ગુજરાતમાં વર્ષ 2023માં પકડાયેલાં ‘નકલી’ કારનામાં

મોરબીમાં ચાલતાં નકલી ટોલનાકાની સમગ્ર દેશમાં ચર્ચા થઈ હતી

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya

ઇમેજ કૅપ્શન, મોરબીમાં ચાલતાં નકલી ટોલનાકાની સમગ્ર દેશમાં ચર્ચા થઈ હતી

વર્ષ 2023માં ગુજરાતે જોયેલી અનેક ઘટનાઓમાંથી કેટલીક ઘટનાઓમાં એક પેટર્ન ઊડીને આંખે વળગે તેવી છે. આ પેટર્ન સાથે 'નકલી' શબ્દ સંકળાયેલો છે. આ વર્ષે ગુજરાતમાં 'નકલી' ટોલનાકાથી લઈને વડા પ્રધાનની ઓફિસમાં કામ કરતા 'નકલી' અધિકારી જેવી 'નકલી' બાબતો પ્રકાશમાં આવી છે, જેની ચર્ચા માત્ર રાજ્યમાં જ નહીં સમગ્ર દેશમાં થઈ હતી.

ગુજરાતમાં હાલમાં જ ગુજરાતના મોરબીથી કચ્છ જતા નેશનલ હાઈવે 27ના વઘાસિયા ટોલનાકાની બાજુમાં નકલી ટોલનાકું લાંબા સમયથી ચાલતું હોવાનો ખુલાસો થયા બાદ સમગ્ર દેશમાં તેની ચર્ચા થઈ હતી.

દોઢ વર્ષ કરતાં વધુ સમયથી વાંકાનેરનાં વઘાસિયા ટોલનાકા પાસે ટોલનાકાની બંને બાજુએ ગેરકાયદે ટોલનાકાં બનાવી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાના સમાચાર બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે દરરોજ આ ટોલનાકા પરથી અંદાજીત 2000 વાહનો પસાર થતાં હતાં અને વાહનચાલકો પાસેથી રૂપિયા 20થી લઈને 200 સુધીનો ટોલટૅક્સ લેવામાં આવતો હતો.

શુક્રવારે મોરબી જિલ્લાના ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેમના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલાની આગોતરા જામીન મોરબીની અધિક સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી.

હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે.

હું પીએમઓમાં એડિશનલ ડાયરેક્ટર છું : કિરણ પટેલ

કાશ્મીરમાં વડા પ્રધાન-કાર્યાલયના અધિકારી હોવાનો દાવો કરવાના મામલામાં કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે

ઇમેજ સ્રોત, @BANSIJPATEL/ TWITTER

ઇમેજ કૅપ્શન, કાશ્મીરમાં વડા પ્રધાન કાર્યાલયના અધિકારી હોવાનો દાવો કરવાના મામલામાં કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે

3જી માર્ચના રોજ જ્યારે જમ્મુ કાશમીરની પોલીસે મૂળ ગુજરાતના કિરણ જે પટેલની ધરપકડ કરી ત્યારે તેનાં કારનામાં સાંભળીને સમગ્ર દેશ ચોંકી ગયો હતો.

વડા પ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓમાં એડિશનલ ડાયરેક્ટર હોવાનો દાવો કરીને કિરણ પટેલે વૈભવી સરકારી સુવિધાઓ લીધી હતી. પોલીસ અનુસાર પટેલે પોતે નવી દિલ્હીમાં વડા પ્રધાન કાર્યાલયમાં કામ કરતા હોવાના દાવો કર્યો હતો પરંતુ તેઓ ત્યાં આવા કોઈ પદ પર કામ કરતા નહોતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસે કિરણ પટેલ પાસેથી દસ નકલી વિઝિટિંગ કાર્ડ અને બે મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.

કિરણ પટેલ સીઆરપીએફ અને જમ્મુ-કશ્મીર પોલીસની સુરક્ષા હેઠળ કાશ્મીરના અનેક હેલ્થ રિસોર્ટમાં પિકનિક પર ગયા હતા.

જ્યાં તેમણે ઘણા વીડિયો બનાવ્યા હતા અને તેમના ટ્વિટર (હવે એક્સના) હૅન્ડલ પર શેર કર્યા હતા. આ દરમિયાન પટેલને સુરક્ષા અને બુલેટપ્રુફ ગાડી પણ આપવામાં આવી હતી.

ઇન્ટેલિજન્સ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે, "ધરપકડ કરાયા પહેલાં પણ કિરણ પટેલ પોતે પીએમઓમાં એડિશનલ ડાયરેક્ટરના તરીકે બે વાર કાશ્મીર જઈ ચૂક્યા હતા."

તેમનું કહેવું હતું કે, "જ્યારે કિરણ પટેલ બીજીવાર કાશ્મીર આવ્યા હતા, ત્યારે તેમના પર દેખરેખ રાખવામાં આવી હતી." તેમનું એમ પણ કહેવું હતું કે, બીજી ટ્રીપમાં તેમનો પરિવાર પણ તેમની સાથે હતો.

કિરણ પટેલ સામે જમ્મુ કાશ્મીરમાં નિશાન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 419, 420, 467 અને 471નો ગુનો નોંધાયો છે. કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં વધુ ત્રણ કેસ નોંધાયા છે.

30 ઑગષ્ટના રોજ જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે કિરણ પટેલને જામીન આપ્યા હતા. હાલ કિરણ પટેલ ગુજરાતની સાબરમતી જેલમાં છે.

નકલી સરકારી કચેરીઓ

દાહોદની નકલી સરકારી કચેરી ઊભી કરીને રૂ. 21.15 કરોડની ઉચાપત કરવામાં આવી છે

ઇમેજ સ્રોત, LAXMI PATEL

ઇમેજ કૅપ્શન, દાહોદની નકલી સરકારી કચેરી ઊભી કરીને રૂ. 21.15 કરોડની ઉચાપત કરવામાં આવી છે

2023ના ઑક્ટોબરમાં ગુજરાતનું વહીવટીતંત્ર શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયું જ્યારે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં ‘નકલી સરકારી કચેરી’ પકડાઈ.

આ ઘટનાથી સરકારી વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભો થયો. જોકે, એ મામલો શાંત પડે એ પહેલાં જ માત્ર 10 દિવસોમાં વધુ છ ‘નકલી સરકારી કચેરીઓ’ પકડાઈ હતી.

દાહોદની નકલી સરકારી કચેરી ઊભી કરીને રૂ. 21.15 કરોડની ઉચાપત કરવાના પ્રકરણમાં મુખ્ય આરોપી સંદીપ રાજપૂતની ધરપકડ થઈ.

ત્યારબાદની પોલીસની તપાસમાં દાહોદના પ્રયોજના વહીવટદાર તરીકે નોકરી કરી ચૂકેલા રિટાયર્ડ આઈએએસ અધિકારી બી. ડી. નિનામા પર પણ સંડોવણીનો આરોપ લાગ્યો હતો. 28 નવેમ્બરે નિનામાની ધરપકડ કરી લેવાઈ હતી.

દાહોદ પ્રયોજના વહીવટદાર દ્વારા છેલ્લાં બે-ત્રણ વર્ષનાં કામોની ચકાસણી કરાતાં આરોપી સંદીપ રાજપૂત વિરુદ્ધ દાહોદ જિલ્લામાં પાંચ અને ડભોઈ ખાતે એક એમ કુલ છ નકલી કચેરી અને નકલી અધિકારીઓ ઊભાં કરવાનો આરોપ લગાવાયો છે.

દાહોદ જિલ્લાના એસ. પી. રાજદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "દાહોદ જિલ્લા પ્રયોજના અધિકારી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, એમાં છ બનાવટી કાર્યાલયો ઊભાં કરીને ઉચાપત કરવામાં આવી હતી."

"આ કેસમાં સંદીપ રાજપૂત સરકારી અધિકારી બન્યો હતો. અંકિત સુથારે ખોટાં બૅન્ક એકાઉન્ટ ખોલ્યાં હતાં. આ સિવાય તે સમયના પ્રયોજના અધિકારી બાબુભાઈ નિનામાની સંડોવણીના પુરાવા મળતાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે."

અત્યાર સુધી પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે અને તપાસમાં બહાર આવ્યું છે કે રિટાયર્ડ આઈએએસ અધિકારી બી. ડી. નિનામા 2016થી નકલી સરકારી ઑફિસ ચલાવી રહ્યા હતા. અત્યાર સુધી રાજ્ય સરકાર પાસેથી વિવિધ યોજનાઓ અંતગર્ત 21.15 કરોડ રુપિયાની ગ્રાન્ટ મેળવી છે.

CMOથી લઈને NIAનો નકલી ઑફિસર

પત્ની સામે રોફ મારવા જતા ગુંજન કાંતિયા નામનો નકલી NIAનો અધિકારી પોલીસના હાથે ચઢી ગયો હતો

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, પત્ની સામે રોફ મારવા જતા ગુંજન કાંતિયા નામનો નકલી NIAનો અધિકારી પોલીસના હાથે ચઢી ગયો હતો

આ વર્ષે જાણે ગુજરાતમાં ‘નકલી અધિકારી’ પકડાયા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. કોઈ પણ ખૌફ અથવા ડર વગર પોતાને મુખ્ય મંત્રી કાર્યાલય અથવા મંત્રાલયના અધિકારી ઓળખાવી રોફ જમાવતા લોકોને પોલીસે પકડી પાડ્યા હતા.

“હું સીએમઓમાં કામ કરું છું, બે મિનિટમાં જેલ ભેગો કરી દઈશ”, વડોદરાનાં થિયેટરમાં વિરાજ પટેલ નામના યુવકે કથિત રીતે પ્રદીપ નાયર નામના યુવક સામે પોતાનો રોફ બતાવ્યો હતો.

પોતે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઓફિસમાં અધિકારી હોવાની વાતને દોહરાવી હતી. પરંતુ જ્યારે પોલીસે વિરાજ પટેલને પોતાનું આઈકાર્ડ બતાવવા કહ્યું હતું, ત્યારે વિરાજે આઈકાર્ડ હોટલમાં મૂકીને આવ્યા હોવાનું જણાવ્યું હતું.

જ્યારે પોલીસે મુખ્ય મંત્રી કાર્યાલયનો સંપર્ક કર્યો હતો, ત્યારે ખબર પડી હતી કે ત્યાં કોઈ વિરાજ પટેલ નામની વ્યક્તિ કામ કરતી નથી.”

આવી રીતે લાખોની ઠગાઈના આરોપીને છોડાવવા 'CMનો માણસ બની રોફ મારતા' નિકુંજ પટેલની પણ જામનગર પોલીસે થોડા દિવસ પહેલાં ધરપકડ કરી હતી.

જામનગર પોલીસ બનાવટી કંપની બનાવી લાખો રૂપિયાનું કૌભાંડ કરનાર અસલમ મેમણની સુરત ખાતેથી ધરપકડ કરી હતી. અસલમને છોડાવવા નિકુંજ પટેલે ‘સીએમઓના નકલી અધિકારી’ બનીને ફોન કર્યો હતો, જે બાદ નિકુંજ પટેલની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 170 અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

નિકુંજ પર ક્રિકેટનો સટ્ટો રમવાને કારણે દેવું થઈ ગયું હતું. તે ગાંધીનગર આવીને નેતાઓ સાથે સેલ્ફી લેતો.

એ ફોટો પાટણમાં લોકોને બતાવી રાજકીય વ્યક્તિઓ સાથે પોતાને ઘરોબો હોવાની વાતો કરીને પૈસા ઉછીને લેતો હતો.

એ એના લેણદારોને પણ ધમકાવતો. પાટણ ખાતે એક લેણદાર સાથે થયેલી મારામારી બાદ તેણે પાટણ છોડવું પડ્યું હતું.

આવી જ રીતે પત્ની સામે રોફ મારવા જતા ગુંજન કાંતિયા નામનો નકલી NIAનો અધિકારી પોલીસના હાથે ચઢી ગયો હતો.

ગુંજન કાંતિયા પર ગુજરાત સરકારના નકલી ઍક્ઝિક્યુટિવ ઑફિસર, નકલી એન.આઈ.એ અધિકારી અને કેન્દ્ર સરકારના નકલી ટાઉન પ્લાનર બનીને ઠગાઈ કરવાનો આરોપ છે.

ગુંજનનાં પત્નીએ તેની ઑફિસ જોવાની જીદ પકડતા તે છારોડી ખાતે એન.આઈ.એ.ની ગુજરાતની ઑફિસ પર લઈ ગયો હતો અને પકડાઈ ગયો હતો.

ગુંજન કાંતિયા સામે અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનમાં કલમ 170 , 420, 465, 468, 471 હેઠળ ઠગીનો કેસ નોંધાયો છે.

નકલી PSI બનીને પોલીસ ટ્રેનીંગ સેન્ટરમાં તાલીમ પણ લીધી

મયૂર તડવી

ઇમેજ સ્રોત, Police Crime Branch

ઇમેજ કૅપ્શન, મયૂર તડવી

વડોદરા જિલ્લાના નાનકડા ગામ ધર્માપુરાનો યુવક મયૂર તડવી પીએસઆઈની પરીક્ષામાં નાપાસ થયો તો નકલી નિમણૂકપત્ર બનાવીને કરાઈ સ્થિત પોલીસ ટ્રેનિંગ ઍકેડેમીમાં ઘૂસી ગયો.

9 જાન્યુઆરીએ મયૂર તડવીએ પોતના મિત્ર મહેલુ રાઠવાની મદદથી ગુજરાત ડીજીપી ઑફિસ તરફથી મળેલો એક ઍપોઇન્ટમૅન્ટ લેટર બનાવ્યો, જેમાં તેણે વિશાલ તડવીની જગ્યાએ પોતાનું નામ લખાવી લીધું હતું.

22 જાન્યુઆરીએ મયૂર તડવી કરાઈ પોલીસ ટ્રેનિંગ એકૅડેમીમાં આવ્યો હતો અને ફેબ્રુઆરીના પગારની સ્લીપ બનાવવામાં આવી ત્યારે તેમાં તેનું નામ નહોતું. કરાઈ પોલીસ ઍકેડેમીના સુપરિન્ટેન્ડેન્ટ કે.જે. પટેલની સૂચનાના આધારે મયૂર તડવી પર નજર રાખવામાં આવી હતી.

મયૂરના લેટરની ખરાઈ માટે પોલીસ મહાનિર્દેશકની કચેરી અને પીએસઆઈ ભરતી બોર્ડમાંથી દસ્તાવેજો મંગાવવા આવ્યા. જેની ચકાસણી કરતા ખબર પડી કે મયૂર તડવી પોલીસ ટ્રેનિંગમાં પાસ થયો નથી, જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

નકલી સિરપ

શંકાસ્પદ સિરપ પીધા બાદ એક પછી એક છ લોકોનાં મોત થયાં હતાં.

ઇમેજ સ્રોત, LAXMI PATEL

ઇમેજ કૅપ્શન, શંકાસ્પદ સિરપ પીધા બાદ એક પછી એક છ લોકોનાં મોત થયાં હતાં.

નકલી તેલ, ઘી, માવો, ગોળ, જીરૂ અને માખણ બાદ ગુજરાતમાં નકલી સિરપ પણ સમાચારોમાં ચમકી હતી.

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના બિલોદરા અને બગડુ ગામમાં કથિત આલ્કોહોલિક આર્યુવેદિક સિરપ પીધા બાદ અત્યાર સુધીમાં છ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.

કાલમેધાસવ નામનું લેબલ લગાડેલી બૉટલ (જે આયુર્વેદિક ઔષધી તરીકે દર્શાવાઈ હતી)માં નશાકારક પીણું પૅક કર્યું હતું. આ શંકાસ્પદ પ્રવાહીની ફૉરેન્સિક તપાસ કરાવતાં મિથેનૉલની પ્રાથમિક હાજરી જણાઈ હતી, આ મિથેનૉલની માત્રા 20 ટકાથી 73 ટકા હોય છે.

ખેડામાં સિરપકાંડના મુખ્ય આરોપી વડોદરાના ગોરવા વિસ્તારના રહેવાસી નીતિન અજિતભાઈ કોટવાણી છે.

આ સમગ્ર ઘટનામાં નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પાંચ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. ખેડા જિલ્લા પોલીસ દ્વારા માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

એફઆઈઆર અનુસાર, બૉટલની અંદર રહેલા નશાકારક પીણાંથી પીનારનું મૃત્યુ પણ નીપજી શકે તેવું જાણવા છતાં આરોપી (વડોદરાના નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી)એ આ પદાર્થ બનાવ્યો હતો.

આ અંગે ત્રીજી ડિસેમ્બર 2021ના રોજ વડોદરા ખાતેના નંદેસરી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 272, 273, 406, 465, 468, 471, 482, 120બી તેમજ પ્રોહિબિશન ઍકટ કલમ 65એ, 67એ 68, 81, 83, 86, 98(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી જેલમાં છે.