દરિયામાં 300 ટાપુ બનાવવાનું દુબઈના શેખનું 1000 કરોડનું સપનું સાકાર કેમ ના થઈ શક્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત આરબ અમીરાતે (યુએઈ) છેલ્લી સદીના અંતે લક્ઝરી કૃત્રિમ ટાપુઓ બનાવવાની એક મહત્ત્વકાંક્ષી યોજના શરૂ કરી હતી.
જોકે, આ કોઈ ક્રાંતિકારી ઉકેલ ન હતો. ઇતિહાસમાં પહેલાં પણ ટિટિકાકા તળાવમાં કૃત્રિમ દ્વીપો હતા. યુએઈની આ યોજનાએ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. કારણ કે આ યોજનાની ડિઝાઇન એવી હતી કે જેને આકાશમાંથી પણ જોઈ શકાય.
આ યોજનાઓ પૈકી સૌથી મહત્ત્વપૂર્ણ પરિયોજના “ધી વર્લ્ડ” છે. ધી વર્લ્ડ લગભગ 300 કૃત્રિમ ટાપુઓનો એક સમૂહ છે. આ સમૂહ વિશ્વ માનચિત્ર પર દેખાતા સાત ખંડોના આકારની પુન:રચના છે.
યુએઈના શેખ મહંમદ બિન રાશિદ અલ મકતૂમે આ યોજનાની શરૂઆત વર્ષ 2003માં કરી હતી.
આ યોજનાની સૌથી આકર્ષક વાત એ હતી કે ગ્રાહક પોતાની પસંદગી પ્રમાણે બ્રિટેન, અમેરિકા, ગ્રીનલૅન્ડ અને સોમાલિયા જેવા દેશોના આકાર ધરાવતા ટાપુઓ ખરીદી શકતા હતા.
દસ લાખ કરોડથી વધારેનું રોકાણ અને 321 કરોડ ક્યુબિક-મિટર રેતી અને 38.6 કરોડ ટન પથ્થરોથી બનેલા આ ટાપુઓ પર વિશ્વના સૌથી અમીર લોકો આલીશન ઘરો બનાવી શકે છે.
'ઍલિએસ્ટર બોનેટ ન્યૂકાસલ યુનિવર્સિટી'ના પ્રોફેસર અને “એ જર્ની ઇન ટૂ ધી ઍરા ઑફ આર્ટિફિશિયલ આઇલૅન્ડ્સ” નામનાં પુસ્તકના લેખક છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે યુએઈએ પોતાની આવકના મુખ્ય સ્ત્રોત ક્રૂડ ઑઇલ પર નિર્ભરતા ઓછી કરવા માટે રિયલ એસ્ટેટને એક વ્યવસાય તરીકે વિકસાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“નાઇજીરિયાએ પણ આ કૃત્રિમ ટાપુઓના નિર્માણ મૉડલની નકલ કરી હતી. જોકે, તેમને કેટલાક કિસ્સામાં સફળતા તો કેટલાક કિસ્સામાં નિષ્ફળતા મળી છે.”
જોકે, એવું લાગે છે કે યુએઈનો આ વ્યવસાય યોજના પ્રમાણે નથી ચાલી રહ્યો.
એક પ્રમુખ લક્ઝરી વેબ પૉર્ટલે કહ્યું, “આ યોજના વિશ્વની સૌથી મોટી ત્યજી દેવાયેલી યોજના પૈકીની એક છે.”
આ યોજના શરૂ થઈ તેને 21 વર્ષ થઈ ગયાં છે તેમ છતાં માત્ર બે જ ટાપુઓનું નિર્માણ થયું છે. આકાશમાંથી જોતા મોટા ભાગના ટાપુઓ રણના ટાપુઓ જેવા દેખાય છે.
પૉર્ટલે જણાવ્યું કે કોઈ પણ યોજના હજી સુધી સાકાર થઈ નથી. “ધી વર્લ્ડ” યોજનાના મોટા ભાગના ટાપુઓ નિર્જન છે અને રેતીના ટિલ્લા જેવા દેખાય છે.
આ યોજના વિશે પૂર્વાનુમાન કરવું યોગ્ય નથી. યોજનાના 60 ટકા પ્રોજેક્ટ વેચાઈ ગયા છે અને ડેવલપર્સ કહે છે કે યોજનાઓ પર કામ ચાલુ છે. જોકે, કેટલીક તપાસો જણાવે છે કે ટાપુઓનું ધોવાણ થઈ શકે તેવા સંકેતો છે.
જોકે, એક તાકતવર દેશનું જે યોજનાને સમર્થન હતું તે યોજના એક ભૂતિયા કૉમ્પ્લેક્સમાં કેવી રીતે પરિવર્તિત થઈ ગઈ?
પાલ્મ જુમેરાહ અને દુનિયા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુએઈએ 1999માં વિશ્વ સમક્ષ પોતાને એક આધુનિક દેશ તરીકે રજુ કર્યો.
તે જ વર્ષે બર્બ અલ અરબ હોટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ હોટલે દુનિયામાં લક્ઝરીના વિચારને સંપૂર્ણપણે બદલી નાખ્યો.
યુએઈના શેખે એ જ વર્ષે “ધી પાલ્મ જુમેરાહ”ની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કૃત્રિમ ટાપુનો આકાર તાડના ઝાડ જેવો હશે અને આ ટાપુ પર ઇમારતો અને હોટલ કૉમ્પ્લેક્સો બનાવવામાં આવશે.
આ યોજના સફળ રહી હતી અને મકાનો અને હોટલ કૉમ્પ્લેક્સનું વેચાણ શરૂ થયું હતું. આ કારણે જ આ પ્રકારની અન્ય યોજનાઓ બનાવવામાં આવી હતી.
યુએઈના શેખ અલ મકતૂમે આ જ રીતે 2003માં પણ “ધી વર્લ્ડ” યોજનાને મંજૂરી આપી હતી. પાલ્મ જુમેરાહની સફળતા પછી આ યોજનામાં દુબઈના તટ પર 300થી વધારે કૃત્રિમ ટાપુઓનો એક સમૂહ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
એલિએસ્ટર બોનેટે કહ્યું કે આ એક ખૂબ જ મહત્ત્વકાંક્ષી યોજના હતી. આ યોજના હેઠળ એક જટિલ ટાપુઓના સમૂહની રચના કરવાની હતી જેને સૂર્ય, આકાશગંગા અને પૃથ્વી જેવા અલગ-અલગ આકારે ડિઝાઇન કરવાની હતી.
“આ યોજના ખૂબ જ મોટી હતી, પરંતુ તેનો પ્લાન અતિશય સરળ હતો. 300 કૃત્રિમ ટાપુઓ બનાવવામાં આવે જેથી કરીને અમીર લોકો વિશ્વના એક ટુકડાને ખરીદી શકે અને પોતાની ઇચ્છા પ્રમાણે રહી શકે.”
'ગાર્ડિયન'ના રીપોર્ટર ઑલિવર વેનરાઇટે જણાવ્યા પ્રમાણે, દરેક ટાપુ પરના પ્રોજેક્ટો પણ ખૂબ જ અદ્ભૂત હતા. ચીનના એક અબજપતિએ પોતાના એક ટાપુ પર શંધાઈ સ્કાઇલાઇનની નકલ બનાવવાની યોજના ઘડી હતી, જેમાં પ્રતિષ્ઠિત શંધાઈ ટાવર પણ સામેલ હતો.
વેનરાઇટે ઉમેર્યું કે 'ઑપ્યુલૅન્સ હોલ્ડિંગ્સ' નામની એક કંપનીએ સોમાલિયા જેવા આકારનો એક ટાપુ ખરીદ્યો. આ ટાપુનો આકાર સમુદ્રી ઘોડા જેવો હતો અને તેને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો હતો કે લોકો પોતાની બાલ્કનીમાંથી ગોલ્ફના બોલને ફટકારી શકે.

ઇમેજ સ્રોત, Getty Images
હકીકતમાં માત્ર બે જ કૉમ્પ્લેક્સ જ બનાવવામાં આવ્યાં હતાં.
એક ટાપુનો આકાર ગ્રીનલૅન્ડ જેવો છે, જેમાં એક મૉડલ હાઉસ બનાવવામાં આવ્યું હતું. આ ટાપુ પર આવેલાં ઘરો, રિસૉર્ટ અને રેસ્ટોરાંની નકલને આ મૉડલ હાઉસમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.
અન્ય એક ઘર ફૉર્મ્યુલા-વન વર્લ્ડ ચૅમ્પિયન માઇકલ શૂમાકરને આપવામાં આવ્યું હતું.
2008માં આવેલાં વૈશ્વિક નાણાકીય સંકટને કારણે પણ આ યોજના પર અસર થઈ હતી. આ ટાપુઓ પર જેમણે ઘર ખરીદવાનો નિર્ણય કર્યો તેમની પાસે ઘર ખરીદવા માટે રૂપિયા નહોતા.
જોકે, આ યોજના ચાલી તો રહી છે પરંતુ કોઈ ખાસ પ્રગતિ નથી થઈ.
એલિએસ્ટર બોનેટે નોંધ્યું, “ધી વર્લ્ડ પ્રોજેક્ટ સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે પાલ્મ જુમેરાહની જેમ આ પ્રોજેક્ટનો દુબઈ સાથે કોઈ સીધો સંબંધ નથી. આ ટાપુઓ એકબીજા સાથે જોડાયેલા પણ નથી અને એવા કોઈ પુલ પણ નથી જેના થકી આ ટાપુઓને દુબઈ સાથે જોડી શકાય.”
આ પ્રોજેક્ટના હાલના ડેવલપર નખીલ પ્રૉપર્ટીઝે ઘણી વખત ધોષણા કરી હતી કે “ધી વર્લ્ડ” યોજના ચાલુ રહેશે. જોકે, ડેવલપરે કહ્યું કે આ યોજનાને ચાલુ રાખવા માટે જરૂરી ફંડની વ્યવસ્થા થઈ રહી છે.
બીજી યોજનાઓ

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, ધી વર્લ્ડ પરિયોજનાની ધીમી પ્રગતિનો અર્થ એ નથી કે દુબઈનો રિયલ એસ્ટેટ બિઝનેસ સારો ચાલી રહ્યો નથી.
પાલ્મ જુમેરાહ અને કૃત્રિમ ટાપુઓ પર વર્તમાનમાં ચાર હજાર ઘરો છે, જેમાં 25 હજાર લોકો રહે છે. આ ટાપુઓ પર ડઝનેક હોટલો અને અન્ય વિશેષ આકર્ષણોનું પણ સંચાલન થઈ રહ્યું છે.
પાલ્મ જુમેરાહ યોજનાની સફળતા છતાં પણ કૉમર્સિયલ અને અર્બન જગ્યા માટે કૃત્રિમ ટાપુઓ બનાવવા જોખમી બિઝનેસ છે.
એલિએસ્ટર બોનેટે કહ્યું કે સમુદ્રની વધતી સપાટી કૃત્રિમ ટાપુઓનાં નિર્માણના વ્યવસાય માટે જોખમી છે. જોકે, એક વાત જે દુબઈને અલગ બનાવે છે કે તેઓ જોખમ લેવાથી ડરતા નથી, ભલે પછી તે મોંઘુ પડે.
જુમેરાહ, ધી વર્લ્ડ અને ડીરા આઇલૅન્ડ જેવી યોજનાઓનું નિર્માણ સંસાધનોની અછતને કારણે રોકવામાં આવ્યું હતું. પર્યાવરણને થતાં નુકશાનને કારણે આ યોજનાઓની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી.
'ગ્રીનપીસ' નામની સંસ્થાએ આરોપ લગાવ્યો હતો કે આ યોજના પર્યાવરણને અનુકૂળ નથી. સંસ્થાએ કહ્યું કે કૃત્રિમ ટાપુઓનાં નિર્માણને કારણે યુએઈના તટ પર આવેલા કૉરલ રિફ પર ગંભીર અસરો થઈ રહી છે.
આ પ્રોજેક્ટના હાલના ડેવલપર નખીલ પ્રૉપર્ટીઝે આ વાતનો સ્વીકાર કર્યો છે કે આ યોજનાના નિર્માણને કારણે દરિયાની ઇકૉસિસ્ટમને અસર થઈ છે. નખીલ પ્રોપર્ટીઝે કહ્યું કે અસરગ્રસ્ત કૉરલ રિફનાં પુન:નિર્માણ અને પુનર્વસન માટે દરિયાઈ જીવ વૈજ્ઞાનિકોની એક ટીમની નિમણૂક કરવામાં આવી છે.












