પશ્ચિમ બંગાળ સહિતની ચૂંટણીનાં પરિણામોની રાષ્ટ્રીય રાજકારણ પર શું અસર પડશે અને શું વિપક્ષ ટીવીકેની જીતમાંથી પાઠ શીખી શકે છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી
- વાંચવાનો સમય: 6 મિનિટ
દેશમાં આ વર્ષની સૌથી મોટી પ્રાદેશિક ચૂંટણીઓનાં પરિણામોની પ્રતીક્ષાનો આખરે અંત આવ્યો છે.
ભાજપ અને તેના સાથી પક્ષો પશ્ચિમ બંગાળમાં મમતાનો ગઢ ધ્વસ્ત કરવામાં સફળ રહ્યા છે અને આસામ તથા પુડુચેરીમાં પણ તેણે સત્તા જાળવી રાખી છે. કેરળમાં પક્ષે તેના દેખાવમાં સુધારો નોંધાવ્યો છે, જ્યારે તામિલનાડુમાં ભાજપ ખાસ કોઈ ચમકારો બતાવી શક્યો નથી.
હવે જોવાનું એ રહે છે કે, આ પરિણામો ભાજપ અને વિરોધ પક્ષો, બંને માટે કેવી સ્થિતિ સર્જી શકે છે?
પશ્ચિમ બંગાળનો ઉમેરો થતાં, હવે ભાજપ 22 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તારૂઢ છે. એક ઝારખંડને બાદ કરતાં સમગ્ર મધ્ય ભારત ઉપર તેનું શાસન છે. ઉત્તર-પૂર્વમાં ભાજપ મિઝોરમ સિવાયનાં તમામ રાજ્યોમાં ઘણા સ્થાનિક પક્ષો સાથે જોડાણ કરીને શાસન કરે છે.
પક્ષ અગાઉથી જ લોકસભામાં તેના નૅશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ (એનડીએ) સાથે સાદી બહુમતી ધરાવે છે, તો બીજી તરફ, નવાં રાજ્યો કબજે કરવાથી અને જ્યાં તે પુનઃ ચૂંટાઈ આવ્યો છે, તેવાં રાજ્યોમાં તેનાં પરિણામો સુધર્યાં છે (જેમકે, અસમ), ત્યારે રાજ્યસભામાં તેનો 113નો આંક પણ વધવાની સંભાવના છે.
ભાજપનું વધી રહેલું વર્ચસ્વ

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્લેષકોનું માનવું છે કે, આ પરિણામો પ્રાદેશિક સ્તર પર ભાજપના પ્રભુત્વને વધુ મજબૂત બનાવશે.
ઇન્ડિયન ઍક્સપ્રેસનાં નૅશનલ ઓપિનિયન ઍડિટર વંદિતા મિશ્રા નોંધે છે, "ભાજપ જે સમયે આગળ વધી રહ્યું છે, તે સમયે તેનો પ્રતિકાર કરી શકે તેમ હતાં, એવાં પ્રાદેશિક સંગઠનો નબળાં પડી રહ્યાં છે. આ ચૂંટણીમાં મમતા બેનરજી અને એમકે સ્ટાલિન જેવાં નેતાઓએ પીછેહઠનો સામનો કરવો પડ્યો, તો અગાઉ આપણે આમ આદમી પાર્ટી (આપ)ના અરવિંદ કેજરીવાલ, ઓડિશાના બીજુ જનતા દળના નવીન પટનાયક તથા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના તેજસ્વી યાદવ જેવા નેતાઓનો અસ્તાચળ જોઈ ચૂક્યાં છીએ."
ઘણાં લોકો માટે, આ પરિણામોએ હાલના રાષ્ટ્રીય ફલકમાં ભાજપના સબળ વિકલ્પના પ્રવર્તી રહેલા અભાવના દૃષ્ટિકોણ તરફ પણ ધ્યાન ખેંચ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુપીએ સરકારના શાસનકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થાનો પોર્ટફોલિયો સંભાળનારા અશ્વિનીકુમાર જણાવે છે, "રાષ્ટ્રીય સ્તરે, આ ભાજપની ક્ષણ છે અને જ્યાં સુધી કોઈ સ્પષ્ટ અને વ્યવહારુ વિકલ્પ ઊભરી ન આવે, ત્યાં સુધી આ સ્થિતિ પ્રવર્તે, એવી શક્યતા છે. મારે નોંધવું જોઈએ કે, અત્યારે તો દૂર-દૂર સુધી પણ મને આવું કંઈ દેખાતું નથી."
ભાજપના ઘણા આલોચકો એવી ચિંતા વ્યક્ત કરે છે કે, એક જ પક્ષની આ પ્રકારની સર્વવ્યાપી હાજરી લોકશાહી માટે ઉચિત છે કે કેમ.
યોગેન્દ્ર યાદવ કહે છે, "ભાજપના શાસનનું મૉડલ સંપૂર્ણ સત્તા હાંસલ કરવાનું છે અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં જે થયું, એ તે દિશા તરફનું પગલું છે. પણ સંપૂર્ણ સત્તાની તરફેણ કરી રહેલા લોકોએ વિચારવું જોઈએ કે, શું સંપૂર્ણ સત્તાનો તર્ક લોકશાહીના તર્ક સાથે સુસંગત છે ખરો?"
જોકે, વર્તમાન સમયમાં ભાજપનું વર્ચસ્વ દક્ષિણ ભારત સુધી પ્રસરેલું નથી. વળી, ત્યાં નવી ચૂંટાયેલી સરકારો સાથે પક્ષના સંબંધને લઈને પણ અસ્પષ્ટતા પ્રવર્તે છે.
વરિષ્ઠ પત્રકાર અદિતી ફડનીસના મતે, "ડીએમકે સાથે કેન્દ્રનો સંબંધ એકદમ વિરોધાભાસી રહ્યો હતો, પણ ટીવીકે કેન્દ્ર સાથેના તેના સંબંધો કેવી રીતે આગળ વધારશે, તે આપણે નથી જાણતા. કેરલમમાં કૉંગ્રેસ મુખ્ય મંત્રી તરીકે કોની વરણી કરે છે અને તે મુખ્ય મંત્રીના કેન્દ્ર સાથેના સંબંધો કેવા રહેશે, તેના પર ઘણો મદાર રહેશે."
"પણ હું એમ કહેવાથી દૂર રહીશ કે, આ પરિણામો આપમેળે રાષ્ટ્રીય સ્તર પર ભાજપ માટે લાભદાયી બની રહેશે. 2024ની લોકસભાની ચૂંટણીમાં આપણે જોયું કે, રાજ્ય સ્તર પર સારા દેખાવ છતાં રાષ્ટ્રીય સ્તરે તેમનું પ્રદર્શન ઘટ્યું હતું," એમ તેમણે ઉમેર્યું હતું.
નીતિ અને શાસન પર તેની શું અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
હવે જોવાનું એ રહે છે કે, આ જીત ભાજપની કલ્યાણકારી રાજનીતિ તથા પુશબૅક પૉલિસી અને આસમ તેમજ પશ્ચિમ બંગાળમાં સરહદેથી ઘૂસણખોરી જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે.
ચોથી મેની સાંજે નવી દિલ્હીમાં ભાજપના વડામથકે વક્તવ્ય આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારી શક્તિ વંદન અધિનિયમ, 2023 પસાર કરવાના નિષ્ફળ પ્રયત્નનો સંદર્ભ આપતાં કહ્યું કે, મહિલા મતદારોએ ડીએમકે, ટીએમસી અને કૉંગ્રેસને સજા આપી છે.
તેમણે કહ્યું હતું, "લોકો વિવાદ નથી ઇચ્છતા, તેમને વિકાસ જોઈએ છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ મહિલાઓના રોષનો સામનો કરવો પડશે. તેમનાં પાપ ધોવાઈ નહીં જાય."
"(પશ્ચિમ બંગાળમાં) મહિલાઓને બહેતર સુરક્ષા મળશે, યુવાનોને નોકરીઓ મળશે અને અમે સ્થળાંતરનો અંત આણીશું. કૅબિનેટની પ્રથમ બેઠકમાં જ અમે આયુષ્માન ભારત આરોગ્ય યોજના લાગુ કરીશું," એવું વડા પ્રધાને વચન આપ્યું હતું.
પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાંથી 27 લાખ મતદારોને બાકાત રાખવામાં આવ્યાના અહેવાલ છે. જેમાં મુર્શીદાબાદ, નૉર્થ 24 પરગણા અને માલદા જેવા મુસ્લિમોની બહુમતી ધરાવતા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે, ત્યારે ભાજપની નવી સરકાર આ સ્થિતિ કેવી રીતે સંભાળશે, એ સ્પષ્ટ નથી.
વરિષ્ઠ પત્રકાર અદિતી ફડનીસે આ સ્થિતિને 'જટિલ અને અભૂતપૂર્વ' ગણાવી હતી.
તેમણે સૂચવ્યું હતું, "પશ્ચિમ બંગાળમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવીઝન (એસઆઇઆર)ને કારણે મતાધિકારથી વંચિત કરી દેવાયેલા ઘણા લોકોનું ભવિષ્ય શું હશે, તે આપણે નથી જાણતા. શું ભાજપ આ કાર્યવાહીને આગામી તબક્કે લઈ જઈને તેમના નાગરિકત્વનો મુદ્દો ઉઠાવશે? ઘણા લોકો ન્યાયિક લડાઈ હારી ગયા છે - તેમનું શું થશે? મમતા વિપક્ષના નેતા તરીકે પ્રસિદ્ધ છે અને મને નથી લાગતું કે, તેઓ પશ્ચિમ બંગાળમાં લડ્યાં વિના આ પ્રકારનું ધ્રુવીકરણ થવા દેશે. પશ્ચિમ બંગાળમાં આંદોલનનું રાજકારણ પાછું ફરશે અને આગામી દિવસોમાં હજુ ઘણી અથડામણો થવાની શક્યતા છે."
ચૂંટણીપંચે તેની કાર્યવાહીનો બચાવ કરતાં એવો દાવો કર્યો હતો કે, તે એ સુનિશ્ચિત કરવા માગે છે કે, તમામ યોગ્ય મતદારો સમાવિષ્ટ થાય અને અયોગ્ય મતદારો બાકાત રહે.
પાડોશી રાજ્ય આસામમાં, મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ વારંવાર સંકલ્પ કર્યો હતો કે, 'ગેરકાયદે બાંગ્લાદેશીઓને' 'બાંગ્લાદેશમાં પરત મોકલવાનું ચાલુ રહેશે.' ગત માર્ચ માસમાં તેમણે એવી પણ પોસ્ટ કરી હતી કે, આગામી દિવસોમાં ઘૂસણખોરો અને અતિક્રમણ કરનારાઓ પર બુલડોઝર ફરી વળશે.
ભારતમાં 'ભાજપના શાસનકાળ હેઠળ સત્તાવાદ તરફી વલણ' અને 'મુસ્લિમો તથા ટીકાકારોની વધી રહેલી નિંદા વિશે વાત કરતાં હ્યુમન રાઇટ્સ વૉચે તાજેતરમાં જ નોંધ્યું હતું, "સત્તાધિકારીઓએ સેંકડો બંગાળીભાષી મુસ્લિમો તથા રોહિંગ્યા શરણાર્થીઓને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ હાંકી કાઢ્યા હતા, તેમાં કેટલાક ભારતીય નાગરિકો પણ હતા, પણ તેઓ "ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ" હોવાનો દાવો કરવામાંં આવ્યો હતો. ખાસ કરીને આસામ વિશે તેણે કહ્યું હતું, "બળજબરીપૂર્વક બાંગ્લાદેશ હાંકી કાઢવામાં આવેલા લોકોમાંથી ઓછામાં ઓછા 300 લોકોને આસામમાંથી રવાના કરવામાં આવ્યા હતા. ભાજપના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાની સરકારે જુલાઈ અને ઑગસ્ટમાં ઓછામાં ઓછી સાત ડિમોલિશન ડ્રાઇવ ચલાવી હતી, જેમાં 5,000 કરતાં વધુ પરિવારોનું વિસ્થાપન થયું હતું અને તેમાંથી મોટાભાગના બંગાળીભાષી મુસ્લિમો હતા."
દક્ષિણનાં રાજ્યોમાં નડતી મર્યાદા

ઇમેજ સ્રોત, ANI
આ વખતની ચૂંટણીનો સૌથી મોટો અપસેટ કદાચ તામિલનાડુનાં પરિણામો છે, જ્યાં સત્તાધારી પક્ષ અને તેના પ્રસ્થાપિત હરીફ, બંનેનો એક નવા ખેલાડી દ્વારા સફાયો કરવામાં આવ્યો છે.
ફડનીસના જણાવ્યા અનુસાર, ટીવીકેનો ઉદય માત્ર ડીએમકે માટે જ નહીં, બલ્કે રાષ્ટ્રીય સ્તર પર ભાજપ માટે પણ પડકારરૂપ છે.
તેમણે સમજાવ્યું હતું, "હું કહી શકું છું કે, દક્ષિણનાં રાજ્યોમાં એ વિચાર ચોક્કસપણે મૂળ જમાવી રહ્યો છે કે, વસતી નિયંત્રણ ક્ષેત્રે બહેતર પગલાં ભરવા બદલ તેમને સજા થઈ રહી છે અને વિજયનું પ્રદર્શન તે સંદર્ભમાં પણ જોવું જોઈએ."
યાદવના મત અનુસાર, "દ્રવિડિયન માળખાંની અંદર શૂન્યાવકાશ સર્જાયો છે. અગાઉ કાં તો ડીએમકે હોય અથવા એઆઇએડીએમકે હોય, પણ હવે એઆઇએડીએમકેમાં ઘણી વખત ભંગાણ પડી ચૂક્યું છે અને કોઈ નથી જાણતું કે તેનો આધાર શું છે. વળી, એવો દૃષ્ટિકોણ છે કે, તે પાછલા બારણે ભાજપ દ્વારા ચલાવવામાં આવે છે. અને અહીં જ વિજયનું આગમન થાય છે. વિજય ખ્રિસ્તી છે. તેઓ કહે છે કે, ડીએમકે રાજકીય વિરોધી છે, ભાજપ વૈચારિક વિરોધી છે અને તેઓ (વિજય) આ બંને પક્ષોથી દૂર રહેશે."
યાદવના મતે, "વિજયનો ઉદય 'યુવાન મતદાતાઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ તથા શહેરી મતદાતાઓ દ્વારા દર્શાવવામાં આવેલા પ્રચંડ સમર્થનથી પ્રેરિત છે. ટીવીકેની પ્રગતિ જાણે અણધારી ઉદ્ભવેલી ક્લાસિક પ્રોટેસ્ટ મૂવમેન્ટનું પ્રતિબિંબ પાડે છે. તેની સરખામણી આમ આદમી પાર્ટી (આપ) સત્તા પર આવી ગઈ હતી, તેવી લહેર સાથે કરી શકાય."
શું વિજયની આગેકૂચ પ્રસ્થાપિત વ્યવસ્થાને કેવી રીતે પડકારી શકાય, તે દર્શાવી શકશે? શું ભારતનો 'નિરાશ' વિરોધ પક્ષ ટીવીકેની સફળતામાંથી શીખ મેળવી શકશે?
આનો જવાબ આપતાં યાદવ કહે છે, "તામિલનાડુ બહારના લોકો કદાચ કહેશે કે, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં આમ થવું શક્ય નથી. આથી, મારી વાસ્તવિક ચિંતા એ છે કે, શું આ પ્રકારનું મૉડલ દેશના અન્ય ભાગોમાં અનુસરી શકાય? વળી, જે રીતે ચૂંટણીપંચે કામ કર્યું છે, તે જોતાં અને જે રીતે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારની સત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે જોતાં - શું વિપક્ષ ટીવીકેની સફળતાથી ઉત્સાહમાં આવી શકે? મને લાગે છે કે, કદાચ તેઓ આવું નહીં કરે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























