મધ્યકાળના 'સૌથી મહાન પ્રવાસી'ને ભારતમાંથી કેમ ભાગવું પડ્યું હતું?

ઇબ્ન બતૂતા, વિશ્વ પ્રવાસી, મધ્યકાલીન યુગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વલીદ બદરાન
    • પદ, બીબીસી અરબી સેવા

13મી જૂન, 1325ના રોજ મોરક્કો (હાલનો ઉત્તર આફ્રિકાનો દેશ)નો એક યુવાન અબ્દુલ્લા મુહમ્મદ ઇબ્ન બતૂતા એક ઐતિહાસિક અને અસાધારણ યાત્રા કરવા માટે પોતાના ઘરેથી નીકળ્યો. ત્યારપછીના ત્રણ દાયકાઓ સુધી આ વ્યક્તિએ ઉત્તર આફ્રિકાથી લઈને ચીન સુધી દિલધડક યાત્રાઓ કરી.

આ યાત્રાઓ દરમિયાન તેમણે જે પણ લખ્યું તેનાથી 14મી સદી વિશે અનેક મહત્ત્વની જાણકારીઓ મળે છે.

ઇબ્ન બતૂતાએ પોતાની યાત્રાઓના અનુભવો તેમના પુસ્તક- તુહફત ઉન-નઝર ફગરૈબ ઇલ-એમસારમાં લખ્યા છે. તેનો અંગ્રેજી અનુવાદ ધી ટ્રેવલ્સ ઑફ ઇબ્ન બતૂતા નામના પુસ્તકમાં છે.

ઍનસાયક્લોપીડિયા બ્રિટેનિકા અનુસાર ઇબ્ન બતૂતાનો જન્મ 24 ફેબ્રુઆરી, 1304ના રોજ મોરક્કોમાં થયો હતો.

તેમને મધ્યકાળના સૌથી મહાન પ્રવાસી ગણવામાં આવે છે.

ઇબ્ન બતૂતાએ 1 લાખ 20 હજાર વર્ગ કિલોમીટરથી વધુની યાત્રાઓ કરી અને આ યાત્રાના અંતેમાં તેમણે પ્રસિદ્ધ યાત્રા વૃત્તાંત લખ્યો.

ઇબ્ન બતૂતાનું પ્રારંભિક જીવન અને યાત્રાની શરૂઆત

ઇબ્ન બતૂતા, વિશ્વ પ્રવાસી, મધ્યકાલીન યુગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇબ્ન બતૂતાનો જન્મ મોરક્કોના ટેન્ઝિયર શહેરમાં ઇસ્લામી વિદ્વાનોના એક પરિવારમાં થયો હતો.

શરૂઆતમાં તેમને ઇસ્લામી કાયદો અને કુરાન ભણાવવામાં આવ્યું. પરંતુ ઇબ્ન બતૂતા એક જગ્યાએ બેસીને તેમનું જીવન વીતાવવા માંગતા નહોતા. તેમના પર જીવનનો હેતુ શોધવાનું ભૂત સવાર હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

21 વર્ષની ઉંમરમાં ઇબ્ન બતૂતા હજ કરવા ગયા અને તેના કારણે તેમણે પોતાનું શહેર ટૅન્ઝિયર છોડી દીધું. ત્યારે કદાચ જ તેમને ખબર હશે કે તેમનું બાકીનું જીવન પ્રવાસ કરવામાં જ વીતી જશે.

જોકે, તેમની પહેલી યાત્રા મક્કાની હતી પરંતુ તેમની ધાર્મિક પ્રવૃત્તિ, સાહિત્યિક રૂચિ અને ઝનૂન તેમને આગળ લઈ ગયા. ઉત્તર આફ્રિકામાં ઇબ્ન બતૂતાની યાત્રાની શરૂઆત જ ખતરનાક રહી. તેમને ત્યાં રણ અને ડાકુઓનો સામનો કરવો પડ્યો.

ઇજિપ્ત પહોંચતા જ તેઓ તેની રાજધાની કાહિરાને જોઈને દંગ રહી ગયા. આ પ્રાચીનકાળના જ જીવંત શહેરોમાંથી એક હતું. ત્યાં તેમણે મામલુક સામ્રાજ્યની મોટી મોટી મસ્જિદો, વ્યસ્ત બજારો અને શિક્ષણ સંસ્થાઓનો પણ પ્રવાસ કર્યો. તેઓ ઍલેક્ઝાન્ડ્રિયા પણ ગયા.

ઇબ્ન બતૂતા માત્ર હજ કરવા ઇચ્છતા હતા અને ત્યારબાદ તેઓ ઇજિપ્ત, સીરિયા અને હિજાઝના પ્રસિદ્ધ ધાર્મિક વિદ્વાનો અને સૂફી સંતોને મળવા માગતા હતા.

તેમણે ઇસ્લામ વિશે ગહન અભ્યાસ કર્યો. આ જ્ઞાનથી તેઓ કાજીના પદને યોગ્ય બન્યા. ઇસ્લામિક અભ્યાસના વિદ્યાર્થી હોવાને કારણે તેમને અનેક અવસરો મળ્યા. તેઓ દુનિયાભરના અનેક શાસકોના દરબારના સન્માનિત અતિથિ હતા.

ઇજિપ્તમાં તેમની યાત્રા દરમિયાન તેઓ વધુ ઝનૂની થઈ ગયા. ત્યારબાદ જ તેમણે દુનિયાની સફર કરવાનો નિર્ણય કર્યો. એ જમાનામાં લોકો વેપાર, તીર્થયાત્રા કે શિક્ષણ માટે યાત્રાઓ કરતાં હતાં પરંતુ ઇબ્ન બતૂતાને નવા દેશો અને નવા લોકો વિશે જાણવામાં રૂચિ હતી.

દુનિયાભરના અનેક બાદશાહોએ તેમનું સ્વાગત કર્યું અને તેમની મદદ પણ કરી જેથી કરીને તેઓ તેમની યાત્રા ચાલુ રાખી શકે.

હજ શરૂ થયા પછી જ યાત્રાઓની શરૂઆત

કાહિરાથી ઇબ્ન બતૂતા મક્કા માટેના એક કાફલામાં જોડાઈ ગયા.

1326માં હજ કર્યા પછી તેઓ ઇરાક માટે નીકળી ગયા. તેમણે અબ્બાસી ખલીફાઓના જૂના ગઢ એવા બગદાદનો પણ પ્રવાસ કર્યો. ઈરાનમાં તેમની મુલાકાત છેલ્લા મોંગોલ ગવર્નર અબુ સઈદ સાથે થઈ હતી.

ઈરાનમાં તેમણે ઇસ્ફહાન અને શિરાજ જેવાં શહેરોનો પણ પ્રવાસ કર્યો. આ શહેરોની સંસ્કૃતિ અને સાહિત્યિક જીવને તેમને ખૂબ પ્રભાવિત કર્યા.

ઇબ્ન બતૂતા વર્ષ 1327થી વર્ષ 1330 સુધી મક્કા અને મદીનામાં રહ્યા. હજ તેમના માટે આધ્યાત્મિક યાત્રા હતી. એ દરમિયાન તેમની મુલાકાત ઇસ્લામિક જગતની વિભિન્ન સંસ્કૃતિઓ અને લોકો સાથે થઈ. પર્યટન પ્રત્યે રૂચિનું કારણ એ મુલાકાતો પણ રહી હતી.

એ જેદ્દાથી એક જહાજ પર સવાર થયા હતા. તેમણે લાલ સમુદ્રથી લઈને યમન સુધીની યાત્રા કરી હતી અને પછી ઍડન રવાના થઈ ગયા. ત્યારપછી તેમણે આફ્રિકાના પૂર્વી તટની યાત્રા કરી હતી.

આ યાત્રાઓ પછી તેઓ મક્કા પાછા ફર્યા.

ભારતની યાત્રા

ઇબ્ન બતૂતા, વિશ્વ પ્રવાસી, મધ્યકાલીન યુગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

મક્કામાં તેમણે દિલ્હીના સુલતાન મુહમ્મદ બિન તુઘલક અને મુસ્લિમ વિદ્વાનોની ઉદારતાના કિસ્સાઓ સાંભળ્યા. તેના કારણે તેમણે દિલ્હી દરબારમાં પોતાનું નસીબ અજમાવવાનો નિર્ણય કર્યો.

ઇબ્ન બતૂતા એ ઇજિપ્ત અને સીરિયાથી પસાર થયા અને તેઓ એક જહાજથી એશિયા માઇનર (અનાતોલિયા) ગયા.

ઇતિહાસકારો માટે ઇબ્ન બતૂતા સેલ્જુક સામ્રાજ્યના પતન અને ઑટોમન સામ્રાજ્યના ઉદય વિશે એક વિશ્વસનીય સ્રોત બની ગયા. તમામ સ્થાનિક શાસકોએ ઇબ્ન બતૂતાનું ઉદારતાપૂર્વક સ્વાગત કર્યું.

ઍનસાયક્લોપીડિયા બ્રિટાનિકા અનુસાર, ઇબ્ન બતૂતાની બાઇઝૈનટાઇન સામ્રાજ્યની રાજધાની વિશેની જાણકારી સટીક અને સ્પષ્ટ છે.

કૉન્સ્ટેન્ટિનૉપલથી પાછા ફરતી વખતે તેમણે ભારતની પોતાની યાત્રા શરૂ રાખી.

રસ્તામાં તેઓ એક કાફલા સાથે મધ્ય એશિયાના બુખારા, સમરકંદ અને બલ્ખના પ્રાચીન શહેરોમાંથી પસાર થયા હતા. ત્યારબાદ તેઓ હિંદુકુશને પાર કરીને ભારત અને દિલ્હી સામ્રાજ્ય સુધી પહોંચ્યા.

દિલ્હીમાં તેઓ સુલતાન મુહમ્મદ બિન તુઘલકની સામે હાજર થયા અને સુલતાને તેમને કાજી તરીકે નિયુક્ત કરી દીધા.

ઇબ્ન બતૂતાએ ભારતમાં અનેક વર્ષો વિતાવ્યાં હતાં. તેમણે સમાજની જટિલતાઓ, પ્રશાસન અને વિભિન્ન ધાર્મિક પરંપરાઓ વચ્ચેના સંબંધોની સમજણ કેળવી હતી.

બીબીસી ગુજરાતી

પરંતુ ધીરેધીરે તેમને લાગવા માંડ્યું કે ભારતમાં તેમની સ્થિતિ ખતરાથી ખાલી નથી. સુલતાન મુહમ્મદ બિન તુઘલક ઉદારતા અને ક્રૂરતાનું એક અસાધારણ મિશ્રણ હતા. સુલતાને મુસલમાનો અને હિન્દુઓ પર વધુ કઠોરતા સાથે ભારતના મોટાભાગના હિસ્સાને નિયંત્રણમાં રાખ્યો હતો.

ઇબ્ન બતૂતાના દરબારમાં અનેક મિત્રોને તેમણે રાજકારણનો શિકાર થતા જોયા. તેઓ આ બધી વાતોથી ઘણા ડરી ગયા હતા.

તુઘલક વિશે લખતી વખતે ઇબ્ન બતૂતા સુલતાનના ચરિત્રનું ચિત્રણ મનોવૈજ્ઞાનિક અંતર્દૃષ્ટિથી કરે છે. વર્ષ 1342માં સુલતાને ઇબ્ન બતૂતાને ચીની શાસક પાસે પોતાના રાજદૂત બનાવીને મોકલ્યા.

ઇબ્ન બતૂતાએ દિલ્હી છોડવામાં જરા પણ મોડું ન કર્યું.

પરંતુ ચીનની એ યાત્રા હજુ પણ વધુ ખતરાથી ભરેલી હતી. આ પહેલાં દિલ્હીમાં તેમના ઠેકાણા પર સુલતાનના વિદ્રોહીએ હુમલો કર્યો હતો. તેઓ માંડમાંડ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા.

દક્ષિણ-પશ્ચિમ ભારતના માલાબાર તટ પર પહોંચીને તેઓ અનેક લડાઈઓના સાક્ષી બન્યા.

તેમનું જહાજ અંતે કાલિકટ (હાલનું કોઝિકોડ) પાસે બરબાદ થઈ ગયું. સુલતાનના ડરથી ઇબ્ન બતૂતાએ માલદીવ જવાનો નિર્ણય કર્યો. ત્યાં તેમણે કાજી તરીકે લગભગ બે વર્ષ વિતાવ્યાં.

માલદીવથી તેઓ શ્રીલંકા ગયા ત્યાં તેમણે હર્યાભર્યા નજારાઓ જોયા અને બૌદ્ધ મંદિરોનું પણ ભ્રમણ કર્યું. ત્યારબાદ તેઓ બંગાળ અને આસામ પણ ગયા. આસામ પહોંચ્યા બાદ તેમણે પોતાનું મિશન ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો તેઓ સુમાત્રા તરફ નીકળી ગયા.

સુમાત્રાના મુસ્લિમ સુલતાને એક નવું જહાજ આપ્યું અને તેઓ ચીન તરફ નીકળી ગયા. ઇબ્ન બતૂતા જ્યાં પણ ગયા ત્યાં તેમણે લોકો અને સંસ્કૃતિઓનો ખૂબ અભ્યાસ કર્યો.

ચીનનો પ્રવાસ કરીને પાછા ફર્યા...

ઇબ્ન બતૂતા, વિશ્વ પ્રવાસી, મધ્યકાલીન યુગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FACEBOOK

ઇબ્ન બતૂતાની યાત્રાનો સૌથી મોટો પડાવ એ તેમની ચીન યાત્રા હતી. વર્ષ 1345માં ચીનના ક્વાનઝોઉના વાણિજ્યિક કેન્દ્રમાં પહોંચ્યા હતા. ઇબ્ન બતૂતાએ કરેલું ચીનનું વિવરણ એક એવી દુનિયાની ઝલક આપે છે કે જેના વિશે બહુ ઓછા યુરોપીય કે આરબ લોકોએ પહેલાં સાંભળ્યું હશે.

તેઓ બેઇજિંગમાં શાહીદરબારના વૈભવ, ચીની સભ્યતાના વિકાસ અને શાસનની શૈલીથી આશ્ચર્યચકિત હતા. તેમણે તેમના લખાણમાં વેપારના વિશાળ નેટવર્કનું વર્ણન કર્યું હતું.

ઇબ્ન બતૂતાની ચીન યાત્રા આપણને મધ્યકાલીન યુગમાં વેપાર અને કૂટનીતિ વચ્ચેના સંબંધો વિશે વિસ્તારપૂર્વક જણાવે છે.

સુદૂર પૂર્વમાં તેમની વ્યાપક યાત્રાઓ પછી ઇબ્ન બતૂતાએ 1346માં સુમાત્રા, માલાબાર અને ખાડીદેશોના રસ્તે મોરક્કો પરત ફરવાની શરૂઆત કરી.

સીરિયામાં તેમણે 1348માં બ્લૅક ડેથ (પ્લેગ)નું વિનાશક સ્વરૂપ જોયું. એ જ વર્ષે બતૂતા મક્કા ગયા અને અંતિમ હજ કર્યું. ત્યાંથી તેઓ ઇજિપ્ત ગયા જ્યાંથી તેઓ ઍલેક્ઝાન્ડ્રિયા, ટ્યૂનીશિયા, સાર્ડિનિયા અને અલ્જિરિયા ગયા.

નવેમ્બર, 1349માં મોરક્કોના શહેર ફૈઝ પહોંચ્યા.

આટલી મોટી યાત્રા પછી પણ બે મુસ્લિમ દેશો એવા છે કે જેમના વિશે તેઓ હજુ જાણતા ન હતા. 1352માં તેઓ પશ્ચિમી સુદાનની યાત્રાએ નીકળ્યા. સહારાના રણને પાર કર્યા બાદ તેમણે માલી સામ્રાજ્યમાં એક વર્ષ વિતાવ્યું હતું. એ સામ્રાજ્ય એ વખતે તેની શક્તિની ચરમસીમાએ હતું.

1353ના અંત સુધીમાં ઇબ્ન બતૂતા મોરક્કો પરત ફર્યા અને તેમના સુલતાનના અનુરોધ કરવા પર પોતાનાં સંસ્મરણો લખ્યાં.

ત્યાર બાદ ઇબ્ન બતૂતા જાણે કે દુનિયાની નજરોમાંથી ઓઝલ થઈ ગયા. એવું કહેવાય છે કે તેમણે પોતાના મૃત્યુ પહેલાં મોરક્કોના એક શહેરમાં એક કાજી તરીકે કામ કર્યું હતું.

ઍનસાયક્લોપીડિયા બ્રિટાનિકા અનુસાર, સંભવત: તેમનું મૃત્યુ 1368, 1369 અને 1377માં થયું હતું અને તેમને તેમના ગૃહનગર ટેન્ઝિયરમાં દફનાવવામાં આવ્યા હતા.

ઇબ્ન બતૂતાની વિરાસત

ઇબ્ન બતૂતા, વિશ્વ પ્રવાસી, મધ્યકાલીન યુગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇબ્ન બતૂતાની યાત્રા અનુમાનિત 1 લાખ 20 હજાર વર્ગ કિલોમીટર લાંબી હતી. આ મામલામાં તેમણે પ્રસિદ્ધ ઇટાલિયન શોધકર્તા માર્કોપોલોને પણ પાછળ રાખી દીધા.

ઇબ્ન બતૂતાનું વિવરણ 14મી શતાબ્દીની દુનિયાની એક અનોખી તસવીર રજૂ કરે છે. તેમના લેખનમાં મધ્યયુગના ઉત્કર્ષ દરમિયાનની ઇસ્લામી દુનિયાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.

તેમાં વ્યાપક વેપારનું નેટવર્ક, બૌદ્ઘિક આદાન-પ્રદાન અને સાંસ્કૃતિક સંપર્કો વિશે પણ જાણકારી સામેલ છે.

ઇબ્ન બતૂતાની યાત્રાએ દર્શાવ્યું છે કે હજ એ એક એવી વસ્તુ છે જે ઇસ્લામી દુનિયામાં મુસસલમાનોને એકજૂથ કરે છે. આ દરમિયાન વિચારોનું આદાન-પ્રદાન થાય છે અને મુસલમાનોને એક સમાન ઓળખનો અહેસાસ થાય છે.

તેમની યાત્રાઓનો ભૂગોળ, ઇતિહાસ અને માનવવિજ્ઞાનના ક્ષેત્ર પર સ્થાયી પ્રભાવ પડ્યો છે કારણ કે તેમણે પશ્ચિમી દેશોના અજ્ઞાત સ્થાનો અને સંસ્કૃતિનું વર્ણન કર્યું છે.

તેમણે ઇતિહાસકારો અને શોધકર્તાઓ માટે પર્યાપ્ત જાણકારી ઉપલબ્ધ કરાવી. તેમના પુસ્તકનો અનેક ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે અને હજુ પણ દુનિયાભરના વિદ્વાનો તેમનું અધ્યયન કરે છે.

તેમની યાત્રા દરમિયાન તેમણે ઓછામાં ઓછા 60 શાસકો અને મંત્રીઓ, ગવર્નરો તથા અન્ય હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. તેમના પુસ્તકમાં તેમણે 2000થી વધુ લોકોનો ઉલ્લેખ કર્યો છે જેમને તેઓ વ્યક્તિગત રૂપે ઓળખતા હતા અને તેમની કબરો પર ગયા હતા.

તેમાંથી મોટાભાગના લોકોની ઓળખ સ્વતંત્ર સ્રોતોથી કરી શકાય છે. જોકે, ઇબ્ન બતૂતાની સામગ્રીમાં નામ અથવા તારીખોમાં કેટલીક ત્રુટિઓ પણ છે.

ઇબ્ન બતૂતાનું પુસ્તક તેમના વ્યક્તિત્ત્વના પણ કેટલાક દિલચસ્પ કિસ્સાઓ પર પ્રકાશ પાડે છે.

ઇબ્ન બતૂતાની અસાધારણ યાત્રા એ વાતનો પુરાવો છે કે જ્ઞાનની ભૂખ માણસને ગમે ત્યાં લઈ જઈ શકે છે. તેમની યાત્રાનો ઉદ્દેશ્ય માત્ર વ્યક્તિગત મનોરંજન ન હતું પરંતુ તેના માધ્યમથી તેમને દુનિયા વિશે ઘણું મહત્ત્વપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

આજે પણ ઇબ્ન બતૂતાને એક મહાન શોધકર્તા માનવામાં આવે છે. તેમણે તેમની યાત્રાઓ અને વિવિધ સંબંધોથી અનેક પેઢીઓને પ્રભાવિત કરી છે.