'સુખનો કોઈ અંત નથી' એ 'ભૂતિયા' શહેરમાં અનેક મકાનો ખાલીખમ કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિક માર્શ
- પદ, એશિયા બિઝનેસ સંવાદદાતા, મલેશિયા
“હું આ જગ્યાને છોડવામાં સફળ રહ્યો”. નાઝમી હનફિયા થોડા ચિંતિત થઈને હસે છે.
એક વર્ષ પહેલાં આ 30 વર્ષીય આઇટી ઇજનેરે ફોરેસ્ટ સિટીમાં સ્થળાંતર કર્યું હતું. દક્ષિણ મલેશિયાની ટોચ પર જોહોરમાં ચીન દ્વારા બાંધવામાં આવેલું વિશાળ આવાસ સંકુલ છે. તેમણે સમુદ્ર દેખાતા ટાવર બ્લૉકમાં એક બેડરૂમનો ફ્લૅટ ભાડે રાખ્યો હતો.
તેઓ છ મહિનામાં જ કંટાળી ગયા અને ત્યાં રહેવા માગતા ન હતા, જેને તેઓ ભૂતોનું શહેર કહે છે.
“મેં મારી ડિપોઝિટ કે રૂપિયાની પણ ચિંતા ન કરી. મારે બસ અહીંથી બહાર નીકળવું હતું.”
અમે તે જ ટાવર બ્લૉકમાં મળવાની વ્યવસ્થા ગોઠવી હતી જેમાં તેઓ રહેતા હતા.
તેમણે કહ્યું કે અહીં ફરી આવીને મારા રુવાંટાં ઊભાં થઈ ગયાં. અહીં ખૂબ એકલતા છે – અહીં માત્ર તમે અને તમારા વિચારો છે.
ચીનના સૌથી મોટા બિલ્ડર કન્ટ્રી ગાર્ડને બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ હેઠળ 100 બિલિયન ડૉલરના ખર્ચે આ વિશાળ પ્રોજેક્ટને 2016માં ખુલ્લો મૂક્યો હતો.
એ સમયે ચાઇનાની પ્રોપટી માર્કેટમાં ખૂબ જ તેજી હતી. બિલ્ડરોએ ચીનમાં અને વિદેશમાં મધ્યમવર્ગના લોકો માટે મકાન બનાવવા માટે મોટી રકમ ઉધાર લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કન્ટ્રી ગાર્ડને મલેશિયામાં એક ઇકૉ-ફ્રેન્ડલી મહાનગર બનાવવાનો પ્લાન કર્યો જેમાં ગોલ્ફકોર્સ, વૉટરપાર્ક, ઑફિસો, બાર અને હોટલોનો પણ સમાવેશ કર્યો હતો. બિલ્ડરોએ કહ્યું કે ફોરેસ્ટ સિટી લગભગ દસ લાખ લોકોનું ઘર બનશે.
આઠ વર્ષ પછી આ શહેર તમને યાદ અપાવે છે કે ચીનના રિયલ એસ્ટેટ ક્ષેત્રે આવેલી કટોકટીનો અનુભવ કરવા માટે તમારે ચીનમાં હોવાની જરૂર નથી. ફોરેસ્ટ સિટીમાં અત્યાર સુધીમાં પ્રોજેકટના માત્ર 15% જ કામ પૂર્ણ થયું છે અને માત્ર એક ટકા જ વેચાણ થયું છે.
કન્ટ્રી ગાર્ડન પર 200 બિલિયન ડૉલરનું દેવું હોવા છતાં કંપનીએ બીબીસીને કહ્યું કે અમને આશા છે કે આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે.
ઉજ્જડ શહેર

ઇમેજ સ્રોત, COUNTRY GARDEN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફોરેસ્ટ સિટીને બધા માટે એક સ્વર્ગ તરીકે ગણાવામાં આવતું હતું પણ હકીકતમાં કંપનીએ આ પ્રોજેક્ટ ચીનના સ્થાનિક બજારને ધ્યાનમાં રાખીને ખુલ્લો મૂક્યો હતો. ખાસ કરીને ચીનના ઉચ્ચ મધ્યમવર્ગના લોકોને ધ્યાનમાં રાખીને જેને વિદેશમાં ઘર ખરીદવાની તક મળે. ફોરેસ્ટ સિટીમાં ઘરોની કિંમત મલેશિયાના સામાન્ય લોકોની પહોંચની બહાર હતી.
ચીનના ખરીદારો (જેમ કે નાઝમી) માટે આ મિલકત એક એવું રોકાણ હતું જે મલેશિયાના લોકોને ભાડે આપી શકાય અથવા તેનો ઉપયોગ એક હોલિડે હોમ તરીકે પણ કરી શકાય.
ફોરેસ્ટ સિટીને તેના સૌથી નજીકના મહાનગર જોહોર બહરૂથી ઘણા દૂર આવેલા ટાપુઓ પર બાંધવામાં આવ્યું હતું, જેને લીધે આ મકાનો મલેશિયાના સ્યાનિક લોકોને ભાડે આપવા મુશ્કેલ બની ગયાં અને સ્થાનિકોએ આ જગ્યાને “ભૂતિયું શહેર” નામ આપ્યું.
નાઝમી કહે છે, "સાચું કહું તો આ ડરામણું છે. મને આ જગ્યાથી ઘણી અપેક્ષાઓ હતી પણ આ ખૂબ જ ખરાબ અનુભવ હતો અને અહીં કરવા જેવું કશું જ નથી."
ફોરેસ્ટ સિટીનું વાતાવરણ વિચિત્ર છે અને તે એક તરછોડી દેવાયેલા એક હોલિડે રિસોર્ટ જેવું લાગે છે.
અહીં ઉજ્જડ બીચ પર એક રખડતાં બાળકોનું રમતનું મેદાન છે, એક કાટ ખાતી વિન્ટેજ કાર છે અને એક સફેદ સીડી જે ક્યાંય જતી નથી. પાણીની નજીક જતાં તરવા સામે “મગરથી સાવધાન” ચેતવણી આપતા સંકેતવાળું બોર્ડ છે.
અને શૉપિંગ કૉમ્પ્લેક્સમાં ઘણી બંધ દુકાનો અને હોટલો છે અને અમુક એકમો માત્ર ખાલી બાંધકામ માટેની જગ્યા છે. એક ખાલી બાળકોની ટ્રેન છે જે મૉલની આજુબાજુ ચક્કર લગાવી રહી છે.

બાજુમાં કન્ટ્રી ગાર્ડનના શોરૂમમાં એક વિશાળ મૉડલ સિટી છે જે દર્શાવે છે કે પૂર્ણ ફોરેસ્ટ સિટી કેવું દેખાશે. સેલ્સ સ્ટૉલ પર બેઠેલા, કંટાળેલા દેખાતા કેટલાક કર્મચારીઓ છે. તેમની ઉપરના સાઇન બોર્ડમાં લખ્યું છે: ફોરેસ્ટ સિટી, જ્યાં સુખનો કોઈ અંત નથી.
અહીનું સૌથી મોટું આકર્ષણ આ વિસ્તારનું ટૅક્સમુક્ત સ્ટેટસ છે. બીચ પર તમને ફેંકી દેવાયેલી દારૂની બૉટલોના ઢગલા અને સ્થાનિક લોકો દારૂ પીતા જોવા મળશે, જે અહીં થતી માનવીય પ્રવૃત્તિની સાક્ષી પૂરે છે.
ફોરેસ્ટ સિટીમાં રાત થતાંની સાથે જ ઘોર અંધારું છવાઈ જાય છે. વિશાળ એપાર્ટમેન્ટ બ્લૉકમાં 100થી વધારે એપાર્ટમેન્ટ છે પણ અડધા ડઝનથી પણ ઓછા એપાર્ટમેન્ટમાં લાઇટો ચાલુ થાય છે. અહીં કોઈ રહે છે તે માનવું ખરેખર મુશ્કેલ છે.
જોઆન કૌર મને મળેલા ગણ્યાગાંઠ્યા રહેવાસીઓમાંનાં એક છે. તે કહે છે કે, “દિવસે જ્યારે તમે મુખ્ય દરવાજાની બહાર નીકળો તો કૉરિડૉરમાં પણ અંધારું હોય છે.”
તેણી તેમના પતિ સાથે એક ટાવર બ્લૉકમાં 28મા માળે માત્ર એકલા જ રહે છે. નાઝમીની જેમ તે પણ ભાડવાત છે અને નાઝમીની જેમ બને એટલું જલદી આ જગ્યા છોડવાનું વિચારી રહ્યાં છે.
જોઆન કૌર કહે છે કે “હું એ લોકો માટે દુ:ખી જેણે રોકાણ કરીને અહીં જગ્યા ખરીદી છે.” જો તમે ગૂગલમાં ફોરેસ્ટ સિટી સર્ચ કરશો તો તમે અહીં અત્યારે જોઈ રહ્યા છે તેવું નહીં મળે.
તેણીએ ઉમેર્યું કે લોકોને આ પ્રોજેક્ટ વિશે જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તેવો આ પ્રોજેક્ટ નથી.

ઇમેજ સ્રોત, Getty Images
ચીનના જે લોકોએ ફોરેસ્ટ સિટીમાં એપાર્ટમેન્ટ ખરીદ્યા છે તેમની સાથે વાત કરવી સરળ નથી. બીબીસી આડકતરી રીતે થોડાક માલિકો સુધી પહોંચવામાં સફળ રહ્યું પણ તેઓ કોઈ પણ ટિપ્પણી કરવામાં ખચકાટ અનુભવતા હતા.
પરંતુ સોશિયલ મીડિયા કેટલાક પુરાવાઓ આપે છે. આ પ્રોજેક્ટનાં વખાણ કરતી એક પોસ્ટની નીચે એક કૉમેન્ટમાં લિયાઓનિંગ પ્રાંતના એક ખરીદદારે લખ્યું: આ પોસ્ટ ગેરમાર્ગે દોરનારી છે. હાલનું ફોરેસ્ટ સિટી એક ભૂતિયું શહેર છે. ત્યાં કોઈ લોકો નથી અને આ પ્રોજેક્ટ શહેરથી ઘણો દૂર છે, રહેવાની સુવિધાનો અભાવ છે અને ગાડી વિના અવરજવર કરવી ઘણી મુશ્કેલ છે.
બીજી કૉમેન્ટોમાં લોકો પૂછે છે કે તેઓ ખરીદેલી મિલકત પર રિફંડ કઈ રીતે મેળવી શકે. એક વ્યક્તિએ કહ્યું, “મારી મિલકતની કિંમત એટલી ઘટી ગઈ કે હું અવાક છું.”
ચીનના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કટોકટી

આ પ્રકારની મૂંઝવણ કે હતાશા સમગ્ર ચીનમાં અનુભવાઈ રહી છે જ્યાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભયાનક મંદી છે.
ડૅવલપર્સ દ્વારા વર્ષો સુધી બેફામ ઉધાર લીધા હતા. સરકારને બીક હતી કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક પરપોટો રચાઈ રહ્યો છે જેથી 2021માં રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યા આવ્યા. ચીનના નેતા શી જિનપિંગનો મંત્ર હતો કે, “ઘરો રહેવા માટે છે, અટકળો માટે નહીં.”
સરકાર દ્વારા લગાડવામાં આવેલા પ્રતિબંધોને કારણે મોટા બિલ્ડરો પાસે વિશાળ પ્રોજેક્ટો પૂરા કરવા માટે રોકડની અછત ઊભી થઈ હતી.
કન્ટ્રી ગાર્ડન ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયામાં બે પ્રોજેક્ટ છોડવા માટે મજબૂર બની હતી. કંપનીએ મેલબર્નનો એક અધૂરો પ્રોજેક્ટ વેચી દીધો અને બીજો સિડનીમાં હતો.
મલેશિયાનું સ્થાનિક રાજકારણ પણ ફોરેસ્ટ સિટીની હાલની પરિસ્થિતિ માટે જવાબદાર છે.
2018માં મલેશિયાના વડા પ્રધાન મહાથિર મહોમ્મદે વિદેશીઓ માટે બનતા આ શહેરનો વિરોધ કરતા ચીનના ખરીદદારો પર વિઝા પર પ્રતિબંધ લાદી દીધો હતો.
કેટલાક વિશ્લેષકોએ સવાલ ઉઠાવ્યા છે કે આ વિશાળ પ્રોજેક્ટને એવા દેશમાં કેમ બનાવવો જેની આર્થિક અને રાજકીય હાલત અસ્થિર છે. હાલની મલેશિયાની સરકાર ફોરેસ્ટ સિટી પ્રોજેક્ટને ટેકો આપે છે પણ એક સંભવિત ખરીદદાર માટે આ કેટલો સમય ચાલશે અને કેટલી હદ સુધી ચાલશે તે સ્પષ્ટ નથી.
અન્ય અનઅપેક્ષિત કારણો જેવાં કે કોવિડને લગતા મુસાફરી પ્રતિબંધો અને ચીનના નાગરિકો વિદેશમાં કેટલું રોકાણ કરી શકે તેના પર લગાવેલાં નિયંત્રણોએ કન્ટ્રી ગાર્ડન જેવા મોટા બિલ્ડરોના વિદેશોમાં શરૂ કરાયેલા વિશાળ પ્રોજેક્ટ માટે અવરોધો ઊભા કર્યા છે.
કેજીવી ઇન્ટરનેશનલ પ્રોપર્ટી કન્સલટન્ટ્સના ટેન વી ટીઆમ કહે છે, “મારું માનવું છે કે તેમણે આ પ્રોજેક્ટ થોડો જલદી અને ઝડપથી આગળ વધાર્યો. આટલા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને ખુલ્લો મૂકતા પહેલાં એક ખાસ શીખવા જેવી બાબત એ છે કે કંપની પાસે પૂરતા પ્રમાણમાં રોકડ હોવી જરૂરી છે.”
આ અઠવાડિયે વિશ્વની સૌથી વધુ દેવાદાર રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડેની હૉંગકૉંગની એક કોર્ટમાં ઉકેલ માટેની સુનાવણી હતી. અંતે, ચીનની કંપનીને તેના લેણદારો સાથે ચુકવણીની યોજના પર સંમત થવા માટે છ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. ન્યાયાધીશે સુનાવણી સાતમી વખત મુલતવી રાખી હતી.
કન્ટ્રી ગાર્ડન કહે છે કે ચીનના રિયલ એસ્ટેટ માર્કેટની હાલની સ્થિતિ માત્ર વાતો છે અને મલેશિયામાં તેમનો વ્યવસાય રાબેતા મુજબ જ ચાલી રહ્યો છે.
કંપનીએ ઉમેર્યું કે મલેશિયા અને તેમના પાડોશી દેશ સિંગાપોર વચ્ચેના નવા સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોનમાં ફોરેસ્ટ સિટીને સામેલ કરવાની યોજના દર્શાવે છે કે આ પ્રોજેક્ટ સલામત અને સ્થિર છે.
પરંતુ ફોરેસ્ટ સિટી જેવો વિશાળ પ્રોજેક્ટ પૂરતી રોકડ વિના કેવી રીતે પૂરો થશે અને કેવી રીતે એ લોકોને ત્યાં રહેવા આકર્ષશે. હાલની તકે ચીનના બિલ્ડરો દ્વારા બનાવેલી પ્રોપર્ટીનું વેચાણ અતિશય મુશ્કેલ છે.
રેડ્ડ ઇન્ટેલિજન્સ એશિયાની એવલિન ડેનુબ્રતા કહે છે, "મુરઘી પહેલાં આવી કે ઈંડાં જેવી આ સ્થિતિ છે.”
"બિલ્ડરો સામાન્ય રીતે નિર્માણમાં મદદ કરવા પૂર્વ-વેચાણ પર આધાર રાખે છે પણ ખરીદનાર ત્યાં સુધી પોતાના પૈસા નહીં રોકે જ્યાં સુધી તેમને ખાતરી ન થાય કે તેમને તેમના એપાર્ટમેન્ટની ચાવી મળશે.”
મહત્ત્વાકાંક્ષા અને હકીકત

ફોરેસ્ટ સિટી એ ચીનના પ્રોપર્ટી માર્કેટમાં આવેલી કટોકટી માટે મહત્ત્વાકાંક્ષા વિરુદ્ધ હકીકતનું એક ઉત્તમ ઉદાહરણ છે. અમુક સ્થાનિક કારણો ફોરેસ્ટ સિટીની હાલની સ્થિતિ માટે કારણભૂત છે પણ એ વાત પણ સ્પષ્ટ છે કે ક્યાંય પણ હજારો એપાર્ટમેન્ટો બનાવીને લોકોને ત્યાં રહેવા માટે મનાવવા સરળ નથી.
ફોરેસ્ટ સિટી અને તેના જેવા ચીનના 100થી વધારે પ્રોજેક્ટનું ભાવિ ચીનની સરકારના હાથમાં છે. કેટલાક અહેવાલો અનુસાર, કન્ટ્રી ગાર્ડનને બિલ્ડરોની એક પ્રાથમિક સૂચિમાં સામેલ કરવામાં આવી છે જેને ચીનની સરકાર તરફથી આર્થિક સહાય મળશે પણ કેટલી મળશે તે સ્પષ્ટ નથી.
પરંતુ નાઝમી જેવા લોકો પાછા ફરે તેની શક્યતા નહિવત્ છે. “હું હવે પછી ચોક્કસપણે વધુ કાળજીપૂર્વક પસંદગી કરીશ."
તેઓ કહે છે કે "પરંતુ મને ખુશી છે કે મેં આ જગ્યા છોડી દીધી છે. હવે મને મારું જીવન પાછું મળી ગયું છે."












