સરસ્વતી : 'ભારતની મહાનદી' કઈ રીતે સુકાઈ ગઈ અને ગુજરાતમાં ક્યાંથી વહેતી હતી?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

હિંદુઓમાં કર્મકાંડ સમયે પવિત્ર નદીઓના જળને અંજલિ આપવામાં આવે છે. તેમાં ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, સિંધુ અને કાવેરી નદી ઉપરાંત સરસ્વતી નદીનું આહ્વાન કરવામાં આવે છે.

સરસ્વતી નદીના અસ્તિત્વને સ્વીકારનારાઓ આ મહાનદી લુપ્ત થઈ ગઈ હોવાનું માને છે. તેમનું માનવું છે કે, પ્રાચીન સમયમાં આ નદી 'કુંવારી' નહોતી અને તે વર્તમાન સમયના હરિયાણામાં ઉદ્ભવી, ગુજરાતમાં પ્રવેશીને દરિયામાં સમાઈ જતી હતી.

તાજેતરનાં વર્ષોમાં મળેલા ભૂસ્તરીય અને પુરાતત્વીય પુરાવા પ્રાચીન સમયમાં સરસ્વતી નદીનું અસ્તિત્વ હોવાની વાતને બળ આપતા હોવા છતાં સરસ્વતી નદી સાથે જાડેયાલી માન્યતા વધુ એક સવાલને જન્મ આપે છે.

એ સવાલ છે - આર્યો મૂળતઃ ભારતીય હદ વિસ્તારના હતા અને તેમણે બહાર તરફ હિજરત કરી કે પછી તેઓ બહારથી આવીને ભારતમાં સ્થાયી થયા હતા? એ મતલબના લગભગ એક સદીથી પણ જૂના શાસ્ત્રાર્થનો જવાબ સરસ્વતી નદીના અસ્તિત્વમાં રહેલો છે.

કેન્દ્રની ભાજપ સરકાર ઉપર ચોક્કસ વર્ગને ખુશ કરવા માટે મિથકરૂપ સરસ્વતી નદીને વાસ્તવિક સાબિત કરવા માટે પ્રયાસ કરી રહી છે.

ગ્રે લાઇન

સરસ્વતી : વેદકાલીન સરિતા

નકશો

ઇમેજ સ્રોત, ISRO

હિંદુઓમાં ચાર વેદને પવિત્ર માનવામાં આવે છે,જેમાંથી ઋગ્વેદ સૌથી પ્રાચીન છે. પ્રાચીન સંસ્કૃત ભાષામાં છે. તે આજથી કરીને લગભગ 3500 વર્ષ પૂર્વે ભારત-પાકિસ્તાનના પંજાબમાં તૈયાર થયો હતો. જેણે ઈસુ પૂર્વે ત્રીજી સદી દરમિયાન લેખિત સ્વરૂપ ધારણ કર્યું. ત્યાં સુધી તે 'શ્રૃતિ અને સ્મૃતિ' પરંપરાથી આગળ વધતો રહ્યો હતો.

ઋગ્વેદની 45 ઋચામાં સરસ્વતી નદીની પ્રશંસા કરવામાં આવી છે અને તેનો ઉલ્લેખ 72 વખત આવે છે. 'ભારે પ્રવાહ', 'શ્રેષ્ઠોમાં શ્રેષ્ઠ', 'વૈભવ અને તાકતમાં અન્ય નદીઓ કરતાં ચઢિયાતી', 'અમર્યાદ, સળંગ અને ધસમસતી' અને 'તોફાની ગર્જના કરતી' જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઋગ્વેદના 10મા મંડળની 75મી ઋચાના પાંચમા શ્લોકમાં 'નદીસ્તુતી સુક્તમ'માં તે યમુના અને સતલજ નદીની વચ્ચે હોવાનું વિવરણ મળે છે. આ સિવાય ઋગ્વેદના સાતમા મંડળની 95મી ઋચાની બીજી કડીમાં 'પર્વતથી સાગર સુધીની શુદ્ધ ધારા' એવી રીતે વર્ણવામાં આવી છે.

સરસ્વતી નદી માટે 'સિંધુમાતા' એટલે કે નદીઓની માતા એવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. તે ગુપ્ત રીતે વહેતી હોવાથી 'અંતરવાહિની' તરીકે પણ ઓળખાય છે. સરસ્વતી નદીના કિનારે ત્રુત્સુ-ભારત નામની જાતિ રહેતી હતી એટલે તે 'ભારતી'ના નામથી પણ ઓળખાય છે.

ઋગ્વેદમાં સરસ્વતી નદીના ઉલ્લેખ સંબંધિત ઉપરોક્ત માહિતી ભારતના વડા પ્રધાનની 'ઇકૉનૉમિક ઍડવાઇઝરી કાઉન્સીલ'ના સભ્ય અને લેખક સંજીવ સાન્યાલે નવી દિલ્હીમાં 'ઇંદિરા ગાંધી નેશનલ સેન્ટર ફૉર ધ આર્ટ્સ' ખાતે ડૉ. કપિલા વાત્સાયન સ્મૃતિવ્યાખ્યાન દરમિયાન આપી હતી.

'મહાભારત'ના શલ્યપર્વના વિવરણ પ્રમાણે, કૃષ્ણના મોટાભાઈ બલરામે કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવોના યુદ્ધમાં ભાગ નહોતો લીધો અને તે સમયે તેઓ તીર્થયાત્રા પર હતા. બલરામે દ્વારકાથી યાત્રા શરૂ કરી હતી અને 'વિનાશન' નામના સ્થળે તેમણે રેતીમાં લુપ્ત થતી સરસ્વતી નદી જોઈ હતી. આ જગ્યા હાલના થારના રણમાં આવેલી હોવાનું માનવામાં આવે છે.

તે કુરુક્ષેત્રમાં ઓઘાવતીના નામેે વહેતી હતી. તેમાં સાત નદીઓ ભળતી હોવાનું જણાવવામાં આવ્યું છે.

ગ્રે લાઇન

સરસ્વતીમાં સવાલોના જવાબ

નકશો

ઇમેજ સ્રોત, ISRO

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સરસ્વતી નદીના અસ્તિત્વ વિશે એક સદી કરતાં વધુ સમયથી ઇતિહાસકારો, પુરાતત્ત્વવિદો અને ભૂસ્તરશાસ્ત્રીઓની વચ્ચે વાદ રહ્યો છે. વિરોધાભાસી માન્યતા, પુરાવા અને સંશોધનો પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે.

સરસ્વતી નદીના અસ્તિત્વ ઉપરથી પડદો ઊંચકાય તો હડપ્પા અને વૈદિક સંસ્કૃત્તિની સીમાઓ વિશે માહિતી મળી શકે. હાલમાં એવી માન્યતા પ્રવર્તમાન છે કે તે પૂર્વ અફઘાનિસ્તાનથી લઈને સિંધુ અને ગંગા-યમુનાના વિસ્તારમાં ફેલાયેલી હતી.

ઇરફાન હબીબ, રોમિલા થાપર અને રાજેશ કોચર જેવા જાણકારોના મતે સરસ્વતી નદી એ વાસ્તવમાં પૂર્વ અફઘાનિસ્તાનની 'હરક્ષવતી' નદી હોઈ શકે છે અને તેના ઉપરથી આ નામ ઊતરી આવ્યું હશે. ઋગવેદની શરૂઆતની ઋચાઓ લખનારા સિંધુપ્રદેશમાં ઊતરી આવ્યા તે પહેલાં આ લોકો ઉપરોક્ત નદીના કિનારે રહેતા હશે.

વરિષ્ઠ પત્રકાર ટોની જોસફે સેકંડરી સૉર્સિસના આધારે 'અર્લી ઇન્ડિયન્સ' નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેઓ લખે છે કે, 'ભારત એ ઇમિગ્રન્ટ્સનો દેશ છે અને વેદકાલીન લોકો હડપ્પા સંસ્કૃત્તિના લોકો પછી હિજરતીઓની ત્રીજી લહેર દરમિયાન ભારતમાં આવ્યા હતા અને સ્થાયી થયા હતા.'

ભારત કેન્દ્રિત થિયરી મુજબ, વૈદિકકાળના આર્યો ભારતીય હતા અને પાછળના તબક્કે તેમણે પૂર્વ અને ઉત્તર તરફ હિજરત કરી હતી. સિંધુ નદી જેવી મોટી અને વિશાળ નદી વર્તમાન સમયના ભારતની હદમાં અસ્તિત્વ ધરાવતી હતી, એ વાત પુરવાર થાય તો તેમની થિયરીને બળ મળે તેમ છે.

ઇતિહાસકાર ઇરફાન હબીબના મતે, વર્ષ 1995 આસપાસ પુનાની ડૅક્કન કૉલેજના તત્કાલીન ડાયરેક્ટર પ્રો. વી.એન.મિશ્રાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સામયિક 'મંથન'માં 'લુપ્ત થયેલી સરસ્વતી, હડપ્પા સંસ્કૃત્તિનું પારણું'એ મતલબનો એક લેખ લખ્યો હતો. એ પછીના વર્ષે ઇન્ડિયન આર્કિયૉલૉજિકલ સોસાયટીના એસ.પી. ગુપ્તાએ 'ધ ઇન્ડસ-સરસ્વતી સિવિલાઇઝેશન' નામનું પુસ્તક લખ્યું હતું.

હબીબનું કહેવું છે કે સંઘ પરિવારના બૌદ્ધિકો દ્વારા સરસ્વતી નદીના અસ્તિત્વને પુરવાર કરવા માટે ઋગવેદની ઋચાઓને ટાંકવામાં આવે છે. જેના વર્ણન મુજબ, સરસ્વતી ખૂબ જ ભવ્ય નદી હતી, જે પહાડોમાંથી નીકળતી અને સાગરમાં જઈને મળતી.

તેમના મતે, સરસ્વતીએ વાસ્તવમાં નદીના બદલે દેવીસ્વરૂપ વિવરણ છે. અન્ય કેટલાક નિષ્ણાતોના મતે સરસ્વતી નદી વાસ્તવમાં હાલની સિંધુ નદી હોઈ શકે છે.

વર્તમાન સમયમાં હરિયાણામાં સરસ્વતી નામથી નદી વહે છે, પરંતુ તેનું ઉદ્દગમસ્થાન પહાડોમાં નથી અને તે દરિયા સુધી પહોંચતી પણ નથી. 'ઘગ્ગર' નદી સાથે તેનું જોડાણ બહુ પ્રાચીન નથી. તેને રણમાં ઠલવાતી 'હકરા' નદી સાથે જોડવામાં આવે તો પણ તે સરસ્વતી નદી ન હોઈ શકે.

ગ્રે લાઇન

સરકારો બદલી, સરસ્વતીમાં બદલાવ

નકશો

ઇમેજ સ્રોત, ISRO

હરિયાણાના યમુનાનગર જિલ્લામાં આદિબદરી ખાતે સરસ્વતી નદી ઉદ્ગમસ્થળ આવેલું છે. સ્થાનિકોની માન્યતા છે કે શિવાલિક પર્વતશ્રૃંખલાના તળપ્રદેશમાં આવેલા આ સ્થળ ખાતેથી સરસ્વતી નદી આગળ વધતી જે (વર્તમાન સમયના) હરિયાણા, રાજસ્થાન, પાકિસ્તાનના અમુક પ્રદેશમાંથી થઈને કચ્છમાં જઈને દરિયામાં મળતી.

વર્ષ 1999-2004 દરમિયાન કેન્દ્રમાં એનડીએની સરકાર હતી, જેનું નેતૃત્વ હિંદુવાદી ભાજપના હાથમાં હતું. ત્યારે સાંસ્કૃતિક બાબતોના મંત્રી જગમોહને સરસ્વતી નદીને શોધવા માટે પ્રોજેક્ટ શરૂ કરાવ્યો હતો.

વર્ષ 2004માં કેન્દ્રમાં યુપીએ સરકારના આગમન બાદ તત્કાલીન સાંસ્કૃતિક મંત્રી જયપાલ રેડ્ડીએ સંસદમાં જણાવ્યું હતું કે સરસ્વતી નદીના અસ્તિત્વ વિશે કોઈ પુરાવા ન હોવાને કારણે તે પ્રૉજેક્ટને આગળ લંબાવવામાં નથી આવ્યો.

વર્ષ 2006માં સીપીઆઈ-એમના (કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા- માર્ક્સવાદી) સીતારામ યેચુરી સંસદની સાંસ્કૃતિક બાબતોની સમિતિના વડા હતા. ત્યારે તેમણે મિથકરૂપ સરસ્વતી નદીની શોધ માટે પ્રોજેક્ટ હાથ ધરવા બદલ અને પ્રક્રિયાનું પાલન ન કરવા બદલ એએસઆઈની ઝાટકણી કાઢી હતી.

વર્ષ 2009માં યુપીએ-2ની સરકાર બની, ત્યારે ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે પૂછેલા એક સવાલના જવાબમાં જળસંશાધન મંત્રાલય તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે વેદિક સરસ્વતી જ્યાંથી વહેતી હોવાની માન્યતા છે, ત્યાં પેટાળમાં પ્રાચીન જળપ્રવાહ અસ્તિત્વમાં હોવાના પુરાવા ઈસરોને મળ્યા છે.

જૂન-2014માં કેન્દ્રમાં એનડીએની સરકાર બની અને ભાજપને આપબળે સ્પષ્ટ બહુમતી મળી હતી. હિંદુવાદી નેતાની છાપ ધરાવતા નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા. નવેમ્બર-2014માં ઈસરો, જોધપુર દ્વારા 76 પન્નાનો રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો. જેમાં રિમૉટ સેન્સિંગ તથા જિયૉગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમના આધારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન થઈને પસાર થતી સરસ્વતી નદી કચ્છના રણપ્રદેશમાં ઠલવાતી હોવાનો અહેવાલ આપ્યો. તે નવ હજાર વર્ષ પહેલાંથી લઈને ચાર હજાર વર્ષ પહેલાં સુધી વહેતી હોવાનું તારણ આપ્યું. (પેજનંબર 13)

વર્ષ 2015માં હરિયાણાની ભાજપ સરકાર દ્વારા સરસ્વતી હૅરિટેજ ડેવલ્પમૅન્ટ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. જે સરસ્વતી નદીને 'વહેતી રાખવા' ના મિશન પર કામ કરે છે. તે સરસ્વતી નદીના કિનારાના વિસ્તારોમાં પર્યટન, સંસ્કૃત્તિ અને જરૂરી નિર્માણકાર્ય કરે છે. તે સરસ્વતી નદી ઉપર સંશોધનમાં સહાય કરે છે અને થયેલાં સંશોધનોને સંકલિત કરવાનું કામ કરે છે તથા આ માટે કૉન્ફરન્સ અને સેમિનારો આયોજિત કરે છે.

હિંદુઓની માન્યતા પ્રમાણે, 'વસંત પંચમી' સરસ્વતી દેવીનો દિવસ છે. બાળકોનું અભ્યાસકાર્ય આ દિવસથી શરૂ કરવામાં આવે છે. આ બોર્ડ દર વર્ષે વસંત પંચમી નિમિતે 'સરસ્વતી મહોત્સવ'નું આયોજન કરે છે.

ગ્રે લાઇન

શ્રદ્ધાની વાત પણ પુરાવાની જરૂર

નકશો

ઇમેજ સ્રોત, ISRO

હિંદુઓના ત્રણ પ્રમુખ દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને અનુક્રમે સરસ્વતી, યમુના અને ગંગા નદી સાથે જોડવામાં આવે છે. વિષ્ણુના આઠમા અવતાર કૃષ્ણએ યમુના નદીના કિનારે લીલાઓ રચી હતી. જ્યારે ભગીરથ રાજાએ પોતાના પિતૃઓના મોક્ષ માટે ગંગા નદીને ધરતી ઉપર આવવા માટે પ્રસન્ન કરી, ત્યારે શિવે નદીના ભયંકર જળધોધને પોતાની જટાઓમાં ઝીલ્યો હતો અને ધરતી ઉપર તે વહેતી થઈ.

ડૉ. ચૌધરીએ એએસઆઈના જર્નલ 'પુરાતત્ત્વ'માં (પાના નં. 51, 2021, 124-140) જણાવે છે કે હરિદ્વાર નજીક હોવા છતાં હરિયાણાનાં અમુક ગામોમાં પિતૃઓના અસ્થિવિસર્જન સરસ્વતી નદીમાં જ કરવામાં આવતું. આદિબદરીથી આગળ વધતાં અનેક સ્થળોએ નાનાં-મોટાં તીર્થસ્થળ આવેલા હતાં, જ્યાં સ્નાનનું મહત્ત્વ હતું અથવા તો મહાભારતકાળ સમયની કોઈ માન્યતા જોડાયેલી હતી.

હરિયાણાના રાખીગઢી ખાતે આર્કિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયા દ્વારા સંશોધનકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેની સાથે જોડાયેલાં અનિકા માનના કહેવા પ્રમાણે, "હરિયાણાના હિસ્સાર જિલ્લાના રાખીગઢી ગામ ખાતે ટેકરા ઉપર ગામ વસેલું છે, જે ગીચ વસ્તી ધરાવે છે. ઈસુ પૂર્વે 10 હજાર થી એક હજાર વર્ષ પહેલાં સુધી ત્યાં વસતી હતી. કાળક્રમે તે દરેક રહેણાંક વસતિ ધૂળની નીચે દબાતી ગઈ. સિંધુ ખીણ સંસ્કૃત્તિના રહેવાસીઓ આંતરખંડીય સંબંધો ધરાવતા હોવાનું આપણે જાણીએ છીએ. છતાં તેમની લિપિ વાંચી ન શકાતી હોવાથી તેમના સંબંધ કઈ-કઈ સંસ્કૃત્તિઓ સાથે હતા તથા તે સમયની સ્થિતિ અંગે નક્કર માહિતી નથી મળતી."

ઈસરો તેના અહેવાલમાં (પેજ 38) જણાવે છે કે રાજસ્થાનના જોધપુર જિલ્લામાં 14 સ્થળોએ 120થી 151 મીટર ઊંડા બોર કરવામાં આવ્યા હતા. જેમાં ભૂગર્ભ જળપ્રવાહનું અસ્તિત્વ માલૂમ પડ્યું હતું.

ઈસરોના રિપોર્ટમાં જણાવ્યા (પૃષ્ઠક્રમાંક 43) પ્રમાણે, ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર દ્વારા રાજસ્થાનના જેસલમેરમાં અલગ-અલગ સ્થળોએથી લેવાયેલા 10 જેટલા ભૂગર્ભ જળના નમૂનાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં એક હજાર નવસોથી 18 હજાર 800 વર્ષ જૂના હોવાનું અનુમાન મૂકવામાં આવ્યું હતું.

ઈસરોના અહેવાલ મુજબ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં નદીની બીજી ધારા 'દુષ્દ્વતી'ના ભૂગર્ભ જળપ્રવાહની બંને બાજુએ એએસઆઈને અલગ-અલગ કાલખંડનાંં સેંકડો પ્રાચીન રહેણાંકના પુરાવા મળી આવ્યા. જે દર્શાવે છે કે બારમાસી નદીની આસપાસ જનજીવન ધબકતું હતું.

રાજસ્થાનના અનુપગઢથી તેનો અમુક હિસ્સો વર્તમાન સમયના પાકિસ્તાનના થારના રણમાંથી પસાર થતો હતો અને પછી તે કચ્છમાં દરિયામાં મળતો હતો. આમ તેની 'ગિરિથી સાગર' સુધીની સફર પૂર્ણ થતી હતી. લુપ્ત થઈ ગયેલા જળપ્રવાહના કિનારાનાં પાક, વૃક્ષો અને વનસ્પતીની એકરૂપતા સંશોધકોને આ વાત માનવા પ્રેરે છે.

હિંદુઓના પવિત્ર ધર્મગ્રંથ 'શ્રીમદ્દ ભાગવત્ પુરાણ'ના ઉલ્લેખ પ્રમાણે, હિંદુઓ માટે માનસરોવર, બિંદુ, નારાયણ, પંપા અને પુષ્કર એમ પાંચ સરોવર પવિત્ર છે. કચ્છમાં આવેલાં નારાયણ સરોવરને ભગવાન વિષ્ણુ સાથે જોડીને જોવામાં આવે છે.

કહેવાય છે કે, વૈદિક સરસ્વતી નદી આ નારાયણ સરોવરની પાસે દરિયામાં મળતી અને એ પહેલાં પોતાના જળથી આ સરોવરને ભરી દેતી. આજે પણ અરવલ્લીમાંથી નીકળતી બનાસ, સરસ્વતી અને રૂપેણ જેવી મુખ્ય નદીઓ કચ્છના નાના રણમાં ભળી જાય છે. તે સાગર સુધી પહોંચતી ન હોવાથી તેને 'કુંવારિકા નદી' કહેવાય છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જિયૉલૉજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કચ્છના ધોરડો ખાતેના સફેદરણમાં નમુના લઈને સંશોધનકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને તેનો અહેવાલ જર્નલ 'નેચર'માં પ્રકાશિત થયો હતો.

સંશોધક એલ. એસ. ચમ્યાલે મીડિયાને જણાવ્યું હતું કે, આજથી કરીને 17 હજાર વર્ષ પહેલાં કચ્છમાં સરસ્વતી નદી ઠલવાતી હતી અને આ ક્રમ 10 હજાર વર્ષ પહેલાં સુધી ચાલુ રહેવા પામ્યો હતો.

રેડિયોકાર્બન ડેટિંગ દ્વારા સંશોધકોને માલૂમ પડ્યું હતું કે, હિમાલયના નિક્ષેપ સરસ્વતી નદી મારફત કચ્છ સુધી પહોંચતા હતા. જે સરસ્વતી નદી વર્ષા આધારિત હોવા ઉપરાંત હીમનદી હોવાનો પણ પુરાવો આપે છે. કાળક્રમે સિંધુ અને સરસ્વતી નદીના પ્રવાહ પશ્ચિમ તરફ સરકતા રહ્યા એટલે સરસ્વતી નદીની સાથે સિંધુ નદીના નિક્ષેપ પણ મળી આવ્યા.

થારનો રણપ્રદેશ આગળ વધવાથી સરસ્વતી નદીનો જળપ્રવાહ અટક્યો હોવાનું સંશોધકોનું માનવું છે. આ સિવાય જળવાયુ પરિવર્તનને પણ જવાબદાર માનવામાં આવે છે. નદીઓનાં પાણી સૂકાતાં ધીમે-ધીમે રહેણાંકો ખાલી થયાં હશે અને આ પ્રક્રિયા દાયકાઓ કે સદીઓ સુધી ચાલી હશે એવું અનુમાન મૂકવામાં આવે છે.

ઈસરોના નિવૃત્ત વિજ્ઞાની પીએસ ઠક્કરે 'વૈદિક સરસ્વતી રીવર' નામનું પુસ્તક લખ્યું છે. ઠક્કરના મતે, હાલના સમયની નર્મદા, સુખી, સોમ, વાત્રક, સાબરમતી અને ભાદર નદીઓ સરસ્વતી સાથે જોડાયેલી હતી.

ઝુલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના સંજીવ કુમારે 'ફૉના ઑફ નલ સરોવર ગુજરાત' નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેઓ (પેજ 11-12) લખે છે કે, અર્વાચીન સમયના અંતભાગમાં કચ્છના અખાતથી લઈને ખંભાતના અખાત સુધીનો વિસ્તાર દરિયાઈના છીછરા પાણીથી જોડાયેલો હતો અને તેમની વચ્ચે નળસરોવર હતું. હજારો વર્ષ પહેલાં દરિયો પાછળ ખસ્યો અને જમીની જોડાણ નિર્માણ પામ્યું.

ગ્રે લાઇન

એ સરસ્વતી કઈ ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જો સરસ્વતી નદી હાલના હરિયાણાથી લઈને કચ્છના રણમાં ભળતી હતી તો પછી પ્રયાગરાજની સરસ્વતી નદીનું શું? હિંદુઓની માન્યતા છે કે, પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને સરસ્વતી નદી મળે છે. જ્યાં દર 12 વર્ષે કુંભમેળો પણ ભરાય છે.

ભૂરા અને લીલા રંગનાં અલગ-અલગ જળને કારણે ગંગા અને યમુનાનો સંગમ તો જોઈ શકાય છે, પરંતુ અંતરવાહિની સરસ્વતી નદી ગુપ્ત રીતે ભળતી હોવાનો સ્થાનિકોનો વિશ્વાસ છે. આ અંગે ડૉ. એ.આર. ચૌધરીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું :

"સરસ્વતી નદીનો પ્રવાહ એકધારો નથી રહ્યો, ભૂગર્ભીય ઉથલપાથલોને કારણે તે હંમેશાં બદલાતો રહ્યો હતો. કચ્છમાં જે સરસ્વતી નદી વિસર્જિત થતી હતી, તે વૈદિકકાલીન સરસ્વતીની વાત છે."

"એ પહેલાંના સમયમાં આદિબદરીથી સરસ્વતી નદીનો પ્રવાહ બે ભાગમાં ફંટાતો. એક કુરુક્ષેત્રથી આગળ વધીને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ થઈને નીચે પ્રયાગરાજ સુધી પહોંચતો. જ્યારે બીજો પ્રવાહ દુષ્દ્વતી સ્વરૂપે હાલના કરનાલથી રોહતકના મહમ પાસેથી થઈને રાજસ્થાનના ચુરુથી ઉત્તર પ્રદેશના મૈનપુરીની પાસેથી આગળ વધે છે, જે નીચે સંગમ સુધી લંબાઈ છે."

ડૉ. ચૌધરી પોતાના સંશોધન માટે સૅટેલાઇટની રિમૉટ સેન્સિંગ તથા જીઆઈએસ દ્વારા લેવાયેલી તસવીરોના આધારે પ્રાચીન સરસ્વતી નદીના ભૂગર્ભ જળપ્રવાહને ટાંકે છે. આ માટે કિનારાના પ્રદેશોમાં ફિલ્ડવર્ક દ્વારા પુરાતત્ત્વીય અવશેષોને શોધવાની વાત કહે છે.

વર્ષ 2021માં સીએસઆઈઆર-એનજીઆરઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનોનાં તારણ પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં. જે મુજબ પ્રયાગરાજના સંગમની આગળ જમીનની નીચે 45 કિલોમીટર લાંબો પ્રાચીન જળપ્રવાહ અસ્તિત્વ ધરાવે છે. જે સરસ્વતી નદી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. તેમાં એક હજાર મિલિયન ક્યુબિક મીટર જળસંગ્રહ કરવાની ક્ષમતા છે.

કેન્દ્ર અને હરિયાણાની ભાજપ સરકાર સરસ્વતી નદીને 'પુનર્જીવિત' કરવા માટે પ્રયાસરત છે, તેનાથી ધાર્મિક-સાંસ્કૃત્તિક પર્યટન વધશે, પરંતુ આજુબાજુના વિસ્તારોમાં સિંચાઈને કોઈ લાભ થશે કે કેમ તે સંશયનો વિષય છે.

જોકે, હિંદુઓની ધાર્મિકવિધિઓમાં, કર્મકાંડોમાં, શ્લોકોમાં સરસ્વતી નદીનું અસ્તિત્વ હતું અને કદાચ આવનારા સમયમાં પણ રહેશે.

રેડ લાઇન
રેડ લાઇન