ભારતીય મજૂરો કામની શોધમાં કુવૈત, કતાર અને ઓમાન જેવા અખાતી દેશોમાં કેમ જાય છે?

ખાડી દેશો, ભારતીય મજૂરો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, અમૃતા દુર્વે
    • પદ, બીબીસી મરાઠી

કુવૈતમાં એક બહુમાળી ઇમારતમાં આગ લાગવાને કારણે 45 ભારતીય કારીગરોનાં મોત થયાં અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

અખાતના દેશોમાં દુર્ઘટનાઓ પછી મજૂરોની સ્થિતિ વિશે ચર્ચાઓ અને ખબરો આવતી રહે છે. જોકે, ખરાબ જીવન સ્થિતિ છતાં ભારતીય મજૂરો કામ માટે ખાડીના દેશો કેમ જાય છે?

ભારત અને અખાતના દેશો (જીસીસી) વચ્ચે કેટલાય દાયકાઓ જૂનો સંબંધ છે.

જીસીસીનો મતલબ ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલ છે, જેમાં છ દેશો સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન, બહેરીન, કતાર અને કુવૈત સામેલ છે. આ સમૂહની સ્થાપના 1981માં થઈ હતી.

આ છ દેશોમાં રોજગાર માટે સ્થળાંતર કરનાર લોકોની સંખ્યા મોટી છે.

ભારતીય વિદેશ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે, આ જીસીસી દેશોમાં 2022માં લગભગ 90 લાખ ભારતીયો રહેતા હતા.

સૌથી વધારે લગભગ 35 લાખ ભારતીયો સંયુક્ત આરબ અમીરાતમાં રહે છે. સાઉદી અરેબિયામાં લગભગ 25 લાખ ભારતીયો રહે છે. કુવૈત અને કતારમાં અનુક્રમે નવ અને આઠ લાખથી વધારે ભારતીયો રહે છે.

ઓમાનમાં સાઢા છ લાખ અને બહેરીનમાં લગભગ ત્રણ લાખથી વધારે ભારતીયો રહે છે.

ભારત જ નહીં પરંતુ દક્ષિણ એશિયાના દેશોના લાખો લોકો જીસીસી સમૂહના દેશોમાં રહે છે.

સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ પ્રમાણે, આ છ જીસીસી દેશોમાં લગભગ એક કરોડ 70 લાખથી વધારે દક્ષિણ એશિયાના નાગરિકો રહે છે.

ભારત સિવાય પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળના નાગરિકો પણ કામની શોધ માટે આ દેશોમાં જાય છે.

કુવૈતમાં થયેલા અગ્નિકાંડમાં મોટી સંખ્યામાં કેરળના મજૂરોએ જીવ ગુમાવ્યો, કારણ કે જીસીસી દેશોમાં પ્રવાસ કરનાર લોકોમાં કેરળ અને ગોવાના લોકો સૌથી વધારે છે.

“બ્લૂ કૉલર” નોકરી

દુબઈમાં એક બહુમાળી ઇમારતનું બાંધકામ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંયુક્ત આરબ અમીરાતસ્થિત જોબ પોર્ટલ હંટરે પ્રવાસી મજૂરો માટે એક સર્વેક્ષણ કર્યું હતું.

આ સર્વેક્ષણ પ્રમાણે કેરળમાં મોટા ભાગના લોકો બ્લૂ કૉલર નોકરી માટે અખાતના દેશોમાં જાય છે.

બ્લૂ કૉલર નોકરીનો અર્થ એવી નોકરી જેમાં શારીરિક શ્રમની જરૂર હોય છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ ફેક્ટરી કે બાંધકામની સાઇટ પર શારીરિક શ્રમવાળી નોકરી કરે છે તો તેને બ્લૂ કૉલર નોકરી કહેવામાં આવે છે.

જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેરળથી નોકરી માટે અખાતના દેશોમાં જતા લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ છે અને ઉત્તરપ્રદેશ અને બિહારના મજૂરોની સંખ્યા વધી ગઈ છે.

સર્વેક્ષણ પ્રમાણે, જીસીસી દેશના નિર્માણ ક્ષેત્રમાં ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને તામિલનાડુથી આવનારા મજૂરોની સંખ્યા સૌથી વધારે છે.

હંટરે કરેલા બીજા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નોકરીઓ માટે મધ્ય પૂર્વ અને ઉત્તરી આફ્રિકા જનાર લોકોમાં કેરળના લોકોની સંખ્યા સૌથી વધારે છે.

જીસીસી દેશોમાં ઉપલબ્ધ મોટા ભાગની નોકરીઓ બ્લૂ કૉલર એટલે કે શારીરિક શ્રમવાળી છે. નોકરી માટે ત્યાં કોઈ ચોક્કસ લાયકાત કે કોઈ ચોક્કસ કોર્સ કરવાની જરૂર નથી.

નિર્માણ, સ્વાસ્થ્ય, વિનિર્માણ, પરિવહન, હૉસ્પિટાલિટી અને સેવાના ક્ષેત્રમાં નોકરીઓ માટે લોકો ખાડીના દેશો જાય છે.

જીસીસી દેશોની નાગરિકતા પ્રાપ્ત કરવા માટે લાંબા સમય સુધી ત્યાં રહેવું પડે છે. આ સમય 20થી 25 વર્ષનો છે. લોકો ત્યાં નોકરી માટે ખાસ વર્ક વિઝા પર જાય છે.

આ પ્રવાસી મજૂરોની ભરતી જીસીસી દેશોમાં પ્રચલિત કફાલા પદ્ધતિ અનુસાર કરવામાં આવે છે.

કફાલા પદ્ધતિમાં પ્રવાસી મજૂરોના વિઝા, પ્રવાસ, રહેઠાણ અને ભોજનનો ખર્ચ એમ્પ્લોયર (કફીલ) ઉઠાવે છે. આ વ્યક્તિ ઇમિગ્રન્ટનો સ્પૉન્સર છે. આ બંને વચ્ચેના કરાર હેઠળ થાય છે.

પ્રવાસી મજૂરોનું શોષણ

દુબઈમાં કામ કરી રહેલા મજૂરો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જોકે, ઘણાં વર્ષોથી આ વાત પર લોકો વાંધો ઉઠાવી રહ્યા છે કે આ કફાલા પદ્ધતિને કારણે પ્રવાસી મજૂરોનું શોષણ થઈ રહ્યું છે.

આ પ્રણાલી હેઠળ ગિરમીટિયા મજૂરોના પાસપૉર્ટ અને બીજા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો એમ્પ્લોયરના કબજામાં રહે છે.

આ મજૂરો ન તો ભારત પાછા ફરી શકે છે ન તો પોતાની ઇચ્છા પ્રમાણે નોકરી બદલી શકે છે. આ મજૂરો પાસે ઓછા પગારે કલાકો સુધી કામ લેવામાં આવે છે.

મજૂરો માટે રહેવાની વ્યવસ્થા પણ સારી હોતી નથી.

આ કફાલા પદ્ધતિ બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત જેવા જીસીસી દેશોમાં પ્રચલિત છે. આ ઉપરાંત કફાલા પદ્ધતિ જૉર્ડન અને લેબનનમાં પણ પ્રચલિત છે.

કતારે 2020ની શરૂઆતમાં કફાલા પદ્ધતિને ખતમ કરવાનો દાવો કર્યો હતો. કતારે ભરોસો આપ્યો હતો કે વિદેશી શ્રમિકો ઇચ્છા પ્રમાણે નોકરી બદલી શકશે અને દેશ છોડવાની મંજૂરી મળશે.

જોકે, કતારમાં આયોજિત 2022ના ફિફા વર્લ્ડકપ માટે સ્ટેડિયમના નિર્માણ દરમિયાન મજૂરોનું શોષણ અને કામ કરવાની શરતો વિશે કેટલાક અહેવાલો પ્રકાશિત થયા હતા.

કામગારોના આ પ્રકારના શોષણને રોકવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સમયસર સૂચના અને નિર્દેશ જાહેર કરવામાં આવે છે.

આ ઉપરાંત જ્યારે કોઈ દેશમાં મજૂરો સાથે છેતરપિંડી થાય છે તો તે ત્યાં ભારતીય દૂતાવાસ પાસેથી મદદ માગી શકે છે.

ભારતીય કારીગરો નોકરી માટે ખાડીના દેશોમાં કેમ જાય છે?

દુબઈના એક ડોક પર કામ કરતા મજૂરો

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક મજૂરો એક સપના સાથે સ્થળાંતર કરે છે કે જો વિદેશમાં નોકરી મળશે તો તેઓ સારું જીવન જીવી શકશે. કેટલાક લોકો આ સપનું પૂરું કરવામાં સફળ પણ થાય છે.

લોકોને આ નોકરીઓ વિશે મોટા ભાગે પરિચિતોના માધ્યમથી જાણકારી મળે છે. લોકો આ નોકરી સ્વીકાર કરવા માટે તૈયાર થઈ જાય છે.

આ જીસીસી દેશોમાં મોટી સંખ્યામાં નોકરીની તકો પણ સ્થળાંતરનું એક મુખ્ય કારણ છે. 2022માં ફૂટબૉલ વર્લ્ડકપનું આયોજન કતારમાં કરવામાં આવ્યું હતું. આ વર્લ્ડકપ માટે સાત સ્ટેડિયમ, નવાં હવાઈમથકો, મેટ્રો સેવા, રસ્તાઓ અને લગભગ 100 હોટલો બનાવવામાં આવ્યાં હતાં. જે સ્ટેડિયમમાં ફાઇનલ મૅચ રમાઈ હતી તેની ચારેબાજુ એક આખું શહેર બનાવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને અનુમાન લગાવ્યું હતું કે વિશ્વકપ માટે લગભગ પાંચથી દસ લાખ કર્મચારીઓ સ્થળાંતર કરશે.

જોકે, કતાર સરકારે કહ્યું કે આ સ્ટેડિયમો બનાવવા માટે જ 30 હજાર વિદેશી કર્મચારીઓને કામ પર રાખવામાં આવ્યા હતા.

જીસીસી દેશોમાં શ્રમિકો માટે હવે નિયમ અને કાયદાઓ છે. ભારત સરકાર પણ આ મજૂરોની સ્થિતિ, લઘુતમ મજૂરી માટે નીતિઓ બનાવે છે.

હકીકતમાં એક સત્ય એ પણ છે કે ખાડી દેશોની મુદ્રાઓ ભારતીય રૂપિયાની તુલનામાં ખૂબ જ મજબૂત છે, જેનો ફાયદો કામગારોને મળે છે.

બહેરીનના એક દિનારની કિંમત લગભગ 221 રૂપિયા છે. ઓમાનના એક રિયાલની કિંમત 217 ભારતીય રૂપિયાની આસપાસ છે.

કુવૈતના એક દિનારનું મુલ્ય 272 ભારતીય રૂપિયાની આસપાસ છે. જ્યારે કતારના રિયાલ, સાઉદી રિયાલ અને સંયુક્ત આરબ અમીરાતના રિયાલની કિંમત 22 અને 23 રૂપિયા આસપાસ છે.

મજૂરોના જવાથી ભારતને શું ફાયદો થાય છે?

ભારતીય મજૂર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જીસીસી દેશો અને ભારત વચ્ચે લાંબા સમયથી સંબંધો છે. આ દેશો ભારતના વેપાર અને રોકાણમાં ભાગીદાર છે. આ ઉપરાંત આ દેશોનાં તેલ અને ગૅસના ભંડારો ભારત માટે મહત્ત્વપૂર્ણ છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2014થી ડિસેમ્બર 2023 વચ્ચે 10 વખત અખાતના દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે.

વર્ષ 2021માં જીસીસી દેશોથી ભારતને 87 અરબ અમેરિકન ડૉલર મોકલાયા હતા. 2022માં આ રકમ વધીને 115 અરબ અમેરિકન ડૉલર ભારતને પ્રાપ્ત થયા હતા.

આ જીસીસી દેશોમાંથી સૌથી વધારે ધન ભારત મોકલવામાં આવે છે. ત્યાર બાદ પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકામાં મજૂરો દ્વારા ધન મોકલવામાં આવે છે. છ દેશોમાંથી સૌથી વધારે પૈસા ભારતને યુએઈમાંથી મળે છે. ત્યાર બાદ સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત, કતાર અને બહેરીનનો નંબર આવે છે.

અંગ્રેજોના શાસન બાદ જ લોકો ભારતથી અખાતના દેશોમાં કામ કરવા માટે સ્થળાંતર કરતા રહ્યા છે.

ચિન્મય તુમ્બે વૈશ્વિક સ્તર પર થતા સ્થળાંતરને લગતા વિષયોના વિદ્વાન છે. તેમનું કહેવું છે કે 1970ના દાયકામાં જીસીસી દેશોમાં શરૂ થયેલું સ્થળાંતર “માઇગ્રેશન ઇતિહાસ”નો મહત્ત્વપૂર્ણ ભાગ છે.

તુમ્બે લખે છે કે શરૂઆતી દિવસોમાં ખાડીના દેશોમાં કામ કરવા માટે જતા લોકોની સંખ્યા ઓછી હતી. જોકે, 1930ના દાયકામાં બ્રિટિશ શાસિત શહેર એડન (હવે યમનમાં)માં લગભગ 10,000 ભારતીયો હતા.

ભારતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરનાર ધીરુભાઈ અંબાણીએ પણ આ એડન બંદરગાહ પર એક દાયકા સુધી કામ કર્યું હતું.

ક્રૂડઑઇલની શોધ પછી અખાતના દેશોમાં કામ કરવા માટે સ્થળાંતર કરનાર લોકોની સંખ્યામાં વધારે આવ્યો છે.

“ઇન્ડિયા મૂવિંગ : અ હિસ્ટ્રી ઑફ માઇગ્રેશન” પુસ્તકમાં આપેલી માહિત પ્રમાણે, એન્ગ્લો પર્શિયન ઑયલ કંપનીએ આ દરમિયાન ભારતીય મજૂરોને કામ પર રાખવા માટે કરારો કર્યા હતા.