એ નાવિક જેને નિર્જન ટાપુ પર મરવા માટે છોડી દેવાયો, કાચબાના લોહી-મૂત્ર પીને કેવી રીતે દિવસો વિતાવ્યા?

ઇન્ટરનેશનલ લેસ્બિયન, બીબીસી ગુજરાતી, ઇતિહાસ, નિર્જન ટાપુ, રોબિન્સન ક્રૂઝો, બ્રિટિશ, ભારત

ઇમેજ સ્રોત, Brugmans/Zeemansleven

    • લેેખક, કેન પિરી
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
  • વાંચવાનો સમય: 6 મિનિટ

આજના યુગમાં પણ વિશ્વના 64 દેશોમાં સજાતીય સંબંધોને અપરાધ માનવામાં આવે છે. એટલું જ નહીં, ઇન્ટરનૅશનલ લેસ્બિયન, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર ઍન્ડ ઇન્ટરસેક્સ ઍસોસિએશન (આઈએલજીએ) અનુસાર, આ અપરાધ બદલ જેલવાસથી લઈને મૃત્યુદંડ સુધીની સજા થઈ શકે છે.

પરંતુ, ગત સૈકાઓમાં આ અપરાધની સજા ઘણી વધુ ક્રૂર રહેતી હતી. તેનું એક પીડાદાયક ઉદાહરણ છે 18મી સદીના ડચ ખલાસી લિન્ડર્ટ હાસેનબુશનું જેમને 18મી સદીમાં જાતીય પસંદગીના કારણે દૂરના એક નિર્જન ટાપુ પર મરવા માટે તરછોડી દેવાયેલા.

પાંચમી મે, 1725ના રોજ લિન્ડર્ટ હાસેનબુશે ઍટલાન્ટિક મહાસાગરના જ્વાળામુખીથી બનેલા એક નિર્જન ટાપુ - એસેન્શન આઇલૅન્ડ પર તેમની ડાયરીમાં લખ્યું હતું:

"ડચ કાફલાના કમાન્ડર અને કપ્તાનના આદેશથી હું, લિન્ડર્ટ હાસેનબુશ ભારે દુઃખ સાથે આ નિર્જન ટાપુ પર ઊતર્યો છું. "

આ વાક્ય લખવા સાથે તેના જીવનના છેલ્લા પ્રકરણની શરૂઆત થાય છે, એક એવું પ્રકરણ, જે આશરે 300 વર્ષ સુધી ઇતિહાસમાં ધરબાયેલું રહ્યું.

18મી સદીમાં જહાજ ડૂબી જતાં બચી ગયેલા અને એકાકી ટાપુઓ પર અટવાઈ જનારા લોકોની કહાણીઓ ઘણી લોકપ્રિય હતી.

હજુ થોડાં જ વર્ષો પહેલાં ડેનિયલ ડિફોની સત્ય ઘટના પરથી પ્રેરિત નવલકથા રૉબિન્સન ક્રૂઝોએ વાચકોના કલ્પનાવિશ્વ પર કબ્જો જમાવી દીધો હતો.

પરંતુ, હાસેનબુશનું ભાગ્ય અનોખું હતું. ઇતિહાસકાર ઍલ્વિન હોફમૅન જણાવે છે કે, હાસેનબુશ એસેન્શન ટાપુ પર જઈ પહોંચ્યા, તે કોઈ યોગાનુયોગ નહોતો, બલ્કે તેમને ઇરાદાપૂર્વક ત્યાં નિર્વાસિત કરવામાં આવ્યા હતા. સમલૈંગિકતાના આરોપમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ટાપુ પર તરછોડાયેલા ખલાસીની વ્યથા

ઇન્ટરનેશનલ લેસ્બિયન, બીબીસી ગુજરાતી, ઇતિહાસ, નિર્જન ટાપુ, રોબિન્સન ક્રૂઝો, બ્રિટિશ, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રૉબિન્સન ક્રૂસોના કાલ્પનિક પાત્ર પર આધારિત વેલ પેકેટની કૃતિ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાસેનબુશની કથા સૌપ્રથમ 1726માં સામે આવી, જ્યારે બ્રિટિશ ખલાસીઓનું એક જૂથ એસેન્શન ટાપુ પર જઈ ચઢ્યું અને ત્યાં તેમને એક સામાન્ય જેવો દેખાતો તંબુ મળી આવ્યો. તેની અંદર એક ડાયરી પણ હતી, પણ તેમાં લેખકની સહી નહોતી.

તે ડાયરીને ઇંગ્લૅન્ડ લઈ જવાઈ અને તેની ઘણી આવૃત્તિઓ પ્રકાશિત થઈ. આ આવૃત્તિઓમાં હાસેનબુશે વેઠેલી યાતનાના અમુક અંશો સંરક્ષિત રાખવામાં આવ્યા, પણ તેમનું નામ હટાવી દેવાયું અને પ્રકાશકોએ જનતાને ચેતવણી આપવાના આશયથી તેમને એક અજ્ઞાત વ્યક્તિ તરીકે પ્રસ્તુત કર્યા.

1695ની આસપાસ હૅગ ખાતે જન્મેલા લિન્ડર્ટ હાસેનબુશ જોહાન્સ હાસેનબુશ અને મારિયા વોન બર્ગેન્ડેના એકમાત્ર પુત્ર હતા.

તેમનાં માતાના અવસાન બાદ તેમના પિતા પરિવારને બૅટાવિયા (હાલ જાકાર્તા) લઈ ગયા, પણ યુવાન લિન્ડર્ટ નેધરલૅન્ડ્ઝમાં રહ્યા.

18 વર્ષની વયે તેઓ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પહેલાં સૈનિક તરીકે જોડાયા અને પછી ક્લર્ક તરીકે બઢતી મળી.

વિશ્વના પ્રથમ બહુરાષ્ટ્રીય કૉર્પોરેશન તરીકે કંપની એશિયામાં વ્યાપક સ્તર પર વ્યાપારી તાકાત ધરાવતી હતી, પણ ત્યાંની કામ કરવાની સ્થિતિ અત્યંત કઠોર હતી.

હાસેનબુશે બૅટાવિયા અને કોચીન (હવે કોચી, ભારત)માં કંપનીમાં વિવિધ હોદ્દાઓ પર લગભગ એક દાયકા સુધી ફરજ બજાવી હતી.

ત્યાર બાદ, ઑક્ટોબર, 1724માં અજ્ઞાત કારણોસર તેઓ નેધરલૅન્ડ્ઝ જવા રવાના થયા, પણ તેમની તે યાત્રા કદી ત્યાં સુધી ન પહોંચી શકી.

કાચબાનું માંસ, રક્ત અને પેશાબ પીને ટાપુ પર સમય વિતાવ્યો

ઇન્ટરનેશનલ લેસ્બિયન, બીબીસી ગુજરાતી, ઇતિહાસ, નિર્જન ટાપુ, રોબિન્સન ક્રૂઝો, બ્રિટિશ, ભારત

ઇમેજ સ્રોત, DEA / BIBLIOTECA AMBROSIANA

ઇમેજ કૅપ્શન, 18મી સદી દરમિયાન, ખલાસીઓએ એસેન્શન ટાપુ પર માંસ માટે હજ્જારો કાચબા પકડ્યા હતા

થોડા સમય અગાઉ હાસેનબુશ પર હોમોસેક્સ્યુઆલિટી (સમલૈંગિકતા)નો આરોપ મૂકવામાં આવ્યો, જે તે સમયે ઘણું મોટું પાપ ગણાતું હતું.

ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામાન્યપણે આવા આરોપો માટે ફાંસીની સજા સંભળાવતી હતી, પણ હાસેનબુશના કિસ્સામાં, તેમને દેશનિકાલ અને ટાપુ પર છોડી મૂકવાની સજા ફટકારવામાં આવી હતી.

પાંચમી મે, 1725ના રોજ તેમને માત્ર એક તંબુ, બાઇબલ, થોડાં બીજ અને અડધા ભરેલા પાણીના બેરલ સાથે એસેન્શન ટાપુ પર છોડી દેવાયા.

અહીં આવ્યા પછી પહેલા એક મહિના સુધી તેઓ તાજા પાણીની શોધમાં આખો ટાપુ ફરી વળ્યા અને મુક્તિ માટે પ્રાર્થના કરી. ટૂંક સમયમાં એકાકીપણું કોરી ખાવા માંડ્યું અને અસહ્ય થઈ પડ્યું.

તેમણે એક પક્ષી પાળવાનો પ્રયત્ન કર્યો, પણ તે પક્ષી મરી ગયું. તેમણે ડુંગળી અને વટાણા વાવ્યાં, પણ ટાપુની જમીનમાં કશું ન ઊગ્યું.

જૂન આવતાં સુધીમાં તો હાસેનબુશ ચિત્તભ્રમનો શિકાર બની ગયા, અપરાધભાવે તેમને ઘેરી લીધા હતા અને તેમને ભૂત દેખાવા લાગ્યાં હતાં.

તેમણે કહ્યું હતું કે, આ પૈકીનું એક ભૂત "એક એવી વ્યક્તિ હતી, જેને હું અગાઉ જાણતો હતો" અને "તેણે મારી સાથે થોડો સમય પસાર કર્યો હતો."

હવે, આ વાક્યો હાસેનબુશે સ્વયં લખ્યાં હતાં કે પછીથી આ ઘટનાને નાટ્યાત્મક સ્વરૂપ આપવા માટે અંગ્રેજ સંપાદકોએ પછીથી ઉમેર્યા, તે હજુ અસ્પષ્ટ છે.

જ્યારે ટાપુ પર પાણીનો એકમાત્ર કુદરતી સ્રોત સૂકાઈ ગયો, તે પછી હાસેનબુશની શારિરીક શક્તિ ક્ષીણ થવા માંડી. તેઓ બકરીઓનો શિકાર નહોતા કરી શકતા, ઉંદરો તેમનો રહ્યો-સહ્યો પાક ખાઈ ગયા, આથી તેમણે હતાશાભર્યાં પગલાં ભરવા પડ્યાં:

"22મી ઑગસ્ટઃ મેં એક વિશાળ કાચબો પકડ્યો અને તેનું રક્ત પીધું... મેં મારો પોતાનો પેશાબ પીધો."

ઑક્ટોબર સુધીમાં તેઓ કાચબાના માંસ, રક્ત અને પેશાબ પર ટકી રહ્યા હતા અને માંડ-માંડ જીવતા હતા. તેમની ડાયરીનું છેલ્લું લખાણ 14મી ઑક્ટોબર, 1725નું હતું, જે ટૂંકું અને રહસ્યમય હતું:

"હું અગાઉની માફક જીવી રહ્યો છું."

હાસેનબુશનું નામ ફરી પ્રકાશમાં કેવી રીતે આવ્યું?

ઇન્ટરનેશનલ લેસ્બિયન, બીબીસી ગુજરાતી, ઇતિહાસ, નિર્જન ટાપુ, રોબિન્સન ક્રૂઝો, બ્રિટિશ, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાછળ ગ્રીન માઉન્ટેન સાથે એસેન્શન ટાપુ પરના લૉન્ગ બીચનું દૃશ્ય

બે સદી કરતાં વધુ સમય સુધી હાસેનબુશની કહાણી અધૂરી જ રહી.

1990ના દાયકામાં ડચ ઇતિહાસકાર મિશેલ કોલબર્ગેનને ઍમ્સ્ટર્ડેમ મેરીટાઇમ મ્યુઝિયમમાં અંગ્રેજી ભાષાનું એક દુર્લભ પૅમ્ફ્લેટ મળ્યું, જેનું શીર્ષક હતું - "ડૉક્યુમેન્ટરી નૅરેટિવ." તે વાસ્તવિક જીવનના ડચ રૉબિન્સન ક્રૂસોની કહાણી હતી, જેને સમલૈંગિક હોવા બદલ દેશનિકાલ આપવામાં આવ્યો હતો.

જીજ્ઞાસાવશ, તેમણે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનાં આર્કાઇવ્ઝનો અભ્યાસ કર્યો અને ત્યાં તેમને હાસેનબુશ નામ મળી આવ્યું.

કંપનીના પેરોલમાં હાસેનબુશના દુર્ભાગ્યની પુષ્ટિ કરતી એન્ટ્રી મોજૂદ હતીઃ "17મી એપ્રિલ, 1725ના રોજ, પેટનબર્ગ જહાજ પર તેમને અપરાધી તરીકે અસેન્શન ટાપુ કે અન્ય કોઈ સ્થળ પર દેશવટો આપવાની સજા ફટકારવામાં આવી હતી, સાથે જ તેમનું બાકીનું વેતન જપ્ત કરી લેવાનો આદેશ પણ અપાયો હતો."

કોલબર્ગેને તેમનાં તારણો 2002માં "ધ ડચ રૉબિન્સન ક્રૂસો" નામના પુસ્તક સ્વરૂપે રજૂ કર્યાં, પરંતુ, પુસ્તક પ્રકાશિત થાય, તેના થોડા સમય પહેલાં જ લેખક કૅન્સરના કારણે મૃત્યુ પામ્યા.

ત્રણ વર્ષ પછી લેખક અને ઇતિહાસકાર એલેક્સ રિત્સેમાને ડીન્સ્ટરની એક લાઇબ્રેરીમાં કોલબર્ગેનની કૃતિ મળી.

ટાપુઓના ઇતિહાસ અંગે હંમેશાંથી રસ ધરાવતા હોવાથી રિત્સેમા આ વાર્તા તરફ આકર્ષાયા અને 2011માં તેમણે 'અ ડચ એક્ઝાઇલ ઑન એસેન્શન આઇલૅન્ડ' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું.

આ સાથે હાસેનબુશની વીસરાઈ ગયેલી કહાણી ફરી વખત અંગ્રેજીમાં સામે આવી.

તેમણે તેમનું પુસ્તક "અકાળે મૃત્યુ પામેલા બે ડચ પુરુષો, લિન્ડર્ટ અને મિશેલને" સમર્પિત કર્યું હતું.

દુઃખની વાત છે કે, 2022માં એલેક્સ રિત્સેમા પણ કેન્સરથી મૃત્યુ પામ્યા.

આજે, હાસેનબુશ, કોલબર્ગેન અને રિત્સેમા સદીઓથી એકબીજા સાથે જોડાયેલા છે, ત્રણેય ડચ પુરુષોનાં જીવન લિન્ડર્ટની આપવીતીને વિસ્મૃતિમાંથી બચાવવા માટેના સહિયારા પ્રયાસમાં એકમેક સાથે વણાયેલાં છે.

LGBTQ+ સમુદાયની ઓળખનો સવાલ

ઇન્ટરનેશનલ લેસ્બિયન, બીબીસી ગુજરાતી, ઇતિહાસ, નિર્જન ટાપુ, રોબિન્સન ક્રૂઝો, બ્રિટિશ, ભારત

ઇમેજ સ્રોત, Brugmans/Zeemansleven/The Just Vengeance of Heaven Exemplify’d

ઇમેજ કૅપ્શન, "હેવન્સ જસ્ટ રિવેન્જ"ની એક નકલ પરના ચિત્રમાં ભૂલથી હાસેનબુશનું હાડપિંજર દર્શાવવામાં આવ્યું હતું, જે વાસ્તવમાં કદી મળ્યું જ નહોતું

હાસેનબુશની યાતના ભલે સૈકા જૂની લાગતી હોય, પણ તેનાં પરિબળો આજેય મોજૂદ છે.

ઇતિહાસકાર એલ્વિન હોફમૅન જણાવે છે કે, 18મી સદીના નેધરલૅન્ડ્ઝમાં સમલૈંગિક સંબંધોને કેટલીક વખત નજરઅંદાજ કરવામાં આવતા હતા, પરંતુ સૈન્યના પરાજય પછી "પૌરુષત્વ પર સંકટ"ની ભાવનાને કારણે વ્યાપક દમનની શરૂઆત થઈ. સમલૈંગિકોને સામાજિક પતનના દોષિત ઠેરવવામાં આવ્યા.

"કટોકટીના સમયમાં સમાજ મર્દાનગીની સંકલ્પનાનું પુનઃ નિર્માણ કરવાના પ્રયત્નમાં સમલૈંગિકોનું વધુ દમન કરવાનો સહારો લઈ શકે છે - આવું ત્યારે પણ થયું હતું અને આપણે આજે પણ તે અંગે સતર્ક રહેવું જોઈએ."

હાસેનબુશના મોતનાં માત્ર પાંચ જ વર્ષ પછી નેધરલૅન્ડ્ઝના યુટ્રેક્ટમાં સેંકડો લોકો પર સમાન પ્રકારના અપરાધો બદલ મુકદ્દમા ચલાવવામાં આવ્યા અને તે પૈકી ઘણા લોકોને જાહેરમાં ફાંસી અપાઈ હતી, જેમાં સળગાવીને તથા ગળું રૂંધીને ફાંસી આપવાનો સમાવેશ થતો હતો. 1803માં આ કાનૂન રદ થયા પછી આ દમનનો અંત આવ્યો.

આજે, તે પીડિતોના પડઘા રશિયા, યુગાન્ડા અને પોલૅન્ડ જેવા દેશોમાં ઍન્ટી-એલજીબીટીક્યૂ+ કાયદાઓમાં સાંભળી શકાય છે, આ કાયદાને ઘણી વખત પારંપરિક મૂલ્યોના સંરક્ષણના નારા સાથે ઉચિત ઠરાવવામાં આવે છે.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પુનઃ ચૂંટાઈ આવ્યા પછી એલજીબીટીક્યૂ+ લોકોના અધિકારોને પ્રતિબંધિત કરતા વહીવટી આદેશો પર હસ્તાક્ષર કર્યા હોવાનું આલોચકોએ જણાવ્યું હતું.

જે બે આદેશો રદ કરવામાં આવ્યા, તેમાં જાતિગત ઓળખ કે જાતીય પસંદગીના આધાર પર ભેદભાવ અટકાવવાના આદેશનો સમાવેશ થતો હતો.

આ ઉપરાંત ટ્રમ્પે સ્ત્રી અને પુરુષ - માત્ર બે જાતિને જ માન્યતા આપતા વહીવટી આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા હતા અને આ બે જાતિઓને અપરિવર્તનશીલ જાહેર કરી હતી.

ઇન્ટરનૅશનલ લેસ્બિયન, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર ઍન્ડ ઇન્ટરસેક્સ ઍસોસિએશન (આઇએલજીએ)નાં ઍક્ઝિક્યિટિવ ડિરેક્ટર જુલિયા એહરેટ કહે છે, "આવા કાયદાઓએ લાંબા સમય સુધી એલજીબીટીક્યૂ+ લોકોને ઇતિહાસમાંથી હટાવી દેવામાં મદદ કરી છે, જેના કારણે વાસ્તવિક જીવન ચેતવણી આપતી વાર્તાઓમાં રૂપાંતરિત થઈ ગયાં છે."

પરંતુ, તેઓ ઉમેરે છેઃ "અમે હંમેશથી અહીં રહ્યા છીએ... 'આદરપાત્ર' સમાજમાંથી એલજીબીટીઆઇ લોકોને બહાર ધકેલવાનો પ્રયાસ જારી રહી શકે છે, પણ અમે હવે અદૃશ્ય નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન