લાખો લોકોનો ભોગ લેનારા દુષ્કાળ વખતે બંગાળમાં પોતાના દાદાએ કરેલા કામ બદલ શરમ અનુભવતાં મહિલાની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કવિતા પુરી
- પદ, પ્રેઝન્ટર, થ્રી મિલિયન પોડકાસ્ટ
સુઝેન્ના હર્બર્ટ મને કહે છે, "જે કંઈ બન્યું તેના માટે હું ખૂબ જ શરમ અનુભવું છું."
ભારતમાં બ્રિટિશરોના શાસન દરમિયાન 1943ના દુકાળ દરમિયાન સુઝેન્નાના દાદા બંગાળના ગવર્નર હતા. એ દુકાળમાં ઓછામાં ઓછા 30 લાખ લોકો માર્યા ગયા હતા.
એ ભયંકર આપત્તિ દરમિયાનની પોતાના દાદાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા બાબતે સુઝેન્ના હવે જાણી રહ્યાં છે અને જટિલ કૌટુંબિક વારસા સામે સંઘર્ષ કરી રહ્યાં છે.
હું સુઝેન્નાને પહેલીવાર મળી ત્યારે તેમના હાથમાં 1940નો એક ફોટોગ્રાફ હતો. એ બંગાળમાં ગવર્નરના નિવાસસ્થાને ક્રિસમસના દિવસે પાડવામાં આવ્યો હતો. તે ફોર્મલ હતો. લોકો સુંદર વસ્ત્રો પહેરીને પંક્તિઓમાં બેઠેલા હતા અને કૅમેરા તરફ જોતા હતા.
આગળના ભાગમાં મહાનુભાવો હતા. તેઓ ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ સંસ્થાનવાદી વ્યક્તિઓ પૈકીના એક વાઈસરોય લિનલિથગો અને સુઝેન્નાના દાદા તથા બંગાળના ગવર્નર સર જોન હર્બર્ટ હતા.
તેમના પગ પાસે એક નાનકડો છોકરો સફેદ શર્ટ, ચડ્ડી, ઘૂંટણ સુધીના મોજાં અને ચળકતા પગરખાં પહેરીને બેઠો હતો. તે સુઝેન્નાના પિતા હતા.
પિતાએ દીકરી સુઝેન્નાને ભારતમાં મોટા થવાની કેટલીક વાતો કહી હતી. તેમાં એક વાત એ હતી કે ફાધર ક્રિસમસ એ દિવસે હાથી પર આવ્યા હતા.
તેમણે સુઝેન્નાને તેમના દાદા વિશે બહુ ઓછી વાત કરી હતી. દાદા 1943ના અંતમાં મૃત્યુ પામ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દુકાળનાં કારણો ઘણાં અને જટિલ હતાં. જ્હૉન હર્બર્ટ બંગાળમાં સૌથી મહત્ત્વપૂર્ણ સંસ્થાનવાદી વ્યક્તિ હોવાની સાથે તેઓ વ્યાપક સંસ્થાનવાદી વ્યવસ્થાનો એક ભાગ પણ હતા. તેમણે દિલ્હીમાં તેમના બૉસને આ બાબતે જાણ કરી હતી અને તેમના બૉસે લંડનમાં જાણ કરી હતી.
ઇતિહાસકાર અને ‘હંગ્રી બેંગાલ’ના લેખક ડૉ. જનમ મુખરજી કહે છે, “હર્બર્ટ દુકાળ સાથે સૌથી વધુ સંકળાયેલા કોલોનિયલ ઑફિસર હતા, કારણ કે તેઓ એ વખતે બંગાળના ગવર્નર હતા.”
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે અમલી બનાવેલી બે નીતિઓ પૈકીની એક ‘ડિનાયલ’ તરીકે જાણીતી છે. એ નીતિ અંતર્ગત ગામડાઓમાં હજારો બોટ તથા મુખ્ય ખોરાક ચોખા જપ્ત કરવામાં આવ્યા હતા અને તેનો નાશ કરવામાં આવ્યો હતો. એ જાપાનના આક્રમણના ભયને કારણે કરવામાં આવ્યું હતું અને તેનો હેતુ દુશ્મનોને સ્થાનિક સંસાધનોનો લાભ ન મળે તે સુનિશ્ચિત કરવાનો હતો, જેથી તેઓ ભારતમાં આગળ ન વધી શકે.
જોકે, નાજુક સ્થાનિક અર્થતંત્ર માટે અંગ્રેજોની નીતિ પહેલાંથી જ આપત્તિજનક હતી. માછીમારો દરિયામાં જઈ શકતા ન હતા, ખેડૂતો તેમના ખેતરમાં જઈ શકતા ન હતા અને કારીગરો તેમનો માલ બજાર સુધી લઈ જઈ શકતા ન હતા. સૌથી મહત્ત્વના ગણાતા ચોખાની હેરફેર કરી શકાતી ન હતી.
યુદ્ધની બંગાળ પર અસર

ઇમેજ સ્રોત, Susannah Herbert
પારાવાર મોંઘવારી હતી, કારણ કે દિલ્હીમાંની અંગ્રેજ સરકાર એશિયન મોરચે જંગી યુદ્ધના ખર્ચને પહોંચી વળવા ચલણી નોટો છાપી રહી હતી. કોલકાતામાં સાથી રાષ્ટ્રોના હજારો સૈનિકો ખાદ્ય સામગ્રીની તંગીનો સામનો કરી રહ્યા હતા.
જાપાને બર્મા જીતી લીધું પછી ત્યાંથી બંગાળમાં ચોખાની આયાત બંધ થઈ ગઈ હતી. ઘણી વખત નફા માટે ચોખાની સંઘરાખોરી કરવામાં આવતી હતી અને ઘાતક ચક્રવાત, તોફાને બંગાળના ચોખાના મોટા ભાગના પાકને બરબાદ કરી નાખ્યો હતો.
યુદ્ધ દરમિયાન ખાદ્ય સામગ્રીની આયાતની વારંવારની માગણીઓ વૉર કેબિનેટ અને વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ દ્વારા નકારવામાં આવતી હતી અથવા તેના પર આંશિક રીતે ધ્યાન આપવામાં આવતું હતું.
મૃત્યુ પામેલા લોકોની સંખ્યા જંગી હતી. બંગાળના ગવર્નરનાં પૌત્રી સુઝેન્ના ઘણા દાયકાઓ પછી આ બાબતે શા માટે શરમ અનુભવી રહ્યાં છે તેનું મને આશ્ચર્ય થતું હતું.
સુઝેન્ના સમજાવવાનો પ્રયાસ કરતાં કહે છે, "હું નાની હતી ત્યારે બ્રિટિશ સામ્રાજ્ય સાથે જોડાયેલા હોવાનું આકર્ષક લાગતું હતું."
સુઝેન્નાના કહેવા મુજબ, તેઓ તેમના દાદાના ઘણાં જૂનાં કપડાં પહેરવા લઈ લેતાં હતાં. "તેમાં મેઇડ ઇન બ્રિટિશ ઇન્ડિયા લખેલા રેશમી સ્કાર્ફ પણ હતા."
"હવે એ વસ્ત્રોને કબાટમાં જોઉં છું ત્યારે એક પ્રકારની ધ્રુજારી અનુભવું છું અને કહું છું કે મારે આ વસ્ત્રો પહેરવા જ શા માટે જોઈએ? કારણ કે તેના પરના બ્રિટિશ ઇન્ડિયા લેબલને લીધે એ પહેરવાનું મને યોગ્ય લાગતું નથી."
'છ કરોડ લોકોનું શાસન તેમના હાથમાં હતું'

સુઝેન્ના તેમના દાદાના બ્રિટિશ ભારતમાંના જીવન વિશે વધુ જાણવા અને સમજવા પ્રતિબદ્ધ છે.
વેલ્સ ખાતેના પારિવારિક ઘરમાંની હર્બર્ટ આર્કાઇવમાં રાખવામાં આવેલા દાદા-દાદી સંબંધી સંખ્યાબંધ દસ્તાવેજોમાંથી બંગાળના દુકાળ વિશે શક્ય તેટલું વધુ વાંચવાના પ્રયાસ સુઝેન્ના કરી રહ્યાં છે. એ દસ્તાવેજો ક્લાઇમેટ-કન્ટ્રોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યા છે અને આર્કાઇવિસ્ટ દર મહિને એકવાર ત્યાં આવે છે.
સુઝેન્નાને તેમના દાદા વિશે હવે વધુ સમજાઈ રહ્યું છેઃ "તેમણે જે નીતિઓ અમલમાં મૂકી હતી તેને લીધે દુકાળના વ્યાપ તથા અસરમાં મોટો વધારો થયો હતો, તેમાં કોઈ શંકા નથી."
"તેમની પાસે કૌશલ્ય હતું, આદર હતો. બ્રિટિશ સામ્રાજ્યના દૂરના ખૂણાં છ કરોડ લોકોનો પર શાસન કરવા માટે તેમની નિમણૂંક થવી જોઈતી ન હતી. તેમની નિમણૂંક સદંતર થવી જોઈતી ન હતી."
પારિવારિક આર્કાઈવમાંથી સુઝેન્નાને તેમનાં દાદી લેડી મેરીનો એક પત્ર મળ્યો હતો. લેડી મેરીએ તે પત્ર તેમના પતિને, તેમને ગવર્નરપદ ઑફર કરવામાં આવ્યું હોવાનું સાંભળીને લખ્યો હતો. એ પત્રમાં બન્ને બાજુની વાત છે. લેડી મેરી તેમના પતિ સાથે જવા સ્પષ્ટપણે રાજી ન હતાં. જોકે, તેમણે લખ્યું હતું કે તમે જે નિર્ણય કરશો તે મને સ્વીકાર્ય હશે.
સુઝેન્ના કહે છે, "તમે એ પત્રો ભૂતકાળના સંદર્ભમાં વાંચો છો, લેખક અને વાચક શું જાણતા ન હતા, એમ ધારીને તમે એ વાંચો છો. તમે ભૂતકાળ સુધી પહોંચી શકો તો કહેશો કે એવું કરશો નહીં. ભારત જશો નહીં. તમે સારું કામ કરી શકવાના નથી."
જ્યારે એક ઇતિહાસકાર સુઝેન્નાને મળ્યા...

ઇમેજ સ્રોત, Herbert Family
સુઝેન્ના હર્બર્ટના ભૂતકાળમાંના પ્રવાસને હું મહિનાઓથી ફૉલો કરી રહી છું. તેમને તેમના દાદા વિશે અનેક સવાલો હતા.
તેઓ ઇતિહાસકાર જનમ મુખર્જી મળવા તથા સીધા સવાલ પૂછવા આતુર હતાં. તેઓ તેમને જૂનમાં મળ્યાં હતાં.
જનમ કબૂલે છે કે હું જ્હૉન હર્બર્ટની પૌત્રી સામે બેઠો હોઈશ એવી કલ્પના ક્યારેય કરી ન હતી.
સુઝેન્ના એ જાણવા ઇચ્છે છે કે એક પ્રાંતીય સાંસદ અને સરકારી વ્હીપ એવા તેમના દાદાને ભારતીય રાજકારણનો કોઈ જ અનુભવ ન હતો ત્યારે તેમની નિમણૂંક જ શા માટે કરવામાં આવી હતી? તેમણે યુવાન અધિકારી તરીકે દિલ્હીમાં થોડો સમય કામ જરૂર કર્યું હતું.
જનમ સમજાવે છે, "તે સંસ્થાનવાદનો એક હિસ્સો છે અને સર્વોચ્ચતાના વિચારમાંથી ઉદ્ભવે છે."
"જેમની પાસે કોઈ સાંસ્થાનિક અનુભવ ન હતો, કોઈ ભાષાકીય ક્ષમતા ન હતી, જેમણે બ્રિટન બહાર રાજકીય વ્યવસ્થામાં કામ કર્યું ન હતું તેવા કેટલાક સાંસદો કોલકાતામાં ગવર્નર હાઉસમાં જઈને રહેતા હતા અને તેઓ જેમના વિશે કશુંજ જાણતા ન હતા એવા લોકો વિશે નિર્ણયો કરતા હતા."
હર્બર્ટ બંગાળના ચૂંટાયેલા ભારતીય રાજકારણીઓમાં લોકપ્રિય ન હતા અને વાઇસરૉય લિન્લિથગો સહિતના દિલ્હીમાંના તેમના વરિષ્ઠ લોકોને પણ તેમની યોગ્યતા બાબતે શંકા હતી.
જનમ કહે છે, "લિન્લિથગોએ તેમને ભારતમાંના સૌથી નબળા ગવર્નર કહ્યા હતા. હકીકતમાં તેઓ તેમને દૂર કરવા ઇચ્છતા હતા, પરંતુ તેનો અર્થ શું થશે એ બાબતે ચિંતિત હતા."
સુઝેન્ના કહે છે, "આ સાંભળવું મુશ્કેલ છે."
મને લાગે છે કે બન્ને માટે તેમાં વ્યક્તિગત જોડાણ છે. જનમના અને સુજેન્નાના પિતા કોલકાતામાં હતા. બન્ને છોકરાઓ હતા, પરંતુ તદ્દન અલગ જિંદગી જીવતા હતા. હવે બંને મૃત્યુ પામ્યા છે. સુઝેન્ના પાસે કમસેકમ ફોટોગ્રાફ્સ તો છે.
ઇતિહાસ વિશે વધુને વધુ જાણવાનો પ્રયત્ન

ઇમેજ સ્રોત, Herbert family
જનમ પાસે તેમના પિતાની બાળપણની કોઈ તસવીર નથી. "તેથી હું તેમણે મને તેમના બાળપણના કોલોનાઇઝ્ડ વૉર ઝોનમાંના અનુભવો વિશે, તેમની મુશ્કેલીઓ વિશે જે વાતો કરી હતી એટલું જ જાણતો હતો."
"હું મારા પિતાના અત્યંત મુશ્કેલ જીવન વિશે વિચારીને એ સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું કે તેનો પ્રભાવ તેમના વંશજ તરીકે મારા પર કેવી રીતે પડ્યો છે."
પછી તેમણે એવી વાત કરી, જે અપેક્ષિત ન હતી.
"મારા દાદા અંગ્રેજોના પોલીસ દળ માટે કામ કરતા હતા. તેથી મારા દાદા અનેક રીતે કોલોનિયલ સિસ્ટમ સાથે મળેલા હતા. એટલે અમારી સમજમાં આ દિલચસ્પ સમાનતા છે."
બંગાળના દુકાળમાં ઓછામાં ઓછા 30 લાખ લોકો માર્યા ગયા હતા અને તેમની સ્મૃતિમાં વિશ્વમાં ક્યાંય પણ કોઈ સ્મારક કે તકતી સુદ્ધાં નથી.
સુઝેન્ના તેમના દાદા વિશેના એક સ્મારકની વાત કરે છે.
સુઝેન્નાના કહેવા મુજબ, તેમની કબર નથી, પરંતુ "અમે જે ચર્ચમાં પ્રાર્થના કરતા હતા ત્યાં તેમના સન્માનમાં એક તકતી લગાવવામાં આવી છે." તેમના અવશેષ બાબતે સુઝેન્ના કશું જાણતાં નથી. કદાચ કોલકાતામાં હોઈ શકે.
સન્માન એક એવો શબ્દ છે, જેનો ઉપયોગ સુઝેન્ના તેમના દાદાનું વર્ણન કરવા માટે કરતાં હતાં, પરંતુ તેઓ દાદાની નિષ્ફળતાઓનો સ્વીકાર કરે છે.
"અમને જણાવવામાં આવ્યું હતું તેના કરતાં ઇતિહાસ વધારે જટિલ છે એ સ્વીકારવું મને અપેક્ષાકૃત આસાન લાગે છે. તેમ છતાં જોન હર્બર્ટે આ રીતે, આટલી બેઈમાનીથી કામ કર્યું હશે તેની કલ્પના કરવાનું મુશ્કેલ છે."
જનમનો દૃષ્ટિકોણ અલગ છે. "હેતુ વિશેના સવાલોમાં મને અનેક સંદર્ભમાં ક્યારેય રસ પડ્યો નથી. મને ઘટનાઓના ઐતિહાસિક ક્રમમાં વધારે રસ છે, કારણ કે મને લાગે છે કે ઇરાદા જે કંઈ થાય છે તેને છુપાવી શકતા હોય છે."
80 વર્ષ પછી પણ આ બધું જટિલ છે. મહિનાઓ સુધી સંશોધન કર્યા પછી પણ સુઝેન્ના પોતાની લાગણીને બયાન કરવા માટે "શરમ" શબ્દનો ઉપયોગ શા માટે કરે છે, તેનું મને આશ્ચર્ય છે.
પોતે પોતાનો દૃષ્ટિકોણ બદલ્યો હોવાનું જણાવતાં સુઝેન્ના કહે છે, "મને લાગે છે કે શરમ શબ્દ મારી લાગણીના કેન્દ્રમાં છે. તે મારા વિશે અને હું શું વિચારું છું તેના માટે જ નથી."
"હું માનું છું કે આ આપણે, એટલે કે બ્રિટન આ દેશ, અહીં સુધી કેવી રીતે પહોંચ્યા તે સમજવાના એક મોટા પ્રોજેક્ટનો ભાગ છે."
આ વાત સાથે સંમત થતાં જનમ કહે છે, "એક સંસ્થાનવાદી અધિકારીનાં વંશજ તરીકે મને નથી લાગતું કે આ પેઢીઓથી એકઠી થયેલી શરમ નથી. આ બ્રિટનની શરમ છે."
"મારા કહેવાનો અર્થ એ છે કે બંગાળમાં લોકો ભૂખથી મરી ગયા હતા. તેથી મને લાગે છે કે એ વ્યક્તિગત સ્તરની સાથે-સાથે સામૂહિક સ્તરે પણ ઐતિહાસિક ચિંતનનું કારણ છે."
સુઝેન્ના પોતાના વારસા બાબતે વિચારી રહ્યાં છે. તેઓ તેમના નિષ્કર્ષોને પોતાના વ્યાપક પરિવાર સાથે શેર કરવા ઇચ્છે છે અને તેઓ કેવો પ્રતિસાદ આપશે એ બાબતે સુઝેન્ના કશું જાણતા નથી.
સુઝેન્નાને આશા છે કે વેલ્સમાંની તેમની ફેમિલી આર્કાઇવમાંના ઢગલાબંધ દસ્તાવેજોમાંથી સંશોધનમાં તેમનાં સંતાનો મદદ કરશે.
યુદ્ધની કથા અને પોતાના કોલોનિયલ ભૂતકાળના આ મુશ્કેલ હિસ્સાનું શું કરવું તે જાણવાનો પ્રયાસ બ્રિટન કરી રહ્યું છે ત્યારે તેઓ પણ એક જટિલ વ્યક્તિગત વારસા સાથે સંઘર્ષ કરી રહ્યાં છે.












