્રણ ઓછું થઈ જાય છે. વેન ડેન અક્કર કહે છે, “એ પરિસ્થિતિમાં લાગણી સીધી સ્વાદિષ્ટ ભોજન સાથે જોડાયેલી હોઈ શકે છે. તેથી ખરાબ લાગણી લાલસાને ટ્રિગર કરી શકે છે.”

સૈદ્ધાંતિક રીતે કોઈ પણ મનોદશા, તે હકારાત્મક હોય તો પણ, ક્રેવિંગનું ટ્રિગર બની શકે છે, જ્યારે એ પછી સતત ભોજન કરવામાં આવતું હોય. આપણે દોસ્તો સાથે હોઈએ છીએ ત્યારે વધારે ખાતા હોઈએ છીએ, એવું વારંવાર જોવા મળ્યું છે.

તમે શરાબ, ખાસ પ્રસંગો, ભોજનના ટેબલ પર વિતાવવામાં આવેલા સમય અને અન્ય અનેક કારકો પર નિયંત્રણ રાખતા હોવા છતાં સામાજિક મેળમિલાપ વખતે વધારે ખાતા હો છો.

આપણી આસપાસના લોકો સાથે રહેવાનો આનંદ કદાચ આપણે કેટલું ખાઈ રહ્યા છીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું મુશ્કેલ બનાવી દે છે.

લૅબોરેટરીમાં એક કટોરામાં સાદા પાસ્તા ખાતા હોય એવા લોકો પણ તેમની સાથે વાત કરવાવાળો કોઈ દોસ્ત હોય તો વધારે ખાતા હોય છે.

આ જ્ઞાનનો પ્રભાવ ભોજનની ખરાબ આદતો છોડવા પર પણ પડે છે. વેન ડેન અક્કર કહે છે, “આપણે લોકોને ઓછું ખાવામાં મદદનો પ્રયાસ કરતા હોઈએ ત્યારે આપણે તેમની ખાવાની ઇચ્છાને ભુલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતા હોઈએ છીએ. આપણે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ પણ કરીએ છીએ કે એક વાર સારું ભોજન ખાવાનો અર્થ એ નથી કે તમારે બીજા દિવસે પણ એવું જ કરવું પડશે, એ વાત તેઓ જાણી લે.” આ વાત મહત્ત્વની છે, કારણ કે અન્ય અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ખાવાની ખરાબ આદતોને એક વાર તોડવાનું ખરાબ આદતો અપનાવવા માટે પૂરતું હોઈ શકે છે.

પરિવારજનો અને દોસ્તો સાથે ભોજન કર્યા બાદ આપણને કેટલી ભૂખ લાગે છે, તે આશ્ચર્યની વાત નથી.

આપણે બીજા દિવસે પણ ભૂખ્યા રહી જઈએ છીએ અને એ દિવસે પછી પણ. તેનું કારણ એ નથી કે આપણા પેટનો વિસ્તાર થયો છે. તેનું કારણ એ છે કે આપણે ખાસ પ્રસંગોએ ઓવરઇટિંગ કરવા ટેવાઈ ગયા છીએ.

આપણું દિમાગ જન્માષ્ટમી, દિવાળી, ક્રિસમસ કે થૅંક્સગિવિંગ જેવી મિજબાનીના આગલા દિવસે મહાભોજ સાથે જોડાયેલી સુગંધ, દૃશ્ય, અવાજને નિહાળતું હોય તો તે આપણને બીજા તબક્કા માટે તૈયાર કરવાનું શરૂ કરી દેશે તે નક્કી છે.

રેડ લાઇન
રેડ લાઇન