ગુજરાતમાં ઘરે ઘરે ખવાતા મમરા કેટલા આરોગ્યપ્રદ અને એ કોણે ન ખાવા જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
ક્રન્ચી મમરા અને મમરાની ભેળનો નાસ્તો વ્યાપકપણે ખવાય છે. બાળકોથી માંડીને પુખ્તો અને વૃદ્ધો પણ તેનો નાસ્તો કરતા જોવા મળે છે.
ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ ઠેર ઠેર મમરા પ્રચલિત છે. ગુજરાતમાં પણ ઘણી વાનગીઓમાં તેમજ વઘારેલા મમરાનો સાર્વત્રિકપણે હળવા નાસ્તા ખવાય છે.
સામાન્ય રીતે એવું મનાય છે કે મમરાથી પેટ હળવું રહે, ભૂખ સંતોષાઈ જાય. ઘણા તો વજન નિયંત્રિત રાખવા માટે પણ મમરાની વાનગીઓ લેતા હોય છે.
પરંતુ ખરી વાત શું છે? શું એ ખરેખર સ્વાસ્થ્યપ્રદ છે ખરા? તે ખાવા જોઈએ કે નહીં?
મમરામાં કયાં પોષકતત્ત્વો રહેલાં છે? તેનું કેટલું પ્રમાણ છે? મમરાનો ખોરાકમાં કે ડાયટમાં વધુ ઉપયોગ કરવાથી કોઈ આરોગ્ય સંબંધિત સમસ્યા સર્જાઈ શકે?
કદાચ તમને પણ આ સવાલો થયા હશે.
બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો પાસેથી આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.
મમરામાં રહેલાં તત્ત્વો

ઇમેજ સ્રોત, Getty Images
મમરા જે અંગ્રેજીમાં (પફ રાઇસ) કહેવાય છે, તે ચોખામાંથી બને છે. તેને ગરમી અને ઊંચુ દબાણ આપવાથી તે ફૂલે છે અને કરકરા બની જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વજનમાં એ સાવ હલકા હોય છે. અને મોટા ભાગે તેને વિવિધ ચટણીઓ સાથે મિક્સ કરીને તેની ભેળ અથવા વિભિન્ન મસાલા-મીઠા સાથે વઘારીને તેનો નાસ્તો બનાવાય છે.
મમરામાં કૅલરી ઓછી હોય છે. તેમાં ફાઇબરનું પ્રમાણ પણ ઓછી હોય છે. વળી તેમાં કાર્બોહાઇડ્રેટ્સ પણ ઓછા હોય છે. ચોખાને પ્રોસેસ કરીને મમરા બનતા હોઈ તેમાં રહેલાં મોટા ભાગનાં પોષકતત્ત્વો નાશ પામે છે. અને તે પ્રોટીનનો પણ સારો સ્રોત હોતા નથી.
‘ડાયાબિટીસના દર્દીએ મમરાનું સેવન ઓછું કરવું જોઈએ’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સામાન્યપણે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર ન ઉપજાવતા હોવાની છાપ ધરાવતા મમરાની માનવશરીર પરની અસરો અંગે વિગતવાર જાણવા માટે બીબીસી ગુજરાતીએ નિષ્ણાત અને અનુભવી ડૉક્ટરો સાથે વાત કરી હતી.
અમદાવાદના સિનિયર ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગ અનુસાર ડાયાબિટીસના દર્દીઓ મમરા શક્ય હોય તો ટાળવા જોઈએ અથવા નિયંત્રિત પ્રમાણમાં જ ખાવા જોઈએ.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, “મમરામાં કૅલરી અને અન્ય ન્યૂટ્રિયન્ટ્સ ઓછાં હોય છે. પરંતુ તેનો ગ્લાયસેનિક ઇન્ડેક્સ ઘણો વધારે છે. જે ખોરાકનો ગ્લાયસેનિક ઇન્ડેક્સ વધુ હોય એનો અર્થ એ થાય છે કે તેમાં ખાંડનું પ્રમાણ વધારે છે, તે લોહીમાં ખાંડનું લેવલ વધારી શકે છે.”
“આથી જે લોકોને ડાયાબિટીસ હોય, તેમણે મમરાનું સેવન ઓછું કરવું જોઈએ. વળી સામાન્યપણે જેમને ડાયાબિટીસ હોય છે તેમને બ્લડપ્રેશરની સમસ્યા પણ રહે છે અને મમરાના નાસ્તામાં નમકનું પ્રમાણ હોય છે. એટલે જો મમરા ખાઓ તો તેમાં નમકનું પ્રમાણ પણ ઓછું રાખવું જોઈએ.”
જોકે ડૉ. ગર્ગ મમરા કરતાં પૌંઆમાં કૅલરીનું પ્રમાણ સારું હોઈ તેનો આહારમાં ઉપયોગ કરવાની સલાહ આપે છે.
ડૉ. ગર્ગ કહે છે કે મમરા કરતાં પૌંઆનો ગ્લાયસેનિક ઇન્ડેક્સ પણ ઓછો છે અને તેમાં કૅલરીનું પ્રમાણ પણ સારું છે.
જોકે, તેઓ એવું પણ કહે છે કે, “ડાયાબિટીના દર્દીઓને અમે કેળાં, ચીકુ, કેરી જેવાં ફળો પણ ઓછા પ્રમાણમાં ખાવાની અથવા તો ટાળવાની સલાહ આપીએ છીએ. કેમ કે તેનાથી પણ બ્લ્ડ સુગર લેવલ વધી શકે છે.”
‘મમરા આરોગ્ય માટે જરાય લાભદાયી નથી’
મમરા અને માનવશરીર માટે જરૂરી પોષકતત્ત્વોની તેમાં હાજરી અંગેની સામાન્ય ધારણા અંગે વધુ સ્પષ્ટતા મેળવવા માટે બીબીસી ગુજરાતીએ ડાયટ અને ન્યુટ્રિશનિસ્ટ સાથે પણ વાતચીત કરી. અને મમરાની ડાયટમાં કેવી ભૂમિકા હોય છે એ અંગે જાણવાનો પ્રયાસ કર્યો.
આ વિશે ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. ખુશ્બૂ મહેતા પ્રમાણે મમરા જે રીતે બને છે, એના કારણે તેમાં જરા પણ પોષકત્ત્વો નથી હોતાં.
તેઓ આગળ સમજાવતાં કહે છે કે, “આરોગ્યની દૃષ્ટિએ તો એ જરાય લાભદાયી નથી. તેને ખરેખર યોગ્ય રીતે રોસ્ટ નથી કરાતા અને તેને જ્યારે બનાવાય છે ત્યારે તેમાં વપરાતી પદ્ધતિઓના લીધે તેમાંથી તમામ તત્ત્વો નીકળી ગયાં હોય છે. જોકે, વ્હીટ મમરા, રાગીના મમરા એના કરતાં સરવાળે સારા હોય છે. પણ બજારમાં તે ચોખાના મમરા જેટલી સરળતાથી ઉપલબ્ધ હોય છે, એટલી સરળતાથી નથી મળતા.”
આ સિવાય તેઓ મમરા વજન ઘટાડવામાં મદદરૂપ હોવાની બાબતને ‘ગેરમાન્યતા’ ગણાવતાં કહે છે કે, “વજન ઘટાડવામાં તો મમરા જરાય મદદરૂપ નથી થતા. પરંતુ રાગી કે વ્હીટના મમરા મદદ કરે છે.”
આ સિવાય મમરાથી ભૂખ સંતોષાવાની વાત અંગે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે કે, “બાળકોની વાત કરીએ તો મમરા ખરેખર ભૂખ નથી સંતોષી શકતા એટલે બાળકો તે અતિશય પ્રમાણમાં ખાઈ લે છે. આનાથી પાચન સંબંધિત સમસ્યા થાય છે અને કબજિયાત પણ થતી હોય છે.”














