ઊલટા ચાલવાથી શરીર અને મગજને કેવા કેવા લાભ થાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, એનાબેલ બોર્ને
- પદ, બીબીસી સંવાદદાતા
ચાલવું આરોગ્ય માટે સારું છે એ તો આપણે સૌ સાંભળીએ અને જાણીએ છીએ. હૃદયરોગ, ડાયાબિટીસ, મેદસ્વીતા જેવી અનેક બીમારીઓથી બચવા માટે ચાલવું જોઈએ એમ ડૉક્ટરો અને ફિટનેસ એક્સપર્ટ્સ કહેતા આવ્યા છે.
તમે ધીમે ધીમે ચાલો કે ઝડપે ચાલો તો તેના કેવા લાભ થાય તેની ચર્ચા થાય પણ સ્વસ્થ રહેવા માટે ઊંધા ચાલો, એવું કોઈએ કહ્યું આજ સુધી?
આજે સંશોધન દર્શાવે છે કે ઊલટા ચાલવાથી સ્વાસ્થ્ય અને મગજ બન્નેને વાસ્તવિક ફાયદા થાય છે.
50 વર્ષની વયના સિગારની દુકાનના માલિક પેટ્રિક હાર્મને 1915ના ઉનાળામાં 20,000 પાઉન્ડ (તે સમયે 4,250 પાઉન્ડ) જીતવા માટે એક વિચિત્ર પડકાર ઝીલ્યો હતો. તેમણે સાન ફ્રાન્સિસ્કોથી ન્યૂયૉર્ક સિટી સુધી પાછળની તરફ ચાલવાનું શરૂ કર્યું હતું.
પોતે ક્યાં જઈ રહ્યા છે તે જાણવા માટે પેટ્રિક હાર્મને પોતાની છાતી પર કારનો નાનકડો અરીસો લગાવ્યો હતો. તેમણે તેમના એક દોસ્તની મદદથી પાછળની તરફ ચાલીને 290 દિવસમાં 6,300 કિલોમીટર પગપાળા પ્રવાસ કર્યો હતો. હાર્મને દાવો કર્યો હતો કે ઊંધા ચાલવાને કારણે તેમની ઘૂંટી એટલી મજબૂત થઈ ગઈ છે કે "તેને મચકોડવા માટે પણ સ્લેજ હથોડીની જરૂર પડશે."
તેમના દિમાગ પર કદાચ કોઈ ઝનૂન સવાર હતું.
સંશોધન મુજબ, પાછળની તરફ ચાલવાથી સંખ્યાબંધ શારીરિક અને માનસિક લાભ થાય છે. માઇકલ મોસ્લીએ બીબીસી પૉડકાસ્ટ અને રેડિયો ફોરના શો 'જસ્ટ વન થિંગ'ના તાજેતરના એપિસોડમાં આ વાત જણાવી હતી.
રેટ્રો વૉકિંગ એટલે કે પાછળની તરફ ચાલવું શૈક્ષણિક વર્તુળોમાં જાણીતું છે અને તેનો સમૃદ્ધ ઇતિહાસ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
19મી સદીમાં સંખ્યાબંધ લોકો હજારો માઇલ પાછળની તરફ ચાલતા હોવાના અહેવાલો મળે છે. એ પૈકીના ઘણા કિસ્સા આવેગજન્ય શરતનું પરિણામ હતા, જ્યારે અન્ય લોકોએ વિચિત્ર નવા રેકૉર્ડ માટે એવા પ્રયાસ કર્યા હતા.
જોકે, બાયોનિકેનિક્સમાં તફાવતને કારણે પાછળની તરફ ચાલવાથી ખરેખર કેટલાક ભૌતિક લાભ થાય છે. પીઠના દુ:ખાવા, ઘૂંટણની સમસ્યાઓ અને સંધિવાના નિરાકરણ માટે તેનો ઉપયોગ ઘણીવાર ફિઝિયો થૅરપીમાં કરવામાં આવે છે. કેટલાક અભ્યાસ એવું પણ સૂચવે છે કે ઊંધા ચાલવાથી યાદશક્તિ, પ્રતિક્રિયા સમય અને સમસ્યા હલ કરવા જેવી જ્ઞાનાત્મક ક્ષમતા પર પણ હકારાત્મક અસર થાય છે.
સ્વાસ્થ્યના હેતુસર ઊંધા ચાલવાની પ્રથાનો પ્રારંભ ચીનમાં થયો હોવાનું માનવામાં આવે છે, પરંતુ રમતગમતના પ્રદર્શનમાં સુધારા અને સ્નાયુઓની મજબૂતી વધારવાના માર્ગ તરીકે પણ અમેરિકા અને યુરોપના સંશોધકોનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે.

ઇમેજ સ્રોત, Alamy
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાની નેવાડા યુનિવર્સિટીમાં બાયોમિકેનિક્સના નિષ્ણાત જેનેટ ડુકેટ 20થી વધુ વર્ષથી બૅકવર્ડ લોકોમોશન વિશે સંશોધન કરી રહ્યા છે. તેમને અને તેમના સાથીઓને જાણવા મળ્યું હતું કે રોજ માત્ર 10-15 મિનિટ પાછળની તરફ ચાલવાથી 10 સ્વસ્થ વિદ્યાર્થિનીઓની હેમસ્ટ્રિંગ(ઘૂંટણની પાછલી બાજુની મોટી નસ)ની લવચિકતામાં વધારો થયો હતો. કરોડરજ્જૂની સ્થિરતા અને લવચીકતા માટે જવાબદાર પીઠના સ્નાયુઓ પણ ઊંધા ચાલવાથી મજબૂત બનાવી શકાય છે.
પાંચ ઍથ્લીટ્સ અનેક વખત ઊંધા ચાલ્યા પછી તેમને કમરની પાછળના હિસ્સામાંના દુખાવામાં રાહત થઈ હોવાનું પણ ડુફેકની વડપણ હેઠળના એક અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું હતું.
ડુફેક કહે છે, "પાછળની તરફ ચાલવાથી હેમસ્ટ્રિંગ્ઝ ખેંચાતી હોવાથી લોઅર બૅકના દુખાવામાં સારી એવી રાહત થાય છે, એવું અમારા સંશોધનોમાં જાણવા મળ્યું છે. લોઅર બૅકના દુખાવાને ઘણી વખત ટાઇટ હેમસ્ટ્રિંગ સાથે સંબંધ હોય છે."
કેટલીક સ્પોર્ટ્સ ટ્રેનિંગ અને ખાસ કરીને ટીમ તથા જેમાં ચપળતાની વધુ જરૂર હોય તેવી રૅકેટવાળી રમતોમાં બૅકવર્ડ વૉકિંગ અને બૅકવર્ડ રનિંગની કવાયતનો ઉપયોગ પહેલેથી જ કરવામાં આવતો રહ્યો છે.
સ્નાયુઓની શક્તિ એટલે કે સ્ટ્રેન્થ બિલ્ડિંગ વખતે ઘૂંટણના સાંધા પરનું દબાણ ઘટતું હોવાથી રેટ્રો રનિંગ ઍથ્લીટ્સને ઈજાગ્રસ્ત થતા બચાવવામાં પણ મદદ કરે છે.
ઍથ્લીટ્સ ઉપરાંત વૃદ્ધો, યુવાનો, મેદસ્વી વ્યક્તિઓ, અસ્થિવાથી પીડાતા લોકો અને ચાલવામાં મુશ્કેલી થતી હોય તેવા લોકોને રેટ્રો વૉકિંગથી ફાયદો થાય છે. સીધા ચાલવાને બદલે પાછળની તરફ ચાલવાથી વધુ કૅલરી બર્ન થતી હોવાનું પણ જાણવા મળ્યું છે.
તે આટલું ફાયદાકારક શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images
ડુફેકે કહે છે, "સીધા ચાલવા કરતાં ઊંધા ચાલવાનું બાયોમિકેનિક્સ ઘણું અલગ છે. દાખલા તરીકે, પાછળની તરફ ચાલવામાં ઘૂંટણની ગતિ ઓછી હોય છે, જે ઘૂંટણની શસ્ત્રક્રિયા કરાવી હોય તેવી વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે."
તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ઊંધા ચાલવા દરમિયાન નિતંબ અને ઘૂંટણ બન્ને સાંધાની ગતિ ઓછી થાય છે. સીધા ચાલવાની પ્રક્રિયા એડીના જમીન સાથે સંપર્કથી શરૂ થાય છે, જ્યારે પાછળની તરફ ચાલવાની પ્રક્રિયા અંગૂઠાના સંપર્કથી શરૂ થાય છે. તેમાં એડી જમીનને ક્યારેય સ્પર્શ કરતી નથી. પરિણામે ઘૂંટણના સાંધા પર ઓછી અસર અનુભવાય છે. તેમાં સામાન્ય વૉકિંગની સરખામણીમાં અલગ-અલગ સ્નાયુઓનો ઉપયોગ થાય છે.
વાસ્તવમાં પગની ઘૂંટીનો સાંધો પાછળની તરફ ચાલતી વખતે સૌથી વધુ આંચકા શોષી લે છે. રેટ્રો વૉક લખતે પ્લાન્ટર ફ્લેક્સિયન મૂવમેન્ટ (ચાલવાની પ્રક્રિયા) દરમિયાન સક્રિય થયેલા સ્નાયુઓ પગની ઘૂંટીની ગતિ ઘટાડવામાં અને આઘાતને શોષવામાં મોટી ભૂમિકા ભજવે છે.
તેથી એવું લાગે છે કે પગની ઘૂંટી મજબૂત બન્યાના હાર્મોનને દાવામાં થોડી સચ્ચાઈ લાગે છે, પરંતુ રેટ્રો વૉકના ફાયદાનો અંત પગની ઘૂંટી મજબૂત થવા સાથે થતો નથી.
આગળની તરફ ચાલવાની સરખામણીએ પાછળની તરફ ચાલતા વખતની મજ્જાતંતૂની પ્રવૃત્તિમાંના તફાવતને પણ સંશોધકોએ શોધી કાઢ્યો છે. નિર્ણય લેવા અને સમસ્યાનું નિરાકરણ કરવા જેવા જ્ઞાનાત્મક કૌશલ્ય માટે જવાબદાર પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ (મગજની આગળનો હિસ્સો) ખાસ કરીને ઊંધા ચાલતી વખતે વધારે સક્રિય હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
લોકો વિરોધાભાસી પરિસ્થિતિમાં કેટલી ઝડપી પ્રતિક્રિયા આપે છે તે ચકાસવા સ્ટ્રોપ ટેસ્ટ કરવામાં આવે છે.
નેધરલૅન્ડ્સમાં 38 લોકોની સ્ટ્રોપ ટેસ્ટ ઉકેલવાની ક્ષમતાના પરીક્ષણ માટે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં જાણવા મળ્યું હતું કે ઊંધા ચાલતા સહભાગીઓ ઝડપથી પ્રતિક્રિયા આપતા હતા, કારણ કે તેમના મગજ કદાચ પહેલેથી જ અસંગત કાર્ય કરવા ટેવાયેલાં હતાં.
એક અન્ય અભ્યાસનું તારણ એવું છે કે ઊંધા ચાલવું, બૅકવર્ડ ટ્રેન પ્રવાસના વીડિયો નિહાળવા અને માત્ર ઊંધા ચાલવાની કલ્પના કરવા જેવા લોકોમોશનનાં વિવિધ સ્વરૂપોથી માહિતીને યાદ કરવાની સહભાગીઓની ક્ષમતામાં સુધારો થયો હતો.
તંદુરસ્ત લોકોને તેમજ અસ્વસ્થ લોકોને આવરી લેતા રેટ્રો વૉકિંગ વિષયક સંશોધનનાં તારણ તેમાં ઉમેરો કરે છે. તેના ફાયદા અને મર્યાદાના પુરાવા વધુ સ્પષ્ટ થઈ રહ્યા છે.
ડુફેક કહે છે, "ઘણા બધા બાયોમિકેનિક્સ સંશોધન ટેકનૉલૉજીના આધારે ચાલી રહ્યાં હોય એવું મને લાગે છે. જે દિવસે હું તાલીમ પામ્યો ત્યારે 10 સહભાગીઓને આવરી લેતો અભ્યાસ પણ બહુ મોટી વાત હતો."
"અને હવે હું તથા મારા જૂથો જંગી ડેટા સાથે કામ કરી રહ્યા છીએ, કારણ કે ઘણી બધી માહિતી એકત્ર કરવાનું અને કેટલાક સારા આંકડાકીય પરિણામ મેળવવાનું હવે બહુ સરળ છે."
રેટ્રો વૉકિંગમાં જોખમનું એક તત્ત્વ પણ છે. અજાણ્યા અવરોધોને ટાળવા માટે કાળજી લેવી જરૂરી છે. ફિઝિયોથેરપી દરમિયાન પાછળની ચાલતી વખતે લોકો પડી ગયા હોય અને તેમને ગંભીર ઈજા થઈ હોય તેવા કિસ્સા પણ બન્યા છે.
સમાન પરિણામ પ્રાપ્ત કરવાના બીજા રસ્તા પણ છે. દાખલા તરીકે ચીનમાં વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે પીઠના નીચલા હિસ્સામાં દુખાવો થતો હોય તેવા ઍથ્લીટ્સની સારવાર માટે પાછળની તરફ ચાલવા કે જૉગિંગ જેવી પ્રવૃત્તિ કરતાં તાઈ ચી અને સ્વિમિંગ વધારે અસરકારક છે.
અલબત, ડુફેક કહે છે તેમ, રેટ્રો વૉકિંગ અજમાવવાનું બીજું કારણ છે નવીનતા.
"તમારા હેમસ્ટ્રિંગને સ્ટ્રેચ કરવાની અન્ય રીતો પણ છે. તમે ફક્ત હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ કરી શકો છો. તેની સાથે તમે કશુંક મનોરંજક પણ કરી શકો. ખરુંને?"














