અમદાવાદ : NIAનો નકલી એજન્ટ પત્ની સામે રોફ મારવા અસલી ઓફિસ લઈ ગયો અને ઝડપાઈ ગયો, પછી શું થયું?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"અમારાં લગ્નને ચાર વર્ષ થયાં હતાં, મારા પતિ ક્યાંથી પૈસા લાવતા, એ ક્યારેય કહેતા નહોતા પણ ઉત્તર ગુજરાતમાંથી ગેરકાયદેસર પરદેશ મોકલવાના કૌભાંડો ખૂલ્યા પછી અલગઅલગ પ્રકારના લોકો અમારા ગાંધીનગરના મકાને આવવા લાગ્યા."
આ શબ્દો છે ગુજરાત સરકારમાં કથિત નકલી અધિકારી બનીને ઠગી કરતા આરોપીનાં પત્ની ગુંજન કાંતિયાનાં પત્નીના.
ગુંજન કાંતિયા સામે અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનમાં કલમ 170 , 420, 465, 468, 471 હેઠળ ઠગીનો કેસ નોંધાયો છે.
સરકારી અધિકારીના નકલી આઈકાર્ડ બનાવનાર ગુંજન પકડાયો પણ નાટકીય રીતે સરકારી ઑફિસમાંથી જ.
ગુંજન કાંતિયાનાં પત્ની કહે છે કે 'તેઓ ગાંધીનગરના સેક્ટર ત્રણમાં રહે છે અને અલગઅલગ પ્રકારના લોકો આવવા લાગ્યા તેમાંથી કોઈ મોઘી ગિફ્ટ લાવતું તો કોઈ પૈસા આપી જતું.'
તેઓ આગળ કહે છે કે "મારા કાને બે-ચાર વખતે એ વાત પડી કે મારા પતિ ક્યાંક કોઈ કૌભાંડમાં જોડાયેલા છે. મેં બહુ પૂછ્યું તો તેમણે કહ્યું કે એન.આઈ.એ.નો અંડર કવર એજન્ટ છે પણ મને એની વાત પર ભરોસો નહોતો એટલે મેં એની ઑફિસ જવાની જિદ્દ કરી. પરંતુ ત્યાં સુધીમાં પોલીસે તેને પકડીને પોલીસે જેલમાં નાખી દીધા. "
ગુંજન કાંતિયાનાં પત્નીનું કહેવું છે કે "મને ચાર વર્ષે ખબર પડી કે મારા પતિ જૂઠું બોલતા હતા."
ગુંજન કાંતિયા પર ગુજરાત સરકારના નકલી ઍક્ઝિક્યુટિવ ઑફિસર, નકલી એ.એન.આઈ અધિકારી અને કેન્દ્ર સરકારના નકલી ટાઉન પ્લાનર બનીને ઠગ કરવાનો આરોપ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુંજન કાંતિયા આમ તો મૂળ અમરેલીના બગસરાના નાનકડા ગામ ભાયાણીનો છે. તેમનાં પત્ની અનુસાર ગુંજનના પિતા હિરેન કાંતિયાની ઇચ્છા હતી કે તે એન્જિનિયર બને પણ ઓછા માર્ક્સ આવતાં તેને રાજસ્થાનની એક ખાનગી યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગમાં પ્રવેશ અપાવ્યો હતો.
ગુંજન કાંતિયાને જાણતા લોકોનું કહેવું છે કે રાજસ્થાનમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં ઉત્તર ગુજરાતમાં કેટલાક યુવાનો સંપર્કમાં આવ્યા બાદ જાકૂબી ધંધામાં ઝંપલાવ્યું.

વિદેશ જવાનું સપનું અને વિઝા કન્સલ્ટન્ટનું કામ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
એક સમયે ગુંજન કાંતિયાની સાથે રાજસ્થાનમાં ભણતા વી.એસ.ચૌધરી અમદાવાદમાં એક ખાનગી બિલ્ડરને ત્યાં નોકરી કરે છે.
વી.એન.ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે બધા સાથે રાજસ્થાનમાં રહેતા હતા, અમારા ઉત્તર ગુજરાત ના મોટા ભાગના છોકરાઓનું સપનું પરદેશ જવાનું હતું, મને પણ શરૂઆતમાં મોહ હતો."
"અમે ઘણા લોકોએ એ સમયે ટોફેલની પરીક્ષા આપી હતી, એ સમયે ગાંધીનગરમાં એના ક્લાસ પણ ભર્યા હતા."
વી.એસ.ચૌધરી કહે છે કે, "ગુંજન કાંતિયાએ પણ પ્રયાસ કરતો હતો, પણ અમારા ગ્રૂપમાંથી કોઈ પાસ થયું નહોતું. એ અમરેલીનો હતો પણ અમારું ગામ ગાંધીનગરથી નજીક છે એટલે એ માણસા આવતો."
"એને ખબર પડી કે ઉત્તર ગુજરાતમાંથી લોકો પૈસા ખર્ચીને પરદેશ જાય છે એટલે એને નવો કારસો રચ્યો હતો."
"2015-16 માં ટોફેલની પરીક્ષા છોડીને એને વિઝા કન્સલ્ટન્ટનું કામ શરૂ કર્યું હતું અને માણસામાં ઑફિસ પણ ચાલુ કરી હતી."
વી.એસ.ચૌધરી અનુસાર, "એ પછી અમારો સંપર્ક છૂટી ગયો હતો , પણ એ ઝડપથી નવી કારમાં ફરતો થઈ ગયો હતો અને મને સમાચાર મળ્યા હતા કે 2018માં ગુંજને લગ્ન કર્યાં હતાં."

પત્નીને કેવી રીતે ગઈ શંકા?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોલીસની મદદથી ગાંધીનગર સેક્ટર ત્રણમાં રહેતાં ગુંજનનાં પત્નીનો બીબીસી ગુજરાતીએ સંપર્ક કર્યો તો તેમણે પોતાનો ફોટોગ્રાફ કે અન્ય ઓળખ જાહેર નહીં કરવાની શરતે વાત કરી.
તેમણે કહ્યું કે, “અમારાં લગ્નને ચાર વર્ષ થયાં હતાં, મારો પરિચય પણ ગુંજન સાથે વિદેશ જવાની પરીક્ષા આપવા દરમ્યાન થયો હતો. અમે બંને સૌરાષ્ટ્રનાં હતાં એટલે માતાપિતાની મરજીથી લગ્ન કર્યાં હતાં.”
તેઓ કહે છે કે, ગુંજને રાજસ્થાનમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. "દિવસભર એ શું કામ કરે છે એ મને કહેતા નહીં, તેમની જીવનશૈલી વૈભવી થવા લાગ હતી. આમ તો મને કોઈ શંકા ન જતી પણ કોરોના મહામારી દરમિયાન લોકોના તેમના પર ફોન આવતા, કોઈ પૈસા માગતું તો કોઈ તેમને ધમકી આપતું."
ડીંગુચાના પટેલ પરિવારના ચાર સભ્યોનું કૅનેડાની સરહદ પાર કરીને અમેરિકા જતાં મૃત્યુ થયું હતું. આ કેસ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાયો હતો.
ગુંજન કાંતિયાનાં પત્ની કહે છે,“ ડીંગુચા કેસમાં એક પરિવારના લોકોનું મૃત્યુ થયું હતું, એ પછી ગુંજનને મળવા અમારા ઘરે વિચિત્ર પ્રકારના લોકો આવવા લાગ્યા. કોઈ તેમને રોકડા રૂપિયા આપતું તો કોઈ મોઘી ગિફ્ટ લઈને આવતું. એકવાર અનાયાસે મેં એના ડ્રૉઅરમાં કપડાં સરખાં કરતી વખતે જોયું તો એમના સરકારી કર્મચારી તરીકેના ત્રણ અલગઅલગ આઈકાર્ડ હતા. ”
“એકમાં કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી મામલોના મંત્રાલયના જુનિયર ટાઉન પ્લાનરનું આઈકાર્ડ હતું. બીજું એક આઈકાર્ડ ગુજરાત સરકારના રોડ ઍન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના ઍક્ઝિક્યુટિવ ઍન્જિનિયરનું હતું. અને ત્રીજું કાર્ડ એન.આઈ.એ.ના સબ ઇન્સપેક્ટરનું હતું.”
“મને એ જ દિવસે જ શંકા ગઈ કે કંઈક ખોટું થઈ રહ્યું છે. એક માણસના ત્રણ-ત્રણ અલગ-અલગ આઈકાર્ડ ન હોય એટલે મેં તેમની કડક તપાસ કરી તો તેમણે કહ્યું કે તેઓ નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીના અંડરકવર ઑફિસર છે. ગુજરાતમાં ચાલતા ગોટાળાઓની તપાસનું ખાસ કામ સોંપ્યું છે. એના ભાગરૂપે જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય અને એન.આઈ.એ દ્વારા તેના ઑફિસરની ઓળખ છતી ન થાય એટલે અલગ-અલગ આઈકાર્ડ આપવામાં આવ્યાં છે.”

કેવી રીતે પોલીસની પકડમાં આવ્યો ગુંજન?
ગુંજનનાં પત્નીએ બીબીસીને જણાવ્યું કે, “મને એ વાત પર ભરોસો નહોતો એટલે મેં જિદ્દ પકડી કે મારે તેમની ઑફિસે જવું છે એટલે મારી જિદ્દ પર છારોડી ખાતે એન.આઈ.એ.ની ગુજરાતની ઑફિસ પર લઈ ગયા. મને ઑફિસની બહાર ઊભી રાખી અને કહ્યું કે ખાનગી જગ્યા હોવાથી બીજાને ઑફિસની અંદર જવા નહીં દે.”
“ઉપરી અધિકારીની મંજૂરી લઈને આવું છું. એમ કહી ગુંજન ચોકીદારને આઈકાર્ડ બતાવીને અંદર ગયા અને થોડી વારમાં એટીએસ અધિકારીઓ તેમને પકડીને લાવ્યા હતા.”
પોલીસે ગુંજનને પકડી લીધો હતો અને ગુંજનનાં પત્નીને પૂછપરછ પછી જવાં દેવાયાં હતાં.
એન.આઈ.એ.ની છારોડીની ઑફિસમાં પ્રવેશેલા ગુંજનના આઈકાર્ડ પર શંકા જતાં એન.આઈ.એના અધિકારી તેને નજીકમાં આવેલી એટીએસની ઑફિસે લઈ ગયા હતા.
એટીએસના સબ ઇન્સપેક્ટર કે.બી. દેસાઈએ જણાવ્યું કે પૂછપરછ કરતાં ગુંજન પાસેથી ત્રણ આઈકાર્ડ મળી આવ્યાં હતાં.
કે.બી. દેસાઈ અનુસાર “આરોપી ગુંજને સ્વીકાર કર્યું હતું કે એ પોતાનાં પત્નીની સામે રુઆબ મારવા માટે એન.આઈ.એ.નો અંડરકવર ઑફિસર હોવાનું કહે છે અને પત્નીએ પુરાવા માગતા તેઓ ત્યાં ગયાં અને તે પકડાઈ ગયો.”
“ગુંજન અલગઅલગ સરકારી કચેરીઓમાં જવા માટે સરકારી ગેસ્ટ હાઉસમાં રહેવા માટે આ નકલી આઈકાર્ડનો ઉપયોગ કર્યો હોવાનું કહ્યું છે. એટલે અમે તેને અમદાવાદના સોલા સિવિલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને આગળની તપાસ સોંપી છે.”

ગેરકાયદેસર વિદેશ મોકલતા એજન્ટ સાથે સંપર્કની તપાસ
અમદાવાદ એ ડિવિઝનના એસીપી જી.એસ. શ્યામે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું છે કે, મૂળ અમરેલીના નાનકડા ગામના વતની ગુંજને રાજસ્થાની સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે, કૉમ્પ્યુટરના જાણકાર છે. ગુંજન ભારત સરકારના લોગો કૉમ્પ્યુટર પરથી ડાઉનલોડ કરીને નકલી આઈકાર્ડ બનાવ્યા હતા.
તેઓ વધુમાં કહે છે, પ્રાથમિક તપાસમાં ગુંજને કહ્યું કે એને આ કાર્ડનો ઉપયોગ સરકારી ગેસ્ટ હાઉસમાં રહેવા માટે અને હાઇવે પર ટોલનાકાના ટોલ ટૅક્સ નહીં ભરવા માટે કર્યો હતો. આગળ તેઓ જણાવે છે કે, ગુંજને કહ્યું છે કે આ નકલી આઈકાર્ડનો સરકારી કચેરીમાં આવનજાવન માટે ઉપયોગ કર્યો હતો.
જી.એસ.શ્યામે કહ્યું કે આ મામલે હજુ પોલીસ વધુ તપાસ કરી રહી છે કે ગુંજને આ નકલી આઈકાર્ડોનો બીજે ક્યાં ઉપયોગ કર્યો હતો.
એટલું જ નહીં પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું તે ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલનારા એજન્ટ્સની સાથે સંપર્કમાં હતો કે નહીં.
પોલીસ એ પણ તપાસી રહી છે કે શું ગુંજને નકલી આઈકાર્ડની જેમ નકલી દસ્તાવેજ પણ બનાવ્યા છે કે નહીં?
જી.એસ.શ્યામ અનુસાર વિઝા કન્સલટન્ટ તરીકે કામ કરતા ગુંજને લોકોને વિદેશ મોકલવા માટે કોઈ ખોટા દસ્તાવેજ બનાવ્યા છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.














