પોસ્ટમૉર્ટમ આસિસ્ટન્ટ તરીકે મૃતદેહોની વાઢકાપ કરતાં મહિલાની કહાણી

વીડિયો કૅપ્શન, પૉસ્ટમોર્ટમ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં મહિલાની કહાણી
પોસ્ટમૉર્ટમ આસિસ્ટન્ટ તરીકે મૃતદેહોની વાઢકાપ કરતાં મહિલાની કહાણી

સામાન્ય રીતે પોસ્ટમૉર્ટમ (મૃતદેહોની વાઢકાપ કરીને થતી મેડિકલ તપાસ) માટે ડૉક્ટરોના સહાયક તરીકે પુરુષો જ હોય છે. એ સહાયકોનું મુખ્ય કામ મૃતદેહો પર ચીરફાડ કરીને તેને ખોલવાનું હોય છે.

પરંતુ દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશના વાયએસઆર કદપા જિલ્લાની પ્રોદ્દાતૂર સરકારી હૉસ્પિટલમાં આ કામ એક મહિલા કરે છે. પગદલા વરાલુ છેલ્લાં દોઢ વર્ષથી પોસ્ટમૉર્ટમ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે.

જાણો કેવી રીતે તેઓ આ નોકરી સુધી પહોંચ્યાં અને હાલ તેઓ ગર્ભવતી છે ત્યારે તેઓ શું કહે છે આ કામ વિશે?

"જીવિત વ્યક્તિ કરતાં મૃતદેહો સારા" એમ કહીને તેઓ પૂછે છે, "શું આપણે જીવિત વ્યક્તિથી ડરવું ના જોઈએ?"

પગદલા વરાલુ
ઇમેજ કૅપ્શન, પગદલા વરાલુ

મોટા ભાગના લોકો મૃતદેહો જોઈને ડરી જાય છે પણ કૉમર્સમાં અનુસ્નાતક થયેલાં વરાલુ દોઢ વર્ષથી આ કામ કરે છે.

મૃતદેહોના પરીક્ષણ માટે મૃતદેહોને કાપવાનું કામ મોટા ભાગે પુરૂષો કરતા હોય છે. મહિલા તો આ ક્ષેત્રમાં હોય એવું ભાગ્યે જ બને. તો પછી વરાલુ આ કામમાં કેવી રીતે આવ્યાં? તેમની કહાણી શું છે? હાલ તો વરાલુ ગર્ભવતી છે. તેમણે તેમના ઘરે બીબીસી સાથે વાત કરી.

પોતાની ઓળખ આપતાં વરાલુ જણાવે છે, "મારું નામ પગડાલા વરાલુ છે. હું 24 વર્ષની છું. હું પ્રોદ્દુુટુરુના ચાપાડુ મંડલના ચિન્ના વરદાયપલ્લેની વતની છું અને હાલ પ્રોદ્દાટુર સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ અટેન્ડેન્ટ છું."

દુર્ઘટનાઓમાં મૃત્યુ પામનારા, આત્મહત્યા કરનારા અને જેમની હત્યા કરાઈ હોય તેવા મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે લવાય છે. એ મૃતદેહોને કાપવાનું અને અંગોને બહાર કાઢવાનું કામ મારું છે.

"મેં ઇચ્છાથી આ નોકરી પસંદ નથી કરી. હું જીવનનિર્વાહ ચલાવવા આ કામ કરવા મજબૂર છું", તેઓ આગળ કહે છે કે, "મેં 10મા ધોરણ સુધીનો અભ્યાસ પ્રોદ્દુટુરમાં અને પછી એમકૉમનો અભ્યાસ તિરૂપતિમાં કર્યો. મારા પિતા પશુપાલક હતા. માતા ઘરે રહેતાં હતાં. હું અગાઉ એક ખાનગી કંપનીમાં ડેટા ઍન્ટ્રી ઑપરેટર તરીકે કામ કરતી હતી."

"ગયા વર્ષે મારાં લગ્ન થયાં. આ પછી એકવાર મેં પોસ્ટમૉર્ટમ અટેન્ડેન્ટની નોકરીની જાહેરાત જોઈ. મને એમ કે કોઈ દસ્તાવેજી કામકાજ કરવાનું હશે એમ વિચારીને મેં આ નોકરી માટે અરજી કરી. જ્યાં સુધી આ નોકરીમાં જોડાઈ નહોતી ત્યાં સુધી મને એ ખબર નહોતી કે મૃતદેહોને આવી રીતે કાપવા પડશે."

"મેં અન્ય કામોમાં પણ હાથ અજમાવ્યો છે. પણ પગાર ઘરની જરૂરિયાતોને પૂરી કરવા માટે પૂરતો નહોતો મળતો."

"એવામાં આ સરકારી નોકરી છે તો ભવિષ્યમાં પગાર વધવાની અને નોકરી કાયમી થવાની આશાએ મેં નોકરી શરૂ કરી. હાલ તો આઉટસોર્સિંગ થકી હું અહીં કામ કરું છું."

પહેલા દિવસે જ ત્રણ મૃતદેહો

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, TULSIPRASAD REDDY NANGA

પોતાના અનુભવ વિશે જણાવતાં તેમણે જણાવ્યું -

પહેલાં તો મૃતદેહ જોઈ ડર લાગતો હતો. વડીલો કહેતા કે જો આપણે મૃતદેહ પાસે જઈએ તો મૃત્યુ પામેલા લોકો ભૂત બની જાય અને આપણને હેરાન કરે. તેથી અમે મૃતદેહ પાસે ના જતાં. પણ આ નોકરીમાં તો પહેલા દિવસે જ ત્રણ મૃતદેહ આવ્યા હતા. ત્યાં સુધી કે ડૉક્ટર્સને તેને કાપતા પણ જોયા મેં.

હજી સુધી મને એ તો નથી ખબર કે પોસ્ટમૉર્ટમ કેવી રીતે કરાય છે. પહેલો દિવસ બિહામણો હતો. ડૉક્ટરે કહ્યું કે તારે પણ આમ કરવાનું છે. ડૉક્ટરે કહ્યું કે તમારી નિમણૂક આ કામ કરવા માટે જ થઈ છે. ત્યારથી મેં ડરવાનું છોડી દીધું. મેં એક વ્યવસાય તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું.

મેં એક મૃતદેહ કાપ્યો. દિવસ રાત મને એ જ યાદ રહ્યું. માથું ચીરવાનું અને શરીરનાં અંગોને બહાર કાઢવાનું મને સપનાંમાં આવું જ બધું દેખાતું. પહેલાં તો હું એ મૃતદેહની ચીરફાડ કરતા ડરતી હતી, પછી ધીરે ધીરે આદત પડી ગઈ.

'મોબાઇલ ન લેવા દીધો, ફરવા ન લઈ ગયા..એવાં કારણોસર લોકો પોતાનો જીવ લે છે'

પણ આ કામ સરળ નથી. ઘણીવાર તમને જીવન પ્રત્યે ઘૃણા થવા લાગે છે. કેટલાક મૃતદેહોને જોઈને મારા પેટમાં વિચિત્ર હિલચાલ થવા લાગે છે. ક્ષતવિક્ષત અને જીવાંતોથી સંક્રમિત મૃતદેહો પણ આવે છે. એની ગંધથી ઊબકા આવવા લાગે છે.

આ કેવું કામ છે? શરૂઆતમાં મને લાગતું કે તેઓ કેવી રીતે નાનપણથી અત્યાર સુધી જીવન જીવી શક્યા હશે...અને આવી રીતે કેમ મરી ગયા?

મોબાઇલ ના ખરીદવા દેવો, ક્યાંય ફરવા ના લઈ જવાય, કોઈ વસ્તુ ના મળે, કોઈ પૈસા ના આપે, કોઈ બાઇક ના ખરીદી શક્યા હોય... આવી નાની નાની વાતો પર ઝેર પી લેવું, ગળે ફાંસો ખાઈ લેવો, ટ્રેન નીચે આવી જવું, આવાં કામ લોકો કરે છે.

એવા મૃતદેહો ખરાબ સ્થિતિમાં અહીં આવે છે. તેઓ આવું કેમ કરે છે? નાની નાની વાતો પર જીવ લઈ લે છે. મને એવું લાગે કે જો હું એમની સાથે બેસીને વાત કરી શકતી તો તેઓ જીવ તો ના જ લેતા.

'લોકો કહે છે કે મૃતદેહો કાપે છે એટલે આને અડશો નહીં'

પુરુષો પણ પોસ્ટમૉર્ટમથી ડરે છે. સામાન્ય રીતે તેઓ પણ આ કામ કેટલાક અંશે મદ્યપાન કરીને કરતા હોય છે. તો આવી રીતે અનુસ્નાતક થયા પછી પણ તમારે આવી નોકરી કરવાની શું જરૂર છે? કેટલાય લોકો મને આવું કહે છે. આ છોકરી તો મૃતદેહોનું કામ કરવા જાય છે એને અડશો નહીં એવું પણ કેટલાક લોકો બોલે છે. લોકો એમ પણ કહે છે કે ભગવાનની ભક્તિ પણ બચાવી નહીં શકે, લોકો આવું બોલે ત્યારે દુ:ખ થાય છે.

મૃતદેહો કાપતી હોવાના કારણે કેટલાક લોકો મને તુચ્છ સમજે છે. પણ ડૉક્ટરો પણ તો આ કામ કરે છે. તો પછી હું આવું કંઈક કરું તો તેમાં ખોટું શું છે? પહેલાં તો મને આવા શબ્દોથી દુ:ખ થતું પણ પછી હું આનાથી ટેવાઈ ગઈ. હું મારું કામ કરી રહી છું. તેઓ ભલે જે વિચારવું હોય તે વિચારતા રહે.

'જીવિત વ્યક્તિઓ કરતા મૃતદેહો સારા'

જીવતા માણસોથી ડરવું જોઈએ મૃતદેહોથી નહીં. પહેલાં મને ઘરે એકલાં સૂતાં ડર લાગતો હતો. પણ હવે હું મૃતદેહ પાસે જાઉં છું તો મને લાગે છે કે જીવતા માણસો કરતા તો મૃતદેહો જ સારા છે. તેનાથી આપણને કશું થવાની બીક નથી.

કેટલાક લોકોનું કહેવું છે કે જ્યારે મહિલા ગર્ભવતી હોય તો તેણે પોસ્ટમૉર્ટમ રૂમની નજીક પણ ના જવું જોઈએ. પણ આ તો મારું કામ છે.

દર મહિને 25 મૃતદેહો આવે છે

કેટલાક મૃતદેહોને તો તેમના પરિવારજનો પણ સ્પર્શતા નથી. તેઓ પણ એમ ઇચ્છે કે બીજા કોઈ લોકો તેની સાથ સંકળાયેલી ક્રિયાઓને સંભાળી લે અને મૃતદેહને એકબાજુ પર મૂકીને જતા રહે છે. જ્યારે અમે ત્યાં જઈ તે મૃતદેહને સ્પર્શ કરીએ છીએ ત્યારે એ લોકો અને મારા વચ્ચેનો ફરક ખબર પડે છે.

દર મહિને 25 મૃતદેહો આવે છે. બે કર્મચારી સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કામ કરે છે. અમે રવિવારે પણ કામ કરીએ છીએ. અઠવાડિયામાં એક દિવસ રજા લઈ શકાય છે.

વરાલુ કહે છે, "છોકરીઓના મોટા ભાગે 10મા ધોરણ પછી અભ્યાસ નથી કરાવાતો. તેમનાં લગ્ન કરી દેવાય છે. પણ આવું ના થવું જોઈએ. છોકરીઓને ભણાવવી જોઈએ. જેથી તેઓ પગભર થઈ શકે."

પતિએ આપ્યું પ્રોત્સાહન

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, TULSIPRASAD REDDY NANGA

પોસ્ટમૉર્ટમ અટેન્ડેન્ટની નોકરી કરનારાં વરાલુને તેમના પતિ અને સારસિયાઓએ સારો સહકાર કર્યો છે.

"હું તને કહું છું કે કોઈની ચિંતા ના કર, ડૉક્ટરો જીવિત વ્યક્તિની સર્જરી કરે છે. મને કહે કે શું ફેર છે માત્ર એટલો જ ને કે તું એ કામ મૃતદેહો સાથે કરે છે.” વરાલુને આવું બોલીને સમજાવનારા તેમના પતિ કહે છે કે તે પહેલાં ડરતી હતી પણ હવે નથી ડરતી.

વધુ વાત કરતા વરાલુના પતિ કહે છે કે મારા મનમાં પણ તેના પ્રત્યે એવો કોઈ ભાવ નથી. મેં એમબીએ કર્યું છે. હું નોકરીના મહત્ત્વને સમજું છું.

તેઓ કહે છે, "મહિલા પગભર થવા માટે તો કામ કરતાં હોય છે."

"અમને પહેલાં આશંકા હતી"

એટલી હદ સુધી કે શરૂઆતમાં તો ડૉક્ટર્સને પણ એમ હતું કે એક છોકરી આ કામ કેવી રીતે કરી શકે? હવે જ્યારે વરાલુ કુશળતાપૂર્વક તેના કર્તવ્યનું વહન કરતાં આ કામ કરે છે ત્યારે તેને જોઈને ડૉક્ટર્સને પણ આશ્ચર્ય થાય છે.

પ્રોડ્ડુટુરુ જિલ્લા ચિકિત્સાલય અધીક્ષક આનંદ બાબુએ વરાલુની પ્રશંસા કરતા કહ્યું કે તે ખૂબ બહાદુરીથી પોતાનું કામ કરી રહ્યાં છે.

આનંદ બાબુએ કહ્યું, "વરાલુ હાલ તો મેડિકલ લીવ પર છે. આ કામ દોઢ વર્ષથી તેઓ કરી રહ્યાં છે. અગાઉ અનુદીપ નામના એક ફૉરેન્સિક ઍક્સપર્ટ હતા. તેમણે વરાલુને સારી રીતે તાલીમ આપી છે. તેઓ પોતે જ મૃતદેહોને કાપે છે અને તેમાંથી અંગોને બહાર કાઢે છે. તેઓ ડર્યાં વગર સાહસ સાથે આ કામ કરે છે."

આનંદ બાબુ કહે છે, "સામાન્ય રીતે મહિલાઓ પોસ્ટમૉર્ટમ જેવાં કામ માટે આગળ નથી આવતી. માત્ર પુરુષો જ આ કામ માટે આવતા હોય છે. તેઓ દારુ પણ પીવે છે. પણ વરાલુ તો ક્ષતવિક્ષત મૃતદેહને પણ બહાદુરીથી કાપે છે. આ કામ તે ખૂબ સારી રીતે કરી શકે છે."

બીબીસી
બીબીસી