કિરણ પટેલે પોલીસ પરિવારથી માંડીને રાજકીય અગ્રણીઓને કેવી રીતે 'છેતરપિંડી'ની જાળમાં ફસાવ્યા?

કિરણ પટેલ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, પોલીસ કસ્ટડીમાં કિરણ પટેલ
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

“નાનપણમાં કિરણ સાથે વૉલીબૉલ રમવાનું મને એક કરોડ રૂપિયામાં પડ્યું. જો એ સમયે વૉલીબૉલ રમતાં કિરણ સાથે દોસ્તી ના થઈ હોત તો આજે મારી જિંદગી કંઈક અલગ જ હોત. મેં કિરણ પટેલના ઝાકમઝોળથી અંજાઈને એને મારી અને મારાં સગાંવહાલાંની એક કરોડ રૂપિયાની કાર આપી અને એણે એ બધી કારો વેચી નાખી. હવે મારા ઘરના લોકો પણ મારાથી દૂર ભાગે છે.”

વડા પ્રધાન ઑફિસના અધિકારી તરીકે ઓળખ આપી સંખ્યાબંધ લોકો સાથે કથિતપણે છેતરપિંડી કરનારા કિરણ પટેલના નાનપણના મિત્ર રાહુલ પરમાર પોતાના જ મિત્રે વિશ્વાસઘાત કરીને કરોડોની છેતરપિંડી કર્યાનો આરોપ મૂકતાં કંઈક આ પ્રમાણે દુ:ખ ઠાલવે છે

નોંધનીય છે કે ગત માર્ચ મહિનામાં કિરણ પટેલ પર જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યૉરિટી સાથે સરકારી સુવિધાઓ માણીને છેતરપિંડી કરવાનો આરોપ લાગતાં આ મુદ્દો રાષ્ટ્રીય કક્ષાએ સમાચારોમાં છવાઈ ગયો હતો.

ગત શુક્રવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલનો ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડાના મોટા ભાઈ જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવાના કેસમાં ટ્રાન્સફર વૉરંટ થકી કબજો મેળવ્યો હતો.

જે બાદ તેને શનિવારે મેટ્રોપૉલિટન કોર્ટમાં રજૂ કરાતાં આ મામલો ફરી એક વાર સમાચારોમાં છવાઈ ગયો હતો.

કિરણ પટેલ અને તેના પરિવારજનો પર અમદાવાદ સહિત ગુજરાતમાં કેટલાંક સ્થળોએ ખોટી ઓળખ આપીને છેતરપિંડી કર્યાના આરોપો લાગ્યા છે.

આ આરોપોની વિગતો મેળવવા બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો. બીબીસીએ કિરણ પટેલની કથિત ઠગાઈનો ભોગ બનેલા કેટલાક ફરિયાદીઓનો સંપર્ક સાધીને કિરણ પટેલ અને આરોપો અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

આ તપાસમાં કેટલાક ફરિયાદીઓએ કિરણ પટેલ અને તેમના પરિવારે ક્યારેક પારિવારિક સંબંધો તો ક્યારેક રાજકીય જોડાણોની વાત આગળ મૂકી તેમની સાથે કરોડોની છેતરપિંડી કર્યાની વાત જણાવી હતી.

ફરિયાદીઓની યાદીમાં ભાજપના નેતા, કાર્યકર્તાથી માંડીને પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો સામેલ છે.

ગ્રે લાઇન

'77 લાખનો ચેક આપ્યો પણ ખાતામાં 137 રૂપિયા જ હતા'

કિરણ પટેલ

ઇમેજ સ્રોત, @BANSIJPATEL/ TWITTER

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા રાહુલ પરમારના પિતા કિરણ પટેલ સાથે તેમની દોસ્તી થઈ એ સમયે વટવા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ હતા.

રાહુલ કિરણ પટેલ અને તેના પરિવારજનોએ તેમના અને તેમનાં સગાં સાથે એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવે છે.

એ સમયની વાત યાદ કરતાં રાહુલ કહે છે કે, “1995માં કિરણ અને એના ભાઈ મનીષ સાથે વૉલીબૉલની રમત વખતે મારી મિત્રતા થઈ હતી. એ સમયે મેં ડીજેનું કામ શરૂ કર્યું હતું. ત્યારે એ મને કૉન્ટ્રેકટ અપાવતો. અગિયાર વર્ષ પહેલાં એના પિતાનું અવસાન થયું ત્યારે ફરી એનો સંપર્ક થયો. એ સમયે એનો ઠાઠ અલગ હતો. અમારો સંપર્ક પાછો સ્થપાયો ત્યારે પોતે ભાજપનો નેતા હોવાની વાત કરતો. 2017માં પોતે ચૂંટણી લડશે એવું કહેતો. નેતાઓ સાથે પોતાના ફોટો બતાવતો અને અમારી સામે ફોનમાં અમુક નેતાને ફોન કરતો. એ નંબર પણ કોઈ ભાજપના નેતાના નામથી સેવ થયેલો રહેતો. આ બધું જોઈને અમને એમ લાગતું હતું કે આ તો કોઈ મોટો માણસ છે.”

રાહુલ કિરણ પટેલ અને તેમના પરિવાર પર પોતાને વગદાર હોવાનો ડોળ કરીને ફસાવ્યા હોવાનો આરોપ મૂકે છે.

તેઓ આગળ કહે છે કે, “એક દિવસ કિરણ તેની પત્ની અને ભાઈ-ભાભી સાથે અમારા ઘરે આવ્યો. એ સમયે વાતવાતમાં તેણે અમારી સામે ધંધાનો એક લલચાવનારો પ્રસ્તાવ મૂક્યો.”

“તેમણે સ્વામિનારાયણ મંદિરમાં કાર ભાડે મુકાવી, મહિને 30 હજાર રૂપિયા ભાડાપેટે રળવાની બનાવટી તક મૂકી. મને પહેલાં બે ગાડી મૂકવા માટે ઍડ્વાન્સ ચેક આપ્યા. એ જ દિવસે રાત્રે પિતા સાથે મસલત કરીને અમારાં સગાંની 16 મોંઘી ગાડીઓ અમે ભાડે મૂકવાનું નક્કી કર્યું.”

રાહુલ આરોપ લગાવતાં આગળ કહે છે કે, “કિરણના મોટા ભાઈ નક્કી થયું એ પ્રમાણે ગાડીના નુકસાન અંગે સમગ્ર જવાબદારી સ્વીકારી અને ડ્રાઇવિંગ લાઇસન્સ અને જરૂરી પુરાવા આપી ગયા. તેથી અમને વિશ્વાસ બેઠો. થોડા દિવસ પછી ડ્રાઇવરો આવીને તમામ કારો લઈ ગયા. અમારા પાસે આ સમગ્ર ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજ પણ છે. પરંતુ થોડા સમય બાદ મનીષ અને તેમનાં પત્નીના ફોન બંધ આવવા લાગ્યા. બીજી બાજુ બધાં સગાં પૈસાની માગણી કરી રહ્યાં હતાં.”

“છેવટે કિરણને ફોન કર્યો અને કડક ઉઘરાણી કરી તો તે 77 લાખ રૂપિયાના બે ચેક આપી ગયો અને આ ઘટનાની સમગ્ર જવાબદારી સ્વીકારી. પરંતુ ચેક બૅન્કમાં જમા કરાવતાં ખબર પડી કે ખાતામાં 77 લાખ નહીં પરંતુ માત્ર 137 રૂપિયા જ હતા. જે બાદ મેં પોલીસ કેસ કર્યો. જેમાં કિરણ અને તેની પત્ની પકડાયાં પરંતુ તેનાં ભાઈ-ભાભી ગુમ થઈ ગયાં. પાછળથી બંને પતિ-પત્ની જામીન પર છૂટી પણ ગયાં. છ વર્ષથી હું કોર્ટના ધક્કા ખાઉં છું અને ઉપરથી સગાંની કડક ઉઘરાણી. સમાજમાં હવે લગ્નપ્રસંગ કે બીજે ક્યાંય જઈ શકતા નથી. જ્યાં જઈએ ત્યાં પૈસાની જ માગણી કરાય છે.”

બીબીસી ગુજરાતી
  • શુક્રવારે કથિતપણે પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી આચરવાના આરોપી કિરણ પટેલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટ્રાન્સફર વૉરંટ થકી જમ્મુ-કાશ્મીરમાંથી અમદાવાદ લાવી હતી
  • કિરણ પટેલના અમદાવાદ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટે 15 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા
  • કિરણ પટેલ પર અમદાવાદ સહિત ગુજરાતનાં અન્ય ઘણાં સ્થળોએ છેતરપિંડી આચરી કરોડો રૂપિયા પડાવ્યાના આરોપ લાગ્યા હોવાની માહિતી સામે આવી હતી
  • આ તમામ ફરિયાદો અંગે બીબીસી ગુજરાતીએ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી
બીબીસી ગુજરાતી

ભાજપના આગેવાન સાથે પણ છેતરપિંડી?

આશિષ પટેલ
ઇમેજ કૅપ્શન, આશિષ પટેલ

રાહુલ પરમારની જેમ જ કિરણ પટેલે અન્ય કેટલાક લોકો સાથે પણ છેતરપિંડી કર્યાના આરોપ લાગ્યા છે.

કિરણ પટેલે અરવલ્લી જિલ્લાના બાયડના ખેડૂતો અને પશુપાલકો સાથે પણ પોણા કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

બાયડના ભાજપના આગેવાન આશિષ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આરોપ લગાડતાં કહ્યું હતું કે, “કિરણના મામા બાયડમાં બૅન્ક મૅનેજર હતા. 2018ના અંતમાં એક લગ્નપ્રસંગે કિરણ અને તેના ભાઈ સાથે મુલાકાત થઈ હતી. એ દરમિયાન કિરણ પોતે વડા પ્રધાન મોદીના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ હોવાની વાત કરી ગભરાવતો હતો. મારા સહિત 14 લોકો સાથે તેણે સસ્તાં દાણની લાલચ આપીને પોણા બે કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.”

“2019માં આ સમગ્ર ઘટના અંગે તત્કાલીન ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જાણ કરતાં તેમણે કિરણ પટેલ વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપતાં અમને 50 લાખ પાછા મળ્યા. આ કેસમાં કિરણનાં ભાઈ-ભાભીનો હજુ પત્તો મળ્યો નથી. આ કેસમાં જામીન પર છૂટ્યા બાદ આવી જ રીતે આણંદના એક તમાકુના વેપારી અને ખેડૂતના બે કરોડ રૂપિયા કિરણ પટેલે ચાંઉ કરી લીધા હતા. હવે એ ખેડૂતે પણ કેસ કર્યો છે.”

આ સિવાય તાપીના વ્યારાના ડૉક્ટર સાથે પણ કિરણ પટેલે છેતરપિંડી કર્યાનો આરોપ લાગ્યો છે.

ડૉક્ટર સૂર્યકાંત પટેલના જણાવ્યાનુસાર પોતાની વગ બતાવી મોદી સરકારની આયુષ્માન અને અન્ય આરોગ્ય યોજનાઓમાં પેનલ ડૉક્ટર તરીકે નિમણૂક કરાવાના નામે કિરણ પટેલે પૈસા પડાવી લીધા હતા. જે બાબતે વ્યારાની કોર્ટમાં કેસ કરાયો હોવાની માહિતી ડૉ. પટેલે આપી હતી.

બીબીસી ગુજરાતી

પૂર્વ મંત્રીના ભાઈનો કરોડોનો બંગલો પચાવ્યાનો આરોપ

કિરણ પટેલ

ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડાના મોટા ભાઈ જગદીશ ચાવડાનો અમદાવાદના શીલજ ખાતે આવેલ બંગલો પચાવી પાડવાના આરોપમાં હાલ કિરણ પટેલના રિમાન્ડ મંજૂર થયા છે.

જગદીશ ચાવડાના જણાવ્યા અનુસાર, “કિરણ પટેલે રિનોવેશનના નામે મારી જેમ ઘણા લોકોની મિલકત કાનૂની ગૂંચમાં ફસાવી છે. મારી જેમ ઘણા લોકોની મિલકત પચાવી પાડવા માટે કાનૂની નિષ્ણાતોની મદદ લીધી છે અને પૈસા પણ પડાવ્યા છે.”

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે કિરણ પટેલ સામેના કેસો અંગે વધુ વિગતો આપતાં બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “કિરણ સામે કાર્યવાહી થયા પછી અમારી પાસે ઘણા લોકો કિરણની છેતરપિંડીની ફરિયાદ લઈને આવી રહ્યા છે. રિમાન્ડ દરમિયાન અમે એને અમદાવાદના નરોડા લઈ જઈશું, કારણ કે એ કેસમાં કિરણ સાથેની વાતચીતનું રેકૉર્ડિંગ અને બીજા ઘણા પુરાવા છે. ત્યાર બાદ વ્યારા અને બાયડ પણ લઈ જઈશું. આ ઉપરાંત અમને બીજા કેસોની પણ માહિતી મળી રહી છે જેની અમે તપાસ કરીશું.”

ચૈતન્ય માંડલિક

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ચૈતન્ય માંડલિક

નોંધનીય છે કે કિરણ પટેલનાં પત્ની માલિનીની પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 28 માર્ચના રોજ ઉપરોક્ત કેસમાં સહઆરોપી તરીકે ધરપકડ કરી હતી.

ડીસીપી ચૈતન્ય માંડલિકે કિરણ પટેલના ભૂતકાળ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, “કારકિર્દીની શરૂઆતના અમુક સમય બાદ કિરણે પ્રહલાદનગરની ઑફિસમાં નોકરી છોડી દીધી હતી અને તે બાદ લૉ ગાર્ડન પાસે ઍર ટિકિટ અને વિઝા કન્સલ્ટિંગનું કામ શરૂ કર્યું હતું, આ કામ દરમ્યાન બંને પર ઘણું દેવું થઈ ગયું હતું. માલિનીની કબૂલાત મુજબ એને એનો પતિ પૈસા ક્યાંથી અને કેવી રીતે લાવતો એ વાતની ખબર નહોતી.”

નોંધનીય છે કે શનિવારે અમદાવાદની સેશન્સ કોર્ટ કિરણ પટેલને રજૂ કરાયો ત્યારે તેના વકીલ નાસિર વોરાએ દલીલ કરી હતી કે, “કિરણ પટેલ અને માલિની પટેલે બંગલાના રીનોવેશનના કામ માટે પૈસા લીધા હોય તો રિનોવેશન કર્યું છે કોઈ ચીટિંગ નથી કર્યું. આ મકાન પૂર્વ મંત્રીના ભાઈએ વેચવા માટે કાઢ્યું હતું, જેના માટે કિરણ પટેલે પાર્ટ પેમેન્ટ કર્યું છે. ઉપરાંત આ ગુનો એવો નથી કે એની ધરપકડ કરવી પડે. આરોપીને નોટિસ આપી શકાઈ હોત. આવી સ્થિતિમાં રિમાન્ડ ના આપી શકાય. કિરણ પટેલે વેચાણ માટે બે કરોડના ચેક આપ્યા છે. આ ચેક શાના માટે આપ્યા છે? એ વાતની તપાસ નથી થઈ રહી. એમણે બંગલો ખરીદ્યો છે.”

કિરણ પટેલના વકીલની દલીલો વિરુદ્ધ સરકારી વકીલ યદુકાંત વ્યાસે કોર્ટમાં દલીલ કરતાં કહ્યું હતું કે, “ભૂતકાળમાં નોંધાયેલા ગુનામાં એ જામીન લઈને છૂટ્યો હતો, એ બાદ ફરી ગુના આચર્યા છે, આમ, કિરણ પટેલ આવા ગુના કરવાની આદતવાળો હોવાથી વધુ રિમાન્ડ આપવા જોઈએ.”

સરકારી વકીલે પોતાની દલીલમાં કહ્યું હતું કે, “કિરણ પટેલે માત્ર અમદાવાદ જ નહીં અન્ય પણ ઘણી જગ્યાએ છેતરપિંડી કરી છે. એ તમામ ગુના સંદર્ભે પંચનામાં કરી પુરાવા એકત્રિત કરવાના છે. બૅન્ક ખાતામાં બૅલેન્સ નહીં હોવા છતાં ચેક આપનાર કિરણ પટેલે અન્ય કેટલા લોકોને છેતર્યા છે એની તપાસ કરવાની હોવાથી એના રિમાન્ડ મંજૂર થવા જોઈએ.”

બંને પક્ષની દલીલો બાદ સેસન્સ જજ એમ. વી. ચૌહાણે કિરણના 15 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

બીબીસી ગુજરાતી

કોણ છે કિરણ પટેલ?

કિરણ પટેલ

ઇમેજ સ્રોત, TWITTER

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર કિરણ પટેલ અમદાવાદ જિલ્લાના નાનકડા નાઝ ગામમાં રહેતો હતો.

ગામના નાનકડા મકાનમાં રહેતા કિરણ પટેલનાં માતાની અમદાવાદના ઘોડાસર પાસેની સ્કૂલમાં બદલી થતાં નેવુંના દાયકાના અંતમાં પરિવાર અમદાવાદ શિફ્ટ થયો હતો. નોંધનીય છે કે તેનાં માતા શિક્ષિકા હતાં.

પરિવાર એ સમયે ઘોડાસર કેડિલા બ્રિજ પાસેની વૈભવ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો.

કિરણ પટેલના પિતા જગદીશ પટેલ સિમેન્ટ અને લોખંડનો ધંધો કરતા હતા. ઘરે કિરણને બધા ‘બંસી’ કહીને બોલાવતા.

કિરણનો નાનપણના મિત્ર અને નાઝ ગામના વાતની એસ. જી. પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ પણ કિરણનાં કારનામાંના ભોગ બન્યા છે.

તેઓ કિરણ પટેલ અંગે વધુ માહિતી આપતાં કહે છે કે, “ગામમાંથી એના નીકળી ગયા પછી એ અમારા સંપર્કમાં હતો, એ ધંધાની મોટી વાત કરતો અને અમારી આર્થિક હાલત સારી હોવાથી એ ધંધામાં ઘણી વાર ગૅરંટર તરીકે અમારું નામ આપતો હતો, હું દોસ્તીના ભાવે એની મદદ પણ કરતો હતો. પરંતુ પાછળથી મને એનાં કારનામાંની ખબર પડતા તેની સાથે સંબંધો ઓછા કરી દીધા હતા.”

“2001 સુધી કિરણ અને એના ભાઈ મનીષના ખાસ કોઈ આડા ધંધા ન હતા. તે 2001માં સોશિયલ મીડિયાથી રાજકીય પાર્ટીનું પ્રમોશન કરતી અમદાવાદના પ્રહલાદનગરમાં આવેલી એક કંપનીમાં પ્રોગ્રામર તરીકે કામ કરતો હતો.”

એસ. જી. પટેલ કિરણ પટેલ અને તેના પરિવાર અંગે વધુ માહિતી આપતાં કહે છે કે, “એ સમયે કિરણ કંપનીમાં આવતા રાજકીય નેતાને ખાનગીપણે સસ્તા દરે સોશિયલ મીડિયા પ્રમોશન માટે મળતો અને નોકરી ઉપરાંત વધારાનું કામ કરતો. આ અરસામાં ઘોડાસરમાં એણે એક બંગલો ભાડે રાખ્યો અને વૈભવ સોસાયટીમાંથી નીકળીને ઘોડાસરમાં જ પ્રેસ્ટિજ સોસાયટીમાં રહેવા લાગ્યો.”

“ઘોડાસરમાં એક જાણીતી મરાઠી ડૉક્ટરને ત્યાં કામ કરતી જુનિયર ડૉક્ટર માલિની પટેલ સાથે પરિચય થયા બાદ લગ્ન કરી લીધાં. માલિની પટેલ એક આયુર્વેદિક ડૉક્ટર હોવા છતાં એની પાસે ઘોડાસરમાં દવાખાનું ખોલાવ્યું. દીકરીઓના જન્મ બાદ તેમણે દવાખાનું બંધ કરી દીધું હતું.”

રેડ લાઇન
રેડ લાઇન