મયૂર તડવી : પોલીસ બનવા પત્નીને છોડી, પરિવારને મૂર્ખ બનાવ્યો, 'નકલી PSI' કઈ રીતે પકડાયો?

વડોદરાના એક નાના ગામનો યુવક મયુર તડવી પીએસઆઈની પરિક્ષામાં નાપાસ થયો તો નકલી નિમણૂકપત્ર બનાવીને કરાઈ સ્થિત પોલીસ ટ્રેનિંગ એકૅડેમીમાં ધુસી ગયો

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, વડોદરાના એક નાના ગામનો યુવક મયૂર તડવી પીએસઆઈની પરીક્ષામાં નાપાસ થયો તો નકલી નિમણૂકપત્ર બનાવીને કરાઈસ્થિત પોલીસ ટ્રેનિંગ એકૅડેમીમાં ઘૂસી ગયો હતો
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી

વડોદરાના નાનકડા આદિવાસી ગામનો યુવક પીએસઆઈની પરીક્ષામાં નાપાસ થયો તો નકલી નિમણૂકપત્ર બનાવીને કેવી રીતે કરાઈસ્થિત પોલીસ ટ્રેનિંગ એકૅડેમીમાં ઘૂસી ગયો તેની આ કહાણી છે.

વડોદરાના નાનકડા ગામ ધર્માપુરાના સાંકડા રસ્તા અને કાચાંપાકાં મકાનો અને રખડતા ઢોર વચ્ચે ગાંધીનગર પોલીસની અવરજવર વધી જતા ગામમાં સન્નાટો છવાયેલો છે.

ગામમાં પોલીસ મયૂર તડવીના ઘરના ખૂણેખૂણાને ફેંદી રહી છે, કારણ કે મયૂરે નકલી પીએસઆઈ બનીને કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.

પોલીસની વારંવારની આવજાને કારણે મયૂરનાં માતા અને કાકા તુષાર અત્યારે તો મોટે ભાગે ખેતરમાં જ રહે છે.

ગાંધીનગર પોલીસ મયૂર તડવીની શોધમાં હતી અને મયૂરના પિતા લાલજી તડવી ખુલાસો કરતા કહે છે, “મારો દીકરો મયૂર ત્રણ વર્ષથી ઘરેથી નીકળી ગયો છે, વારતહેવારે આવતો હતો, તેનાં લગ્નમાં કરેલો ખર્ચ હજુ ચૂકવી રહ્યો છું. આ લોકો કહે છે કે મયૂરને પીએસઆઈ બનાવવા મેં 40 લાખ આપ્યા છે તો આ સ્થિતિમાં હું 40 લાખ રૂપિયા ક્યાંથી લાવું? તમે કહો તો ગીતાજીને માથે મૂકીને સોગંદ ખાઉં.”

ધર્માપુરા વિસ્તારના આદિવાસી આગેવાન એસ.કે. તડવીની મદદથી બીબીસી સાથેની વાતચીતમાં લાલજી તડવી કહે છે, મયૂરનું નાનપણથી જ પોલીસ બનવાનું સપનું હતું. એટલે એ બારમું ભણીને વડોદરા ભણવા જતો રહ્યો હતો. વડોદરાથી એ શરૂઆતમાં અમારી પાસેથી પૈસા મંગાવતો હતો. પછી પૈસા મંગાવવાનું બંધ કર્યું.”

બીબીસી ગુજરાતી

પીએસઆઈનો નકલી નિમણૂકપત્ર

હાલ નકલી પીએસઆઈનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, હાલ નકલી પીએસઆઈનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે

તેઓ કહે છે, “મને કહ્યું કે તે વડોદરાની એબીબી નામની કંપનીમાં નોકરી કરે છે. એટલે અમને નિરાંત થઈ, અમે ઘર સરખું કરાવ્યું અને તેનાં લગ્ન કરાવ્યાં. એ ઘરે આવતો નહોતો. નોકરીમાં કામ વધારે રહે છે એમ કહીને એ વડોદરામાં રહેતો હતો. એક દિવસ મયૂરે કહ્યું કે એ પોલીસની નોકરીની તૈયારી કરી રહ્યો છે એટલે વડોદરાની કંપનીમાં નોકરી છોડી દીધી છે. અહીં ગામમાં રહેતી મયૂરની પત્ની મયૂર સાથે વડોદરા જવાનું કહેતી હતી પણ તે નહોતો માનતો અને માત્ર વારતહેવારે ગામમાં આવતો. મયૂરે એની પત્નીને એમ કહીને છૂટાછેડા આપી દીધા કે મારી પોલીસમાં નોકરીને કારણે આપણે દૂર રહેવું પડશે.”

લાલજી તડવી કહે છે કે, “એક દિવસ મયૂરનો ફોન આવ્યો કે તે પોલીસની શારીરિક કસોટીમાં પાસ થઈ ગયો છે અને હવે લેખિત પરીક્ષાનું પરિણામ આવશે એટલે પોલીસ બની જશે. એક દિવસ એ ગામમાં આવ્યો અને મને એક સરકારી કાગળ બતાવ્યો અને કહ્યું કે તે પીએસઆઈની પરીક્ષામાં પાસ થઈ ગયો છે. અમે બધા ખુશ થઈ ગયા અમે ઉજવણી પણ કરી. અમે તો એ વાતે ખુશ હતા કે એનું નાનપણનું સપનું પૂરું થયું છે. હું જાતે મયૂરને કરાઈ પોલીસ ટ્રેનિંગ એકૅડેમીમાં મૂકવા ગયો હતો. એ અમને ફોન કરીને કહેતો હતો કે ટ્રેનિંગમાં શું-શું થઈ રહ્યું છે અને અમે ખુશ હતા.”

તેઓ આગળ કહે છે, “અમને તો અત્યારે ખબર પડી કે મયૂરે પીએસઆઈની નિમણૂકનો નકલી લેટર બનાવ્યો હતો. અમે પીએસઆઈ બનાવવા 40 લાખ આપ્યા હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. અમારે તો 40 હજાર રૂપિયાના ફાંફાં છે ત્યાં 40 લાખ ક્યાંથી લાવીએ. પોલીસે અમારા ઘરની તપાસ કરી છે અને એમને કંઈ મળ્યું નથી.”

મયૂરના પિતાનું કહેવું છે કે મયૂરે ખોટું કર્યું છે તો એની સજા એને મેળવી જોઈએ.

બીબીસી ગુજરાતી

પગારની સ્લીપમાં પકડાયો

ફેબ્રુઆરીના પગારની સ્લીપ બનાવવામાં આવી ત્યારે તેમાં મયુરનું નામ નહોતું.

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, ફેબ્રુઆરીના પગારની સ્લીપ બનાવવામાં આવી ત્યારે તેમાં મયૂરનું નામ નહોતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પીએસઆઈના નકલી લેટર સાથે કરાઈ પોલીસ એકૅડેમીમાં તાલીમ લઈ રહેલા મયૂર તડવીને પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણાએ પકડી પાડ્યો હતો.

બીબીસીએ ઇન્સ્પેક્ટર રાણાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે આ મામલો કોર્ટમાં વિચારાધીન હોવાથી કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો.

ગાંધીનગર કોર્ટમાં ઇન્સ્પેક્ટર રાણા દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબ અને દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે, કરાઈ પોલીસ એકૅડેમીમાં તાલીમ લઈ રહેલા 582 પીએસઆઈની હાજરીની નોંધ કરવાની સાથે તેઓ શિક્ષણકાર્ય પણ કરી રહ્યા છે.

કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજ અનુસાર, 22 જાન્યુઆરીએ મયૂર તડવી કરાઈ પોલીસ ટ્રેનિંગ એકૅડેમીમાં આવ્યો હતો અને ફેબ્રુઆરીના પગારની સ્લીપ બનાવવામાં આવી ત્યારે તેમાં તેનું નામ નહોતું.

કરાઈ પોલીસ એકૅડેમીના અધીક્ષક કે.જે. પટેલની સૂચનાના આધારે મયૂર તડવી પર નજર રાખવામાં આવી હતી.

મયૂરના લેટરની ખરાઈ માટે પોલીસ મહાનિદેશકની કચેરી અને પીએસઆઈ ભરતી બોર્ડમાંથી દસ્તાવેજો મંગાવવા આવ્યા. જેની ચકાસણી કરતા ખબર પડી કે મયૂર તડવી પોલીસ ટ્રેનિંગમાં પાસ થયો નથી.

મયૂર તડવી પર સતત નજર રાખવા સાથે મયૂર તડવી કેવી રીતે ખોટા દસ્તાવેજોના આધારે પોલીસ ટ્રેનિંગ એકૅડેમીમાં ઘૂસ્યો તેની ખાનગી રાહે તપાસ શરૂ થઈ.

આખરે મયૂર તડવીની પાંચ નંબરની બૅરેકમાં નાયબ પોલીસ અધીક્ષક એન.એચ. પટેલની ટીમે છાપો મારીને મયૂર તડવીને ઝડપી પાડ્યો.

પોલીસ તપાસમાં મયૂરની બેગમાંથી શારીરિક પરીક્ષામાં નાપાસ થયો હોવાનો કાગળ મળી આવ્યો હતો.

પોલીસને બીજો એક કાગળ પણ મળી આવ્યો જેમાં વડોદરાની પીએસઆઈની ભરતીનો 9 જાન્યુઆરીનો નકલી નિમણૂકપત્ર પણ મળી આવ્યો.

મયૂરની ઊલટતપાસમાં તેમણે કબૂલી લીધું કે સોશિયલ મીડિયાના માધ્યમ મિત્ર બનેલા મેહુલ રાઠવાએ તેમને પીએસઆઈનો આ નકલી નિમણૂકપત્ર બનાવી આપ્યો હતો. વિશાલ રાઠવાના નિમણૂકપત્રમાં વિશાલના સ્થાને મયૂરનું નામ લખી દેવામાં આવ્યું હતું અને આ બનાવટી નિમણૂકપત્રના આધારે મયૂરે પોલીસ ટ્રેનિંગમાં પ્રવેશ મેળવી લીધો હતો.

બીબીસીએ મયૂરના મિત્ર અને તેને મદદ કરનાર મેહુલ રાઠવાનો પ્રતિક્રિયા મેળવવા માટે સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે કોર્ટ કેસ ચાલી રહ્યો હોવાથી કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

ગોધરાના રમેશ વસાવા વડોદરામાં મયૂર તડવીના પરિચિત છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, “મુજપુરમાં એક ચાની લારી પર અમે મળતા હતા અને થોડો સમય સાથે પણ રહ્યા હતા. એ શું કરતો હતો એની કોઈ માહિતી નથી પણ એ ટેક્નૉલૉજીમાં માહેર હતો. દિવસભર એ ફોનમાં વ્યસ્ત રહેતો હતો. પોતે થોડા સમયમાં પોલીસ અધિકારી બનશે એવી વાતો પણ કરતો હતો. એ સમયે અમને સપને પણ ખ્યાલ નહોતો કે તે આવો કાંડ કરશે.”

આ કેસ અંગે વધુ સ્પષ્ટતા મેળવવા બીબીસીએ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયનો સંપર્ક કર્યો. બીબીસી સાથે વાત કરતા ડીજીપીએ કહ્યુ, “અમે મયૂર તડવીના ફોનના સીડીઆર રિપોર્ટને ચકાસી રહ્યા છીએ અને ટૂંક સમયમાં વધુ લોકોને તપાસના દાયરામાં આવરી લેવાશે.”

તો ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બીબીસીએ વાત કરી હતી.

ગૃહમંત્રીએ કહ્યું, “અમે આ કેસમાં બેદરકારી દાખવનાર 6 લોકોને સસ્પેન્ડ કર્યા છે. આ કેસને લઈને સરકાર ગંભીર છે, અમે તમામ પાસાંને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહ્યા છીએ, કોઈ કસૂરવારને છોડવામાં આવશે નહીં.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી